પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી તેમના ઓગણત્રીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિ એ સક્રિય શાસન અને સમયબદ્ધ અમલીકરણ માટે આઈસીટી આધારિત એક બહુઆયામી મંચ છે.
પ્રધાનમંત્રીએ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રને લગતી ફરિયાદોના નિરાકરણમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરી હતી. આ સંદર્ભમાં તેમને તાજેતરમાં કરવામાં આવેલ ટેકનોલોજી ઇન્ટરવેન્શન સહિતની પ્રગતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ટેલિકોમ ક્ષેત્રને લગતા મુદ્દાઓના ઉકેલ નવીનત્તમ ટેકનોલોજી આધારિત ઉકેલો હોવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સર્વિસ પ્રોવાઇડરોએ ગ્રાહકોને ઉચ્ચ સ્તરીય સંતોષ પૂરો પાડવો જોઈએ.
પ્રગતિની 28 બેઠકોમાં અત્યાર સુધી સંયુક્તપણે 11.75 લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ રોકાણ સાથેના પ્રોજેક્ટની એકત્રિત સમીક્ષા કરવામાં આવી હતી. અનેકવિધ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદ નિવારણના ઉપાયો અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે.
આજે, ઓગણત્રીસમી બેઠકમાં પ્રધાનમંત્રીએ રેલવે, શહેરી વિકાસ, માર્ગ, ઊર્જા અને કોલસા ક્ષેત્રમાં મહત્વના આઠ માળખાગત પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં ફેલાયેલા છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાની કામગીરીમાં અને ખાસ કરીને ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનમાં કરવામાં આવેલ કામગીરીમાં કરવામાં આવેલ પ્રગતિની સમીક્ષા કરી હતી. અનેક ખનીજ ધરાવતા રાજ્યોમાં અનેક મહત્વના સંસાધનો હવે ઉપલબ્ધ છે એ બાબતનો ઉલ્લેખ કરતા તેમણે અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સ્તરે આ જિલ્લાઓમાં લોકોની ‘જીવન જીવવાની સુગમતા’માં અને જીવનની ગુણવત્તામાં ગુણાત્મક સુધારો લાવવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે તે બાબતની ખાતરી કરવા વિનંતી કરી. તેમણે એ બાબત પણ ઉમેરી કે મહત્વાકાંક્ષી જિલ્લાઓને તેમની દીર્ઘકાલીન વિકાસાત્મક ખોટમાંથી બહાર લાવવા માટેનો આ એક અવસર છે.