પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે તેમની 23મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રગતિની પ્રથમ 22 બેઠકમાં કુલ રૂ. 9.31 લાખ કરોડનાં 200 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. વળી 17 વિવિધ ક્ષેત્રોમાં જનતાની ફરિયાદોનાં સમાધાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આજે 23મી બેઠકમાં પ્રધાનમંત્રીએ ગ્રાહકો સાથે સંબંધિત ફરિયાદનાં નિવારણ અને સંચાલન માટે થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને ગ્રાહકોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ સુનિશ્ચિત કરવા થયેલી કામગીરી પર જાણકારી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફરિયાદો પર ચિંતા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વહીવટી વ્યવસ્થાઓમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી ગ્રાહકોને લાભ મળી શકે.
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, નાગાલેન્ડ, અસમ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં નિર્માણાધિન રેલવે, માર્ગ, પાવર અને પુનઃપ્રાપ્ય ઉર્જાનાં ક્ષેત્રોમાં નવ માળખાગત યોજનાઓની પ્રગતિ વિશે સમીક્ષા કરી હતી. આ યોજનાઓ કુલ રૂ. 30,000 કરોડથી વધુનાં મુલ્યની છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (પીએમકેકેકેવાય)નાં અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન્સ (ડીએમએફ)માં સંચિત ભંડોળનો ઉપયોગ મુખ્ય વિકાસલક્ષી મુદ્દાઓ પર વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવા કે ખામીઓનું નિવારણ કરવા કરવો જોઈએ, જેનો આ જિલ્લાઓ અત્યારે સામનો કરે છે. તેમણે કહ્યું હતું કે, આ કામગીરી ઝડપથી, અસરકારક રીતે થવી જોઈએ, જેથી વર્ષ 2022માં શક્ય તેટલાં વધારે અસરકારક, શ્રેષ્ઠ અને વ્યવહારિક પરિણામ મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં દેશ આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરશે.