પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અસરકારક વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત, બહુઆયામી મંચ ‘પ્રગતિ’ મારફતે એમની 28મી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ આવકવેરા સાથે સંબંધિત ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. નાણાં મંત્રાલયનાં અધિકારીઓએ એમને આ સંબંધમાં થયેલી પ્રગતિ અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, તમામ વ્યવસ્થાઓ ટેકનોલોજી-સંચાલિત હોવી જોઈએ અને માનવીય હસ્તક્ષેપ લઘુતમ કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ ભ્રષ્ટ અધિકારીઓ પકડવા માટે થયેલી પ્રગતિની નોંધ લઈને કહ્યું હતું કે, આવકવેરા વિભાગે લોકોની સુવિધા વધારવા માટે હાથ ધરેલવી વિવિધ પહેલો અને પગલાંની જાણકારી તમામ કરદાતાઓ સુધી ઉચિત રીતે પહોંચવી જોઈએ.
અત્યાર સુધી પ્રગતિની 27 બેઠકોમાં કુલ રૂ. 11.5 લાખ કરોડનું રોકાણ ધરાવતી વિવિધ પરિયોજનાઓની સમીક્ષા થઈ છે. તમામ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદનાં નિવારણની પણ સમીક્ષા કરવામાં આવી છે.
આજે 28મી બેઠકમાં પ્રધાનમંત્રીએ રેલવે, રોડ અને પેટ્રોલિયમ ક્ષેત્રોની નવ મહત્ત્વપૂર્ણ માળખાગત પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ તમામ પરિયોજનાઓ કેટલાંક રાજ્યોમાં પથરાયેલી છે, જેમાં આંધ્રપ્રદેશ, અસમ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, તામિલનાડુ, ઓડિશા, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સામેલ છે.
પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને શરૂ કરવા માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.