હું 21મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં તમારી સાથે જોડાતાં આનંદ અનુભવું છું. મારા 20 વર્ષના શાસનમાં અમારા માટે, પ્રથમ ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને પર્યાવરણલક્ષી વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે.
મિત્રો,
આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે આપણી પૃથ્વી નાજુક છે, પણ આ નાજુક હોય તેવી પૃથ્વી નથી. આપણે નાજુક છીએ, આપણી પૃથ્વી પ્રત્યેની, કુદરત પ્રત્યેની કટિબધ્ધતા નાજુક છે. 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ યોજાઈ તે પછીના 50 વર્ષમાં ઘણું બધુ કહેવામાં આવ્યું છે, પરંતુ ખૂબ ઓછુ કામ થયું છે, પણ ભારતમાં અમે જે કહ્યું તેમ જ કર્યું છે.
અમારી પર્યાવરણ નીતિમાં ગરીબોને ઊર્જાની સમાન ઉપલબ્ધિ થાય તે મુદ્દો મહત્વનો રહ્યો છે. ઉજ્જવલા યોજના મારફતે 90 મિલિયન કરતાં વધુ આવાસોને રસોઈ માટે શુધ્ધ બળતણ પૂરૂં પાડવામાં આવ્યું છે. પીએમ- કુસુમ યોજના હેઠળ અમે રિન્યુએબલ ઊર્જાને ખેડૂતો સુધી લઈ ગયા છીએ. અમે ખેડૂતોને સોલાર પેનલ્સ સ્થાપવા માટે, તેનો ઉપયોગ કરવા માટે તથા વધારાની વિજળી ગ્રીડને આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. હાલમાં પાણીના જે પંપ છે તેના સોલાર પંપ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારૂં ધ્યાન "રસાયણ મુક્ત નેચરલ ફાર્મિગ" તરફ છે અને તેનાથી પર્યાવરણલક્ષિતા અને સમાનતાને પ્રોત્સાહિત કરવામાં પણ સહાય થશે.
મિત્રો,
અમારી એલઈડી બલ્બ વિતરણ યોજના 7 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. તેના કારણે વાર્ષિક ધોરણે 220 મિલિયન યુનિટ વિજળી અને 180 અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં પ્રસરતો અટક્યો છે. અમે નેશનલ હાઈડ્રોજન મિશનની સ્થાપના કરવાની જાહેરાત કરી છે અને તેનો ઉદ્દેશ ગ્રીન હાઈડ્રોજન માટેની રોમાંચક ટેકનોલોજીના ઉપયોગ માટે છે. અમે TERI (ધ એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ) જેવી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સ્થપાય અને ગ્રીન હાઈડ્રોજનની ક્ષમતાનો ઉપયોગ થઈ શકે તે માટે લાંબાગાળાના ઉપાયો પૂરા પાડવામાં આવે તેવા ધ્યેયથી પ્રોત્સાહન પૂરૂં પાડી રહ્યા છીએ.
મિત્રો,
ભારત એ ખૂબ મોટો અને ભિન્નતા ધરાવતો દેશ છે. વિશ્વની જમીનમાં 2.4 ટકા હિસ્સો ધરાવતું ભારત દુનિયામાં વિશ્વની પ્રજાતિઓમાં અંદાજે 8 ટકા હિસ્સો ધરાવે છે. ઈકોલોજીની સુરક્ષા કરવી તે અમારી ફરજ છે. અમે અમારા સુરક્ષિત વિસ્તારોનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છીએ. આઈ.યુ.સી.એન. દ્વારા અમારા પ્રયાસોની કદર કરવામાં આવી છે. હરિયાણામાં આવેલા ધ અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્કને, જીવ વૈવિધ્યની જાળવણીના અસરકારક પ્રયાસો માટે ઓ.ઈ.સી.એમ. સાઈટ જાહેર કરવામાં આવી છે. મને એ બાબતનો પણ આનંદ છે કે તાજેતરમાં ભારતના બે વધુ વેટલેન્ડને રામસર સાઈટ તરીકેની ઓળખ આપવામાં આવી છે. ભારત પાસે હવે એક મિલિયન હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલી 49 રામસર સાઈટ છે. છેક વર્ષ 2015થી ખરાબાની જમીનનું પુનઃસ્થાપન કરવાની કામગીરી અમારે ત્યાં ચાલી રહી છે અને અમે 11.5 મિલિયન હેક્ટરથી વધુ જમીનનું પુનઃસ્થાપન કર્યું છે. અમે બોન ચેલેન્જ હેઠળ લેન્ડ ડિગ્રેડેશન ન્યૂટ્રાલિટીની રાષ્ટ્રિય કટિબધ્ધતા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમે યુ.એન.એફ.સી.સી.સી. હેઠળ જાહેર કરેલી કટિબધ્ધતાઓ સાકાર કરવા માટેની દ્રઢ માન્યતા ધરાવીએ છીએ. અમે ગ્લાસગોમાં યોજાયેલી CoP-26 સમિટમાં જાહેર કરેલી કટિબધ્ધતાઓનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ.
મિત્રો,
હું દ્રઢપણે માનું છું અને મને ખાત્રી છે કે જલવાયુ પરિવર્તનને ન્યાય આપીને જ આપણે પર્યાવરણનું સાતત્ય હાંસલ કરી શકીશું. હવે પછીના 20 વર્ષમાં ભારતમાં ઊર્જાની જરૂરિયાત આશરે બમણી થશે તેવું અમારૂં માનવુ છે. ઊર્જા પૂરી પાડવાનો ઈન્કાર કરવો તે કરોડો લોકોના જીવન માટે ઈનકાર કરવા બરોબર ગણાશે. જલવાયુ પરિવર્તન અંગે સફળ પગલાં લેવા માટે અમારે પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરવાની જરૂર છે અને આ માટે વિકસિત રાષ્ટ્રોએ નાણાં અને ટેકનોલોજી તબદિલ કરવાની તેમની કટિબધ્ધતા પૂર્ણ કરવાની રહેશે.
મિત્રો,
વિશ્વમાં પર્યાવરણલક્ષિતા સમાન પ્રકારની સુસંકલિત કામગીરી માંગી લે છે. એક બીજા પર આધાર રાખવાના અમારા પ્રયાસોની કદર કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના માટેનો અમારો ઉદ્દેશ "વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ"નો છે. આપણે વિશ્વવ્યાપી ગ્રીડ પાસેથી દરેક સ્થળે હંમેશા ક્લિન એનર્જી ઉપલબ્ધ કરી શકાય તે પ્રકારે કામ કરવાનું રહેશે. આ એક "સમગ્ર વિશ્વ" માટેનો અભિગમ છે અને ભારત તે અંગેના મૂલ્યો માટે કટિબધ્ધ છે.
મિત્રો,
કુદરતી આફતો સામે ટકી શકે તેવી માળખાકીય સુવિધાઓ માટેના સંગઠન (સી.ડી.આર.આઈ.) નો ઉદ્દેશ જ્યાં વારંવાર કુદરતી આફતો આવે છે ત્યાં મજબૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો છે. CoP-26 ના ઉદ્દેશોનું પાલન કરવાની સાથે સાથે અમે "ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટસ" માટેનો પ્રયાસ પણ હાથ ધર્યો છે. ટાપુઓનો વિકાસ કરતા રાજ્યો ખૂબ જ નબળી સ્થિતિ ધરાવતા હોવાથી તેમને તાકીદે સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે.
મિત્રો,
આ બંને પ્રયાસોની સાથે સાથે અમે હવે લાઈફ સ્ટાઈલ ઓફ એન્વાયર્મેન્ટ- લાઈફનો ઉમેરો કર્યો છે. લાઈફ એ દુનિયામાં સમાન વિચારધારા ધરાવતા લોકોની સંસ્થા છે અને તે પર્યાવરણલક્ષી જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. આ માટે હું ત્રણ પી (3-Ps) માટે અનુરોધ કરૂં છું, જેમાં પ્રો-પ્લાનેટ પિપલનો સમાવેશ કરાયો છે. પૃથ્વી માટે તરફેણ કરતી આ વૈશ્વિક ચળવળને કારણે વિશ્વમાં સમાનપણે સ્થિતિ સુધારવાના આપણાં પર્યાવરણલક્ષી પ્રયાસોની ત્રિપૂટી રચાશે.
મિત્રો,
આપણી પરંપરાઓ અને સંસ્કૃતિ મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યા છે. મેં વર્ષ 2021માં લોકોનું આરોગ્ય અને પૃથ્વીનું આરોગ્ય એક બીજા સાથે જોડાયેલા છે તે અંગે વાત કરી હતી. ભારતના લોકો હંમેશા કુદરત સાથે સંવાદિતામાં માને છે. આપણી સંસ્કૃતિ, તહેવારો, રોજબરોજની પધ્ધતિઓ અને પાક લણવા સમયે ઉજવવામાં આવતા વિવિધ ઉત્સવો એ આપણો કુદરત સાથેનો મજબૂત નાતો દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિના સિધ્ધાંતમાં રિડ્યુસ્ડ (ઘટાડો), રિયુઝ (ફેર ઉપયોગ), રિસાયકલ, રિકવર, રિ-ડિઝાઈન અને રિ-મેન્યુફેક્ચર એ ભારતીય સંસ્કૃતિની કુદરતી લાક્ષણિકતા છે. ભારત જલવાયુ પરિવર્તન સામે કામ આપી શકે તેવી નીતિઓ અને પ્રણાલિઓનું અમલ કરવાનું ચાલુ રાખશે અને અમે હંમેશા તે મુજબ જ કરતા રહ્યા છીએ.
આ શબ્દો સાથે અને મહત્વપૂર્ણ વચન સાથે હું TERIને તથા આ સમિટમાં દુનિયાભરમાંથી જોડાયેલા પ્રતિનિધિઓને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું.
આપ સૌનો આભાર!
આપનો ખૂબ ખૂબ આભાર!