હું 08-09 જૂન, 2019નાં રોજ પ્રજાસત્તાક માલ્દિવ્સ પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ અને લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાનાં આમંત્રણ પર અનુક્રમે માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત લેવાનો છે. મેં પ્રધાનમંત્રી તરીકે પુનઃ કાર્યભાર સંભાળ્યા પછીની આ મારી પ્રથમ વિદેશી મુલાકાતો હશે.
આપણા પ્રતિનિધિમંડળને ગયા વર્ષ ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ સોલિહનો ઉષ્માસભર આવકાર મળ્યો હતો. મને નવેમ્બર, 2018માં રાષ્ટ્રપતિ સોલિહનાં શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેવાની તક પણ મળી હતી. મારી માલ્દિવ્સની મુલાકાત ભારત અને માલ્દિવ્સની દરિયાઈ પડોશી દેશો તરીકે બંને દેશો વચ્ચેનાં સંબંધો અને લાંબા ગાળાનાં મૈત્રીપૂર્ણ સંબંધોનાં મહત્ત્વનું પ્રતિબિંબ છે.
આપણે માલ્દિવ્સને મહત્ત્વપૂર્ણ ભાગીદારી દેશ ગણીએ છીએ, તેની સાથે ભારત ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ગાઢ સંબંધો ધરાવે છે. માલ્દિવ્સ સાથે આપણા દ્વિપક્ષીય સંબંધો તાજેતરમાં વધારે ગાઢ બન્યાં છે. મને ખાતરી છે કે, મારી મુલાકાતથી વિવિધ ક્ષેત્રોમાં આપણી ભાગીદારી વધારે મજબૂત બનશે.
શ્રીલંકાની મારી મુલાકાત ત્યાંની સરકાર અને જનતાને આપણો સંપૂર્ણ સાથસહકાર વ્યક્ત કરશે, ખાસ કરીને 21 એપ્રિલ, 2019નાં રોજ ઇસ્ટરનાં રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે. આતંકવાદ સામેની લડાઈમાં શ્રીલંકાને ભારત તમામ પ્રકારનો સાથસહકાર આપશે.
છેલ્લાં થોડાં વર્ષોમાં શ્રીલંકા સાથે આપણાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અમારી નવી સરકારનાં શપથગ્રહણ સમારંભમાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સિરિસેના ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમની સાથેની બેઠક ફળદાયક રહી હતી. હું મારી મુલાકાત દરમિયાન શ્રીલંકાનાં નેતૃત્વ સાથે બેઠક યોજવા આતુર છું.
મને વિશ્વાસ છે કે, માલ્દિવ્સ અને શ્રીલંકા સાથેની મારી મુલાકાતથી આપણા દરિયાઈ પડોશી દેશો સાથેનાં સંબંધો વધારે ગાઢ બનશે, જે આપણી ‘પડોશી પ્રથમની નીતિ’ને સુસંગત છે તથા આપણા સંપૂર્ણ વિસ્તારનાં તમામ લોકો માટે સુરક્ષા અને વૃદ્ધિનાં વિઝનને અનુરૂપ છે.