પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાં સમાપન વક્તવ્ય આપ્યું હતું.
વિવિધ મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનો અને અને રચનાત્મક ચર્ચાઓને આવકારતા પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે આ સૂચનોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગંભીરતાથી લેવામાં આવશે. તેમણે નીતિ આયોગને ત્રણ મહિનાની અંદર રાજ્યો દ્વારા લેવામાં આવેલા અમલીકરણના મુદ્દાઓને અનુસરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા આવેલા 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓની સીમા રેખા પર રાજ્યો પોતાના રાજ્યમાં મહત્વાકાંક્ષી બ્લોકસ તરીકે નક્કી કરવા કુલ બ્લોકના 20 ટકાને ઓળખી કાઢવા માટે તેમના પોતાના માપદંડો ઘડી શકે છે.
મુખ્યમંત્રીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પર્યાવરણના મુદ્દા પર બોલતા પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને વિનંતી કરી કે તેઓ તેમની સરકારી ઈમારતોમાં, સરકારી રહેણાકો અને શેરી લાઈટમાં એલઈડી બલ્બનો ઉપયોગ કરે. તેમણે સૂચન કર્યું કે આ બાબતને મર્યાદિત સમયમર્યાદામાં પૂરી કરવામાં આવે.
તેમણે જળ સંરક્ષણ, કૃષિ, મનરેગા વગેરે જેવા મુદ્દાઓ વિશે વિવિધ મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવેલા અનેક સૂચનોની પ્રશંસા કરી હતી.
તેમણે મધ્યપ્રદેશ, બિહાર, સિક્કિમ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓને “કૃષિ અને મનરેગા” જેમાં વાવેતર પહેલા અને લણણી પછીના તબક્કાનો સમાવેશ થાય છે તેમાં આ બંને વિષયો ઉપર સંકલિત નીતિ પહોંચ કેળવવા સૂચનો આપવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “લાઈનમાં છેલ્લા વ્યક્તિ”ને શોધવો ખૂબ જ જરૂરી હોય છે જેથી કરીને તેના સુધી શાસનના લાભ પહોંચાડી શકાય. તે જ રીતે, તેમણે કહ્યું, સામાજિક ન્યાય એ શાસનનો મહત્વનો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ઉમદા હેતુઓ માટે મજબુત સંગઠન અને સતત નિરીક્ષણની જરૂર પડે છે.
તેમણે 15મી ઓગસ્ટ, 2018 સુધીમાં 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 45,000 વધારાના ગામડાઓમાં સાત મુખ્ય યોજનાઓની સંપૂર્ણ પહોંચ પૂરી પાડવા માટેની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કર્યું હતું.
કેન્દ્ર સરકારના સૌનો સાથ સૌનો વિકાસ આ માર્ગદર્શક સિદ્ધાંતનું વિસ્તૃત વિવરણ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓ એ હવે અમુક લોકો અથવા અમુક પ્રદેશ સુધી જ મર્યાદિત નથી રહી અને તે હવે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સંતુલિત રીતે દરેક સુધી પહોંચી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશના તમામ ગામડાઓ હવે વિદ્યુતીકરણવાળા થઇ ગયા છે અને સૌભાગ્ય યોજના અંતર્ગત 4 કરોડ ઘરોને વીજળીના જોડાણો પુરા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ એ છેલ્લા ચાર વર્ષમાં 40 ટકાથી વધીને 85 ટકા થયો છે. તેમણે કહ્યું કે જન ધન યોજનાના અમલીકરણ બાદ દેશની સમગ્ર જનતા બેન્કિંગ પ્રણાલી સાથે જોડાઈ જશે. એ જ રીતે તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના એ રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવી રહી છે અને મિશન ઇન્દ્રધનુષ એ સંપૂર્ણ રસીકરણ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધીમાં તમામને ઘર પુરા પાડવાના ધ્યેય તરફ કામ કરી રહી છે
ગરીબોના કલ્યાણ માટે યોજનાઓના 100 ટકા અમલીકરણના ઉદ્દેશ્ય તરફ આગળ વધવા માટે તેમણે તમામ મુખ્યમંત્રીઓને પોતાના પ્રયત્નોનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ એ લોકોના જીવનમાં પણ એક વર્તણુકમાં પરિવર્તન લાવી રહી છે. આ સંદર્ભમાં, તેમણે યુરિયાનું નીમ કોટિંગ, ઉજ્જવલા યોજના, જન ધન ખાતા અને રૂપે ડેબીટ કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ યોજનાઓ કઈ રીતે લોકોના જીવનમાં સુધાર લાવી રહી છે તેનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં 7.70 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી 2જી ઓક્ટોબર 2019 સુધીમાં 100 ટકા સ્વચ્છતાના વ્યાપ તરફ કામ કરવા માટે ઉપસ્થિત તમામ લોકોને આહ્વાહન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન તરફ યુદ્ધના ધોરણે કામ કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
અર્થતંત્ર વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વ ભારતને ખૂબ ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતું જોવાની અપેક્ષા રાખે છે. તેમણે રાજ્યોને પરિણામ આધારિત ફાળવણી અને ખર્ચમાં સુધારાને પ્રોત્સાહન આપવા માટે નાણા પંચને નવા વિચારો આપવા પ્રેરણા આપી હતી.
તેમણે ખુશી વ્યક્ત કરી કે રાજ્યો હવેથી રોકાણ સંમેલનોનું આયોજન કરી રહી છે. તેમણે સૂચન કર્યું કે રાજ્યોએ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે રાજ્યોને “વેપાર કરવાની સરળતા”ને પ્રોત્સાહન આપવા ઉત્સાહી કર્યા હતા. તેમણે કહ્યું કે નીતિ આયોગે વેપાર કરવાની સરળતા અંગે વધુ પ્રોત્સાહન આપવા માટે તેણે તમામ રાજ્યો સાથે એક બેઠક બોલાવવી જોઈએ. તેમણે કહ્યું કે સામાન્ય માનવી માટે “જીવન જીવવાની સરળતા” એ આજના સમયની તાતી માંગ પણ છે અને રાજ્યોએ હવેથી આ દિશામાં પહેલો કરવી જોઈએ.
કૃષિ અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં કોર્પોરેટ રોકાણ ખૂબ જ ઓછું છે. તેમણે કહ્યું કે રાજ્યોએ એવી નીતિઓનું નિર્માણ કરવું જોઈએ કે જે વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન, મુલ્ય વર્ધન અને ખાદ્ય પ્રસંસ્કરણ વગેરે જેવા વિસ્તારોમાં કોર્પોરેટ રોકાણોને પ્રોત્સાહન પૂરું પાડે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે માઈનીંગ બ્લોકસ કે જેમની સફળતાપૂર્વક હરાજી કરી દેવામાં આવી છે તેમણે બને તેટલું જલ્દી ઉત્પાદન શરુ કરી દેવું જોઈએ. તેમણે રાજ્યોને આ દિશામાં પગલા લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન એ ગરીબો અને આદિવાસીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં મદદ કરશે.
પ્રધાનમંત્રીએ નાણાકીય બચત અને સંલગ્ન સંસાધનોનો વધુ સારો ઉપયોગ વગેરે જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણી યોજવા અંગે બૃહદ ચર્ચા વિચારણાઓ અને મસલતો કરવાનું પણ આહ્વાહન કર્યું હતું.
અંતમાં પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને ફરી એકવાર તેમના સૂચનો માટે આભાર વ્યક્ત કર્યો હતો.