મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન રાજનાથજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, સેનાના ત્રણેય અંગોના પ્રમુખ,ભારત સરકારના તમામ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ જગતના તમામ સાથી, નમસ્કાર!
મને ખુશી છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલ તમામ મહત્વના હિસ્સેદારો આજે અહિયાં ઉપસ્થિત છે. આ સેમિનારના આયોજન માટે સંરક્ષણ મંત્રી રાજનાથજી અને તેમની આખી ટીમને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આજે અહિયાં થઈ રહેલા આ મંથનમાંથી જે પરિણામો મળશે, તેનાથી સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના આપણાં પ્રયાસોને જરૂરથી વેગ મળશે, ગતિ મળશે અને તમે બધાએ જે સૂચનો આપ્યા છે, આજે તમે એક સામૂહિક મંથન કર્યું છે, તે પોતાનામાં જ આવનારા દિવસોમાં ઘણું લાભદાયી સાબિત થશે.
મને એ વાતની પણ ખુશી છે કે, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથજી આ કામ માટે હેતુલક્ષી ધોરણે સંપૂર્ણ રીતે લાગેલા છે. મને વિશ્વાસ છે કે તેમના આ અથાક પ્રયાસોના કારણે ઘણા સારા પરિણામો મળવા નિશ્ચિત છે.
સાથીઓ, એ બાબત કોઇથી છુપાયેલી નથી કે ભારત અનેક વર્ષોથી દુનિયાના સૌથી મોટા સંરક્ષણ આયાતકારોમાંથી એક પ્રમુખ દેશ રહ્યો છે. જ્યારે ભારત આઝાદ થયો હતો તો તે સમયે સંરક્ષણ ઉત્પાદન માટે ભારતમાં ઘણું સામર્થ્ય હતું. તે વખતે ભારતમાં 100 વર્ષથી વધુ સમયમાં સ્થાપિત સંરક્ષણ ઉત્પાદનનું ઇકોસિસ્ટમ હતું. અને ભારત જેવું સામર્થ્ય અને ક્ષમતા ઘણા ઓછા દેશો પાસે હતી. પરંતુ ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે દાયકાઓ સુધી આ વિષય પર એટલું ધ્યાન આપવામાં નથી આવ્યું જેટલું આપવું જોઈતું હતું. એક રીતે તે રોજીંદી પ્રથા બની ગઈ, કોઈ ગંભીર પ્રયાસ નહોતા કરવામાં આવ્યા. અને આપણી પછી શરૂઆત કરનાર અનેક દેશો પણ છેલ્લા 50 વર્ષમાં આપણાં કરતાં ઘણા આગળ નીકળી ગયા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં તમે અનુભવ કર્યો હશે કે અમારો પ્રયાસ આ ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ બંધનો તોડવાનો એક નિરંતર પ્રયાસ છે. અમારો ઉદ્દેશ્ય છે કે, ભારતમાં ઉત્પાદન વધે, નવી ટેકનોલોજીનો ભારતમાં જ વિકાસ થાય, અને ખાનગી ક્ષેત્રનો આ વિશેષ ક્ષેત્રમાં વધુમાં વધુ વિસ્તાર થાય. અને તેની માટે લાઇસન્સિંગ પ્રક્રિયામાં સુધારો, લેવલ પ્લેઇંગ ફિલ્ડની તૈયારી, નિકાસ પ્રક્રિયાનું સરળીકરણ, ઓફસેટની જોગવાઈઓમાં સુધારો; આવા અનેક પગલાં ભરવામાં આવ્યા છે.
સાથીઓ, હું માનું છે કે આ પગલાઓ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે સંરક્ષણ ક્ષેત્રમાં દેશમાં એક નવી માનસિકતા આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ, એક નવી માનસિકતાનો જન્મ થયો છે. આધુનિક અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસની ભાવના અનિવાર્ય છે. ઘણા લાંબા સમયથી દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પસંદગી પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ નિર્ણય નહોતો લઈ શકાતો. આ નિર્ણય નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતિક છે.
ઘણા લાંબા સમય સુધી સંરક્ષણ ઉત્પાદનમાં વિદેશી રોકાણની પરવાનગી નહોતી. શ્રદ્ધેય અટલજીની સરકારના સમયમાં આ નવી પહેલની શરૂઆત થઈ હતી. અમારી સરકાર આવ્યા પછી તેમાં વધુ સુધારા કરવામાં આવ્યા અને હવે પહેલીવાર આ ક્ષેત્રમાં 74 ટકા સુધી એફડીઆઇ આપમેળે જ આવે તે માટેનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવી રહ્યો છે. તે નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છે.
દાયકાઓથી ઓર્ડનન્સ કારખાનાઓને સરકારી વિભાગોની જેમ જ ચલાવવામાં આવી રહ્યા હતા. એક સંકુચિત વિઝનના કારણે દેશનું તો નુકસાન થયું જ, ત્યાં જે કામ કરનાર લોકો હતા, જેમની પાસે પ્રતિભા હતી, પ્રતિબદ્ધતા હતી, મહેનત હતી, આ આપણાં ઘણા અનુભવથી સંપન્ન આપણો જે મહેનત કરનાર શ્રમિક વર્ગ ત્યાં જે છે, તેમનું તો ઘણું નુકસાન થયું.
જે ક્ષેત્રમાં કરોડો લોકોના રોજગારના અવસરો બની શકતા હતા, તેનું ઇકોસિસ્ટમ ઘણું સંકુચિત રહ્યું. હવે ઓર્ડનન્સ કારખાનાનું કોર્પોરેટાઇઝેશન કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રમિકો અને સેના, બંનેને પ્રોત્સાહન મળશે. આ નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રમાણ છે.
સાથીઓ, સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈને અમારી પ્રતિબદ્ધ માત્ર વાતચીતમાં કે માત્ર કાગળો સુધી જ સીમિત નથી. તેના અમલીકરણ માટે એક પછી એક મજબૂત પગલાઓ ભરવામાં આવ્યા છે. CDSની સ્થાપના બાદ સેનાનાં ત્રણેય અંગોમાં પ્રોક્યોરમેન્ટ ઉપર સમન્વય ઘણો સારો થયો છે, તેનાથી સંરક્ષણ સાધનોની ખરીદીને સ્કેલ અપ કરવામાં મદદ મળી રહી છે. આવનારા દિવસોમાં સ્થાનિક ઉદ્યોગ માટે ઓર્ડર્સનું કદ પણ વધવાનું છે. તે બાબતની ખાતરી કરવા માટે સંરક્ષણ મંત્રાલયના કેપિટલ બજેટનો એક ભાગ હવે ભારતમાં બનેલા સાધનો માટે અલગથી રાખી દેવામાં આવ્યો છે.
તાજેતરમાં તમે જોયું હશે કે, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત 101 ચીજવસ્તુઓની ખરીદીને સંપૂર્ણપણે સ્થાનિક બજારમાંથી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ પ્રકારની ચીજવસ્તુઓની યાદી વધારવામાં આવશે. એમાં વધુને વધુ ચીજવસ્તુઓ સામેલ થતી રહેશે. આ યાદીનો ઉદ્દેશ આયાતને રોકાવાની સાથે ભારતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાંનો આશય સ્થાનિક ઉદ્યોગોને ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ખાનગી ક્ષેત્ર હોય, કે સરકારી ક્ષેત્ર હોય, કે એમએસએમઈ હોય, અથવા સ્ટાર્ટ-અપ હોય – સરકારની ભાવના આ યાદી રહેલા તમામ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓને પ્રોત્સાહન આપવાની છે. હવે તમારી સામે ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
આની સાથે અમે ખરીદીની પ્રક્રિયાને વેગ આપવા માટે, પરીક્ષણની વ્યવસ્થાને સાતત્યપૂર્ણ બનાવવા માટે અને ગુણવત્તાની જરૂરિયાતોને તર્કબદ્ધ કરવા માટે પણ સતત કામ કરી રહ્યાં છે. મને ખુશી છે કે, આ તમામ પ્રયાસો આપણી સેનાની ત્રણેય પાંખો વચ્ચે વધારે સારું સંકલન સ્થાપિત કરશે, એનાથી એકબીજા વચ્ચે સાથસહકાર વધશે. એટલે આ પગલું એક પ્રકારે અતિ સક્રિય ભૂમિકા ધરાવે છે.
સાથીઓ, આધુનિક ઉપકરણોમાં આત્મનિર્ભરતા માટે ટેકનોલોજીને અદ્યતન બનાવવી જરૂરી છે. અત્યારે જે ઉપકરણ બની રહ્યાં છે એના ભવિષ્યમાં વધારે અદ્યતન સ્વરૂપો તૈયાર કરવા પર કામ કરવું પણ આવશ્યક છે. આ માટે ડીઆરડીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ટેકનોલોજીના હસ્તાંતરણની સુવિધા ઉપરાંત વિદેશી ભાગીદારો સાથે સંયુક્ત સાહસોના માધ્યમથી સહ-ઉત્પાદનના મોડલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના બજારના કદને ધ્યાનમાં રાખીને આપણા વિદેશી ભાગીદારો માટે હવે ભારતમાં જ ઉત્પાદન કરવું સૌથી ઉત્તમ વિકલ્પ છે.
સાથીઓ, અમારી સરકારે શરૂઆતથી જ Reform, Perform & Transform (રિફોર્મ – સુધારો, પર્ફોર્મ – વધુ સારી કામગીરી અને ટ્રાન્સફોર્મ – પરિવર્તન)ના મંત્ર સાથે કામ કર્યું છે. વધારે પડતો સરકારી હસ્તક્ષેપ ઓછો કરવો અને રોકાણકારોને આવકારવા – આ જ અમારો પ્રયાસ રહ્યો છે. વેપારવાણિજ્યને સરળ કરવાના સૂચકાંકમાં વર્ષ 2014થી અત્યાર સુધી સુધારો થયો છે અને એના પરિણામો આખા વિશ્વએ જોયા છે. બૌદ્ધિક સંપદા, કરવેરા સાથે સંબંધિત નિયમો, નાદારી અને દેવાળિયાપણાની સંહિતા અને આ ઉપરાંત અંતરિક્ષ અને પરમાણુ ઊર્જા જેવા બહુ મુશ્કેલ અને જટિલ ગણાતા ક્ષેત્રોમાં પણ અમે વિવિધ સુધારા કરી દેખાડ્યાં છે. અને તમે જ સારી રીતે જાણો છો કે, છેલ્લાં થોડાં દિવસોમાં શ્રમ સંબંધિત કાયદાઓમાં એક પછી એક સુધારા શરૂ થયા છે અને એમાં વધુ સુધારો કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
થોડા વર્ષ અગાઉ આ પ્રકારના વિષયો પર વિચાર પણ કરવામાં આવતો નહોતો. અત્યારે આ ક્ષેત્રોમાં સુધારા થઈ રહ્યાં છે. સુધારાઓનો આ ક્રમ અટકવાનો નથી અને અમે સુધારામાં આગેકૂચ જાળવી રાખવાના છીએ. એટલે અમારે થાકવાનું નથી અને અટકવાનું પણ નથી; મારે થાકવાનું નથી અને તમારે પણ થાકવાનું નથી. આપણે સતત આગેકૂચ કરવાની છે અને અમારી તરફથી હું ખાતરી આપું છું કે, આ અમારી કટિબદ્ધતા છે.
સાથીઓ, જ્યાં સુધી માળખાગત સુવિધાની વાત છે, ત્યાં સુધી ડિફેન્સ કોરિડોર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશ અને તમિલનાડુની રાજ્ય સરકારો સાથે મળીને અદ્યતન માળખાગત સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે આગામી પાંચ વર્ષોમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે IDEXની જે પહેલ કરવામાં આવી હતી એના સારાં પરિણામો મળી રહ્યાં છે. આ પ્લેટફોર્મના માધ્યમથી 50થી વધારે સ્ટાર્ટઅપ્સે સૈન્ય ઉપયોગ માટે ટેકનોલોજી અને ઉત્પાદનોને વિકસિત કર્યા છે.
સાથીઓ, હું વધુ એક વાત તમારી સામે ખુલ્લાં મન સાથે પ્રસ્તુત કરવા ઇચ્છું છું. આત્મનિર્ભર ભારતનો અમારો સંકલ્પ ઇનવર્ડ લૂકિંગનો નથી એટલે કે આપણી બહારની દુનિયા સાથે વેપારવાણિજ્યના ઓછામાં ઓછા સંબંધ રાખવાનો નથી. એનો લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને વધારે મજબૂત, વધારે સ્થિર બનાવવા માટે વિશ્વમાં શાંતિ માટે એક સક્ષમ ભારતનું નિર્માણ કરવાનો છે. આ જ ભાવના સંરક્ષણ ક્ષેત્ર માટે જરૂરી ચીજવસ્તુઓ અને ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની છે. ભારતમાં ઘણા મિત્રો દેશો માટે સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણ માટે એક વિશ્વસનીય સપ્લાયર બનવાની ક્ષમતા છે. એનાથી ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને બળ મળશે અને હિંદ મહાસાગરના ક્ષેત્રમાં ભારતની સુરક્ષા પ્રદાતાની ભૂમિકા વધારે સ્પષ્ટ અને સુદ્રઢ થશે.
સાથીઓ, સરકારના પ્રયાસો અને પ્રતિબદ્ધતા તમારા બધાની સામે છે. હવે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આપણે ખભેખભો મિલાવીને પાર પાડવાનો છે. ખાનગી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય, કે પછી આપણા વિદેશી ભાગીદારો હોય, આત્મનિર્ભર ભારત તમામ માટે લાભદાયક સંકલ્પ છે. આ માટે તમને એક શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ ઊભી કરીને પ્રદાન કરવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.
અહીં તમારા તરફથી જે કોઈ સૂચનો મળશે એ બહુ ઉપયોગી સાબિત થવાના છે. અને મને જણાવવામાં આવ્યું છે, સંરક્ષણ ક્ષેત્રની ચીજવસ્તુઓ અને ઉપકરણોના ઉત્પાદન અને નિકાસ સંવર્ધન નીતિનો મુસદ્દો તમામ હિતધારકોને આપવામાં આવ્યો છે. તમારા પ્રતિભાવોથી આ નીતિને ઝડપથી લાગુ કરવામાં મદદ મળશે. અહીં એ પણ જરૂરી છે કે, આજનો આ સેમિનાર વન ટાઇમ ઇવેન્ટ એટલે ફક્ત એક કાર્યક્રમના આયોજન પૂરતો મર્યાદિત ન રહે અને આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહેશે. ઉદ્યોગ અને સરકાર વચ્ચે સતત ચર્ચાવિચારણા અને પ્રતિભાવ સ્વરૂપે સ્વાભાવિક આદાનપ્રદાનની પ્રક્રિયા ઊભી થવી જોઈએ.
મને ખાતરી છે કે, આ પ્રકારના સામૂહિક પ્રયાસોથી આપણા સંકલ્પ સિદ્ધ થશે. હું ફરી એક વાર તમારો કિંમત સમય ફાળવવા બદલ તમારો આભાર માનું છું. તમે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે આત્મવિશ્વાસ સાથે લાગી જાવ. મને વિશ્વાસ છે કે, આજે આપણે જે સંકલ્પ લીધો છે, એને પાર પાડવામાં આપણે બધાએ પોતાની જવાબદારી બહુ સારી રીતે અદા કરીશું.
હું એક વાર ફરી તમારા બધાન ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.