પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્ર સરકારના મુખ્ય સિંચાઈ કાર્યક્રમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય)ની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીએમઓ અને નીતિ આયોગ ઉપરાંત વિવિધ સંબંધિત મંત્રાલયોમાંથી વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિકતા ધરાવતા 99 સિંચાઈ પ્રોજેક્ટ્સમાંથી 21 પ્રોજેક્ટ્સ જૂન, 2017 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જેમાં સિંચાઈનો 5.22 લાખ હેક્ટર વિસ્તાર સામેલ છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં પ્રાથમિકતા ધરાવતા અન્ય 45 પ્રોજેક્ટ્સમાં સારી કામગીરી થઈ છે અને નિશ્ચિત સમયમર્યાદા અગાઉ પૂર્ણ થવાની શક્યતા છે.
પ્રધાનમંત્રીએ આ આગામી સિંચાઈ પ્રોજેક્ટ્સમાં ટપક અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની વિનંતી કરી હતી. તેમણે વિવિધ સરકારી વિભાગો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિ વિશ્વવિદ્યાલયો વચ્ચે સંવાદ સ્થાપિત કરવા અપીલ કરી હતી, જેથી પાકની અસરકારક પેટર્ન ઊભી થાય અને આ પ્રોજેક્ટના કમાન્ડ એરિયામાં પાણીના અસરકારક ઉપયોગની પદ્ધતિ ઊભી થાય.
પ્રધાનમંત્રીએ પીએમકેએસવાય માટે વિસ્તૃત અને સંપૂર્ણ વિઝન સાથે કામ કરવા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી, જેમાં સ્પેસ એપ્લિકેશન્સ સામેલ છે, જેથી સિંચાઈ પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખી શકાય
.