પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આયુષ્માન ભારતને શરૂ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આયુષ્માન ભારત હાલમાં જ કેન્દ્ર સરકારનાં બજેટમાં જાહેર કરાયેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે.
બે કલાક સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી કાર્યાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નીતિ આયોગના મુખ્ય અધિકારીઓ દ્વારા આ યોજના અંગે અત્યાર સુધી કરાયેલી કામગીરીઓની વિગતો રજૂ કરવામાં આવી.
આ યોજના મુજબ પ્રતિ પરિવાર 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પુરું પાડવામાં આવશે. આ યોજનાનું લક્ષ્ય 10 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવાનું છે. લાભાર્થીઓ સમગ્ર ભારતમાં કેશલેસ સુવિધાનો લાભ પણ મેળવી શકશે.
પ્રધાનમંત્રીએ હેલ્થ અને વેલનેસ સેન્ટરનાં માધ્યમ થી વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાની તૈયારીની પણ સમીક્ષા કરી.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો કે તેઓ સમાજનાં ગરીબ અને નબળા વર્ગ સુધી આ યોજનાનો લાભ પહોંચે તે રીતે શ્રેષ્ઠ અને લક્ષિત યોજના તરફ કાર્ય કરે.