પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઊર્જા, પુનઃપ્રાપ્ય ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કોલસો અને ખાણ જેવા મુખ્ય માળખાગત ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં.
આ બેઠકમાં નીતિ આયોગનાં સીઇઓ (મુખ્ય કાર્યકારી અધિકારી) શ્રી અમિતાભ કાંતે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું જેમાં તેણે જાણકારી આપી હતી કે ભારતમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા વધીને 344 ગિગાવોટ થઈ છે. વર્ષ 2014માં ભારતની વીજળીની ખાધ 4 ટકાથી વધારે હતી, જે વર્ષ 2018માં ઘટીને 1 ટકાથી ઓછી રહી છે. ટ્રાન્સમિશન લાઇનો, ટ્રાન્સફોર્મ ક્ષમતા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.
વિશ્વ બેંકનાં “વીજળી સરળતાપૂર્વક મેળવવાનાં” સૂચકાંકમાં અત્યારે ભારતનું સ્થાન 26મું છે, જે વર્ષ 2014માં 99મું હતું. સૌભાગ્ય પહેલ હેઠળ વીજળીનો પુરવઠો મેળવનાર કુટુંબોની સંખ્યામાં થયેલા વધારા માટેની કામગીરીની પણ સમીક્ષા થઈ હતી. બેઠકમાં શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં છેવાડાનાં વિસ્તારોમાં જોડાણ અને વિતરણ પરની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં સંચિત સ્થાપિત ક્ષમતા વર્ષ 2013-14માં 35.5 ગિગાવોટ હતી, જે વર્ષ 2017-18માં વધીને આશરે 70 ગિગાવોટ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન સૌર ઊર્જાનાં ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતા 2.6 ગિગાવોટથી વધીને 22 ગિગાવોટ થઈ છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત પ્રધાનમંત્રીનાં વર્ષ 2022 સુધીમાં 175 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનાં લક્ષ્યાંકને સરળતાપૂર્વક હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા માટે કામ કરવાની અપીલ કરી હતી કે, સોલર પમ્પ અને વપરાશકર્તાને અનુકૂળ સોલર કૂકિંગ સોલ્યુશન જેવા ઉચિત હસ્તક્ષેપ દ્વારા સૌર ઊર્જા ક્ષમતામાં વૃદ્ધિનો લાભ ખેડૂતો સુધી પહોંચે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ક્ષેત્રમાં થયેલી વિશે જાણકારી આપવામાં આવી હતી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નક્કી કરાયેલો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષમાં સરળતાપૂર્વક હાંસલ કરવામાં આવશે. કોલસા ક્ષેત્ર અંગે થયેલી ચર્ચા તેના ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા પર કેન્દ્રિત હતી.