પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં 92માં ફાઉન્ડેશન કોર્સનાં 360 તાલીમી અધિકારીઓને મળ્યાં હતાં અને તેમની સાથે ચર્ચા કરી હતી. તેઓ એલબીએસએનએએની બે દિવસની મુલાકાતે છે.
તેમણે તાલીમી અધિકારીનાં ચાર જૂથ સાથે અનૌપચારિક ચર્ચા કરી હતી. લગભગ ચાર કલાક ચાલેલી ચર્ચામાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. તેમાં પ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીઓને નિડર અને મુક્ત મને તેમનાં વિચારો વ્યક્ત કરવા જણાવ્યું હતું. વહીવટ, શાસન, ટેકનોલોજી અને નીતિનિર્માણ જેવા વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીને શાસનનાં વિવિધ મુદ્દાનો અભ્યાસ કરવા અને સંશોધન કરવા પ્રોત્સાહન આપ્યું હતું, જેથી તેઓ આ મુદ્દાઓને સારી રીતે સમજી શકે. તેમણે રાષ્ટ્રીય વિઝન વિકસાવવા તેમના માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ચર્ચામાં બધાએ એકબીજાનાં અનુભવો વહેંચ્યાં હતાં.
તેમણે એકેડમીનાં ફેકલ્ટી સભ્યો સાથે ચર્ચા કરી હતી, જેમણે પ્રધાનમંત્રીને ભારતીય સનદી અધિકારીઓને તાલીમ આપવાની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એલબીએસએનએએમાં અત્યાધુનિક ગાંધી સ્મૃતિ લાઇબ્રેરીની મુલાકાત પણ લીધી હતી. તેમણે તાલીમી અધિકારી દ્વારા રજુ કરાયેલા ટૂંકા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
આ અગાઉ પ્રધાનમંત્રીએ એકેડમીમાં આવતા સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાઓને પુષ્પાંજલિ આપી હતી.
આ વાતચીત દરમિયાન મંત્રીમંડળીય સચિવ શ્રી પી કે સિંહા અને એલબીએસએનએએનાં નિદેશક શ્રીમતી ઉપમા ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.