પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને ગુજરાતમાં બે-દિવસીય મુલાકાતની શરૂઆત કરી હતી.
પ્રધાનમંત્રીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પુલ તથા અન્ય માર્ગ વિકાસ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને આજે દ્વારકામાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે પુલનું ભૂમિપૂજન થયું છે એ આપણાં પ્રાચીન વારસાને પુનઃજોડવા માટેનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને રોજગારી વધશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિકાસ ચાવીરૂપ બની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, થોડાં વર્ષ અગાઉ બેટ દ્વારકાનાં લોકોને માળખાગત સુવિધાનાં અભાવને પગલે મુશ્કેલીઓ પડતી હતી અને વિવિધ પડકારોનો સામનો કરવો પડતો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફક્ત પ્રવાસન ક્ષેત્રનો એકલો વિકાસ ન થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, જો આપણે ગીરમાં વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા ઇચ્છતાં હોય, તો આપણે દ્વારકા જેવા નજીકનાં સ્થળોની મુલાકાત લેવા પ્રવાસીઓને પ્રેરિત કરવા જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાનું નિર્માણ આર્થિક પ્રવૃત્તિઓ વધારશે અને વિકાસનું વાતાવરણ સુધારશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે બંદર અને બંદર-સંચાલિત વિકાસ ઇચ્છીએ છીએ, બ્લૂ ઇકોનોમી ભારતની પ્રગતિ તરફની આગેકૂચ વધારવામાં મદદરૂપ થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર માછીમારોને સશક્ત બનાવવા પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કંડલા બંદરે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, કારણ કે બંદરનાં વિકાસ માટે સંસાધનો આપવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, અલંગને નવજીવન મળ્યું છે અને મજૂરોનાં કલ્યાણ માટે પગલાં લેવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે દરિયાઈ સુરક્ષાનાં ઉપકરણોનું આધુનિકીકરણ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે દેવભૂમિ દ્વારકામાં એક સંસ્થા સ્થાપિત કરવામાં આવશે.
જીએસટી પરિષદે ગઈ કાલની બેઠકમાં સર્વસંમતિથી લીધેલા નિર્ણય પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે સરકારમાં ભરોસો હોય અને નીતિઓ શ્રેષ્ઠ ઇરાદા સાથે બનાવવામાં આવે, ત્યારે દેશનાં લોકોનાં શ્રેષ્ઠ હિત માટે આપણને જનતા ટેકો આપે એ સ્વાભાવિક છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર લોકોની ઇચ્છા-આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં અને ગરીબી દૂર કરવામાં મદદરૂપ થવા ઇચ્છે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાનું ધ્યાન ભારત તરફ આકર્ષિત થયું છે અને લોકો અહીં રોકાણ કરવા આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનાં વિકાસમાં ગુજરાત સક્રિયપણે પ્રદાન કરે છે અને આ માટે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે.