પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો અબે 13 અને 14 સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી અબે 14 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 12મી ભારત-જાપાન વાર્ષિક સમિટ યોજશે. બંને નેતાઓ મીડિયાને નિવેદન આપશે. આ જ દિવસે ઇન્ડિયા જાપાન વ્યાપાર સભા (બિઝનેસ પ્લેનરી) યોજાશે.
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી અબે વચ્ચે આ ચોથી વાર્ષિક સમિટ હશે. બંને નેતાઓ ભારત અને જાપાન વચ્ચે બહુપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિની સમીક્ષા ‘વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી’ની માળખાગત કામગીરી હેઠળ કરશે તથા તેની ભવિષ્યની દિશા નિર્ધારિત કરશે.
બંને નેતાઓ 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતનાપ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના કાર્યની શરૂઆત કરાવવા જાહેર સમારંભમાં હાજરી આપશે. ટ્રેન બંને શહેરો વચ્ચે પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી અપેક્ષા છે. જાપાન હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં પથપ્રદર્શક છે અને તેની શિન્કાન્સેન બુલેટ ટ્રેન દુનિયામાં સૌથી ઝડપી ટ્રેનોમાં સામેલ છે.
અમદાવાદ શહેર 13 સપ્ટેમ્બરના રોજ વિસ્તૃત નાગરિક સમારંભ સાથે પ્રધાનમંત્રી અબેનું સ્વાગત કરશે તેમજ વિવિધ કાર્યક્રમો મારફતે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું દર્શન કરાવશે.
બંને પ્રધાનમંત્રીઓ સાબરમતી નદીના કિનારા પર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પછી તેઓ અમદાવાદમાં 16મી સદીમાં નિર્માણ પામેલી પ્રસિદ્ધ મસ્જિદ ‘સિદી સૈયદની જાળી’ની મુલાકાત લેશે. ઉપરાંત બંને નેતાઓ મહાત્મા મંદિરમાં મહાત્મા ગાંધીને સમર્પિત સંગ્રહાલય દાંડી કુટિરની મુલાકાત પણ લેશે.