આદરણીય,
અને મારા મિત્ર રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ,
ઉઝબેકિસ્તાનથી આવેલા સન્માનીય અતિથીઓ અને મિત્રો
ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો,
નમસ્કાર,
રાષ્ટ્રપતિજી,
આ તમારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય મુલાકાત છે. મને અત્યંત ખુશી છે કે આ યાત્રા તમે તમારા પરિવાર અને એક સશક્ત પ્રતિનિધિમંડળની સાથે કરી રહ્યા છો. તમારું અને તમારા પરિવાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. ઉઝબેકિસ્તાન અને ભારતની વચ્ચે સમાનતાઓ અને નજીકના સંબંધોના સાક્ષી આપણા પારસ્પરિક ઈતિહાસ અને સંસ્કૃતિ છે. ‘મેહમાન’, ‘દોસ્ત’ અને ‘અઝીઝ’ – એવા કેટલાય શબ્દો બંને દેશોમાં સમાન રૂપે પ્રચલિત છે. આ માત્ર ભાષાની જ સમાનતા નથી. આ દિલો અને ભાવનાઓનું મિલન છે. મને ગર્વ છે અને પ્રસન્નતા પણ કે આપણા દેશના સંબંધોનો આધાર આટલા મજબુત પાયા પર બનેલો છે. રાષ્ટ્રપતિજી, તમારી સાથે મારો પરિચય 2015માં મારી ઉઝબેકિસ્તાનની યાત્રા દરમિયાન થયો હતો. તમારી ભારત પ્રત્યેની સદભાવના અને મિત્રતાએ અને તમારા વ્યક્તિત્વએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. આ આપણી ચોથી મુલાકાત છે. મને એવો અનુભવ થાય છે કે તમે એક ઘનિષ્ઠ મિત્ર છો. અઝીઝ દોસ્ત છો. મને વધુ ખુશી એ વાતની પણ છે કે તમારી સાથે એક સશક્ત પ્રતિનિધિમંડળ છે. તમારા આદેશ અને માર્ગદર્શન અનુસાર પાછલા કેટલાક દિવસોમાં ભારતમાં તેમની ઉપયોગી મુલાકાતો થઇ છે. આજે આપણી વચ્ચે ખૂબ જ સાર્થક ચર્ચા થઇ. ભારત અને ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક સંબંધોને વધુ ઊંડા બનાવવા માટે અને આપણી વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટેના આપણા વિઝન અને આયોજનોને આપણે વહેંચ્યા છે. આપણા જુના મૈત્રીપૂર્ણ સંબંધોને આજના સંદર્ભમાં વધુ સમૃદ્ધ કરવા માટે આપણે દૂરંદેશી વિચાર હાથ ધર્યો છે. પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ, જેનાથી આપણી સુરક્ષા, શાંતિ, સમૃદ્ધિ અને સહયોગ જોડાયેલા છે, તેના પર પણ સાર્થક વિચાર વિમર્શ થયો છે. આ મુદ્દાઓ પર અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર, આપણે આપણા સહયોગને વધુ ઊંડો બનાવવાનો નિર્ણય લીધો છે. આજની મુલાકાતમાં આપણે એ વાત પર સંપૂર્ણ રીતે સહમત થયા છીએ કે હવે આપણા દેશો વચ્ચેના પ્રાચીન અને પ્રગાઢ સંબંધોને આપણા લોકોની આશાઓ અને અપેક્ષાઓને અનુરૂપ વિસ્તૃત કરવાનો સમય આવી ગયો છે.
મહાનુભાવ,
તમારા અનેક સાહસિક અને મજબુત પગલાઓ અને સુધારાઓ વડે ઉઝબેકિસ્તાન જૂની વ્યવસ્થાઓને પાછળ છોડીને આધુનિકતા તરફ વધુ ગતિએ આગળ વધી રહ્યું છે. તે તમારા નેતૃત્વ અને વિઝનનું પરિણામ છે. હું તેનું સ્વાગત કરું છું. તમને ખૂબ જ અભિનંદન આપું છું અને આગળ પણ સફળતાની માટે શુભકામનાઓ પાઠવુ છું.
મહાનુભાવ,
ઉઝબેકિસ્તાનની પ્રાથમિકતાઓ અનુસાર ભારત તે પ્રયાસોમાં સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારા વર્તમાન સહયોગને નવા ક્ષેત્રોમાં વધારવા માટે અમે આજે ખાસ કરીને ચર્ચા કરી. અમે વેપાર અને રોકાણના સંબંધોને વધારવા સહમત થયા છીએ. અમે 2020 સુધીમાં એક બિલીયન ડોલરના દ્વિપક્ષી વેપારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમે પ્રાથમિકતા અનુસારના વેપારી સંધિ પર વાટાઘાટો શરુ કરવાનો નિર્ણય પણ લીધો છે. ઉઝબેકિસ્તાનના પ્રસ્તાવ મુજબ અમે ઉઝબેકિસ્તાનના સામાજિક ક્ષેત્રોમાં ઓછા ખર્ચાના મકાનો અને આવા અન્ય પણ સામાજિક માળખાગત બાંધકામના પ્રોજેક્ટ્સ માટે 200 મિલિયન ડોલરની લાઈન ઑફ ક્રેડીટ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. તે સિવાય 800 મિલિયન ડોલરની લાઈન ઑફ ક્રેડીટ તથા એક્ઝીમ બેંક દ્વારા બાયર્સ ક્રેડીટ અંતર્ગત પણ અમે ઉઝબેકિસ્તાનના પ્રસ્તાવોનું સ્વાગત કરીશું. અંતરીક્ષ, માનવ સંસાધન વિકાસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના હિતો માટે ભારતના અનુભવમાંથી લાભ ઉઠાવવાનો પ્રસ્તાવ અમે મુક્યો છે. ભારત અને ઉઝબેકિસ્તાનના રાજ્યોની વચ્ચે વધી રહેલા સહયોગનું અમે સ્વાગત કરીએ છીએ. આજે આગ્રા અને સમરકંદની વચ્ચે ટ્વીનિંગ સંધિ અને ગુજરાત તથા ઉઝબેકિસ્તાનના અંદિજનની વચ્ચે સમજૂતી કરારો થયા છે. ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચેના સંપર્કમાં વધારો કરવા માટેના રસ્તાઓ પર અમે વિચાર કર્યો છે. વ્યાપાર અને જોડાણ માટે ચાબહાર એક મહત્વપૂર્ણ કડી છે. ભારત અશ્ગાબાત સંધિનું ફેબ્રુઆરી 2018માં સભ્ય બન્યું છે. તેમાં સમર્થન માટે અમે ઉઝબેકિસ્તાનના આભારી છીએ. અમને ખુશી છે કે ઉઝબેકિસ્તાન આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોરમાં સામેલ થવા માટે સહમત થયું છે.
મહાનુભાવ,
તમારા વરિષ્ઠ સલાહકાર અને મંત્રી કાલે ગાંધી સેનિટેશન કન્વેન્શનના સમાપન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા છે. મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને શાંતિના સંદેશ પ્રત્યે તમારા મનમાં જે સન્માન છે, તેણે ભારતીયોના હૃદયને સ્પર્શી લીધું છે. તાશકંદ સાથે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની સ્મૃતિ જોડાયેલી છે. શાસ્ત્રીજીના સ્મારક અને લાલ બહાદુર શાસ્ત્રી શાળાના જીર્ણોદ્ધાર માટે હું આભાર વ્યક્ત કરું છું. આ બંને મહાન નેતાઓની જન્મતિથીની પૂર્વ સંધ્યા પર તમારી ભારતમાં ઉપસ્થિતિ અમારી માટે વિશેષ મહત્વ ધરાવે છે.
મહાનુભાવ,
એ હર્ષનો વિષય છે કે આપણા સંરક્ષણ સંબંધોમાં પણ વૃદ્ધિ થઇ રહી છે. આજની મુલાકાત દરમિયાન આપણે સંયુક્ત સૈન્ય અભ્યાસ અને સૈન્ય શિક્ષણ તથા પ્રશિક્ષણ સહિત અન્ય જરૂરી ક્ષેત્રોમાં રક્ષા સહયોગ વધારવા પર ચર્ચા કરી છે. રાષ્ટ્રપતિજી, તમારી સાથેના વિચાર વિમર્શે એક વાર ફરીથી એ વાત સ્પષ્ટ કરી છે કે ભારત અને ઉઝબેકિસ્તાન એક સુરક્ષિત અને સમૃદ્ધ બાહ્ય વાતાવરણ ઈચ્છે છે. પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ઉઝબેકિસ્તાનના પ્રયાસોની અમે સરાહના કરીએ છીએ. તેમાં ભારત ઉઝબેકિસ્તાનની સાથે દરેક શક્ય સહયોગ કરશે. સ્થિર, લોકતાંત્રિક અને સમાવેશી તથા સમૃદ્ધ અફઘાનિસ્તાન આપણા સમગ્ર ક્ષેત્રના હિતમાં છે. મને ખુશી છે કે આ સંદર્ભમાં આપણા બંને દેશોની વચ્ચે નિયમિત રૂપે સંપર્ક જાળવી રાખવાનો આપણે નિર્ણય લીધો છે. સાંસ્કૃતિક અને લોકોનો લોકો સાથેનો સંબંધ આપણા સંબંધોનો આધાર સ્તંભ છે. ઈ-વિઝા, પ્રવાસન, શૈક્ષણિક આદાન-પ્રદાન અને હવાઈ જોડાણ વગેરે વિષયો પર આજે આપણે ચર્ચા કરી છે.
મહાનુભાવ,
આપણે એક નવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ જે આપણા દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને આપણી વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે. એક વાર ફરી તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા હું ભારતમાં તમારા સુખદ અને ફળદાયી પ્રવાસની કામના કરું છું.
ખૂબ-ખૂબ આભાર.
આભાર!