મહામહિમ રાષ્ટ્રપતિ મુસેવેની
પ્રતિનિધિ મંડળના માનવંતા સભ્યો
મીડિયાના સભ્યો,
મારૂં એ સૌભાગ્ય છે કે બે દસકા પછી ભારતના પ્રધાનમંત્રીની પહેલી દ્વિપક્ષીય યાત્રા પ્રસંગે મારે યુગાન્ડા આવવાનુ થયું છે. રાષ્ટ્રપતિ મુસેવેની ભારતના ઘણા જૂના મિત્ર છે. મને પણ તેમનો ખૂબ જૂનો પરિચય છે. વર્ષ 2007માં હું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહીં આવ્યો હતો તે પ્રવાસની મધુર યાદો હજી પણ તાજી છે. અને આજે રાષ્ટ્રપતિજીએ ઉદાર શબ્દોમાં અમારૂ ઉષ્માભર્યું સ્વાગત-સત્કાર અને સન્માન કર્યું તે બદલ હૂં તેમનો હૃદયથી આભાર માનુ છું.
મિત્રો,
ભારત અને યુગાન્ડા વચ્ચેના સદીઓ જૂના તથા ઐતિહાસિક સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યાં છે. યુગાન્ડા હંમેશાં અમારા દિલની નજીક રહ્યું છે અને રહેશે. યુગાન્ડાની આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય વિકાસમાં અમે સહયોગના મુખ્ય સાથીદાર રહ્યાં છીએ. તાલિમ, ક્ષમતા નિર્માણ, પ્રૌદ્યોગિકી અને માળખાગત સુવિધાઓ વગેરે અમારા સહયોગનાં મુખ્ય ક્ષેત્રો છે. ભવિષ્યમાં પણ યુગાન્ડાને જરૂરિયાતો અને પ્રાથમિકતા અનુસાર અમારો સહયોગ આપવાનું ચાલુ રાખીશું.
યુગાન્ડાની જનતા પ્રત્યે અમારી મિત્રતાની અભિવ્યક્તિ તરીકે ભારત સરકારે યુગાન્ડા કેન્સર સંસ્થાન, કંપાલાને એક અતિઆધુનિક કેન્સર થેરાપી મશીન ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. મને એ જાણીને આનંદ થયો કે આ કેન્સર મશિનથી માત્ર અમારા યુગાન્ડાના મિત્રોની જ નહીં પણ પૂર્વ આફ્રિકાના મિત્ર દેશોની જરૂરિયાત પણ પૂર્ણ થશે. યુગાન્ડામાં ઊર્જા ક્ષેત્રની માળખાગત સુવિધાઓ તેમજ ખેતી તથા ડેરી ઉદ્યોગના વિકાસ માટે અમે અંદાજે બસો મિલિયન ડોલરની 2 લાઈન ઑફ ક્રેડિટની દરખાસ્તોને મંજૂરી આપી છે. એ સંતોષની બાબત છે કે સંરક્ષણ ક્ષેત્રે અમારો સહયોગ આગળ વધી રહ્યો છે. લશ્કરી તાલીમમાં અમારા સહયોગનો લાંબો ઇતિહાસ છે. અમે આ સહયોગને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છીએ. અમે યુગાન્ડાની સેના માટે તથા નાગરિક સુવિધા માટે વાહન અને એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય પણ કર્યો છે. વેપાર અને મૂડી રોકાણ ક્ષેત્રે આપણા સંબંધો મજબૂત થઈ રહ્યા છે. આવતીકાલે રાષ્ટ્રપતિજીની સાથે મળીને, બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સાથે મળીને આ સંબંધોને વધુ બળ પ્રાપ્ત થાય તેવી ચર્ચા કરવાની તક મળશે.
મિત્રો,
યુગાન્ડામાં રહેતા ભારતીય મૂળના સમાજ પ્રત્યે રાષ્ટ્રપતિજીના સ્નેહ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરૂ છું. મને એ વાતનો આનંદ છે કે આજે સાંજે ભારતીય સમુદાય સાથેના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિજી પોતે ઉપસ્થિત રહેવાના છે. એમની આ ભાવના બદલ હું સમગ્ર ભારત તરફથી તેમને અભિનંદન પાઠવું છું. કાલે સાંજે મને યુગાન્ડાની સંસદને સંબોધન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ સૌભાગ્ય મેળવનાર હું ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું. આ વિશેષ સન્માન આપવા બદલ હું રાષ્ટ્રપતિજીનો અને યુગાન્ડાની સંસદનો હૃદયથી આભાર પ્રગટ કરૂ છું.
મિત્રો,
ભારત અને યુગાન્ડા યુવા-પ્રધાન દેશો છે. બંને સરકારો પર યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી છે અને આવા પ્રયાસોમાં અમે એક-બીજાને સાથ આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. સવાસો કરોડ ભારતીયો તરફથી હું યુગાન્ડાના લોકોને પ્રગતિ અને સમૃદ્ધિ માટે હાર્દિક શુભકામના પાઠવુ છું.
ધન્યવાદ.