આદરણીય મહાનુભાવ, રાષ્ટ્રપતિ રામાફોસા,
દક્ષિણ આફ્રિકાથી અહિં પધારેલા તમામ વિશેષ અતિથીગણ,
મિત્રો,
આપણા માટે ખૂબજ પ્રસન્નતાનો વિષય છે કે ભારતના અભિન્ન્ન મિત્ર, રાષ્ટ્રપતિ રામાફોસા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના માટે ભારત નવું નથી, પરંતુ રાષ્ટ્રપતિના રૂપમાં આ તેમની પ્રથમ ભારત યાત્રા છે અને તેમની આ ભારત યાત્રા આપણા સંબંધોના એક વિશેષ પડાવ પર યોજાઈ રહી છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ છે. ગયા વર્ષે નેલ્સન મંડેલાજીની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને ગયું વર્ષ આપણા રાજનૈતિક સંબંધોની રજત જયંતિ પણ હતી. મને ઘણી ખુશી છે કે આ વિશેષ પડાવ પર રાષ્ટ્રપતિ રામાફોસા ભારત પધાર્યા છે અને તેમની આ ભારત યાત્રા આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ગઈકાલે તેઓ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથીના રૂપમાં સહભાગી બનશે. આ સન્માન અને ગૌરવ તેઓ આપણને આપી રહ્યા છે તેના માટે સમગ્ર ભારત તેમનું આભારી છે.
મિત્રો,
2016માં જ્યારે હું દક્ષિણ આફ્રિકા ગયો હતો, તે સમયે મારી રાષ્ટ્રપતિ રામાફોસની સાથે પ્રથમ મુલાકાત થઇ હતી. ત્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા અને અમારી તે પહેલી મુલાકાત દરમિયાન જ મેં ભારત પ્રત્યેનાં તેમના ઉત્સાહ અને સ્નેહનો અનુભવ કર્યો હતો. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટના સમયે મેં તેમના શાનદાર આતિથ્ય-સત્કારનો અનુભવ કર્યો. જો કે દિલ્હીમાં ઠંડીની ઋતુ છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ યાત્રામાં રાષ્ટ્રપતિ રામાફોસા પણ ભારતના હુંફાળા સ્વાગતનો અનુભવ કરશે. હું રાષ્ટ્રપતિજીનું અને તેમના પ્રતિનિધિ મંડળનું, ભારતમાં હું હાર્દિક સ્વાગત કરું છું.
મિત્રો,
આજે રાષ્ટ્રપતિજીની સાથે વાતચીત દરમિયાન અમે અમારા સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. અમારી વચ્ચે વેપાર અને રોકાણના સંબંધો વધારે ગાઢ થઇ રહ્યા છે. અમારો દ્વિપક્ષીય વેપાર 10 બિલિયન ડોલરથી પણ વધુ છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતમાં દક્ષિણ આફ્રિકાએ ભાગીદાર દેશના રૂપમાં ભાગ લીધો હતો અને દક્ષિણ આફ્રિકામાં રોકાણ વધારવા માટેના રાષ્ટ્રપતિ રામાફોસાના પ્રયાસોમાં ભારતીય કંપનીઓએ આગળ વધીને ભાગ લઇ રહી છે. દક્ષિણ આફ્રિકાના કૌશલ્ય વિકાસના પ્રયાસોમાં પણ આપણે ભાગીદાર છીએ. પ્રિટોરિયામાં ખૂબ જ ટૂંક સમયમાં ગાંધી-મંડેલા કૌશલ્ય સંસ્થાનની સ્થાપના થવા જઈ રહી છે અને અમે બંને આ સંબંધોને એક નવા સ્તર પર લઇ જવા માટે પ્રતિબદ્ધ છીએ અને એટલા માટે આજે થોડા જ સમયમાં અમે બંને દેશોના મુખ્ય વ્યવસાયી પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરીશું.
મિત્રો,
વિશ્વનું રેખાચિત્ર જોઈએ તો એ બાબત સ્પષ્ટ છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા, બંને હિન્દ મહાસાગરમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાનો પર આવેલા છે. આપણે બંને વિવિધતાઓથી પરિપૂર્ણ લોકતાંત્રિક દેશો છીએ. મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની વિરાસતના ઉત્તરાધિકારીઓ છીએ અને એટલા માટે આપણા બંનેનો વ્યાપક વૈશ્વિક દ્રષ્ટિકોણ એક બીજા સાથે ઘણો મેળ ખાય છે. બ્રિક્સ, જી-20, હિન્દ મહાસાગર રીમ એસોસિયેશન, ઇબ્સા, જેવા અનેક મંચો પર આપણો આંતરિક સહયોગ અને સમન્વય ખૂબ જ મજબૂત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારાઓ પર પણ આપણે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિજીની આ ભારત યાત્રાના કાર્યક્રમનું એક વિશેષ અંગ આજે આયોજિત કરવામાં આવી રહેલું સૌપ્રથમ “ગાંધી-મંડેલા સ્વતંત્રતા પ્રવચન” હશે. માત્ર હું જ નહી, સમગ્ર ભારત અને સમગ્ર દક્ષિણ આફ્રિકા, રાષ્ટ્રપતિજીના વિચારો સાંભળવા માટે ઉત્સુક છે.
મિત્રો,
આવતીકાલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામાફોસાની હાજરી અને મુખ્ય અતિથીના રૂપમાં ભાગીદારી, અમારા સંબંધોને વધુ મજબૂત કરવાની અમારી પારસ્પરિક કટિબદ્ધતાનું પ્રતિક છે. હું એકવાર ફરી રાષ્ટ્રપતિજીનું હાર્દિક સ્વાગત કરું છું.
આભાર!