એક્સેલંસી રાષ્ટ્રપતિ ડેની ફોર, સેશેલ્સ પ્રતિનિધિમંડળના સદસ્ય,
મીડિયાના મિત્રો,
રાષ્ટ્રપતિ ફોર અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવું એ મારા માટે ખુબ જ સૌભાગ્યની વાત છે. વર્ષ 2015માં મારી સેશેલ્સની યાત્રા, જે હિન્દ મહાસાગર પ્રદેશમાં મારી સૌપ્રથમ યાત્રા હતી, તેની યાદ મારા મનમાં હજુ પણ છે. તે જ વર્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ મિશેલે પણ ભારતની યાત્રા કરી હતી.
આ યાત્રાઓ અમારી ઘનિષ્ઠ વ્યુહાત્મક ભાગીદારી માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જૂન 1976માં સેશેલ્સના સ્વતંત્ર થયા બાદથી જ અમારા બંને લોકશાહી દેશોના વિશેષ સંબંધો રહ્યા છે. આજે ભારત અને સેશેલ્સ એકબીજાના પ્રમુખ વ્યુહાત્મક ભાગીદાર છે. આપણે બંને દેશો લોકશાહીના કેન્દ્રીય મુલ્યોનું સમર્થન કરીએ છીએ અને હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને જાળવી રાખવા માટેના જીઓ-સ્ટ્રેટેજીક વિઝનને પણ સમાન રૂપે વહેંચીએ છીએ.
રાષ્ટ્રપતિ ફોર અને મારી વચ્ચે આજની ચર્ચા ઘણી સાર્થક રહી છે. સેશેલ્સે આફ્રિકામાં સૌથી વધુ માનવ વિકાસ સૂચકાંકને પ્રાપ્ત કર્યો છે અને વાદળી ક્રાંતિના વૈશ્વિક નેતાઓમાંનો એક બનીને ઉભર્યો છે. હું રાષ્ટ્રપતિ ફોરને આ ઉપલબ્ધિઓ પર ખુબ ખુબ અભિનંદન આપું છું.
ભારત અને સેશેલ્સ, હિંદ મહાસાગર સાથે જોડાયેલ છે. અમારા નાગરિકોની સંપન્નતા માટે સુરક્ષિત દરિયાઈ પર્યાવરણમાં મહાસાગર અર્થતંત્રનો સંતુલિત વિકાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. પરંપરાગત અને બિનપરંપરાગત જોખમોનો સફળતાપૂર્વક સામનો કરીને જ આપણે મહાસાગર દ્વારા પ્રદત્ત અવસરોનો લાભ ઉઠાવી શકીએ તેમ છીએ. આજની અમારી ચર્ચામાં, અમે મહાસાગર આધારિત વાદળી ક્રાંતિનો સંપૂર્ણ લાભ ઉઠાવવાની દિશામાં સંયુક્ત રૂપે કાર્ય કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનઃઉચ્ચારણ કર્યો છે. અમારી વચ્ચે દરિયાઈ પડકારો સામે લડવા માટે સહયોગ પર ઊંડી રણનીતિનો સંયોગ છે.
ઘનિષ્ઠ ભાગીદારીના રૂપમાં આ અમારી સંયુક્ત જવાબદારી છે કે અમે અમારા ઈઈઝેડમાં તથા તટીય ક્ષેત્રની આસપાસ સામુહિક દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરીએ. આપણે ચાંચિયાગીરી, ડ્રગ્સ અને માનવ વેપાર અને દરિયાઈ સંસાધનોનું ગેરકાયદેસર શોષણ જેવા આંતરરાષ્ટ્રીય અપરાધોના જોખમનો સામનો કરી રહ્યા છીએ. તેની વિરુદ્ધ આપણે આપણી ચોક્સી અને સહયોગ વધારવા પડશે. સેશેલ્સને તેની સંરક્ષણ ક્ષમતાઓ અને દરિયાઈ માળખાગત સુવિધાઓને મજબુત કરવા અને સંરક્ષણ સૈન્યની ક્ષમતાને વધારવામાં સહાયતા કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. તેનાથી સેશેલ્સ પારંપરિક અને બિનપારંપરિક બંને પ્રકારના દરિયાઈ પડકારો સામે પ્રભાવક રીતે લડી શકશે અને પોતાના દરિયાઈ સંસાધનોની રક્ષા કરી શકશે. આ સંદર્ભમાં મને સેશેલ્સ માટે 1000 મીલીયન અમેરિકી ડોલર ક્રેડીટના રૂપમાં આપવાની જાહેરાત કરવામાં ઘણી ખુશી થઇ રહી છે. આ ક્રેડીટથી સેશેલ્સ પોતાની દરિયાઈ ક્ષમતાનું નિર્માણ કરવા માટે ભારત પાસેથી સંરક્ષણ સાધનો ખરીદી શકશે. માર્ચ 2015 સેશેલ્સની મારી યાત્રા દરમિયાન મે જે બીજા ડોર્નિયર એરક્રાફ્ટનો વાયદો કર્યો હતો તે કાલે સોંપી દેવા માટે તૈયાર છે. તેનું મોડલ હમણાં આપ સૌએ તમારી સમક્ષ જોયું છે. આ 29 જૂનના રોજ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સમારોહમાં ભાગ લેવા માટે સમય પર ત્યાં પહોંચી જશે.
એઝામ્પશન દ્વીપ પ્રોજેક્ટના સંબંધમાં એકબીજાના હિતોના આધારે મળીને કામ કરવા અંગે અમે સહમત છીએ. નેવિગેશન ચાર્ટની ઉપલબ્ધતાને સુધારવા માટે હાયડ્રોગ્રાફી સર્વે કરવા માટે અમે વ્યાપકરૂપે સહયોગ આપી રહ્યા છીએ. આ પ્રયાસના એક ભાગરૂપે અમે આજે વ્હાઈટ શીપીંગ ડેટાના આદાનપ્રદાન માટે એક સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આજની અમારી વાતચીત દરમિયાન મે સેશેલ્સની રાષ્ટ્રીય પ્રાથમિકતાની પરિયોજનાઓ માટે પ્રભાવી યોગદાનને યથાવત રાખવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે. આ પરિયોજનાઓથી માત્ર સેશેલ્સની અર્થવ્યવસ્થા જ સારી નહી બને પરંતુ તેનાથી આંતરિક સંબંધો પણ અનેક ગણા ગાઢ બનશે.
વિશેષ ગ્રાન્ટ અંતર્ગત સેશેલ્સમાં ત્રણ નાગરિક માળખાગત બાંધકામની પરિયોજનાઓને નાણા પુરા પાડવા માટે ભારત તૈયાર છે. તેમાં સરકારી આવાસો, નવા પોલીસ હેડક્વાર્ટર અને એટર્ની જનરલની કચેરીનો સમાવેશ થાય છે.
આજે અમે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત સેશેલ્સમાં કેટલાક ઉચ્ચ ગુણવત્તા, ઉચ્ચ વિઝીબીલીટી અને જન કેન્દ્રી નાના વિકાસ કાર્યોની પરિયોજનાઓ શરુ કરવા માટે અમારા તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે. મે રાષ્ટ્રપતિ ફોરને આશ્વાસન આપ્યું છે કે ભારત સેશેલ્સના સામાન્ય નાગરિકો સહિત રક્ષા કર્મીઓ માટે આઈટીઈસી અને અન્ય કાર્યક્રમો અંતર્ગત પ્રશિક્ષણ પ્રદાન કરીને સેશેલ્સની ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે. સેશેલ્સ દ્વારા નિર્ધારિત ક્ષેત્રોમાં ભારતીય તજજ્ઞ સેશેલ્સમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવશે. સેશેલ્સની અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનું યોગદાન અમારા માટે ગર્વનો વિષય છે. અમારા બંને દેશો અને અહીના લોકોની વચ્ચે અમારી પારસ્પરિક સંસ્કૃતિ અમારી માટે ગર્વનો વિષય છે અને આ અમારા સંબંધોને ગાઢ બનાવવા માટે અનેક સંભાવનાઓ ઉત્પન્ન કરે છે. હું રાષ્ટ્રપતિ ફોરનો અમને બે મોટા અલ્દાબ્રા કાચબાઓ ભેટમાં આપવા બદલ આભાર માનું છું. સેશેલ્સમાંથી પહેલા પણ આવા દીર્ઘાયુ કાચબાઓ પ્રાપ્ત કર્યા હતા. તેઓ ત્રણ સદીના સાક્ષી રહ્યા. ભારતમાં આ જીવને અને પ્રકૃતિના અન્ય અનેક જીવ જંતુઓ, પશુઓ છોડવાઓને ઘણી શ્રદ્ધા અને પ્રેમથી જોવામાં આવે છે. આ દીર્ઘાયુ કાચબાઓ આગળ પણ અમારી ચિરંતન મિત્રતા અને તેના શુભ પ્રભાવોના પ્રતિક રહેશે.
હું એકવાર ફરીથી રાષ્ટ્રપતિ ફોર અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું અને કામના કરું છું કે તેમની ભારત યાત્રા આનંદદાયક રહે. હું રાષ્ટ્રપતિ ફોર અને સેશેલ્સના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ 29 જૂન માટે પણ મારા તરફથી અને સવા સો કરોડ ભારતીયો તરફથી શુભકામનાઓ પાઠવું છું.