પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા દ્વારા 21-22 નવેમ્બર 2020ના રોજ યોજવામાં આવેલી 15મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં 19 સભ્ય દેશોના સંબંધિત રાજકીય/સરકારી વડાઓ, યુરોપીયન સંઘ, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભાગ લીધો છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને આ શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે જી-20ના સફળ નેતૃત્ત્વ અને તેની અધ્યક્ષતાની જવાબદારી સંભાળવા બદલ તેમજ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા અનેક અવરોધો અને પડકારો વચ્ચે પણ 2020માં વર્ચ્યુઅલ માધ્યમથી બીજા જી-20 શિખર સંમેલનનું આયોજન કરવા બદલ સાઉદી અરબને અભિનંદન પાઠવ્યા હતા.
સાઉદીની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ આ શિખર સંમેલનમાં “સૌના માટે 21મી સદીની તકો સાર્થક કરવી” થીમ કેન્દ્ર સ્થાને રાખવામાં આવી હતી જેને પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના અનુસંધાનમાં વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બે સત્રોના આયોજન દ્વારા આ શિખર સંમેલનના એજન્ડાનો પ્રસાર કરવામાં આવ્યો હતો. મહામારીની સ્થિતિમાં બહાર આવવું, આર્થિક રિકવરી અને નોકરીઓનું પુનર્સર્જન તેમજ સહિયારા, ટકાઉક્ષમ અને સ્થિતિસ્થાપક ભવિષ્યનું નિર્માણ આ એજન્ડાના કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત, આ બે દિવસ દરમિયાન મહામારી સામે તૈયારીઓ અને સમગ્ર પૃથ્વીને તેની સામે રક્ષણ પૂરું પાડવા બાબતે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારીને માનવજાતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનકારી અને બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા સમક્ષ આવેલો સૌથી મોટો પડકાર ગણાવી હતી. તેમણે જી-20 દ્વારા માત્ર આર્થિક રિકવરી, નોકરીઓ અને વ્યાપારના પુનર્સ્થાપન પૂરતા મર્યાદિત નહીં બલ્કે, સમગ્ર પૃથ્વીને સંરક્ષિત રાખવા પર કેન્દ્રિત નિર્ણાયક કામગીરી માટે આહ્વાન કર્યું હતું અને ટાંક્યુ હતું કે, આપણે સૌ માનવજાતના ભવિષ્યના ટ્રસ્ટીઓ છીએ.
પ્રધાનમંત્રીએ કોરોના પછીની દુનિયામાં નવા વૈશ્વિક સૂચકાંકનું આહ્વાન કર્યું હતું જેમાં ચાર મુખ્ય ઘટકો- વિશાળ કૌશલ્ય સમૂહનું સર્જન; સમાજના દરેક વર્ગ સુધી ટેકનોલોજી પહોંચે તે સુનિશ્ચિત કરવું; સુશાસનની પ્રણાલીઓમાં પારદર્શકતા; અને ટ્રસ્ટીશીપની ભાવના સાથે ધરતીમાતા માટે કામ કરવું- સામેલ છે. આના આધારે, જી-20 નવી દુનિયાની આધારશીલા સ્થાપિત કરી શકે છે.
પ્રધાનમંત્રીએ ખાસ ટાક્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકામાં, મૂડી અને નાણાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે, હવે વિશાળ માનવ કૌશલ્ય સમૂહનું સર્જન કરવા માટે બહુ-કૌશલ્ય અને પુનઃકૌશલ્ય પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આનાથી નાગરિકોના ગૌરવમાં વૃદ્ધિ થવાની સાથે સાથે આપણા નાગરિકો કટોકટીનો સામનો કરવા માટે વધુ લવચિક થઇ શકશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજીનું કોઇપણ મૂલ્યાંકન ઇઝ ઓફ લિવિંગ અને જીવનની ગુણવત્તા પર તેના પ્રભાવ પર આધારિત હોવું જોઇએ.
તેમણે સુશાસન પ્રણાલીઓમાં ખૂબ સારી પારદર્શકતાનું આહ્વાન કરતા કહ્યું હતું કે, તેનાથી આપણા નાગરિકોને સહિયારા પડકારોનો સામનો કરવા માટે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે પ્રેરણા મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પર્યાવરણ અને પ્રકૃતિ સાથે માલિકના બદલે ટ્રસ્ટીની ભાવનાથી કામ લેવાથી તે આપણને સર્વગ્રાહી અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રેરણા આપશે. આ એવો સિદ્ધાંત છે જેનું સીમાચિહ્ન માથા દીઠ કાર્બન ફુટપ્રિન્ટ હોઇ શકે છે.
કોવિડ પછીની દુનિયામાં ‘ગમે ત્યાંથી કામ કરો’નો અભિગમ ન્યૂ નોર્મલ બની ગયો છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, ફોલોઅપ અને દસ્તાવેજીકરણ સંગ્રહ તરીકે જી-20 વર્ચ્યુઅલ સચિવાલયનું સર્જન કરવું જોઇએ.
જી-20 નેતાઓનું 15મુ શિખર સંમેલન 22 નવેમ્બર 2020ના રોજ પણ ચાલુ રહેશે જેમાં નેતાઓની ઘોષણાઓનો સ્વીકાર કરવામાં આવશે અને સાઉદી અરેબિય દ્વારા ઇટાલીને અધ્યક્ષ પદનો કાર્યભાર સોંપવામાં આવશે.
We offered India's IT prowess to further develop digital facilities for efficient functioning of the #G20.
— Narendra Modi (@narendramodi) November 21, 2020
Had a very fruitful discussion with G20 leaders. Coordinated efforts by the largest economies of the world will surely lead to faster recovery from this pandemic. Thanked Saudi Arabia for hosting the Virtual Summit. #G20RiyadhSummit
— Narendra Modi (@narendramodi) November 21, 2020