પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ, શાહી મહામહિમ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલીફોન પર વાતચીત કરી.
બંને નેતાઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના કામકાજની સમીક્ષા કરી અને ભારત-સાઉદીની સહભાગિતામાં સ્થિર વૃદ્ધિ વિશે સંતોષ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને વધુ વિસ્તરિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમજ એ તકો પર પ્રકાશ ફેંક્યો કે જે તકો ભારતીય અર્થવ્યવસ્થા સાઉદીના રોકાણકારોને પ્રદાન કરે છે.
ભારત અને સાઉદી અરબ વચ્ચે વિશેષ મિત્રતા અને લોકોના લોકો વચ્ચેનાં સંપર્કની ભાવનામાં, કોવિડ-19 મહામારી વિરુદ્ધ એકબીજાના પ્રયાસોને સમર્થન કરવા માટે નેતા સહમત થયા. તેમણે પારસ્પરિક હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ શાહી મહામહિમ ક્રાઉન પ્રિન્સને ભારત આવવા માટે પોતાના અગાઉ આપેલા નિમંત્રણનો પુનરોચ્ચાર કર્યો હતો.