પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના વર્તમાન શિયાળુ સત્રને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું, કારણ કે આ સત્ર રાજ્યસભાનું 250મું સત્ર રહેશે અને સાથે જ આ ભારતીય બંધારણનું 70મું વર્ષ પણ છે.
પ્રધાનમંત્રી આજે સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પહેલાં મીડિયાને સંબોધન કરી રહ્યાં હતાં.
ભારતને પ્રગતિના પંથે મુકવામાં મોટી ભૂમિકા ભજવવા બદલ તેમણે રાજ્યસભાની પ્રસંશા કરી હતી.
“મિત્રો, વર્ષ 2019નું આ સંસદનું અંતિમ સત્ર છે અને સાથે જ એક મહત્વપૂર્ણ સત્ર છે કારણ કે આ રાજ્યસભાનું 250મું સત્ર છે, જેણે ભારતની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે”
26 નવેમ્બરના રોજ ભારત પોતાના 70માં બંધારણ દિવસની ઉજવણી કરશે. ભારતીય બંધારણનો 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો જેના 70 વર્ષ પૂર્ણ થનાર છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંધારણ એક મહાન સિદ્ધાંત છે જે ભારતની એકતા, અખંડિતતા અને વૈવિધ્યતાને સમર્થન આપે છે.
“26 નવેમ્બરના રોજ આપણે 70માં બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે દિવસે બંધારણની સ્વીકૃતિના 70 વર્ષ પૂર્ણ થવાના છે. આ બંધારણ દેશની એકતા, દેશની અખંડિતતા, ભારતની વૈવિધ્યતાને સમર્થન આપે છે. તે પોતાની અંદર ભારતના સૌંદર્યને આવરી લે છે અને તે દેશનું સંચાલક બળ છે. સંસદનું આ સત્ર બંધારણના 70 વર્ષ વિશે જનતામાં જાગૃતિનો સ્રોત બનવું જોઇએ.”
પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને, પૂર્વના સત્રની જેમ જ વર્તમાન સત્રમાં પણ, સક્રિય અને સકારાત્મક રીતે વિભિન્ન ચર્ચાઓમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી જેથી કરીને દેશને તેમની ચર્ચાઓમાંથી શ્રેષ્ઠ પ્રાપ્ત કરવામાં મદદ મળે અને તેનો ઉપયોગ દેશની પ્રગતિ અને કલ્યાણમાં કરી શકાય.
“છેલ્લા થોડા દિવસોમાં અમને લગભગ તમામ પક્ષોના વિવિધ નેતાઓને મળવાની તક પ્રાપ્ત થઇ હતી. અગાઉનું સત્ર જે નવી સરકારની રચનાની તુરંત બાદ મળ્યુ હતું, તેની જેમ જ આ સત્રમાં પણ તમામ સાંસદોની સક્રિય અને સકારાત્મક ભાગીદારી સામેલ હોવી જોઇએ. પાછલા સત્રમાં અનઅપેક્ષિત સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી. મારે જાહેરમાં ગર્વભેર સ્વીકાર કરવો જ જોઇએ કે આ સિદ્ધિઓ સરકારની કે ટ્રેઝરી બેન્ચની નથી પરંતુ તે સમગ્ર સંસદની છે, તમામ સભ્યો આ સિદ્ધિઓના સાચા હકદાર છે.
તમામ સાંસદોની તેમની સક્રિય ભાગીદારી બદલ હું ફરી એક વાર તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું અને આશા વ્યક્ત કરું છું કે આ સત્ર પણ દેશની પ્રગતિ માટે નવીન ઉત્સાહ સાથે કામ કરશે.
અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા ઇચ્છીએ છીએ અને તેમના સમર્થનમાં કે તેમના વિરોધમાં બૃહદ ચર્ચાઓ થાય અને તેમાંથી સામે આવનારા શ્રેષ્ઠત્તમ પરિણામોનો આપણે દેશને સારો બનાવવા અને તેના કલ્યાણ માટે ઉપયોગ કરીએ તે જરૂરી છે.
હું તમામ સભ્યોને મારી શુભેચ્છાઓ પાઠવું છું.”