પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે ઉપલા ગૃહના તમામ સાંસદોને સહભાગી થવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના અભિભાષણે કઠોર પડકારોનો સામનો કરી રહેલી દુનિયામાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત, આજે તકોની ભૂમિ બની ગયું છે અને આખી દુનિયા ભારત સામે મીટ માંડીને બેઠી છે. ભારત પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે અને સૌનામાં એવો વિશ્વાસ છે કે, ભારત આપણા ગ્રહના બહેતર ઉત્કર્ષ માટે યોગદાન આપશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશી ગયું હોવાથી, આપણે તેની ઉજવણીના એવા પ્રયાસો કરવા જોઇએ કે, જે પ્રેરણારૂપ બની જાય અને 2047માં જ્યારે દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે ત્યારની ભારત માટેની આપણી દૂરંદેશીના સંકલ્પને સમર્પિત હોય.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ મહામારીનું અસરકારક રીતે નિયંત્રણ કરવામાં આવ્યું તે માત્ર કોઇ એક પક્ષની અથવા કોઇ એક વ્યક્તિની સફળતા નથી પરંતુ આ સમગ્ર રાષ્ટ્રની સફળતા છે અને તેની ઉજવણી પણ એ પ્રકારે જ થવી જોઇએ. ભારતે એવા દિવસો જોયા છે જ્યારે પોલિયો, શીતળા જેવા રોગોનું મોટું જોખમ હતું. કોઇને ખબર સુદ્ધા નહોતી કે, ભારત ક્યારે આની રસી મેળવશે અને કેટલા લોકોને તે પ્રાપ્ત થશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, તે દિવસોથી માંડીને, હવે આપણે આજે એવી સ્થિતિમાં છીએ – જ્યારે આપણો દેશ દુનિયા માટે રસી બનાવી રહ્યો છે અને દુનિયામાં સૌથી મોટી રસીકરણ કવાયત ચલાવી રહ્યો છે. આનાથી આપણા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે, કોવિડ-19ના સમયગાળાએ આપણાં સંઘીય માળખામાં વધુ મજબૂતી ઉમેરી છે અને સહકારી સંઘવાદની ભાવનામાં ઉમેરો કર્યો છે.
પ્રધાનમંત્રીએ ભારતીય લોકશાહીની ટીકાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતની લોકશાહી માત્ર પશ્ચિમી સંસ્થાન નથી પરંતુ માનવીય સંસ્થાન છે. ભારતીય રાષ્ટ્રવાદ પર ચારેબાજુથી થઇ રહેલા પ્રહારો અંગે દેશવાસીઓને સતર્ક કરવા આવશ્યક છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને ટાંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કર્યું હતું કે, ભારતીય રાષ્ટ્રવાદ ક્યારેય સંકુચિત નથી કે ક્યારેય સ્વાર્થી અથવા આક્રમક નથી. તે સત્ય, શિવમ, સુંદરમની ભાવના પર આધારિત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત માત્ર દુનિયાની સૌથી મોટી લોકશાહી નથી પરંતુ ભારત 'લોકશાહીની જનેતા' છે અને આ જ આપણા નીતિ-સિદ્ધાંતો છે. આપણા દેશનો સ્વભાવ જ લોકશાહીનો છે.”
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં, કોરોના સમય દરમિયાન દેશોમાં વિદેશી રોકાણનો પ્રવાહ ઘટી ગયો હતો તેવી સ્થિતિમાં ભારતે વિક્રમી પ્રમાણમાં રોકાણ પ્રાપ્ત કર્યું હતું. શ્રી મોદીએ આ સંદર્ભે વિદેશી ચલણ, FDI, ઇન્ટરનેટ પ્રવેશ અને ડિજિટલ, નાણાકીય સમાવેશીતા, શૌચાલય કવરેજનો ફેલાવો, પરવડે તેવા આવાસ, LPG કવરેજનું વિસ્તરણ અને વિનામૂલ્યે તબીબી સારવારમાં મજબૂત કામગીરીઓનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણી સમક્ષ પડકારો છે અને આપણે નક્કી કરવાનું છે કે આપણે ઉકેલનો હિસ્સો બનવા માંગીએ છીએ કે પછી સમસ્યાનો.
પ્રધાનમંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે, 2014થી સરકારે ખેડૂતોના સશક્તિકરણના ઉદ્દેશ સાથે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓનો પ્રારંભ કર્યો છે. પાક વીમા યોજનાને ખેડૂતો માટે અનુકૂળ બનાવવા તેમાં ફેરફારો કરવામાં આવ્યા છે. PM-KISAN યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર નાના ખેડૂતો માટે કામ કરી રહી છે. ખેડૂતોને PMFBY હેઠળ રૂપિયા 90,000 કરોડના દાવાઓની રકમ પ્રાપ્ત થઇ છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, જમીન આરોગ્ય કાર્ડ અને સન્માન નિધિથી પણ લાભ થયો છે. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત માર્ગોની કનેક્ટિવિટી સુધારવામાં આવી તો તેનાથી ખેડૂતોની ઉપજ દૂરના સ્થળો સુધી સરળતાથી પહોંચતી થઇ શકી છે. કિસાન રેલ અને કિસાન ઉડાન જેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાના ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે. પ્રધાનમંત્રીએ સવાલ કર્યો હતો કે, શા માટે તેમને ડેરી ક્ષેત્રની જેમ જ ખાનગી અથવા સહકારી ક્ષેત્ર સાથે મુક્ત રીતે કામ કરવાની આઝાદી ના મળે?
કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનો ઉકેલ આવવો જોઇએ અને આના માટે કામ કરવાની પણ જરૂર છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ માટે તમામ પક્ષોને આગળ આવવાનું આમંત્રણ આપ્યું હતું. MSP મુદ્દે પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, “લઘુતમ ટેકાના ભાવ અમલમાં હતા, લઘુતમ ટેકાના ભાવ અમલમાં છે અને લઘુતમ ટેકાના ભાવ ભવિષ્યમાં પણ અમલમાં રહેશે જ. ગરીબોને પરવડે તેવા દરે રેશન મળવાનું ચાલુ જ રહેશે. મંડીઓનું આધુનિકીકરણ કરવામાં આવશે.” તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે, આપણે રાજકીય ગણતરીઓથી ઉપર આવવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં અસ્થિરતા ઉભી કરવાનો પ્રયાસ કરી રહેલા દળો સામે પણ ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત શીખોના યોગદાનનું ખૂબ જ ગૌરવ લે છે. આ એવો સમુદાય છે જેમણે રાષ્ટ્રને ઘણું આપ્યું છે. ગુરુ સાહિબના ઉપદેશો અને આશીર્વાદ ખૂબ જ મૂલ્યવાન છે. પ્રધાનમંત્રીએ એવું પણ ખાસ કહ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ અંતરાય દૂર કરવા માટે તેમની વચ્ચે સેતુ બનાવવાના પ્રયાસો કરવા જોઇએ.
પ્રધાનમંત્રીએ યુવા શક્તિને રેખાંકિત કરતા કહ્યું હતું કે, યુવાનોને વધુ બળવાન બનાવવાના પ્રયાસોથી દેશને ઉજળા ભવિષ્ય માટે ઉત્તમ ફળ મળશે. તેવી જ રીતે, તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઝડપથી અપનાવવા બદલ સૌની પ્રશંસા પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અર્થતંત્રને ફરી બેઠું કરવા અને વિકાસમાં વધારો કરવા માટે MSMEની ભૂમિકા ખૂબ જ મહત્વની છે કારણ કે, તેઓ રોજગારી સર્જનની ખૂબ જ મોટી સંભાવનાઓ ધરાવે છે. આથી જ, કોરોના સમય દરમિયાન જાહેર કરવામાં આવેલા પ્રોત્સાહક પેકેજમાં તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ નારાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને પૂર્વોત્તરમાં ફરી જનજીવનને સામાન્ય કરવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓ રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને નવી તકો ખુલી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં પૂર્વીય વિસ્તારો દેશના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.