પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે બજેટમાં વાસ્તવિક્તાની અનુભૂતિ અને વિકાસનો આત્મવિશ્વાસ રહેલો છે અને તે ભારતની પોતાની માન્યતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંકટના આ સમય દરમિયાન તે વિશ્વમાં એક નવા આત્મવિશ્વાસનું ઉમેરણ કરશે.
લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારપછીના તેમના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બજેટ એ આત્મનિર્ભરતાનું વિઝન અને દરેક નાગરિક તથા વર્ગની સમાવેશિતા ધરાવે છે. શ્રી મોદીએ સમજાવ્યું હતું કે બજેટ પાછળના સિદ્ધાંતોમાં વિકાસ માટેની નવી તકોનું વિસ્તરણ, યુવાનો માટે નવી તકો, માનવીય સંસાધનને નવો દ્રષ્ટિકોણ આપવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટ અને નવા ક્ષેત્રોને વિકસિત બનવામાં મદદ કરવી તેનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ એ પ્રક્રિયાઓ તથા નિયમોને વધુ સરળ બનાવીને સામાન્ય માનવી માટે ‘જીવન જીવવાની સરળતા’માં વધારો કરશે. આ બજેટ વ્યક્તિગત લોકોના જીવનમાં, રોકાણકારો, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે હકારાત્મક પરિવર્તનો લઈને આવશે.
પ્રધાનમંત્રીએ બજેટ રજૂ થયાના શરૂઆતના જ કલાકોની અંદર બજેટને જે પ્રારંભિક હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો તેની પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે બજેટના કદને વધારવાની સાથે સાથે નાણાકીય સંતુલિતતા પ્રત્યેની પોતાની જવાબદારી તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બજેટની પારદર્શકતાની નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
કોરોના મહામારીના સમય દરમિયાન હોય કે પછી આત્મનિર્ભરતા માટેના કેમ્પેઇન માટે હોય, તે તમામમાં સરકારના સક્રિય અભિગમ ઉપર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે બજેટમાં પ્રતિક્રિયાશીલતાનો એક કણ પણ જોવા નથી મળતો. ‘અમે સક્રિયતાની પેલે પાર પહોંચી ગયા છીએ અને અતિ સક્રિય બજેટ આપ્યું છે’, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
બજેટના સમગ્રતયા વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તે સંપત્તિ અને કલ્યાણ, એમએસએમઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્રિત છે. તેમણે આરોગ્ય કાળજી ઉપર મૂકવામાં આવેલ અભૂતપૂર્વ ભારની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે બજેટમાં દક્ષિણના રાજ્યો, ઉત્તર પૂર્વ અને લેહ લદ્દાખની વિકાસ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આપણાં દરિયા કિનારાના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળને ઉદ્યોગ પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દિશામાં આ એક વિશાળ પગલું છે. આ બજેટ ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે આસામની વપરાયા વિનાની ક્ષમતાઓ સુધી પહોંચવામાં પણ ઘણું મદદગાર સાબિત થશે.
સમાજના જુદા જુદા વર્ગો ઉપર બજેટની અસરનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંશોધન અને ઇનોવેશન ઉપર તેમાં મૂકવામાં આવેલ ભાર યુવાનોને ઘણાં મદદરૂપ સાબિત થશે. આરોગ્ય, સ્વચ્છતા, પોષણ, સ્વચ્છ પાણી અને તકોની સમાનતાના કારણે સામાન્ય પુરુષો અને મહિલાઓને લાભ મળશે. એ જ રીતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રક્રિયાત્મક સુધારાઓ નોકરી નિર્માણ અને વિકાસની દિશા તરફ આગળ દોરી જશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે અને ખેડૂતોની આવક વધારવા માટે અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. ખેડૂતોને વધુ અને સરળતાથી ધિરાણ મળી શકશે. એપીએમસી અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મજબૂત બનાવવા માટેની જોગવાઇઓ કરવામાં આવી છે. ‘આ દર્શાવે છે કે ગામડાઓ અને આપણાં ખેડૂતો એ આ બજેટના કેન્દ્ર સ્થાનમાં રહેલા છે’ એમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે એમએસએમઈ ક્ષેત્રને કરવામાં આવેલ ફાળવણી રોજગારની તકોને સુધારવા માટે બમણી કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે બજેટ એ આગામી નવા દાયકા માટે એક મજબૂત પાયાની રચના કરશે અને તેમણે દેશવાસીઓને આત્મનિર્ભર ભારત માટેના બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા.