મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.
સાથીઓ, દેહરાદૂનના વત્સલ જીએ પણ મને લખ્યું છે કે 25 જાન્યુઆરીની હું હંમેશા રાહ જોતો હોવ છું કારણ કે તે દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત થાય છે અને એક પ્રકારે 25 તારીખની સાંજ જ મારી 26 જાન્યુઆરીના ઉમંગને ઘણી જ વધારી દે છે. પાયાના સ્તરે પોતાના સમર્પણ અને સેવાભાવથી ઉપલબ્ધી મેળવનારાઓને People’s Padma ને લઈને પણ કેટલાય લોકોએ પોતાની ભાવના વહેંચી છે. આ વખતે પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોમાં આદિવાસી સમુદાય અને આદિવાસી જીવન સાથે જોડાયેલા લોકોનું સારું પ્રતિનિધિત્વ રહ્યું છે. આદિવાસી જીવન શહેરોની દોડાદોડી કરતા અલગ છે, તેના પડકારો પણ અલગ છે, આમ છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા હંમેશા તત્પર રહે છે. આદિવાસી સમાજ સાથે જોડાયેલી વસ્તુઓના સંરક્ષણ અને તેના સંશોધન પર પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવી જ રીતે ટોટો, હો, કૂઈ, કૂવી અને માંડા જેવી જનજાતીય ભાષાઓ પર કામ કરનારા કેટલાય મહાનુભાવોને પદ્મ પુરસ્કાર મળ્યા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. ઘાનીરામ ટોટો, જાનુમ સિંહ સોય અને બી.રામકૃષ્ણ રેડ્ડી જીના નામ, હવે તો આખો દેશ તેમનાથી પરિચીત થઈ ગયો છે. સિદ્ધી, જારવા અને ઓંગે જેવી અન્ય જનજાતીઓ સાથે કામ કરનારા લોકોને પણ આ વખતે સન્માનિત કરવામાં આવ્યા છે. જેમ કે હિરાબાઈ લોબી, રતનચંદ્ર કાર અને ઈશ્વરચંદ્ર વર્માજી. જનજાતી સમાજ આપણી ધરતી, આપણા વારસાનો અભિન્ન હિસ્સો રહ્યો છે. દેશ અને સમાજના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમના માટે કામ કરનારા વ્યક્તિત્વનું સન્માન, નવી પેઢીને પણ પ્રોત્સાહિત કરશે. આ વર્ષે પદ્મ પુરસ્કારોની ગૂંજ એ વિસ્તારોમાં પણ સંભળાઈ રહી છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારો હતા. પોતાના પ્રયત્નોથી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ભટકી ગયેલા યુવાનોને સાચો માર્ગ દેખાડનારાઓને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેના માટે કાંકેરમાં લાકડા પર કોતરણી કરનાર અજયકુમાર મંડાવી અને ગઢચિરોલીના પ્રસિદ્ધ ઝાડીપટ્ટી રંગભૂમી સાથે જોડાયેલા પરશુરામ કોમાજી ખૂણે ને પણ સન્માન મળ્યું છે. તેવી જ રીતે નોર્થ-ઈસ્ટ માં પોતાની સંસ્કૃતિના સંરક્ષણ કરવામાં લાગેલા રામકુઈવાંગબે નિઉમે, વિક્રમ બહાદૂર જમાતિયા અને કરમા વાંગચૂને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાથીઓ આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા લોકોમાં કેટલાય લોકો એવા સામેલ છે જેમણે સંગીતની દુનિયાને સમૃદ્ધ કરી છે. કોણ હશે જેને સંગીત પસંદ નહીં હોય. દરેક લોકોની સંગીતની પસંદ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સંગીત દરેક લોકોના જીવનનો ભાગ હોય છે. આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોમાં એ લોકો છે જે સંતૂર, બમહૂમ, દ્વિતારા જેવા આપણા પારંપરિક વાદ્યોની ધૂન ફેલાવવામાં ઉચ્ચ કૌશલ મેળવેલ છે. ગુલામ મોહમ્મદ જાજ, મોઆ સુ-પોંગ, રી-સિંહબોર, કુરકા-લાંગ, મુનિ-વેંકટપ્પા અને મંગલ કાંતિ રાય, અને આવા કેટલાય નામો છે જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. સાથીઓ પદ્મ પુરસ્કાર મેળવનારા અનેક લોકો, આપણી વચ્ચેના એ સાથીઓ છે, જેમણે હંમેશા દેશને સર્વોપરી રાખ્યો, રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેઓ સેવાભાવથી પોતાના કામમાં લાગેલા રહ્યા અને તેના માટે તેમણે ક્યારેય કોઈ પુરસ્કારની આશા નથી રાખી. તેઓ જેને માટે કામ કરી રહ્યા છે તેમના ચહેરાનો સંતોષ જ તેમના માટે સૌથી મોટો અવોર્ડ છે. આવા સમર્પિત લોકોનું સન્માન કરીને આપણા દેશવાસીઓનું ગૌરવ વધ્યું છે. હું બધા પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ ભલે અહીં ન લઈ શકું પરંતુ આપને મારો આગ્રહ ચોક્કસ છે કે તમે પદ્મ પુરસ્કાર મેળવનારા આ મહાનુભાવોના પ્રેરક જીવનના વિષયમાં વિસ્તારપૂર્વક જાણો અને બીજાને પણ જણાવો.
સાથીઓ આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગણતંત્ર દિવસની ચર્ચા કરી રહ્યા છીએ, તો હું અહીં એક રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ. થોડા સપ્તાહ પહેલાં જ મને મળેલા આ પુસ્તકમાં એક ઘણાં જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું નામ India - The Mother of Democracy છે અને તેમાં કેટલાય સારા નિબંધો છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતન્ત્ર છે અને આપણે ભારતીયોને એ વાતનો ગર્વ પણ છે કે આપણો દેશ Mother of Democracy પણ છે. લોકતંત્ર આપણી નસેનસમાં છે, આપણી સંસ્કૃતિમાં છે – સદીઓથી તે આપણા કામકાજનો પણ અભિન્ન ભાગ રહ્યો છે.
સ્વભાવથી આપણે એક Democratic Society છીએ. ડૉ. આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ સંઘની સરખામણી ભારતીય સંસદ સાથે કરી હતી. તેમણે તેને એક એવી સંસ્થા ગણાવી હતી જ્યાં Motions, Resolutions, Quorum, વોટિંગ અને વોટની ગણતરી માટે કેટલાય નિયમો હતા. બાબાસાહેબનું માનવું હતું કે ભગવાન બુદ્ધને તેની પ્રેરણા તે સમયની રાજકિય વ્યવસ્થાઓથી મળી શકી હશે .
તામિલનાડુમાં એક નાનું પરંતુ ચર્ચિત ગામ છે – ઉતિરમેરૂર. અહીં અગિયારસો - બારસો વર્ષ પહેલાનો શિલાલેખ આખી દુનિયાને અચંબિત કરે છે. આ શિલાલેખ એક લઘુ બંધારણ જેવો છે. તેમાં વિસ્તૃત રીતે જણાવાયું છે કે ગ્રામસભાનું સંચાલન કેવી રીતે થવું જોઈએ અને તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય. આપણા દેશના ઈતિહાસમાં ડેમોક્રેટિક વેલ્યૂઝનું વધુ એક ઉદાહરણ છે – 12મી સદીના ભગવાન બસવેશ્વરનો અનુભવ મંડપમ્. અહીં ફ્રિ ડિબેટ અને ડિસ્કશનને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ Magna Carta થી પણ પહેલાંની વાત છે. વારાંગલના કાકતીય વંશના રાજાઓની ગણતાંત્રિક પરંપરાઓ પણ ઘણી પ્રસિદ્ધ છે. ભક્તિ આંદોલને , પશ્ચિમી ભારતમાં લોકતંત્રની સંસ્કૃતિને આગળ વધારી. પુસ્તકમાં શીખ પંથની લોકતાંત્રિક ભાવનાઓ પર પણ એક લેખને સામેલ કરવામાં આવ્યો છે, જે ગુરુ નાનકદેવ જી દ્વારા સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો પર પ્રકાશ પાડે છે. મધ્યભારતની ઉરાવ અને મુંડા જનજાતીઓમાં community driven અને consensus driven decision પર પણ આ પુસ્તકમાં સારી માહિતી છે. તમે આ પુસ્તકને વાંચ્યા પછી અનુભવશો કે કેવી રીતે દેશના દરેક ભાગમાં સદીઓથી લોકતંત્રની ભાવના પ્રવાહિત થઈ રહી છે. Mother of Democracy ના રૂપમાં, આપણે સતત આ વિષયનું ઉંડાણપૂર્વક ચિંતન પણ કરવું જોઈએ, ચર્ચા પણ કરવી જોઈએ, અને દુનિયાને અવગત પણ કરાવવી જોઈએ. તેનાથી દેશમાં લોકતંત્રની ભાવના વધારે તીવ્ર બનશે.
મારા પ્રિય દેશવાસીઓ જો હું તમને પૂછું કે યોગ દિવસ અને વિવિધ પ્રકારના આપણા મોટા અનાજોમાં શું કોમન છે તો તમે વિચારશો કે આ કેવી સરખામણી કહેવાય? જો હું તમને જણાવું કે બંનેમાં ઘણું બધું કોમન છે તો તમને આશ્ચર્ય થશે. હકિકતમાં સંયુક્ત રાષ્ટ્રએ International Yoga Day અને International Year of Millets, બંનેનો નિર્ણય ભારતના પ્રસ્તાવ પછી જ લીધો છે. બીજી વાત એ કે યોગ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને જાડુ ધાન્ય પણ સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. ત્રીજી વાત વધારે મહત્વપૂર્ણ છે – બંને અભિયાનોમાં લોક-ભાગીદારીને કારણે ક્રાંતિ આવી રહી છે. જેવી રીતે લોકોએ વ્યાપક સ્તરે સક્રિય ભાગીદારી કરીને યોગ અને ફિટનેસને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તેવી જ રીતે જાડા ધાન્ય ને પણ લોકો મોટાપાયે અપનાવી રહ્યા છે. લોકો હવે જાડા ધાન્ય (Millets) ને પોતાની ખોરાકનો ભાગ બનાવી રહ્યા છે. આ બદલાવનો બહુ મોટો પ્રભાવ પણ જોવા મળે છે. તેનાથી એક તરફ નાના ખેડૂતો ઘણાં જ ઉત્સાહિત છે જે પારંપારિક રીતે જાડા ધાન્યનું ઉત્પાદન કરતા હતા. તેઓ એ વાતથી ખુશ છે કે દુનિયા હવે જાડા ધાન્ય (Millets) નું મહત્વ સમજી રહી છે. બીજી તરફ એફપીઓ અને entrepreneurs એ જાડા ધાન્યને બજાર સુધી પહોંચાડવાનો અને તેને લોકોને ઉપલબ્ધ કરાવવના પ્રયત્ન શરૂ કરી દીધા છે.
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં રહેનારા કે.વી.રામા સુબ્બા રેડ્ડી જીએ જાડુ ધાન્ય (Millets) માટે સારા એવા પગારની નોકરી છોડી દીધી. માં ના હાથે બનેલા જાડા ધાન્ય (Millets) ના પકવાનોનો સ્વાદ એટલો દાઢે વળગી ગયો હતો કે તેમણે તેમના ગામમાં જ બાજરાનું પ્રોસેસિંગ યૂનિટ જ શરૂ કરી દીધું. સુબ્બા રેડ્ડી જી લોકોને બાજરાના ફાયદા પણ જણાવે છે અને તેને સરળતાથી ઉપલબ્ધ પણ કરાવે છે. મહારાષ્ટ્રમાં અલીબાગની પાસે કેનાડ ગામમાં રહેતા શર્મિલા ઓસવાલ જી છેલ્લા 20 વર્ષથી જાડા ધાન્ય (Millets) ની પેદાશમાં અનોખું યોગદાન આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને સ્માર્ટ એગ્રિકલ્ચરની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમના પ્રયત્નોથી ન માત્ર જાડા ધાન્યનું ઉત્પાદન વધ્યું છે પરંતુ ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધી થઈ છે. જો આપને છત્તીસગઢના રાયગઢ જવાની તક મળે તો અહીંયાના મીલેટ કાફે મા જરૂર જજો. થોડા જ મહીનાઓ પહેલાં શરૂ થયેલા આ મીલેટ કાફેમાં ચીલ્લા, ઢોસા, મોમોઝ, પિઝા અને મંચુરિયન જેવી વસ્તુઓ ઘણી જ પોપ્યુલર થઈ રહી છે.
હું આપને વધુ એક વાત પૂછું? તમે entrepreneur શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું તમે Milletpreneurs, સાંભળ્યું છે? ઓડિશાના Milletpreneurs આજે ઘણાં જ ચર્ચામાં છે. આદિવાસી જિલ્લા સુંદરગઢની લગભગ દોઢ હજાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓડિશા મીલેટ મિશન સાથે જોડાયેલું છે. અહીં મહિલાઓ જાડા ધાન્ય (Millets) માંથી કૂકીઝ, રસગુલ્લા, ગુલાબજાંબુ અને કેક પણ બનાવી રહી છે. બજારમાં તેની ખૂબ માંગ હોવાથી મહિલાઓની આવક પણ વઘી રહી છે.
કર્ણાટકના કલબુર્ગીમાં અલંદ ભૂતાઈ Millets Farmers Producer Company એ ગત વર્ષે Indian Institute of Millets Research ની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું. અહીંયાના ખાખરા, બિસ્કિટ અને લાડુ લોકોને ભાવી રહ્યા છે. કર્ણાટકના જ બિદર જિલ્લામાં હલસુર મીલેટ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલી મહિલાઓ જાડા ધાન્યની ખેતીની સાથે તેનો લોટ પણ તૈયાર કરી રહી છે. તેનાથી તેમની કમાણી પણ ઘણી જ વધી છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છત્તિસગઢના સંદિપ શર્માજીના એફપીઓથી આજે 12 રાજ્યોના ખેડૂતો જોડાયેલા છે. બિલાસપુરનું આ એફપીઓ, 8 પ્રકારના જાડા ધાન્ય (Millets) નો લોટ અને તેના વ્યંજન બનાવી રહ્યા છે.
સાથીઓ આજે હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં જી-20 સમિટ સતત ચાલી રહી છે અને મને ખુશી છે કે દેશના દરેક ખૂણામાં જ્યાં પણ જી-20 સમિટ થઈ રહી છે, જાડા ધાન્ય (Millets) માંથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ થાય છે. અહીં બાજરામાંથી બનેલી ખીચડી, પૌઆ, ખીર અને રોટલીની સાથે જ રાગીથી બનેલા પાયસમ, પૂરી અને ઢોસા જેવા વ્યંજનો પણ પીરસવામાં આવે છે. જી-20ના દરેક venue પર મીલેટ એક્ઝીબિશનમાં જાડા ધાન્ય (Millets) માંથી બનેલા હેલ્થ ડ્રિંક્સ, સિરિઅલ્સ અને નૂડલ્સને દેખાડવામાં આવ્યા છે. આખી દુનિયામાં ઈન્ડિયન મિશન પણ તેની લોકપ્રિયતા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે દેશનો આ પ્રયત્ન અને દુનિયામાં વધતી જાડા ધાન્ય (Millets) ની માંગ આપણા નાના ખેડૂતોને કેટલી તાકાત આપવાની છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે આજે વિવિધ પ્રકારની નવી નવી વસ્તુઓ બાજરામાંથી બની રહી છે, તે યુવા પેઢીને પણ તેટલી જ પસંદ આવી રહી છે. International Year of Millets ની આવી શાનદાર શરૂઆત માટે અને તેને સતત આગળ વધારવા માટે હું મન કી બાતના શ્રોતાઓને પણ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે તમારી સાથે કોઈ ટુરિસ્ટ હબ ગોવાની વાત કરે છે તો તમારા મનમાં શું ખ્યાલ આવે છે? સ્વાભાવિક છે ગોવાનું નામ આવે એટલે અહીંયાની સુંદર કોસ્ટલાઈન, બીચ અને પસંદગીની ખાણી-પીણીની વાતો ધ્યાનમાં આવવા લાગે છે. પરંતુ ગોવામાં આ મહિને કંઈક એવું થયું જે ચર્ચામાં છે. આજે મન કી બાતમાં હું તેને તમારી સાથે વહેંચવા માંગુ છું. ગોવામાં થયેલી આ ઈવેન્ટ છે – પર્પલ ફેસ્ટ. આ ફેસ્ટને 6 થી 8 જાન્યુઆરી દરમિયાન પણજીમાં યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગજનોના કલ્યાણ ને લઈને તે પોતાનામાં જ એક અનોખો પ્રયાસ હતો.
પર્પલ ફેસ્ટ કેટલો મોટો મોકો હતો તેનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો કે 50 હજારથી પણ વધારે આપણા ભાઈ-બહેન તેમાં સામેલ થયા હતા. અહીંયા આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે હવે તેઓ મીરામાર બીચ ફરવાનો આનંદ માણી શકશે. હકિકતમાં મીરામાર બીચ આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગોવાના Accessible Beaches માંથી એક બની ગયો છે. અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, મેરેથોન કોમ્પિટિશન સાથે એક બહેરા અને પ્રજ્ઞાચક્ષુઓનું કન્વેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા યૂનિક બર્ડ વોચિંગ પ્રોગ્રામ ઉપરાંત ફિલ્મ પણ દેખાડવામાં આવી. તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આપણા દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ બાળકો તેનો પૂરેપૂરો આનંદ લઈ શકે. પર્પલ ફેસ્ટની એક ખાસ વાત તેમાં દેશના પ્રાઈવેટ સેક્ટરની પણ ભાગીદારી રહી. તેમના તરફથી એવા પ્રોડકટ્સ શો-કેસ કરવામાં આવ્યા જે દિવ્યાંગ ફ્રેન્ડલી છે. આ ફેસ્ટમાં દિવ્યાંગ કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળ્યા. પર્પલ ફેસ્ટને સફળ બનાવવા માટે હું , તેમાં ભાગ લેનારા દરેક લોકોને ધન્યવાદ પાઠવું છું. સાથે જ એ વોલેન્ટિયર્સને પણ અભિનંદન પાઠવું છું, જેમણે આ આયોજન કરવા દિવસ-રાત એક કરી દીધા હતા. મને પૂરો વિશ્વાસ છે કે Accessible India ના આપણા વિઝનને સાકાર કરવામાં આ પ્રકારના અભિયાન ઘણાં જ કારગર સાબિત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે મન કી બાતમાં હું એક એવા વિષય પર વાત કરીશ જેમાં આપને આનંદ પણ આવશે, ગર્વ પણ થશે અને આપ કહી ઉઠશો – વાહ ભાઈ વાહ...દિલ ખુશ થઈ ગયું. દેશની સૌથી જૂની સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાંની એક બેંગાલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. મન કી બાતમાં અગાઉ હું આની ચર્ચા કરી ચૂક્યો છું કે કેવી રીતે આ સંસ્થાની સ્થાપનાની પાછળ ભારતની બે મહાન વિભૂતીઓ જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહી છે તો તમને અને મને આનંદ અને ગર્વ આપનારી વાત એ છે કે વર્ષ 2022માં આ સંસ્થાના નામે કુલ 145 પેટન્ટ રહેલી છે. તેનો મતલબ છે – દર પાંચ દિવસે બે પેટન્ટ. આ રેકોર્ડ પોતાનામાં જ એક અદભૂત છે. આ સફળતા માટે હું આઈઆઈએસસી ની ટીમને અભિનંદન પાઠવું છું. સાથીઓ, આજે પેટન્ટ ફાઈલિંગમાં ભારતનો ક્રમ 7મો અને ટ્રેડમાર્કમા 5મો ક્રમ છે. માત્ર પેટન્ટની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં લગભગ 50 ટકાની વૃદ્ધી થઈ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારતના રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે અને હવે તે 40 મા ક્રમે આવી ગયું છે, જ્યારે 2015માં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 80માં નંબરથી પણ પાછળ હતું. વધુ એક રસપ્રદ વાત હું આપને જણાવવા માગું છું. ભારતમાં છેલ્લા 11 વર્ષોમાં પહેલી વખત ડોમેસ્ટિક પેટન્ટ ફાઈલિંગની સંખ્યા ફોરેન ફાઈલિંગથી વધારે જોવા મળી છે. તે ભારતના વધતા વૈજ્ઞાનિક સામર્થ્યને પણ દેખાડે છે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીની ગ્લોબલ ઈકોનોમીમાં નોલેજ જ સર્વોપરી છે. મને વિશ્વાસ છે કે ભારતના Techade નું સપનું આપણા ઈનોવેટર્સ અને તેમની પેટન્ટના દમ પર ચોક્કસથી પૂરું થશે. તેનાથી આપણે બધા આપણા જ દેશમાં તૈયાર વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનો ભરપૂર લાભ લઈ શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ, NaMoApp પર મેં તેલંગણાના એન્જિનિયર વિજય જીની એક પોસ્ટ જોઈ. તેમાં વિજયજીએ ઈ-વેસ્ટ વિશે લખ્યું છે. વિજયજીનો આગ્રહ છે કે હું મન કી બાતમાં આ વિષય પર ચર્ચા કરું. આ કાર્યક્રમમાં પહેલાં પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની વાત કરી હતી, પરંતુ આવો આજે તેનાથી જ જોડાયેલી ઈ-વેસ્ટની ચર્ચા કરીએ.
સાથીઓ આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ સામાન્ય થઈ ગયી છે. આખા દેશમાં તેની સંખ્યા અબજોમાં હશે. આજના લેટેસ્ટ ડિવાઈસ ભવિષ્યના ઈ-વેસ્ટ પણ હોય છે. જ્યારે કોઈ નવી ડિવાઈસ ખરીદે છે અથવા પોતાની જૂની ડિવાઈસ બદલે છે તો એ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે કે તેને બરાબર રીતે discard કરવામાં આવે છે કે નહીં. જો ઈ-વેસ્ટને બરાબર રીતે dispose કરવામાં ન આવે તો તે આપણા પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સાવધાની પૂર્વક જો તેને કરવામાં આવે છે તો તે રિસાયકલ અને રિયૂઝની સર્ક્યૂલર ઈકોનોમીની(CIRCULAR ECONOMY) બહુ જ મોટી તાકાત બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે 50 મીલિયન ટન ઈ-વેસ્ટ ફેંકવામાં આવે છે. તમે અંદાજો લગાવી શકશો કે કેટલો હશે? માનવ ઈતિહાસમાં જેટલા વ્યવસાયિક હવાઈજહાજ બન્યા છે તે બધાનું વજન ભેગું કરી દેવામાં આવે તો જેટલો ઈ-વેસ્ટ નીકળે છે તેને બરાબર પણ નહીં થાય. આ એવું છે જેમકે દર સેકન્ડે 800 લેપટોપ ફેંકી દેવાતા હોય. તમે જાણીને ચોંકી જશો કે અલગ-અલગ પ્રક્રિયાઓ મારફતે આ ઈ-વેસ્ટથી લગભગ 17 પ્રકારના કીંમતી ધાતુઓ Precious Metal કાઢી શકાય છે. તેમાં સોનું, ચાંદી, ત્રાંબુ, નિકલ સામેલ છે. તેથી જ ઈ-વેસ્ટનો સદુપયોગ કરવો, કચરાને કંચન બનાવવાથી જરા પણ ઓછું નથી. આજે એવા સ્ટાર્ટ-અપની અછત નથી જે આ દિશામાં ઈનોવેટિવ કામ કરી રહ્યા છે. આજે લગભગ 500 જેટલા E-Waste Recyclers આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ઘણાં બધા નવા ઉદ્યમીઓને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સેક્ટરે હજારો લોકોને સીધી રીતે રોજગારી પણ પૂરી પાડી છે. બેંગાલુરુની E-Parisara પણ આવા જ એક પ્રયત્નમાં જોડાયેલી છે. તેણે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કિમતી ધાતુઓને અલગ કરીને સ્વદેશી ટેક્નોલોજી વિકસિત કરી છે. આવી જ રીતે મુંબઈમાં કામ કરતી ઈકોરિકો એ મોબાઈલ એપથી ઈ-વેસ્ટ કલેક્ટ કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. ઉત્તરાખંડના રૂરકીની એટ્ટેરો રિસાયક્લિંગે તો આ ક્ષેત્રમાં દુનિયાભરમાં કેટલીયે પેટન્ટ મેળવી છે. તેણે પણ પોતાની ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ટેક્નોલોજી તૈયાર કરીને ઘણી જ નામના મેળવી છે. ભોપાલમાં મોબાઈલ એપ અને વેબસાઈટ – કબાડીવાલાની મદદથી ઘણા ટન ઈ-વેસ્ટ એકત્રિત કરાઈ રહ્યું છે. આવા તો કેટલાય ઉદાહરણો છે. આ બધા ભારતને ગ્લોબલ રિસાયક્લિંગ હબ બનાવવામાં મદદ કરી રહ્યા છે પરંતુ આવા initiative ની સફળતા માટે એક જરૂરી શરત એ પણ છે તે એ કે ઈ-વેસ્ટના નિકાલની સુરક્ષિત ઉપયોગી પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરતા રહેવા પડશે. ઈ-વેસ્ટના ક્ષેત્રમાં કામ કરનારા કહે છે કે અત્યારે દર વર્ષે માત્ર 15-17 ટકા ઈ-વેસ્ટને જ રિસાયકલ કરવામાં આવી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયર્સિટીના રક્ષણની ઘણી ચર્ચા થાય છે. આ દિશામાં ભારતના નક્કર પ્રયત્નો વિશે આપણે સતત વાત કરીએ છીએ. ભારતે તેની વેટલેન્ડ માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ઘણું સારું લાગશે. કેટલાક શ્રોતાઓ વિચારી રહ્યા હશે કે વેટલેન્ડ શું હોય છે? વેટલેન્ડ સાઈટ એટલે એ જગ્યા જ્યાં દળદાર માટીવાળી જમીન પર આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે. થોડા દિવસ પછી 2 ફેબ્રુઆરીએ જ વર્લ્ડ વેટલેન્ડ ડે છે. આપણી ધરતીના અસ્તિત્વ માટે વેટલેન્ડ ઘણી જ જરૂરી છે કારણ કે તેના પર ઘણાંબધા પક્ષીઓ, જીવ-જંતુઓ નિર્ભર હોય છે. તે બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવાની સાથે પૂર નિયંત્રણ અને ભૂમિગત જળ સંચય પણ સુનિશ્ચિત કરે છે. તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે રામસર સાઈટ એવા વેટલેન્ડ હોય છે જે આંતરરાષ્ટ્રીય મહત્વ ના છે. વેટલેન્ડ ભલે કોઈ દેશમાં હોય પરંતુ તેણે અનેક માપદંડોને પૂરા કરવાના હોય છે, ત્યારે જઈને તેને રામસર સાઈટ જાહેર કરવામાં આવે છે. રામસર સાઈટ્સમાં 20 હજાર અથવા તેનાથી વધારે વોટર બર્ડ્સ હોવા જોઈએ. સ્થાનિક માછલીઓની પ્રજાતિઓની મોટી સંખ્યા હોવી જરૂરી છે. આઝાદીના 75 વર્ષ પર અમૃત મહોત્સવ દરમિયાન રામસર સાઈટ્સ સાથે જોડાયેલી એક સારી વાત આપની સાથે વહેંચવા માંગુ છું. આપણા દેશમાં રામસર સાઈટ્સની કુલ સંખ્યા હવે 75 થઈ ગઈ છે, જ્યારે 2014 પહેલાં દેશમાં માત્ર 26 રામસર સાઈટ્સ હતી. તેના માટે સ્થાનિક સમુદાય ધન્યવાદને પાત્ર છે. જેમણે આ બાયોડાયવર્સિટીને સાચવીને રાખી છે. આ પ્રકૃતિ સાથે સદભાવપૂર્વક રહેવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાનું પણ સન્માન છે. ભારતના આ વેટલેન્ડ્સ આપણા પ્રાકૃતિક સામર્થ્યનું પણ ઉદાહરણ છે. ઓડિશાનુ ચિલ્કા સરોવર 40થી વધારે WaterBird Species ને આશ્રય આપવા માટે જાણીતું છે. કઈબુલ-લમજાહ, લોકટાકને Swamp Deerનું એકમાત્ર Natural Habitat માનવામાં આવે છે. તામિલનાડુના વેડન્થાંગલને 2022માં રામસર સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીંયાની બર્ડ પોપ્યુલેશનને સાચવવાનો બધો જ શ્રેય આસપાસના ખેડૂતોને જાય છે. કાશ્મીરમાં પંજાથ નાગ સમુદાય Annual Fruit Blossom festival દરમિયાન એક દિવસ ખાસ ગામડાંના ઝરણાંની સાફ-સફાઈ માટે રાખે છે. World’s Ramsar Sites માં મોટાભાગે Unique Culture Heritage પણ છે. મણિપુરનું લોકટાક અને પવિત્ર સરોવર રેણુકા સાથે ત્યાંની સંસ્કૃતિનુ ઘણુ ઉંડું જોડાણ રહ્યું છે. આવી જ રીતે Sambhar નો સંબંધ માં દુર્ગાના અવતાર શાકમ્ભરી દેવી સાથે પણ છે. ભારતમાં વેટલેન્ડનો આ વિસ્તાર એ લોકોને કારણે શક્ય બની શકે છે જે રામસર સાઈટ્સની આસપાસ રહે છે. હું એવા બધા લોકોની ઘણી જ પ્રશંસા કરું છું, મન કી બાતના શ્રોતાઓ તરફથી તેમને શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે આપણા દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી જ તીવ્ર ઠંડી પડી. આ ઠંડીમાં લોકોએ પહાડો પર બરફવર્ષા ની પણ ખૂબ મજા લીધી. જમ્મુ-કાશ્મીરથી કેટલીક એવી છબીઓ આવી જેણે આખા દેશનું મન મોહી લીધું. સોશિયલ મીડિયા પર તો આખી દુનિયાના લોકો આ છબીને પસંદ કરે છે. બરફવર્ષાને કારણે આપણી કાશ્મીર ખીણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી જ સુંદર થઈ ગઈ છે. બનીહાલ થી બડગામ જતી ટ્રેનનો વીડિયો પણ લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. સુંદર બરફવર્ષા, ચારેય તરફ સફેદ ચાદર જેવો બરફ. લોકો કહી રહ્યા છે કે આ દ્રશ્ય પરીઓની કથાઓ જેવું લાગે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ કોઈ વિદેશની નહીં, પરંતુ આપણા જ દેશના કાશ્મીરની છબીઓ છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે – સ્વર્ગ આનાથી વધારે સુંદર શું હશે? તે વાત બિલકુલ સાચી છે. ત્યારે જ તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમે પણ આ છબીઓને જોઈને કાશ્મીરની મુલાકાત લેવાનું જરૂર વિચારતા હશો. હું ઈચ્છીશ કે તમે પોતે પણ જાઓ અને તમારા સાથીઓને પણ લઈ જાઓ. કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો, પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે અન્ય પણ ઘણું જોવાનું અને જાણવાનું છે. જેમ કે કાશ્મિરના સૈયદાબાદમાં વિન્ટર ગેમ્સ આયોજિત કરવામાં આવી હતી. આ ગેમ્સની થીમ હતી – સ્નો ક્રિકેટ. તમે વિચારી રહ્યા હશો કે સ્નો ક્રિકેટ તો ઘણી જ રોમાંચક રમત હશે – તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો. કાશ્મીરી યુવાનો બરફની વચ્ચે ક્રિકેટને વધુ અદભુત બનાવી દે છે. તેને મારફતે કાશ્મીરમાં એવા યુવા ખેલાડીઓની શોધ પણ થાય છે જે આગળ વધીને ટીમ ઈન્ડિયા તરફથી પણ રમશે. આ પણ એક રીતે ખેલો ઈન્ડિયા મૂવમેન્ટનું વિસ્તરણ જ છે. કાશ્મીરમાં યુવાનોમાં રમતોને લઈને ઉત્સાહ ઘણો જ વધી રહ્યો છે. આવનારા સમયમાં આમાંથી કેટલાય યુવાનો દેશ માટે મેડલ જીતશે, તિરંગો લહેરાવશે. મારું આપને સૂચન હશે કે હવે પછી તમે જ્યારે કાશ્મીરની યાત્રા પ્લાન કરો તો આવા આયોજનોને જોવા માટે પણ સમય કાઢજો. આ અનુભવ આપની યાત્રાને વધુ યાદગાર બનાવી દેશે.
મારા પ્રિય દેશવાસીઓ, ગણતંત્રને મજબૂત કરવાના આપણા પ્રયત્નો સતત ચાલતા રહેવા જોઈએ. ગણતંત્ર મજબૂત થાય છે જન-ભાગીદારીથી, બધાના પ્રયત્નોથી, દેશ પ્રત્યેના પોતપોતાના કર્તવ્યોને નિભાવવાથી, અને મને સંતોષ છે કે આપણી મન કી બાત આવા કર્તવ્યનિષ્ઠ સેનાનીઓનો બુલંદ અવાજ છે. હવે પછી ફરી મુલાકાત થશે આવા કર્તવ્યનિષ્ઠ લોકોની રસપ્રદ તથા પ્રેરક ગાથાઓની સાથે.
ખૂબ ખૂબ ધન્યવાદ....
People from across the country have shared their thoughts with PM @narendramodi about Republic Day celebrations held at Kartavya Path. #MannKiBaat pic.twitter.com/k6gwaLgaqg
— PMO India (@PMOIndia) January 29, 2023
Request everyone to know in detail about the inspirational life of the Padma awardees and share with others as well: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/6LOtr0QbBi
— PMO India (@PMOIndia) January 29, 2023
India is the Mother of Democracy. #MannKiBaat pic.twitter.com/S0hGQAOT7i
— PMO India (@PMOIndia) January 29, 2023
Just as people have made yoga and fitness a part of their lives, they are increasingly making millets a part of their diet. #MannKiBaat pic.twitter.com/tD71i5Q4Nz
— PMO India (@PMOIndia) January 29, 2023
A unique 'Purple Fest' was organised in Goa recently for the divyangjan. #MannKiBaat pic.twitter.com/7GqEaCzQMz
— PMO India (@PMOIndia) January 29, 2023
Proper disposal of e-waste can become a great force to build a circular economy. #MannKiBaat pic.twitter.com/2xUfo3TySg
— PMO India (@PMOIndia) January 29, 2023
India has been taking concrete efforts towards conservation of biodiversity. #MannKiBaat pic.twitter.com/l9cxoxZxqH
— PMO India (@PMOIndia) January 29, 2023
There is a lot of enthusiasm among the youth of Jammu and Kashmir regarding sports. This was seen during the recently organised Winter Games. #MannKiBaat pic.twitter.com/VZCzh4JCkB
— PMO India (@PMOIndia) January 29, 2023