સંદેશને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સરકારના કામ અને લોકોના જીવનને સુધારવાના પ્રયાસો વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે ભાજપના વિકાસના એજન્ડા, ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અને વધુનો ઉલ્લેખ કર્યો.
પ્રશ્ન : આપ હવે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છો ત્યારે દેશના વિકાસની સાથે ગુજરાત પણ સૌથી સમૃદ્ધ રાજ્ય બનશે. ગુજરાત માટે આપનું વિઝન શું છે? આપ ગુજરાતના પનોતા પુત્ર છો અને ગુજરાતને પણ આપની પાસે એવી અપેક્ષા છે કે કેન્દ્ર પાસેથી વધુમાં વધુ સહાય મળે. આ વિશે આપનું શું મંતવ્ય છે?
જવાબ : સૌ પ્રથમ તો, અમે ત્રીજી વખત સરકાર બનાવીશું એવા તમારા ભરોસા માટે હું તમારો આભાર માનું છું. હું 2001માં જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાતની જીએસડીપી (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) લગભગ એક લાખ કરોડ જેટલી હતી, આજે એ વધીને 22 લાખ કરોડ કરતા પણ વધુની થઇ છે. છેલ્લા બે દાયકામાં, ગુજરાતે કૃષિ ક્ષેત્ર અને સર્વિસ સેકટરમાં જબરજસ્ત કાઠું કાઢ્યું છે. ભારતની માત્ર પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાત માટે આગામી બે ત્રણ વર્ષમાં ભારતની જીડીપીમાં દસ ટકા યોગદાન અને પાંચસો બિલિયનનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આજે ગુજરાત ઘણાં ક્ષેત્રોમાં મોખરે અને અગ્રેસર છે. ગુજરાત આજે ડ્રીમ સિટી, ગિફ્ટ સિટી, સેમીકોન સિટી સહિતના અનેક ભાવિ પ્રોજેક્ટ્સ અને રોકાણોનું આયોજન કરે છે. ભારતનું પ્રથમ પ્લાન્ડ ગ્રીન ફિલ્ડ સિટી અને ધોલેરા SIR ગુજરાતમાં આવી રહ્યું છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈને જોડશે. વડોદરામાં એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં છે. ગુજરાતી પ્રજાની તાસીર સમયથી આગળ રહેવાની અને વિચારવાની છે. ગુજરાત સેમી કન્ડકટર્સ, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રીક વેહીકલ્સ, રીન્યુએબલ એનર્જી અને સ્માર્ટ ગ્રીન ફિલ્ડ શહેરો જેવા વ્યૂહાત્મક અને વિકસતા ક્ષેત્રોમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે અગ્રેસર છે. ભારતમાં સર્વપ્રથમ ધોલેરામાં સેમી કન્ડક્ટર ઉત્પાદન માટેની સુવિધા મળી છે. કચ્છમાં ભારતનો સૌથી મોટો હાઇ બ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. ગુજરાત એટલે વિકાસ. ગુજરાત ભારતના વિકાસને વેગ આપે છે. અમારી સરકારનો આ ગતિશીલ રાજ્યને સંપૂર્ણ સાથ છે. ભારતની વૃદ્ધિ અને સૌની સમૃદ્ધિની યાત્રામાં ગુજરાતનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. હું તમને ખાતરી આપવા માગું છું કે, કેન્દ્ર સરકાર હંમેશાં ગુજરાતના લોકોની સાથે ઉભી છે અને રહેશે. ડબલ એન્જિન સરકારની સકારાત્મક અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી સમયમાં આ ડબલ એન્જિન સરકાર લોકોને વધુ ને વધુ ફાયદો કરાવતી રહેશે.
પ્રશ્ન : ત્રીજી ટર્મ સાથે અમૃતકાળમાં ઈતિહાસ રચાશે. ગુજરાતની નેતાગીરી કેન્દ્રમાં છે ત્યારે કોને શ્રેય આપો છો?
જવાબ : સૌથી પહેલા તો હું ગુજરાતના લોકોનો આભાર માનું છું કે તેઓ સારી-નરસી દરેક પરિસ્થિતિમાં અમને આશીર્વાદ આપતા રહે છે. જ્યારે અનેક શક્તિશાળી તત્વો અમારા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતના લોકો મજબૂત ખડકની જેમ અમારી પડખે ઉભા રહ્યા હતા. અમારા પર આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે ગુજરાતના લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ, ગુજરાતીઓ વિકાસના પંથે આગળ વધતા રહ્યા અને પોતાની જાતને ક્યારેય ગેરમાર્ગે દોરાવા કે વિચલીત થવા ન દીધી. ગુજરાતના લોકોએ અમને તેમની સેવા કરવા, તેમની પાસેથી શીખવા અને અમારા કાર્યને સુધારવામાં મદદ કરી છે. ગુજરાતની જનતાએ અમને એવા સ્તરે મૂક્યા છે જેથી અમે ભારતની સેવા કરી શકીએ. હું ભાગ્યશાળી છું કે દેશની જનતાએ અમને બે ટર્મ આપી અને મોટા જનાદેશની સાથે ત્રીજી ટર્મ માટે પાછા લાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક સ્તરે લોકોનો તેમના નેતાઓ અને સરકાર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારતની સ્થિતિ તેનાથી તદન વિપરીત છે. હું ગુજરાત અને દેશના લોકોનો આભાર માનું છું કે, તેમણે અમારા પર અપાર વિશ્વાસ મૂક્યો છે અને વિકાસના અમારા ટ્રેક રેકોર્ડ પર મંજૂરીની મહોર મારી છે.
પ્રશ્ન : આપે પહેલા ગુજરાતની કાયાપલટ કરી હતી. ગુજરાતના વિકાસ મોડલ બાદ દેશને પણ વૈશ્વિક વિકાસનો એક હિસ્સો બનાવી દેશમાં પણ વિકાસ મોડલ સફળ રીતે સ્થાપિત કર્યું. આ સફળતાને આપ કેવી રીતે મૂલવશો?
જવાબ : સૌ પ્રથમ આ મુદ્દાને ઉજાગર કરવા બદલ હું તમારો આભાર માનું છું. તમારા નિરીક્ષણને દાદ આપું છું. 2001માં શક્તિશાળી ભૂકંપથી કચ્છ તબાહ થઈ ગયું હતું. લોકો વિચારતા હતા કે, ગુજરાત હવે બીજી વખત બેઠું નહીં થઈ શકે. ગુજરાત પાછું બેઠું થયું. હું માનું છું કે, તે લોકોની હિંમત અને ટકી રહેવાની ક્ષમતાને આભારી છે. ભૂકંપે અમને ગુજરાતના વિકાસનું પુનઃમૂલ્યાંકન કરવા અને વિઝનને નવેસરથી સમજવા માટે પ્રેરિત કર્યાં હતા. એ કારણે જ અમે નવું સર્વગ્રાહી મોડલ તૈયાર કરી શક્યા. આ અનોખા મોડેલે વિશ્વમાં ઉત્સુકતા જગાવી છે. ગુજરાત મોડલ સર્વગ્રાહી છે. આ મોડલ ગુજરાતના વિકાસમાં સમાન અને સક્રિય રીતે યોગદાન આપવા માટે કૃષિ ઉદ્યોગો અને સેવાઓ સહિતના તમામ ક્ષેત્રોને સશક્ત બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત સતત બે આંકડામાં જીડીપી અને કૃષિ વિકાસ દર હાંસલ કરતું એક માત્ર રાજ્ય છે. ગુજરાતના ખેડૂતો અભૂતપૂર્વ સમૃદ્ધિના સાક્ષી છે. ઈઝ ઓફ બિઝનેસ'નો ખ્યાલ સૌ પ્રથમ ગુજરાતમાં શરુ થયો છે. આ ખ્યાલ રોકાણ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણ પૂરું પાડે છે. દેશમાં અન્યત્ર વ્યાપક ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ગુજરાત સહી સલામત રહ્યું છે. અમે રોકાણકારો માટે લાલ જાજમ પાથરી અને કામગીરી વધુ સરળ બનાવી. અમે રોકાણકારો માટે ટેકનોલોજીની મદદથી રહેવાની સરળતા ઉભી કરી. આ મોડેલે યુવાનોમાં કૌશલ્ય વધારવા માટે ઘણી પ્રેરણા પૂરી પાડી છે. ગુજરાતના કૌશલ્ય વર્ધન કેન્દ્રોને તેમની કામગીરી બદલ 2013માં વડાપ્રધાનનો શ્રેષ્ઠતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે, જનભાગીદારી એ વિકાસને એક લોકચળવળ બનાવવા માટે પાયાનો પથ્થર જેવી ભૂમિકા ભજવી છે.
જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મારો મંત્ર ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ હતો. હવે હું દિલ્હીમાં છું ત્યારે મારો અભિગમ એવો જ રહ્યો છે. આજે અમે એ સુનિશ્ર્ચિત કરી રહ્યા છીએ કે, ભારત વૈશ્વિક વિકાસના એન્જિન તરીકે કામ કરે. દુનિયા માટે ભારત વિકાસનું પ્રતીક છે. દરેક વ્યક્તિ ભારતના વિકાસ અને યોગદાનની વાત કરે છે. એક અહેવાલ જણાવે છે કે. વૈક્વિક વૃદ્ધિમાં ભારતનો સોળ ટકા ફાળો છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. IMF-ઈન્ટરનેશનલ મોનિટરી ફંડની વિગતો મુજબ ઉભરતા અને વિકસતા દોઢસો દેશોનું એક જૂથ છે. 1998માં ભારતની માથાદીઠ જીડીપી વિકસતા દેશોના જૂથમાં ત્રીસ ટકા હતી જે 2004માં વધીને પાંત્રીસ ટકા થઈ હતી. 2004થી 2014ની વચ્ચે તે પાંત્રીસ ટકાથી ઘટીને ત્રીસ ટકા થઈ ગઈ. એ હિસાબે આવક અન્ય દેશોની સરખામણીમાં ધીમી રહી 2014માં તે ત્રીસ ટકા હતી. 2019માં સાડત્રીસ ટકા સુધી લઈ જવામાં અમને સફળતા મળી. એ પછી 2024માં 42 ટકા સુધી પહોંચાયું. આ એક મોટી છલાંગ છે. અમારા કાર્યકાળ દરમિયાન ભારતની પ્રગતિ સમગ્ર વિશ્ર્વની સરખામણીમાં વધી છે. હું માનું છું કે, સાત કરોડ ગુજરાતીઓ રાજ્યની સિદ્ધીઓ પાછળનું સૌથી મોટું પ્રેરકબળ છે. જ્યારે 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસો રાષ્ટ્રને આગળ ધપાવી રહ્યા છે. લોકો જ ઈન્ડિયા મોડલ ચલાવે છે.
પ્રશ્ન : ગુજરાત આપની કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારના ક્યા નિર્ણયો તમને દેશના શાસન દરમિયાન ઉપયોગી બન્યા છે?
જવાબ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરી દરમિયાન મને જે અનુભવ મળ્યો અને શીખવા મળ્યું એણે મારા અભિગમને અનોખો આકાર આપ્યો છે. આ અભિગમ રાષ્ટ્રના શાસન અને વહીવટમાં મહત્ત્વનો રહ્યો છે. ગુજરાતે મને ઘડ્યો છે, મને શીખવ્યું છે. મને આકાર અને ઓળખ ગુજરાત થકી મળી છે. હું એવો વડાપ્રધાન છું જેને મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેના કારણે હું પાયાના સ્તરે કેવી રીતે કામ થાય છે એને ખૂબ જ સંવેદનશીલતાથી જોઈ શકું છું. ગુજરાતના સીએમ તરીકેના મારા કામને કારણે જ મને આપણી જે શાસન વ્યવસ્થા છે એના માટે આદર છે. મેં ગુજરાતમાં જે પાઠ શીખ્યા છે તેણે મને દેશ સામેના જટિલ પડકારોનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યો છે. તમને એક ઉદાહરણ આપું. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારના ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે પ્લાન હતો એ મને દેશ માટે ખૂબ જ મદદરુપ બન્યો છે.
પ્રશ્ન : પ્રથમ સો દિવસનું આયોજન છે એમાં ગુજરાતને શું લાભ થશે?
જવાબ : ગુજરાતના લોકો મારી કામ કરવાની પદ્ધતિને સારી રીતે જાણે છે. 2014માં વડાપ્રધાન બન્યા પછી મારા પ્રથમ સો દિવસ દરમિયાન નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતના લોકો દાયકાઓથી જે ઝંખતા હતા એ સપનું પૂરું થયું. આખા દેશની જનતા જાણે છે કે, 2019ના પહેલા સો દિવસ દરમિયાન અમે આર્ટિકલ 370 અને ટ્રીપલ તલાકને નાબૂદ કરવા ઉપરાંત આતંકવાદ વિરોધી કડક કાયદા લાવવા જેવા ઘણાં મોટા અને મહત્ત્વના પગલાં લીધા છે. મારા ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસમાં ઘણું બધું થશે. લોકોએ અત્યાર સુધી જે જોયું છે એ તો માત્ર ટ્રેલર છે.
પ્રશ્ન : ગુજરાતમાં એવા ક્યા યાદગાર કામો તમારા શાસન દરમિયાન થયા છે જે તમારા દિલની નજીક છે?
જવાબ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરીમાં સૌથી વધુ જો કોઈ કામો મારા હ્રદયની નજીક હોય તો એ પાણી, શિક્ષણ અને વીજળીના કામો છે. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત પાણીની ગંભીર અછત સામે ઝઝૂમી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેન્કરો અને ટ્રેનો દ્વારા પાણી પહોંચાડાતું હતું. પાણીની અછત માત્ર વિકાસને અવરોધતી નહોતી પણ લોકોને સ્થળાંતર કરવા માટે પણ મજબૂર કરતી હતી. વૈજ્ઞાનિક અભિગમ અને અસરકારક અમલીકરણ દ્વારા અમે પાણી માટે અશક્ય લાગતું કામ સાકાર કરી બતાવ્યું. આજે ગુજરાતના દરેક ઘરમાં પાણી પહોંચે છે. ખેડૂતોને સિંચાઈ માટે સતત પાણી પુરવઠો મળતો હોવાથી તેમની આવકમાં વધારો થાય છે. અગાઉના સમયમાં લોકો એવું ઈચ્છતા હતા કે, એટલીસ્ટ રાતના ભોજન સમયે વીજળી મળી રહે. જ્યોતિગ્રામ જેવી યોજનાઓ થકી અમે લોકોને ચોવીસ કલાક વીજળી પુરવઠો આપ્યો. આ પરિવર્તનથી લોકોની જિંદગીમાં નોંધપાત્ર સુધારો થયો અને સમગ્ર રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ગુજરાતમાં દીકરીઓના ડ્રોપ આઉટના ઉંચા દરને ઘટાડવો એ અમારી પ્રાથમિકતા હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી યોજનાઓથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અમને સફળતા મળી છે. મે અને જૂનના કાળઝાળ ઉનાળાની ગરમીમાં હું વ્યક્તિગતરીતે ગામડાંઓમાં કેમ્પ કરતો હતો અને દીકરીઓને શાળાએ મોકલવા માટે વિનંતીઓ કરતો. આ પાયાના પ્રયાસોને કારણે ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો અને ગુજરાતામાં શૈક્ષણિક ક્રાંતિ સર્જાઈ.
પ્રશ્ન : આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં જ પહેલીવાર ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટનું સફળ આયોજન કરી દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ગુજરાતમાં આવવા વિશેષ આકર્ષિત કર્યા. હવે વડાપ્રધાન બન્યા પછી ભારતને વિશ્ર્વના પાંચ ટોચના અર્થતંત્રમાં સ્થાન અપાવ્યું. હવે આવનારા સમયમાં દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે આપનો રોડમેપ શું છે?
જવાબ : 2014માં જ્યારે અમે સત્તા ઉપર આવ્યા ત્યારે ભારત વિશ્વની અગિયારમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા હતી. આજે આપણે પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છીએ. હવે પછીની ટર્મ માટે અમારું લક્ષ્ય ભારતને વિકવની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાનું છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફડની વિગતો મુજબ આવતા વર્ષે જ ભારત ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતના નાજુક અર્થતંત્રને ગતિશીલ બનાવવાની સફર નોંધપાત્ર અને શાનદાર રહી છે. વિકસિત ભારતના અમારા રોડમેપમાં દરેક ભારતીયના વિકાસનો સમાવેશ થાય છે. દરેક નાગરિકને વ્યવસાય અને રોજગારીની તકો, એક ક્લિક પર સરકારી સેવાઓ, વિકવ સાથે કનેકટીવિટી, આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચર મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું લક્ષ્ય છે. દરેક ભારતીયને વિશ્વના તમામ ખૂણે સામાજિક, બાર્થિક સહિતના ક્ષેત્રોમાં સ્થાન મળે એવા અમારા પ્રયાસો છે. છેલ્લા એક દાયકામાં વિવિધ સુધારાઓ હાથ ધરીને એક ઈકો સિસ્ટમ બનાવી છે. બિઝનેસ કરવાની સરળતામાં 2014ની સાલમાં ભારત 142માં સ્થાનેથી 63મા ક્રમે પહોંચ્યું છે. 2013માં ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ત્રીસ બિલિયન ડોલરથી ઓછુ હતું. હવે તે સૌ અબજ ડોલરથી વધુ છે. મોબાઈલના આયાતકાર દેશમાંથી હવે આપણે હવે મોબાઈલ ફોનના નિકાસકાર બની ગયા છીએ. ભારતમાં વેચાતા તમામ મોબાઈલ ફોનમાંથી 97 ટકા મોબાઈલ ભારતમાં બનેલા છે. 2024માં ત્રીસ ટકા ઉત્પાદન નિકાસ માટે જ થવાનું છે. એ જ રીતે ઈલેક્ટ્રીક વેફીકલ સેક્ટરમાં અમે ઈવી નીતિને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભારતને તમે ઈંવી હબ તરીકે ઉભરતું જોશો. હું તમને સેમી કન્ડક્ટર ઉદ્યોગનું વધુ એક ઉદાહરણ આપવા માગું છું. અમે લાંબા સમય પહેલા બસ ચૂકી ગયા હતા પરંતુ બાજે આપણે ભારતને સેમી કન્ડક્ટર હબ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સેમીકન્ડક્ટર ફેબ્સ, ડિસ્પ્લે ફેબ્સ, સિલીકોન ફોટોનીક્સ વગેરે માટે પ્રોત્સાહક યોજના શરુ કરી છે. સેમીકન્ડક્ટર પ્લાન્ટથી લાખો નોકરીઓનું સર્જન થશે. આજે આપણે વૈવિક સ્તરે ભરોસાપાત્ર બિઝનેસ પાર્ટનર તરીકે ઓળખાવા લાગ્યા છીએ. દેશની સરક્ષણ નિકાસ સર્વોચ્ચ સ્થાને પહોંચી ચૂકી છે. 2013-14ની સાલમાં 686 કરોડ હતી તે 2022-23માં 2100 કરોડ સુધી પહોંચી છે. દેશશના ઉત્પાદનો ગર્વથી મેઈડ ઈન ઈન્ડિયા ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધુ પીએલઆઈ (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ)ને આભારી છે. અમે દેશને વૈક્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે 14 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પીએલઆઈ કારું કર્યું, તેના કારણે 8.61 લાખ કરોડનું વેચાણ શક્ય બન્યું અને 6.78 લાખથી વધુ રોજગારીનું સર્જન થયું, નિકાસની વાત કરીએ તો ભારત પરંપરાગત કોમોડીટીમાંથી હવે વેલ્યુ એડેડ પ્રોડ્કટની વધુ નિકાસ કરે છે. બુલેટ ટ્રેનથી લઈને વદે ભારત ટ્રેનો, નવા એરપોર્ટ ટર્મિનલથી લઈને ફ્રેઈટ કોરિડોર સુધીના કામોમાં અમે કોઈ કસર છોડી નથી. સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી પહેલથી સવા લાખથી વધુ સ્ટાર્ટ અપ શરૂ થયા છે. ભારતનું મેન્યુફેક્ચરીંગ સેક્ટર 59.1 સાથે સોળ વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ બધુ માત્ર મોટા પ્રોજેક્ટ્સ વિશે જ નથી, ગ્રામીણ અને નાના શહેરોમાં સ્થાનિક વપરાશ વધી રહ્યો છે તે એવું સાબિત કરે છે કે, આર્થિક પ્રવૃત્તિઓના ફાયદા દરેક ખૂણે
પહોંચી રહ્યા છે.
પ્રશ્ન : તમારા મતે એવું કયુ તત્ત્વ છે કે ગુજરાત તમને તમામ 26 બેઠકો આપે છે?
જવાબ : ગુજરાત સાથે ભાજપનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ રહ્યો છે. આ સંબંધ ચૂંટણીઓ કરતા પણ વિશેષ છે. સૌથી કપરા પડકારો વખતે પણ ભાજપ રાજ્યના લોકો સાથે ઉભો રહ્યો છે. પહેલી વાર મતદાન કરવાના છે એવા યુવાઓ કદાચ જાણતા નહી હોય કે ગુજરાત એક સમયે એવું રાજ્ય હતું જ્યાં છાશવારે રમખાણો, નાણાંકીય કટોકટી, વીજળીની અછત, પાણીની અછત અને માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. રાજ્ય આજે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ગુજરાત એક એવી બ્રાન્ડ બની ગયું છે જેને આખું વિશ્વ ઓળખે છે. ગુજરાત માટે ભાજપ સહજ અને શ્રેષ્ઠ શાસક તરીકે ઉભરી આવ્યો હતો અને હવે આખો દેશ તેનો સાક્ષી છે. ગુજરાત સાથે ભાજપનો પારિવારિક નાતો છે. ગુજરાતના લોકો સાથે અમે એક પછી એક અનેક પડકારોનો સામનો કર્યો છે. ગુજરાત અને ભાજપ વચ્ચે જે જોડાણ સર્જાયું છે એ જ લોકોને અમારી પાર્ટી તરફ વારંવાર આકર્ષિત કરે છે.
પ્રશ્ન : આમ તો વડાપ્રધાન તરીકે તમારા માટે તમામ રાજ્યો સરખા જ હોય. પણ ગુજરાતની વાત આવે ત્યારે તમારા ચહેરા પર ખાસ આનંદ હોય છે. ગુજરાત માટે પક્ષપાત હોવાનું પણ ઘણાં લોકો કહે છે. તમે શું કહેશો?
જવાબ : દેશના વડાપ્રધાન તરીકે મોદી માટે તમામ રાજ્યો એક સરખા મહત્તવના છે. અમે બહુ જ સ્પષ્ટ છીએ કે, જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે. જો શરીરનું કોઈ એક અંગ બીમાર હોય તો તેની અસર આખા શરીર ઉપર પડે છે. જો દેશનો કોઈ ભાગ પાછળ રહી જાય તો દેશ પણ પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકતો નથી. વિકાસના એજન્ડાની વાત આવે છે ત્યારે દરેક રાજ્ય મારા માટે પ્રાથમિકતા ધરાવે છે. વ્યક્તિગત રીતે વાત કરું તો ગુજરાત મારી જન્મભૂમિ છે. હું જન્મભૂમિને મારી માતા તરીકે જોઉં છું. ગુજરાત મારા માટે વિશેષ છે.
પ્રશ્ન : ગુજરાત માટે મોદીની ગેરન્ટી એટલે શું?
જવાબ : ગુજરાતના યુવાનો માટે વધુ તકો એ મોદીની ગેરન્ટી છે. ગુજરાતના વિકાસને વેગ આપવા માટે ગુજરાતમાં વધુ રોકાણ અને ગુજરાતના વિકાસને વેગ આપવો એ મારી ગેરન્ટી છે. ગુજરાતની નારી શક્તિને વધુ સક્ષમ બનાવવી અને લખપતિ દીદીઓ બનાવવી એ મારી ગેરન્ટી છે. ગુજરાતના લોકોના જીવનને સરળ બનાવવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું એ મારી ગેરન્ટી છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવું અને ભારતની વિકાસ ગાથામાં ગુજરાતને સ્થાન અપાવવું એ મારી ગેરન્ટી છે. અમારા સંકલ્પપત્રમાં અમે જે ગેરન્ટીઓ આપી છે એ ગુજરાતની સાહસિકતાને વેગ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. ગુજરાત ઓટો મોબાઈલ સેક્ટરનું હબ છે ત્યારે ઈલેકટ્રીક વેહીકલને લગતા નિયમોમાં અમે જે સુધારાઓ કરીશું તેનાથી ઘણો ફાયદો થશે. અમારા સંકલ્પપત્રમાં અમે ભારતને સેમી કન્ડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરીંગ હબમાં પરિવર્તિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાત આ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમે સંકલ્પ પત્રમાં ત્રણ બુલેટ ટ્રેનનું વચન આપ્યું છે. બુલેટ ટ્રેન મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય હશે. આ બુલેટ ટ્રેન ભારતમાં રેલવેની મુસાફરી માટે બેન્ચમાર્ક તરીકે ઓળખાશે. અમારા મેનીફેસ્ટોમાં ગ્રીન એનર્જીને વિશેષ સ્થાન અપાયું છે. ગ્રીન એનર્જી વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. ગુજરાત નજીકના ભવિષ્યમાં રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવા માગીએ છીએ. ગુજરાતમાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતિ છે. અમે અમારા મેનીફેસ્ટોમાં તેમની વિશિષ્ઠ સંસ્કૃતિ, ઔષધી, પરંપરાઓને, ભાષાઓને વધુ મજબૂત બનાવવાનું, સાચવવાનું અને રક્ષણ કરવાનું વચન આપ્યું છે. અમે નાના વેપારીઓ અને એમએસએમઈના વિકાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરીશું. તેનાથી ગુજરાતની બિઝનેસ ઈકો સિસ્ટમને મોટો ફાયદો થશે. ગુજરાતને મોખરે રાખીને અમે ભારતને લેબગ્રોન ડાયમંડ સૌથી મોટું ઉત્પાદક બનાવીશું. ગુજરાત માટે મોદી ગેરન્ટી એ છે કે, તેને એક મોડેલ સ્ટેટ બનાવવું. વિકાસ, સુશાસન અને ઔદ્યોગિક ક્રાંતિ માટે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરીને દરેક ગુજરાતીની સુખાકારીને સુનિશ્ર્ચિત કરવી.
પ્રશ્ન : કોંગ્રેસે મુસ્લિમ અનામતની વાત કરી છે એ મુદ્દો આપે ક્યા કારણોથી ઉઠાવ્યો છે?
જવાબ : કોગ્રેસ પાર્ટીના ઈરાદા ખૂબ જ ચિંતાજનક છે. સરકારી ટેન્ડરોની વાત હોય કે નોકરીઓની, તેમના મેનીફેસ્ટોમાં મુસ્લિમોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ગેરબંધારણીય રીતે આરક્ષણ આપ્યું છે. એનો સીધો અર્થ એ થયો કે, એસસી, એસટી, ઓબીસી સમાજ માટેની અનામત ઘટાડવામાં આવ્યું. ધર્મ આધારિત આરક્ષણ આપણા બંધારણની ભાવના વિરુદ્ધ છે. જ્યારે આપણું બંધારણ લખાઈ રહ્યું હતું ત્યારે બાબાસાહેબ અને આપણા બંધારણના અન્ય ઘડવૈયાઓએ ધર્મ આધારિત આરક્ષણને અયોગ્ય ગણ્યું હતું. હું કોંગ્રેસ પાર્ટીને લેખિતમાં આપવાનું કહું છું કે, તેઓ અમારા એસસી, એસટી અને ઓબીસી સમુદાયોનું આરક્ષણ લઘુમતીઓને નહીં આપે. જો કે તેમના તરફથી પીન ડ્રોપ સાયલન્સ એટલે કે સંપૂર્ણ મૌન છે.
પ્રશ્ન : આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમારા શાસન દરમિયાન જ ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહૂ, શી જિનપિંગ જેવા નેતાઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તમારા કારણે ગુજરાત વિશ્વમાં જાણીતું બન્યું છે. હજુ ગુજરાતને તમે કેવું જોવા માગો છો? તમારા સપનાનું ગુજરાત કેવું છે?
જવાબ : કોંગ્રેસના જમાનામાં દરેક પ્રસંગ દિલ્હી કેન્દ્રીત રાખવાની પ્રથા બની ગઈ હતી. જે લોકો મોદીને ઓળખે છે અને જે લોકો મને ગુજરાતના સમયથી ફોલો કરે છે તેમને ખબર છે કે, હું ગુજરાતના અલગ- અલગ શહેરોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતો હતો. જ્યારે વિદેશી મહાનુભાવોની ભારત મુલાકાતની વાત આવી ત્યારે અમે તેમને દેશના વિવિધ ભાગોમાં લઈ ગયા. ગુજરાતમાં અમે અમેરિકા, ઈઝરાયેલ અને ચીનના નેતાઓનું સ્વાગત કર્યું. થોડા સમય પહેલા જ અમે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદને ગુજરાત લાવ્યા હતા. ગુજરાતના લોકોએ એમનું ખુલ્લા દિલે સ્વાગત કર્યું અને તેમણે પણ ગુજરાતના ખૂબ વખાણ કર્યા. જ્યારે મારા સપનાના ગુજરાતની વાત આવે છે ત્યારે હું આ રાજ્યને અખૂટ તકોના મહાસાગર તરીકે જોઉં છું. હું ઈચ્છું છું કે, ગુજરાત યુવાનોના સપનાં સાકાર કરવા માટેનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન બને. હું ગુજરાતને એક વિકસિત અને ભવિષ્ય માટે સક્ષમ રાજ્ય તરીકે જોઉં છું. મારા સપનાનું ગુજરાત માત્ર રાષ્ટ્રના વિકાસને વેગ આપતું ન હોય પણ સમગ્ર વિશ્વ પણ ગુજરાતમાં અનેક શક્યતાઓ જુએ તેવું છે. હું ગુજરાતને એવા સ્થાન તરીકે જોઉં છું જ્યાં સમાજના તમામ વર્ગના લોકો સમૃદ્ધ બને અને પ્રગતિ કરે. છેલ્લા ત્રેવીસ વર્ષથી નક્કી કરેલા વિઝન સાથે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે.
પ્રશ્ન : આપ ગુજરાતના છો પરંતુ દેશના તમામ રાજ્યોમાં આપની લોકપ્રિયતા તમારા પહેલાના તમામ વડાપ્રધાનો કરતા વધુ છે. દેશભરના લોકો તમને જોવા અને સાંભળવા માટે ખૂબ ઉત્સુક છે. આ પાછળનું રહસ્ય શું છે?
જવાબ : હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે, લોકોએ મને આટલો પ્રેમ અને લાગણી આપ્યા છે. લોકોએ જોયું છે કે, મોદી તેમની દરેક ક્ષણ, દરેક મિનિટ ભારત માતા અને તેમના બાળકોની સેવામાં વીતાવે છે. જ્યાં સુધી મારા દેશવાસીઓ સુરક્ષિત ન હોય ત્યાં સુધી હું આરામ કરવાનું પસંદ કરતો નથી. યુદ્ધક્ષેત્રમાંથી બચાવવાના હોય કે કુટુંબના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે શ્રેષ્ઠ સારવાર કરાવવાની હોય, તેના માટે હું સતત સજાગ રહું છું. લોકો જુએ છે કે, મોદી દરેકના માથે છત, સ્વચ્છ પાણી અને દરેક ઘરમાં શૌચાલય કેવી રીતે સુનિશ્ર્ચિત કરે છે. મોદી ઘરની મહિલાઓને લખપતિ દીદી બનાવી રહ્યા છે, જેથી તેઓ પગભર થઈ શકે અને પરિવારના લોકોને પણ આગળ વધારી શકે. યુવાનો માટે તકો ઉભી કરવાના મારા સમર્પણને પણ લોકો સારી રીતે ઓળખે છે. તેમને ઘરબેઠાં વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા મારા પ્રયાસો છે. હું પરિવારના સભ્યની જેમ લોકો માટે સતત પ્રયત્નશીલ હોઉં છું તેથી જ તેઓને એવું લાગે છે કે, મોદી તેમના પરિવારનો જ એક હિસ્સો છે. 140 કરોડ દેશવાસીઓના સપનાઓ અને આકાંક્ષાઓ સાકાર કરવા માટે કામ કરવાની જે તક મળી તે માટે હું ખરેખર ભગવાનનો આભાર માનું છું.
પ્રશ્ન : આપ છેલ્લા દસ વર્ષથી દિલ્હીમાં છો, આપ ગુજરાતને કેટલું મિસ કરો છો?
જવાબ : મેં ગુજરાતના લોકો સાથે ખૂબ જ જીવંત અને પ્રેમાળ સંપર્ક જાળવી રાખ્યો છે. ગુજરાતના લોકોને હું નિયમિત મળતો રહું છું. જીવનભર જેમની સાથે મેં કામ કર્યું છે એવા મારા જૂના સહયોગીઓ સાથે મારા સંબંધો જીવંત રાખું છું.
પ્રશ્ન : તમે હંમેશાં મહેનતુ, તરોતાજા અને હળવા હોવ છો. તેની પાછળનું રહસ્ય શું છે? તમે સખત મહેનત કરવાની આટલી ક્ષમતા કેવી રીતે મેળવો અને કેળવો છો?
જવાબ : મારા દેશના લોકો માટે સખત પરિશ્રમ કરવાની મારી લગનથી મને બળ મળે છે. હું તેમના જીવનમાં પરિવર્તન લાવવા માગુ છું. આ જ લાગણી મને જંપવા દેતી નથી અને હું દિવસરાત સખત મહેનત કરું છું. મને પોતાને ક્યારેક આ વિશે આશ્ચર્ય થાય છે. હું ખૂબ મહેનત કરું છું. વર્ષો વધવાની સાથે સાથે મારી કામ કરવાની ક્ષમતા વધી રહી છે. મને લાગે છે કે, આ બધું કરનાર હું નથી. કોઈ દૈવી શક્તિ છે જે મને આવું બધું કરવા માટે પ્રેરિત કરે છે. હું તો માત્ર નિમિત્ત છું. એ કોઈ ઈશ્વરીય તાકાત છે જે મારા દ્વારા લોકોની સેવા કરી રહી છે.
પ્રશ્ન : ગુજરાતના લોકો માટે તમારો શું સંદેશ છે?
જવાબ : મેં હંમેશાં નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન મંત્રનું પાલન કર્યું છે. આજે ગુજરાતના લોકો દરેક ક્ષેત્રમાં સીમાડાઓ વટાવીને આગળ વધી રહ્યા છે. આ માનસિકતા ગુજરાતીઓની ગળથૂથીમાં રહેલી છે. હું ફરી એકવાર એ સંદેશ આપવા માગુ છું કે, મોદી તમારી સાથે ઉભા છે. તમારા સપનાને મર્યાદિત થવા નહી દો. વિકાસના માર્ગે તમારી સાથે રહીશ. 2047માં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે હું એવું ઈચ્છું છું કે, ભારત માતાનું દરેક સંતાન અવ્વલ દરજ્જાના સપનાં જુવે અને ઉત્તમ કાર્યો કરે.
Following is the clipping of the interview: