વિદેશી મીડિયા સાથે આ દુર્લભ મુલાકાતમાં પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથ અને પશ્ચિમી દુનિયા વચ્ચે સેતુ તરીકેની ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મોદીએ લેસ એકોસ (ફ્રેંચ ભાષામાં લેઝ ઇકો)ને જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગ્લોબલ સાઉથના અધિકારોની ઉપેક્ષા થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપેક્ષાના પરિણામે આ દેશો વચ્ચે નારાજગીની ભાવના છે. બ્રેટન વૂડ્સ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના બ્રેટન વૂડ્સમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વૈશ્વિક આગેવાનોની પરિષદને પરિણામે રચાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ)માં મોટા પાયે ફેરફારો કરવાના હિમાયતી ભારતીય પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે, અત્યારે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો તેમના દેશએ તેનું ઉચિત સ્થાન ફરી હાંસલ કર્યું છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ફક્ત વિશ્વસનિયતાનો મુદ્દો નથી. તેમણે પૂછ્યું હતું કે, જ્યારે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને સૌથી મોટો લોકશાહી દેશ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી, ત્યારે આ સંસ્થા દુનિયા માટે માટે અવાજ બનવાનો દાવો કેવી રીતે કરી શકે? તેમણે ઉમેર્યું છે કે, એશિયા-પ્રશાંત વિસ્તારમાં એક વ્યૂહાત્મક ભાગીદાર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્માન્યૂઅલ મેક્રોન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર આ જ પ્રકારના અભિપ્રાયો ધરાવે છે.

વર્ષ 2014માં મોદીએ ભારતની આઝાદીની 100મી વર્ષગાંઠના વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાના ઉદ્દેશ સાથે મોટા આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. અત્યારે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને અતિ ટૂંક સમયમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માટે અગ્રેસર છે. 

મોદીએ પશ્ચિમી જગતનાં મૂલ્યોની સાર્વત્રિક અપીલ પર ચિંતા વ્યક્તિ કરીને કહ્યું છે કે, દુનિયાનાં દરેક ખૂણામાંથી દરેક મતો કે ફિલોસોફીને સ્વીકારવા પડશે તથા જ્યારે દુનિયા જૂની, બિનઉપયોગી અને અપ્રસ્તુત ધારણાઓને છોડવાનું શીખશે, ત્યારે જ તે ઝડપથી પ્રગતિ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચોક્કસ, પૃથ્વી એક છે, પણ ફિલોસોફી એક નથી. મોદીએ ભારતીય સોફ્ટ પાવરના મુદ્દે પણ વાત કરીને દેશના સિનેમા અને સંગીતની આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ, આયુર્વેદ દવા માટે લોકોમાં ફરી પેદા થયેલો રસ તથા યોગના એક અભ્યાસુ તરીકે તેની દુનિયાભરમાં સફળતા તરફ ધ્યાન દોર્યું હતું. કહી શકાય કે અત્યારે યોગની શાખાની પહોંચ દુનિયાના દરેક ખૂણે છે.

નીચે સંપૂર્ણ મુલાકાત રજૂ કરી છે, જેમાંથી ફ્રેંચ આવૃત્તિનું સંપાદન થયું છે.

ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. એનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સ્થિતિ કે તેનો દરજ્જો કેવી રીતે બદલાયો છે? 

ભારત એક સમૃદ્ધ સભ્યતા છે, જે હજારો વર્ષ જૂની કે પ્રાચીન છે. અત્યારે ભારત દુનિયામાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અમારી યુવા પેઢી ભારતની સૌથી મોટી સંપત્તિ કે તાકાત છે. જ્યારે દુનિયામાં ઘણાં દેશો વૃદ્ધોની વધતી સંખ્યા અને તેમની વસ્તીમાં ઘટાડાને લઈને ચિંતિત છે, ત્યારે આગામી દાયકાઓમાં દુનિયા માટે ભારતનું યુવાન અને કુશળ કાર્યદળ એક અસ્કયામત કે સંપત્તિ બની જશે. વધારે વિશિષ્ટ બાબત એ છે કે, આ કાર્યદળ ઉદારતા ધરાવે છે અને લોકતાંત્રિક મૂલ્યોમાં માને છે, ટેકનોલોજીનો સ્વીકાર કરવા આતુર છે અને પરિવર્તનશીલ દુનિયાને અપનાવવા તૈયાર છે.

આજે પણ દુનિયાનાં કોઈ પણ ભાગમાં વસતો ભારતીય ડાયસ્પોરા એ સ્વીકૃત માતૃભૂમિની સમૃદ્ધિમાં પ્રદાન કરે છે. દુનિયાની છઠ્ઠા ભાગની માનવવસ્તીની પ્રગતિ દુનિયાને વધારે સમદ્ધ અને સાતત્યપૂર્ણ ભવિષ્ય પ્રદાન કરશે.

વિશિષ્ટ સામાજિક અને આર્થિક વિવિધતા સાથે દુનિયાનાં સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે અમારી સફળતા લોકશાહી શું પ્રદાન કરે છે એ પ્રદર્શિત કરશે. એ બાબત છે – વિવિધતા વચ્ચે એકતા જાળવીને સહઅસ્તિત્વ રાખવું શક્ય છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સંસ્થાઓમાં ફેરફારો થાય એવી સ્વાભાવિક અપેક્ષા છે, જેથી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને એનું ઉચિત સ્થાન મળે.

જ્યારે તમે ભારતે દુનિયામાં એનું ઉચિત સ્થાન મેળવ્યું છે એવું કહો છો, ત્યારે તેનો અર્થ શું છે એ સમજાવશો? 

હું એના સ્થાને ભારતે એનું ઉચિત સ્થાન ફરી મેળવ્યું એવું કહીશ. સદીઓથી ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ટેકનોલોજીકલ પ્રગતિ અને માનવવિકાસમાં પ્રદાન કરવામાં મોખરે રહ્યો છે. અત્યારે સમગ્ર દુનિયામાં આપણે અનેક સમસ્યાઓ અને પડકારો અનુભવીએ છીએ. તેમાંથી ફક્ત થોડી સમસ્યાઓ છે - મંદી, ખાદ્યસુરક્ષા, મોંઘવારી, સામાજિક તણાવો. આ પ્રકારની વૈશ્વિક પૃષ્ઠભૂમિમાં હું અમારા લોકોમાં નવેસરથી આત્મવિશ્વાસ જોઉં છું, ભવિષ્યને લઈને એક આશાવાદ અને દુનિયામાં પોતાનું ઉચિત સ્થાન મેળવવાની આતુરતા અનુભવી રહ્યો છું. 

અમારી વસ્તીવિષયક લાભ, લોકશાહીમાં અમારાં ઊંડા મૂળિયા અને અમારી સભ્યતાનો જુસ્સો માર્ગદર્શન આપશે, કારણ કે અણે ભવિષ્ય તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ. અમે વૈશ્વિક પડકારોનું સમાધાન કરવામાં, વધારે જોડાયેલી દુનિયાનું નિર્માણ કરવામાં, નબળાં દેશોની આકાંક્ષાઓને રજૂ કરવામાં તથા વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને વધારવામાં અમારી જવાબદારી સમજીએ છીએ. વૈશ્વિક ચર્ચાવિચારણામાં ભારત પોતાનો આગવો અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય અને અભિપ્રાય ધરાવે છે – અને ભારતે હંમેશા શાંતિની, સંતુલિત આર્થિક વ્યવસ્થા, નબળાં દેશોની સમસ્યાઓનું સમાધાન કરવાની અને આપણા સામાન્ય પડકારોનું સમાધાન કરવામાં વૈશ્વિક સમન્વયની તરફેણ કરી છે.

બહુપક્ષીય કામગીરીમાં ભારતનાં વિશ્વાસનાં મૂળિયાં ઊંડા છે. આ અભિગમના ઉદાહરણો છે - આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપત્તિમાં મજબૂત રીતે કામ કરવા માળખા માટે જોડાણ, એક સૂર્ય, એક દુનિયા, એક ગ્રિડની પહેલ, ભારતની હિંદ પ્રશાંત પહેલો. અથવા, તમે ઉદાહરણ તરીકે દુનિયાનાં 100થી વધારે દેશોને કોવિડ રસીઓનો અમારો પુરવઠો અને અન્ય દેશો સાથે નિઃશુલ્ક ધોરણે ઓપન સોર્સ ડિજિટલ પ્લેટફોર્મ કોવિનની અમારી વહેંચણીને લઈ શકો છો. અત્યારે દુનિયા સ્વીકારે છે કે, વિશ્વમાં ભારત સારી કામગીરી કરવા માટેની, જગતની ભલાઈ માટેની એક તાકાત છે તથા દુનિયામાં અતિ અવ્યવસ્થા, અરાજકતા અને ખંડિત થવાના જોખમોના સમયમાં વૈશ્વિક એકતા, સમન્વય, શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત અનિવાર્ય આવશ્યકતા છે. જેમ જેમ ભારત વૃદ્ધિ કરશે, તેમ તેમ વૈશ્વિક હિતમાં અમારું પ્રદાન વધશે તથા અમારી ક્ષમતાઓ અને સંસાધનો માનવજાતના વ્યાપક હિત માટે દિશા આપવાનું જાળવી રાખશે. વળી અમે અમારી ક્ષમતાઓ અને સંસાધનોનો ઉપયોગ અન્યો સામે દાવાઓ કરવા કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકાર ફેંકવા નહીં કરીએ.

તમારી દ્રષ્ટિએ ભારતના સોફ્ટ પાવરનો આધારસ્તંભો કયા છે?

અમારી સભ્યતાની પરંપરાઓ કે સંસ્કારો અને વારસો એના આધારસ્તંભો છે, એના પાયા છે, જેને તમે ભારતના સોફ્ટ પાવર તરીકે ઓળખાવી શકો છો! અમારો આ પાયો બહોળો અને મજબૂત છે. અમે અન્ય દેશો સામે યુદ્ધ કરવાની અને તેમને પરાજિત કરવાની પહેલ ક્યારેય કરી નથી, પણ યોગ, આયુર્વેદ, આધ્યાત્મિકતા, વિજ્ઞાન, ગણિત અને અંતરિક્ષશાસ્ત્રના ક્ષેત્રોમાં અમે દુનિયામાં મોટું પ્રદાન કરીએ છીએ, આ ક્ષેત્રોમાં મોટા પાયે નિકાસ કરીએ છીએ. અમે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં હંમેશા પ્રદાન કર્યું છે.

અમારું માનવું છે કે, જ્યારે અમે પ્રગતિ કરી રહ્યાં છીએ અને આધુનિક રાષ્ટ્ર બન્યાં છીએ, ત્યારે અમારે અમારા ભૂતકાળમાંથી ગર્વ અને પ્રેરણા લેવી જોઈએ તથા જો અમે અન્ય દેશો સાથે ખભેખભો મિલાવીને આ કરીએ, તો જ અમે પ્રગતિ કરી શકીએ. અમને ગર્વ છે કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં રસ ફરી પેદા થયો છે. અત્યારે યોગ ઘરેઘરે જાણીતું નામ છે. આયુર્વેદનું અમારું પરંપરાગત તબીબી વિજ્ઞાન સ્વીકાર્યતા મેળવી રહ્યું છે. ભારતીય સિનેમા, વાનગી, સંગીત અને નૃત્યની દુનિયાભરમાં માગ વધી રહી છે.

પ્રકૃતિ સાથે અમારું સહઅસ્તિત્વ અમારી આબોહવાલક્ષી કામગીરીઓમાં પ્રદાન કરે છે તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીઓ માટે પ્રેરકબળ છે. લોકશાહીનાં આદર્શોમાં અમારો અતૂટ વિશ્વાસ અને અમારી જીવંત લોકશાહીની સફળતા આંતરરાષ્ટ્રીય વહીવટને વધારે જવાબદાર, સર્વસમાવેશક અને ઉચિત પ્રતિનિધિઓ ધરાવતા વ્યવસ્થા બનાવવાની અમારી ઇચ્છાને બળ આપે છે તેમજ અનેક લોકોમાં આશા અને પ્રેરણાનો સંચાર કરે છે. સદીઓથી અમારાં લોકોમાં વધારે મજબૂત થયેલા શાંતિ, ઉદારતા, સંવાદ અને સહ-અસ્તિત્વનાં મૂલ્યો; અમારી જીવંત લોકશાહીની સફળતા; અમારી સંસ્કૃતિ, પરંપરાઓ અને ફિલોસોફીઓની અસાધારણ સમૃદ્ધિ; શાંતિપૂર્ણ, તટસ્થ અને ન્યાયી દુનિયા માટેની સતત હિમાયત; અને આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિ પ્રત્યે અમારી કટિબદ્ધતાઓ એવા કારણો છે, જે ભારતનાં ઉદયને આવકારે છે, નહીં દુનિયામાં ડર ફેલાવે છે. આ પણ ભારતનાં સોફ્ટ પાવરનાં આધારસ્તંભો છે. 

 

છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેનાં સંબંધો અભૂતપૂર્વ રીતે ગાઢ થયા છે. હાલના સ્થિતિસંજોગોમાં આ સંબંધો ગાઢ બનવા પાછળનું કારણ શું છે અને એની પાછળ ભારતનો તર્ક શું છે? 

તમારી વાત સાચી છે કે, એકવીસમી સદીની શરૂઆતથી બંને દેશો વચ્ચે સંબંધો વધારે ગાઢ થઈ રહ્યાં છે. છેલ્લાં નવ વર્ષમાં આ સંબંધોને વેગ મળ્યો છે અને નવા સ્તરે પહોંચી ગયા છે. બંને દેશોમાં તમામ હિતધારકો પાસેથી અમારા સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે વ્યાપક સ્તરે ટેકો મળ્યો છે – પછી એ સરકારનો ટેકો હોય, સંસદનો ટેકો હોય, ઉદ્યોગનો ટેકો હોય કે પછી એકેડેમિયાનો હોય અને ચોક્કસ બંને દેશોના લોકોનો ટેકો પણ પ્રાપ્ત થયો છે. અમેરિકન સંસદે અમારા સંબંધોને ગાઢ બનાવવા સતત દ્વિપક્ષીય ટેકો આપ્યો છે. 

છેલ્લાં નવ વર્ષ દરમિયાન મેં અંગત રીતે વિવિધ તમામ વહીવટીતંત્રોમાં અમેરિકાના નેતૃત્વ સાથે ઉત્કૃષ્ટ તાલમેળ અનુભવ્યો છે. મેં જૂન મહિનામાં અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને હું સંમત થયા હતા કે, લોકો વચ્ચે ઉત્કૃષ્ટ મજબૂત સંબંધોની સાથે દુનિયાના બે સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રો વચ્ચેની ભાગીદારી આ સદીની નિર્ણાયક ભાગીદારી બની શકશે. આનું કારણ એ છે કે – હિતો, દ્રષ્ટિકોણ, કટિબદ્ધતાઓ અને પૂરક બનવાની દ્રષ્ટિએ આ ભાગીદારી આપણા વર્તમાન સ્થિતિસંજોગોમાં વિવિધ પડકારોનું સમાધાન કરવા તથા વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવામાં મહત્વપૂર્ણ રીતે પ્રદાન કરવા આદર્શ સ્થિતિમાં છે. 

જેમ જેમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વિવિધ પ્રકારનાં પડકારો વધી રહ્યાં છે, તેમ તેમ અમારી ભાગીદારી ત્વરિતતા અને ઉદ્દેશની શ્રેષ્ઠ ભાવના સાથે પ્રતિસાદ આપી રહી છે. સંબંધમાં વિશ્વાસ, પારસ્પરિક ભરોસો અને એકબીજાનાં દ્રષ્ટિકોણ પ્રત્યે સંમતિ મુખ્ય ઘટકો છે. મુક્ત, ખુલ્લો, સર્વસમાવેશક અને સંતુલિત ભારત પ્રશાંત વિસ્તાર તરફ આગેકૂચ એક સહિયારો લક્ષ્યાંક છે. અમે લક્ષ્યાંકને પાર પાડવા આ વિસ્તાર અને એ સિવાયના અન્ય ભાગીદાર દેશો સાથે કામ કરી રહ્યાં છીએ.

અમે ધારાધોરણો અને માપદંડોને આગળ વધારવા, મહત્વપૂર્ણ અને વિકસતી ટેકનોલોજીઓ સહિત વૈશ્વિક પુરવઠાની સાંકળ ઊભી કરવા, ગ્રીન એનર્જી (પર્યાવરણને અનુકૂળ ઊર્જા) તરફની આગેકૂચનાં અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવા, મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદનને વેગ આપવા, એક મજબૂત સુરક્ષિત ઔદ્યોગિક ભાગીદારી બનાવવા માટે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છીએ. અમે આ વિસ્તાર અને અન્ય વિસ્તારના દેશો સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છીએ તથા બહુરાષ્ટ્રીય સંસ્થાઓને નવેસરથી ઊર્જાવંત કરી રહ્યાં છીએ. આ તમામ મહત્વપૂર્ણ સહિયારા લક્ષ્યાંકો છે, જે ભાગીદારીને વેગ આપે છે. વળી અમારા બંને દેશો એકબીજાની સાથે જોડાતાં અન્ય ક્ષેત્રો પણ છે તથા અમને આપણા વર્તમાન સમયની સમસ્યાઓનું સમાધાન કરવા અને વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવાની મહત્વપૂર્ણ રીતમાં પ્રદાન કરવા રચનાત્મક ભૂમિકા ભજવવાની સુવિધા આપે છે. 

તમે માનો છો કે, ભારત ગ્લોબલ સાઉથનો સ્વાભાવિક લીડર કે આગેવાન છે? 

મારું માનવું છે કે દુનિયાના નેતા કે આગેવાન પ્રમાણમાં ભારે શબ્દ છે અને ભારતે આ પ્રકારનું કોઈ અભિમાન કરવું ન જોઈએ કે આ પ્રકારની સ્થિતિ ધારણ ન કરવી જોઈએ. મારું ખરેખર એવું માનવું છે કે, આપણે સંપૂર્ણ ગ્લોબલ સાઉથ માટે સહિયારી ક્ષમતા અને સહિયારા નેતૃત્વની જરૂર છે, જેથી એનો અવાજ વધારે અસરકારક કે પ્રભાવશાળી બની શકે અને સંપૂર્ણ સમુદાય એનાં પોતાના માટે નેતૃત્વ લઈ શકે. હું માનતો નથી કે, આ પ્રકારનું સહિયારું નેતૃત્વ ઊભું કરવા ન તો ભારતે એક આગેવાન કે લીડર તરીકે પોતાનો વિચાર કરવો જોઈએ, ન તો અમે એ અર્થમાં વિચારી રહ્યાં છીએ.

વળી આ બાબત પણ સાચી છે કે, લાંબા સમયથી ગ્લોબલ સાઉથના અધિકારોની ઉપેક્ષા થઈ રહી છે. પરિણામે ગ્લોબલ સાઉથના સભ્યો વચ્ચે નારાજગીની ભાવના છે, જેનાં પગલે તેમને કામગીરી હાથ ધરવાની ફરજ પડી છે, પણ જ્યારે નિર્ણય લેવાની વાત આવે છે, ત્યારે તેઓ તેમના માટે કોઈ સ્થાન જોતા નથી કે તેમનો અભિપ્રાય કાને ધરવામાં આવે છે તેવું તેમને લાગતું નથી. મારું માનવું છે કે, જો આપણે લોકશાહીની ખરી ભાવના સાથે કામ કરીશું અને ગ્લોબલ સાઉથને સમાન સન્માન, સમાન અધિકારો આપીશું, તો દુનિયા વધારે શક્તિશાળી, મજબૂત સમુદાય બની શકે છે. જ્યારે આપણે ગ્લોબલ સાઉથમાં રહેતી વિશાળ વસ્તીની સમસ્યાઓનું સમાધાન કરી શકીએ, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વિશ્વાસને પુનઃસ્થાપિત કરી શકીશું એવી સંભાવના છે. સાથે સાથે આપણે આંતરરાષ્ટ્રીય સસ્થાઓને વધારે મજબૂત બનાવીશું. 

તમે ઘણી વાર કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગ્લોબલ સાઉથનાં અભિપ્રાયોની ઉપેક્ષા થાય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગ્લોબલ સાઉથનાં દેશોનો પ્રભાવ વધારવાની તમારી યોજના શું છે?

ભારતની જી20 સંગઠનની અધ્યક્ષતા જાન્યુઆરી, 2023માં શરૂ થઈ હતી. એ મહિનામાં મેં ગ્લોબલ સાઉથના દેશો માટે એક શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં 125 દેશો સહભાગી થયા હતા. તેમાં એક બાબત પર સર્વસંમતિ અતિ દ્રઢતાપૂર્વક જોવા મળી હતી કે, ભારતે ગ્લોબલ સાઉથના હિતો સાથે સંબંધિત મુદ્દા વધારે અસરકારક રીતે ઉઠાવવા જોઈએ.

એક પૃથ્વી, એક પરિવાર, એકસમાન ભવિષ્યની થીમ અંતર્ગત જી20ની અમારી અધ્યક્ષતાના સમયગાળા દરમિયાન અમે નિર્ધારિત કરેલા મુખ્ય લક્ષ્યાંકો પૈકીનો એક લક્ષ્યાંક છે – ગ્લોબલ સાઉથનું અસરકારક રીતે પ્રતિનિધિત્વ કરવું, તેમનો અવાજ બનવું. અમે જી20ની ચર્ચાવિચારણાઓ અને નિર્ણયોના કેન્દ્રમાં ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને તેમના હિતોને લાવવા પ્રયાસ કર્યો છે. મેં જી20માં આફ્રિકન સંઘને કાયમી સભ્યપદ આપવા માટેની દરખાસ્ત રજૂ કરી છે.

ગ્લોબલ સાઉથ માટે અવાજ ઉઠાવવાની પ્રક્રિયામાં અમે નૉર્થ કે ઉત્તરનાં દેશો સાથે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા કે પ્રતિકૂળ સંબંધ ઊભો કરવા ઇચ્છતાં નથી, એવું કહી શકાય. હકીકતમાં આ એક દુનિયા, એકસમાન ભવિષ્યના વિઝનને આગળ વધારવાની પહેલ છે. અન્ય કે બીજો વિકલ્પ એવી દુનિયા છે, જે ડામાડોળ છે, જે વધારે ખંડિત થઈ ગઈ છે, આ દુનિયા પશ્ચિમ દેશો વિરૂદ્ધ બાકીના દેશોની છે, આ એવી દુનિયા છે, જેમાં આપણે એમને સ્થાન આપીએ છીએ, જેઓ આપણા જેવો વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા સ્થાપિત કરવા ઇચ્છે છે. મારું માનવું છે કે રાષ્ટ્રપતિ મેક્રોન આવો જ મત ધરાવે છે. ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિંગ પેક્ટ સમિટનું આયોજન કરવા પાછળ તેમની આ જ ભાવના હતી. 

 

તમે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવા માટે અપીલ કરી રહ્યાં છો. આ પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનિયતા દાવ પર છે? 

આ મુદ્દો વિશ્વસનિયતાનો જ નથી, પરંતુ એનું મહત્વ એનાથી વધારે વિસ્તૃત કે વ્યાપક છે. મારું માનવું છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી જે બહુપક્ષીય શાસન માળખાઓનું નિર્માણ થયું હતું એના વિશે પ્રામાણિકપણે ચર્ચા કરવાની જરૂર છે. 

આ સંસ્થાઓનું નિર્માણ થયાના લગભગ આઠ દાયકા પછી દુનિયામાં મોટું પરિવર્તન થયું છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય અર્થતંત્રનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આપણે નવી ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યાં છીએ. નવી શક્તિઓનો ઉદય થયો છે, જેનાં પગલે વૈશ્વિક સંતુલનમાં સાપેક્ષ પરિવર્તન થયું છે. આપણે આબોહવામાં પરિવર્તન, સાયબર સુરક્ષા, આતંકવાદ, અંતરિક્ષમાં સુરક્ષા, મહામારીઓ સહિત નવા પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. હું અન્ય પરિવર્તનો વિશે પણ વાત કરી શકું છું. 

આ પરિવર્તિત દુનિયામાં ઘણા પ્રશ્રો ઊભા થયા છે – શું સંયુક્ત રાષ્ટ્ર કે બહુરાષ્ટ્રીય સંસ્થાઓ વર્તમાન દુનિયાનું ઉચિત રીતે પ્રતિનિધિત્વ કરે છે? જે ઉદ્દેશ સાથે આ સંસ્થાઓની સ્થાપના થઈ હતી એને ઉચિત ભૂમિકાઓ ભજવવા તેઓ સક્ષમ છે? દુનિયાભરના દેશો માને છે કે, આ સંસ્થાઓ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે, અથવા વર્તમાન સમયમાં તેમની પ્રસ્તુતતા છે? 

ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ આ વિસંગતતાનું પ્રતીક છે. જ્યારે આફ્રિકા અને લેટિન અમેરિકા એમ બે સંપૂર્ણ ખંડોની ઉપેક્ષા થાય છે, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક મુખ્ય અંગ તરીકે એનાં પર કેવી રીતે વાત કરી શકીએ? જ્યારે તેમાં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટો લોકશાહી દેશ કાયમી સભ્ય નથી, ત્યારે એ સમગ્ર દુનિયા માટે વાત કરવાનો દાવો કેવી રીતે કરી શકે? અને તેમાં સભ્યપદની અસંતુલિતતા નિર્ણયો લેવાની અસ્પષ્ટ પ્રક્રિયા તરફ દોરી જાય છે, જેનાથી વર્તમાન પડકારોનું સમાધાન કરવામાં એની નિઃસહાયતા કે લાચારીમાં વધારો થયો છે. 

મારું માનવું છે કે, મોટા ભાગનાં દેશો તેઓ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કેવા પરિવર્તનો જોવા ઇચ્છે છે એને લઈને સ્પષ્ટ છે, જેમાં ભારતે જે ભૂમિકા ભજવવી જોઈએ એ બાબત પણ સામેલ છે. આપણે ફક્ત તેમનો અભિપ્રાય સાંભળવાની અને તેમની સલાહને કાને ધરવાની જરૂર છે. આ મુદ્દે ફ્રાંસે જે સ્પષ્ટ અને સાતત્યપૂર્ણ અભિગમ અપનાવ્યો છે એની હું પ્રશંસા કરું છું. 

2047માં ભારત માટે તમારું વિઝન શું છે? વૈશ્વિક સંતુલનમાં ભારતના યોગદાનને તમે કેવી રીતે જોઇ રહ્યા છો?

2047માં અમારી આઝાદીની 100મી વર્ષગાંઠ છે અને અમે ખૂબ જ સ્પષ્ટ વિઝન સાથે 2047 માટે કામ કરી રહ્યા છીએ. અમે 2047માં ભારતને એક વિકસિત દેશ બનતો જોવા માંગીએ છીએ. એક એવું વિકસિત અર્થતંત્ર જે તેના તમામ લોકોની જરૂરિયાતો - શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને તકો પૂરી પાડતું હોય તેવું બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

ભારત એવી વાઇબ્રન્ટ અને સહભાગી સંઘીય લોકશાહી બની રહેશે, જેમાં તમામ નાગરિકો પોતાના અધિકારો વિશે સુરક્ષિત હોય, રાષ્ટ્રમાં તેમના સ્થાન અંગે તેઓ વિશ્વાસ ધરાવતા હોય અને તેમના ભવિષ્ય વિશે તેઓ આશાવાદી હોય.

આવિષ્કાર અને ટેકનોલોજી મામલે ભારત વૈશ્વિક અગ્રણી બનશે. ટકાઉક્ષમ જીવનશૈલી, સ્વચ્છ નદીઓ, વાદળી આકાશ અને જૈવવિવિધતાથી ભરપૂર જંગલો તેમજ વન્યજીવો સાથે જીવતો દેશ બનશે. અમારું અર્થતંત્ર તકોનું કેન્દ્ર બનશે, વૈશ્વિક વિકાસ માટેનું એન્જિન બનશે અને તેના કૌશલ્ય તેમજ પ્રતિભાનો સ્રોત બનશે. ભારત લોકશાહીની તાકાતનું મજબૂત સાક્ષી બનશે. અમે આંતરરાષ્ટ્રીય કાયદામાં સંકળાયેલા અને બહુપક્ષીયવાદની શિસ્ત પર આધારિત વધુ સંતુલિત બહુધ્રુવીય વિશ્વને આગળ ધપાવવામાં મદદ કરીશું.

 

શું તમને લાગે છે કે, "પશ્ચિમી મૂલ્યો" હજુ પણ સાર્વત્રિક પરિમાણ ધરાવે છે અથવા અન્ય દેશોએ પોતાનો માર્ગ શોધવો જોઇએ તેવું લાગે છે?

મને લાગે છે કે, અત્યારે વિશ્વ ક્યાં છે તેના પર આપણે જ્યારે નજર કરીએ છીએ, ત્યારે વિશ્વના દરેક ખૂણેથી વિચાર પ્રક્રિયાઓ, વિશ્વના દરેક ખૂણેથી પ્રયાસો, વિશ્વના દરેક ખૂણેથી વિચારધારાઓ પોત-પોતાના સમયગાળામાં તેમની સુસંગતતા ધરાવે છે અને આજે વિશ્વ જ્યાં છે ત્યાં સૌને તેમણે સાથે લાવીને રાખ્યા છે. પરંતુ વિશ્વ ત્યારે જ ઝડપથી પ્રગતિ કરી શકે છે, જ્યારે તે અપ્રચલિત અને જૂની માન્યતાઓને છોડી દેતા શીખે છે. આપણે જેટલા વધારે પ્રમાણમાં જૂની કલ્પનાઓને છોડી દઇશું, તેટલી જ નવી વસ્તુઓને આપણે અપનાવી શકીશું.

 

આ પણ વાંચો :

- વિશ્લેષણ - રોજગાર સર્જન વિના ભારતનો આર્થિક ચમત્કાર નહીં થાય (ફ્રેન્ચ સંસ્કરણ)

- ક્રોનિકલ - ચીન-ભારત : સામસામા દૃશ્ટિકોણ (ફ્રેન્ચ વર્ઝન)

 

તેથી, હું પશ્ચિમ બહેતર છે કે પૂર્વ એવા કોઇ દૃષ્ટિકોણથી નથી જોતો, એક વિચાર પ્રક્રિયા સારી છે કે તેના કરતાં બીજી વધુ સારી છે તેવું નથી જોતો. હજારો વર્ષો પહેલાં લખાયેલા અમારા વેદોએ તમામ ઉમદા વિચારોને ચારે બાજુથી આવવા દેવાની વાત કરી હતી. અમે અમારી જાતને બંધનમાં નથી રાખતા. દુનિયામાં જે કંઇ પણ સારું છે, તેની પ્રશંસા કરવાની, તેને સ્વીકારવાની અને તેને અપનાવવાની ક્ષમતા પણ આપણામાં હોવી જોઇએ. તેથી જ જો તમે G-20ની અમારી વસુધૈવ કુટુંબકમ પર નજર કરશો તો તેના દ્વારા અમે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય વાત કરી છે, પરંતુ અમે એક ફિલસૂફી નથી કહી.

 

2014થી અત્યાર સુધીમાં તમે ઘણા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા છે. તમે અર્થતંત્રના વિકાસને કેવી રીતે આગળ વધારવાનો ઇરાદો ધરાવો છો?

અમારો આર્થિક વિકાસ હંમેશા લોકો કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત રહ્યો છે. અમે એવા નિર્ણયોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે, જેમાં સૌથી વધુ વંચિતોને સાથે રાખવામાં આવે. છેવાડાની વ્યક્તિ અને સ્થળ સુધીની કનેક્ટિવિટી પર, દરેક ઘર સુધી પહોંચવા પર અમારું ધ્યાન કેન્દ્રિત છે જેમાં ખૂબ જ સારી સફળતા મળી છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ આમાં મુખ્ય ઘટક રહ્યો છે.

અમે અભૂતપૂર્વ સ્તરના સામાજિક અને આર્થિક સમાવેશ તેમજ સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. અત્યાર સુધીમાં, અમે ગરીબો માટે 40 મિલિયન કરતાં વધુ ઘરો અને યોગ્ય સ્વચ્છતા માટે 110 મિલિયન કરતાં વધુ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. અમે લગભગ 500 મિલિયન લોકો માટે બેંક ખાતા ખોલાવી આપ્યા છે અને 400 મિલિયન માઇક્રોક્રેડિટ લોન આપી છે. અમે 90 મિલિયન પરિવારોને રાંધણ ગેસનું જોડાણ આપ્યું છે અને 500 મિલિયન લોકોને વિનામૂલ્યે આરોગ્ય વીમા કવરેજ મળ્યું છે.

ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ અને ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતે કરેલી ક્રાંતિના કારણે ભારતમાં સાર્વત્રિક બેન્કિંગ આવી શક્યું છે. તેના કારણે કોવિડની શરૂઆત થઇ ત્યારથી જ 800 મિલિયન લોકોને મફત ખાદ્યાન્ન પૂરું પાડવા માટે લોકોને પ્રત્યક્ષ લાભ તરીકે 300 બિલિયન યુરોથી વધુનું વિતરણ કરવામાં મદદ મળી શકે છે. આજે, સમગ્ર દુનિયામાં વાસ્તવિક સમયમાં થતી કુલ ડિજિટલ ચુકવણીઓમાંથી 46% ચુકવણીઓ ભારતમાં થાય છે.

2014થી અત્યાર સુધીમાં, અમે આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા છે જેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિમાં રહેલા સામર્થ્યને ઉજાગર કરવાનો છે. અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને દરેક ભારતીયમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે આવિષ્કાર અને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપ્યું છે. ભારત, હવે સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બની ગયું છે.

રોકાણકારોને મદદ કરવા માટે અમે અનુમાનિત, પારદર્શક અને સ્થિર નીતિ વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છીએ. અમે ટેક્નોલોજી અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે લાંબા ગાળાની વૃદ્ધિ અને વિકાસનો આધાર છે. અમારું લક્ષ્ય ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી બનવાનું, તેમજ ભારતને AI, ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ, સેમિકન્ડક્ટર્સ, અવકાશ, સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી બનાવવાનું છે.

અમે માળખાકીય સુવિધાઓના વિકાસ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યા છીએ. રસ્તાઓ, રેલ્વે, હવાઇમથકો, બંદરો, પાઇપલાઇન અથવા પાવર સ્ટેશનો હોય સહિત કોઇપણ જગ્યાએ પરિવર્તનની ઝડપ અને વ્યાપકતા અભૂતપૂર્વ જોવા મળી રહી છે. ગતિ-શક્તિ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હોવાથી લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો થઇ રહ્યો છે અને તેનાથી સુનિયોજિત વિકાસની સુવિધા મળી રહી છે. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના અને રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ જેવી પહેલો હાથ ધરવામાં આવી હોવાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ખૂબ જ મોટાપાયે પ્રોત્સાહન મળ્યું છે. અમારું અર્થતંત્ર હવે વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

વિશ્વ સાથે જોડાણ કરવું એ અમારી આર્થિક વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મેક ઇન ઇન્ડિયાનું અમારું વિઝન ભારતને વિશ્વથી અલગ રાખવાનું લક્ષ્ય નથી રાખતું. અમે એક માત્ર એવો G20 દેશ પણ છીએ, જે 2030ના નિર્ધારિત સમય કરતાં નવ વર્ષ પહેલાં આબોહવા સંબંધિત પેરિસની પ્રતિબદ્ધતાઓ સુધી પહોંચી ગયા છે. અમે 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્રમાં બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

ચીન તેની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે જંગી રકમ ઠાલવી રહ્યું છે. શું તેનાથી પ્રદેશની સુરક્ષા માટે કોઇ જોખમ છે?

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા હિતો ઘણાં વ્યાપક છે અને અમારું જોડાણ ઘનિષ્ઠ છે. મેં આ પ્રદેશ માટેના અમારા વિઝનને એક જ શબ્દમાં વર્ણવ્યું છે - SAGAR, જેનો અર્થ છે આ ક્ષેત્રમાં સૌના માટે સુરક્ષા અને વિકાસ. આપણે જે ભવિષ્યનું નિર્માણ કરવા માગીએ છીએ તેના માટે શાંતિ જરૂરી છે, તે ખાતરીથી ઘણી દૂર છે.

ભારત હંમેશા સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અને તમામ દેશોના સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું સન્માન કરવા માટે ઊભું રહ્યું છે. પારસ્પરિક ભરોસો અને વિશ્વાસ જાળવી રાખવા માટે આ પહેલાં કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. અમે એવું માનીએ છે કે, તેના દ્વારા જ કાયમી ધોરણે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ તેમજ સ્થિરતા માટે સકારાત્મક યોગદાન આપી શકાય તેમ છે.

 

આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશો આક્રમક ચીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચીન વિરુદ્ધ આ સ્થિતિમાં વ્યૂહાત્મક સમર્થનના સંદર્ભમાં તમે ફ્રાન્સ પાસેથી શું અપેક્ષા રાખો છો?

ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યાપકતા આધારિત અને બહોળી વ્યૂહાત્મક ભાગીદારી છે જેમાં રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, આર્થિક, માનવ કેન્દ્રિત વિકાસ અને ટકાઉક્ષમ સહયોગનો સમાવેશ થાય છે. જ્યારે સમાન દૃષ્ટિકોણ અને મૂલ્યો ધરાવતા દેશો બહુપક્ષીય વ્યવસ્થામાં અથવા પ્રાદેશિક સંસ્થાઓમાં દ્વિપક્ષીય રીતે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ કોઇપણ પડકારનો સામનો કરી શકે છે. અમારી ભાગીદારી, ઇન્ડો પેસિફિક ક્ષેત્ર સહિત, કોઇપણ દેશની વિરુદ્ધ અથવા તેના ભોગે નિર્દેશિત નથી. અમારો ઉદ્દેશ્ય અમારા આર્થિક અને સંરક્ષણ સંબંધિત હિતોનું રક્ષણ કરવાનો છે, પરિવહન અને વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો છે, આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને આગળ ધપાવવાનો છે. અમે અન્ય દેશોની ક્ષમતાઓ વિકસાવવા અને મુક્ત સાર્વભૌમ પસંદગીઓ કરવાના તેમના પ્રયાસોને સમર્થન આપવા માટે તેમની સાથે કામ કરીએ છીએ. વધુ વ્યાપક રીતે કહીએ તો, અમારું લક્ષ્ય આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને આગળ વધારવાનું છે.

 

સપ્ટેમ્બર મહિનામાં, તમે વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે, આજનો સમય "યુદ્ધનો યુગ" નથી. યુદ્ધ હવે લંબાઇ રહ્યું છે અને "ગ્લોબલ સાઉથ" પર તેનાં પરિણામો ઘણાં વિશાળ છે. શું ભારત યુક્રેન યુદ્ધ પર પોતાનું વલણ મજબૂત કરશે?

મેં રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે. હું હિરોશિમામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો હતો. તાજેતરમાં, મેં ફરીથી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ, પારદર્શક અને સાતત્યપૂર્ણ રહ્યું છે. મેં કહ્યું છે કે, આ યુદ્ધનો યુગ નથી. અમે બંને પક્ષોને પારસ્પરિત વાટાઘાટો અને વ્યૂહનીતિ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અનુરોધ કર્યો છે. મેં તેમને કહ્યું કે, ભારત એવા તમામ સાચા પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે જે આ યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે તેમ હોય.

અમે માનીએ છીએ કે, તમામ દેશોની જવાબદારી છે કે તેઓ અન્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારપત્રનું પાલન કરે.

અમે વ્યાપક વિશ્વ, જેમાં ખાસ કરીને ગ્લોબલ સાઉથ પર યુદ્ધના કારણે થતી અસરો વિશે પણ ખૂબ જ ચિંતિત છીએ. કોવિડ મહામારીના કારણે પડેલી અસરથી પીડાતા દેશો હવે ઉર્જા, ખાદ્ય અને આરોગ્ય સંકટ, આર્થિક મંદી, મોંઘવારી અને વધી રહેલા દેવાના બોજનો સામનો કરી રહ્યા છે. યુદ્ધનો અંત આવવો જ જોઇએ. આપણે દક્ષિણના દેશોને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેનો પણ ઉકેલ લાવવો આવશ્યક છે.

 

આ વર્ષે ફ્રાન્સ અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ છે. તમે બંને દેશો વચ્ચેના સંબંધોને કેવી રીતે વર્ણવશો?

સૌથી પહેલા તો, 1.4 અબજ ભારતીયો વતી, હું 14 જુલાઇના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારતને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવા બદલ ફ્રાન્સ, તેની સરકાર અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ મેક્રોનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગું છું. આ પ્રસંગે ફ્રાન્સની મુલાકાત લઇને હું કૃતજ્ઞતાની લાગણી અનુભવું છુ. આ એક ખાસ વર્ષ છે કારણ કે, તે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠને અંકિત કરે છે. તે ભારત માટે સન્માનની વાત છે અને ભારત-ફ્રાન્સ વચ્ચેની મિત્રતાનું સન્માન છે.

જ્યાં સુધી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની વાત છે, તો મને લાગે છે કે અમે હવે એક વળાંકના તબક્કા પર આવી ગયા છીએ. જો આપણે મહામારી પછીની વૈશ્વિક વ્યવસ્થા અને તે જે આકાર લઇ રહી છે તેના પર નજર કરીએ, તો મને લાગે છે કે અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો સકારાત્મક અનુભવ એ એક મહત્વપૂર્ણ પગલું છે. તેથી, અમે વ્યૂહાત્મક ભાગીદારીના આગામી 25 વર્ષ માટે રોડમેપ પર કામ કરવા માટે તત્પર છીએ અને મને લાગે છે કે સંબંધો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંબંધો ઉત્કૃષ્ટ રીતે આકાર પામી રહ્યા છે. તે મજબૂત, ભરોસાપાત્ર, એકધારા છે. ઘેરા તોફાનો વચ્ચે પણ તેમાં સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા છે. તે હિંમતપૂર્ણ છે અને તકો શોધવા માટે મહત્વાકાંક્ષી છે.

અમારી વચ્ચે પારસ્પરિક ભરોસો અને વિશ્વાસ અજોડ સ્તરે જોવા મળી રહ્યાં છે. તે સહિયારા મૂલ્યો અને દૃષ્ટિથી સંવર્ધિત થાય છે. અમે વ્યૂહાત્મક સ્વાયત્તતાની સહિયારી મજબૂત ભાવના ધરાવીએ છીએ. બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે. આપણે બંને દેશો બહુધ્રુવીય વિશ્વની ઝંખના રાખીએ છીએ. આપણે બંને બહુપક્ષીયવાદમાં અતૂટ વિશ્વાસ ધરાવીએ છીએ.

અવકાશ અને સંરક્ષણ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં અમારી ભાગીદારી પાંચ દાયકા કરતાં પણ વધુ વર્ષોની છે. એક એવો તબક્કો હતો જ્યારે પશ્ચિમનો ભારત પ્રત્યે મૈત્રીપૂર્ણ સ્વભાવ નહોતો જોવા મળતો. તેથી, તે એ વાતમાં કોઇ જ આશ્ચર્ય નથી કે, ફ્રાન્સ  સૌથી પહેલો એવો પશ્ચિમી દેશ હતો જેની સાથે અમે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. ભારત સહિત વિશ્વ માટે તે મુશ્કેલ સમય હતો. ત્યારથી, અમારો સંબંધ એક એવી ભાગીદારીમાં પરિવર્તિત થયો છે, જે માત્ર અમારા બે દેશો માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ભૌગોલિક રાજકીય પરિણામ માટે પણ મહત્વ ધરાવે છે.

2014માં હોદ્દો સંભાળ્યો ત્યારથી, મેં ફ્રાન્સ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો છે. મેં હોદ્દો સંભાળ્યો તેના એક વર્ષમાં એપ્રિલ 2015માં ફ્રાન્સની મારી પ્રથમ મુલાકાત લીધી હતી. ફ્રાન્સમાં સ્વતંત્રતા અને શાંતિનું રક્ષણ કરવા માટે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડેલા 140,000 ભારતીય સૈનિકોની સેવાનું ફ્રાન્સના લોકો જે રીતે સન્માન કરી રહ્યાં છે તેનો હું આદર કરુ છુ. ફ્રાન્સના 163 કબ્રસ્તાનમાં 9000 ભારતીયોની યાદોને જે રીતે જીવંત રાખવામાં આવી છે તે જોઇને હર્ષની લાગણી અનુભવાય છે. મને 2015માં ન્યુવે-ચેપેલના કબ્રસ્તાનની મુલાકાત લેવાની તક મળી હતી. મેં ફ્રેન્ચ નેતૃત્વ સાથે ઘનિષ્ઠતાપૂર્વક કામ કર્યું છે, જેમાં ખાસ કરીને રાષ્ટ્રપતિ મેક્રોન ચૂંટાયા ત્યારથી, માત્ર દ્વિપક્ષીય માળખામાં જ નહીં, પરંતુ વૈશ્વિક ભલાઇ માટે, આ ભાગીદારી વધુ વિકસાવવા માટે અમે સાથે મળીને કામ કર્યું છે.

 

કયાં ક્ષેત્રોમાં ફ્રાન્સ સાથેનો સહયોગ મજબૂત થાય એવું વિચારો છો?

અમારી ભાગીદારી બંને દેશો વચ્ચે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કમાં વધુ ગાઢ બની રહી છે. 2014થી અત્યાર સુધીમાં, અમારો વેપાર લગભગ બમણો થયો છે. આ વર્ષે જ, બે ભારતીય એર કેરિયરે એરબસ પર 750થી વધુ એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યા છે. જાહેર ભલાઇ માટે ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની દૂરંદેશીને સાકાર કરવા માટે બંને દેશો વધુ નજીકથી કામ કરી રહ્યા છે. સૌર, પવન અને સ્વચ્છ હાઇડ્રોજન સહિત સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં બંને વચ્ચે મજબૂત સહયોગ છે.

રાષ્ટ્રપતિ મેક્રોને અમારા સહકારને વધુ ગાઢ બનાવવા માટે ઘણી પહેલ કરી છે. ગયા વર્ષે, 2022માં ફ્રાન્સમાં પેરિસ બુક ફેર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, વિવાટેક, પેરિસ ઇન્ફ્રા વીક અને ઇન્ટરનેશનલ સીટેક વીકમાં ભારત કન્ટ્રી ઓફ ધ યર હતું. સંરક્ષણ સહયોગ ઝડપથી આગળ વધ્યો છે. અમે માત્ર અમારા માટે જ નહીં પરંતુ અન્ય દેશો માટે પણ, સહ-ડિઝાઇન અને સહ-વિકાસના સમાવેશ સાથે વાસ્તવિક ઔદ્યોગિક ભાગીદારીની શરૂઆત કરી છે.

આંતરરાષ્ટ્રીય મંચો પર અમે વધુ નજીકથી સહકાર અને સંકલન કરીએ છીએ. અમે સાથે મળીને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની શરૂઆત કરી છે. હવે અમે જૈવવિવિધતા, સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા, આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મહાસાગરના સંસાધનોના સંરક્ષણ સંબંધિત પહેલ પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

વાત ભલે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાં સુધારાની હોય, આબોહવા પરિવર્તન સામે લડવાની હોય કે આતંકવાદ સામે લડવાની હોય, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં અમારો સહયોગ મજબૂત બન્યો છે. તાજેતરમાં જ, અમે રાષ્ટ્રપતિ મેક્રોનની ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિંગ પેક્ટ શિખર મંત્રણા પર નજીકથી કામ કર્યું હતું. નો મની ફોર ટેરર ફાઇનાન્સિંગની પહેલમાં અમે બંને અગ્રણી છીએ.

મને લાગે છે કે, રાષ્ટ્રપતિ મેક્રોનની વિચારસરણી ખરેખર અમારી સાથે મેળ ખાય છે. અને તેથી અમે સહજ રીતે સાથે કામ કરી શકીએ છીએ. અને આ માટે, મને તેમના પ્રત્યે સૌથી કૃતજ્ઞતાની ભાવના છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે અમારી ભાગીદારી મહત્વની છે. અમે ફ્રાન્સને અમારા અગ્રણી વૈશ્વિક ભાગીદારો પૈકી એક તરીકે જોઇએ છીએ.

 

ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતનો પાડોશી દેશ પણ છે. ભારત અને ફ્રાન્સ આ ક્ષેત્રમાં કેવા પ્રકારના સહકારની પર ધ્યાન આપી રહ્યા છે?

મેં પહેલાં કહ્યું તેમ, ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી એ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની દિશાને પ્રભાવિત કરવા માટેની મુખ્ય ભાગીદારી પૈકી એક છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અમે બે મુખ્ય નિવાસી તાકાત છીએ.

અમારી ભાગીદારીનો ઉદ્દેશ્ય મુક્ત, ખુલ્લા, સમાવેશી, સુરક્ષિત અને સ્થિર ઇન્ડો પેસિફિક પ્રદેશને આગળ ધપાવવાનો, તેમજ એકબીજા સાથે મળીને અને આ ક્ષેત્રમાં અમારા જેવો દૃષ્ટિકોણ ધરાવતા હોય તેવા અન્ય સાથે મળીને કામ કરવાનો છે. સંરક્ષણ અને સુરક્ષાનું એક એવું મજબૂત ઘટક છે જે સમુદ્રતળથી અવકાશ સુધી વિસ્તરણ પામેલું છે. તે આ ક્ષેત્રના અન્ય દેશોને મદદ કરવા અને સુરક્ષા સહકાર તેમજ માપદંડો નિર્ધારિત માટે પ્રાદેશિક સંસ્થાઓને મજબૂત કરવાની પણ ઝંખના રાખે છે.

અમે માત્ર ભારતના સંરક્ષણ ઔદ્યોગિક આધાર અને અમારી સંયુક્ત પરિચાલન ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ એવું નથી પરંતુ, અમે સંરક્ષણ સાધનો સહિત અન્ય દેશોની સુરક્ષા જરૂરિયાતોને સમર્થન આપવા માટે પણ સહયોગ કરીશું. તે આનાથી આગળ પણ છે. તેમાં આર્થિક બાબતો, કનેક્ટિવિટી, માનવ વિકાસ અને ટકાઉપણાની પહેલની સંપૂર્ણ શ્રેણી સામેલ છે. આ અન્ય દેશોને સમૃદ્ધિ અને શાંતિના સહિયારા પ્રયાસોમાં આકર્ષિત કરશે. આ ભાગીદારી પ્રાદેશિક સહયોગ માટે મોટી સંભાવનાઓના દ્વાર ખોલે છે. આ ઉપરાંત, હિન્દ મહાસાગર ક્ષેત્રથી આગળ, અમે પેસિફિક ક્ષેત્રમાં પણ વધુને વધુ સંકલન તેમજ સહકાર કરીશું. અમારી ભાગીદારીમાં EU પણ સામેલ હશે, જે પોતાની ઇન્ડો પેસિફિક વ્યૂહરચના ધરાવે છે.

EU સાથે, પહેલેથી જ અમે EU-ભારત કનેક્ટિવિટી ભાગીદારી ધરાવીએ છીએ.

 

નિકોલસ બેરે અને ક્લેમેન્ટ પેરુચે (નવી દિલ્હીમાં સંવાદદાતા)

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.