હું 26-27 માર્ચ 2021ના રોજ મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસિનાના નિમંત્રણ પર બાંગ્લાદેશની મુલાકાતે જઇ રહ્યો છું.
કોવિડ-19 મહામારી આવ્યા પછી હું મારો પ્રથમ વિદેશ પ્રવાસ, ભારત સાથે સાંસ્કૃતિક, ભાષાકીય અને લોકો સાથે લોકોનું ઘનિષ્ઠ જોડાણ ધરાવતા આપણા મિત્ર પડોશી રાષ્ટ્રમાં કરી રહ્યો છું તેની મને ઘણી ખુશી છે.
આવતીકાલે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મારી સહભાગિતા માટે હું રાહ જોઉં છુ જેમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની જન્મ શતાબ્દી પણ ઉજવવામાં આવશે. બંગબંધુ ગઇ સદીના સૌથી મોટા કદના નેતાઓમાંથી એક હતા જેમનું જીવન અને આદર્શો લાખો લોકોને પ્રેરણા આપે છે. તુંગીપરામાં બંગબંધુની સમાધિની મુલાકાત લેવા અને તેમની સ્મૃતિમાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે હું પ્રતિક્ષા કરું છુ.
હું પૌરાણિક પરંપરામાં ઉલ્લેખ કરેલા 51 શક્તિપીઠમાંથી એક એવા પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં કાલી માતાની પૂજા–અર્ચના કરવા પણ તત્પર છું.
હું ખાસ કરીને ઓરાકંડીમાં મતુઆ સમુદાયના પ્રતિનિધીઓ સાથે સંવાદ કરવા માટે આતુર છું જ્યાંથી શ્રી હરિચંદ્ર ઠાકુરજીએ તેમનો ધાર્મિક ઉપદેશ આપ્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી શેખ હસિના સાથે થયેલી ખૂબ જ ફળદાયી વર્ચ્યુઅલ બેઠક બાદ તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીને હું કેટલાક નોંધનીય નિર્ણયો લઇશ. હું રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ હામિદ સાથે પણ મારી બેઠક માટે અને અન્ય બાંગ્લાદેશી મહાનુભાવો સાથે સંવાદની રાહ જોઇ રહ્યો છું.
મારી મુલાકાત, પ્રધાનમંત્રી શેખ હસિનાના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની નોંધનીય આર્થિક અને વિકાસની ગતિ બાબતે માત્ર પ્રશંસાનો સંદેશો આપવા પૂરતી નહીં હોય પરંતુ આ સિદ્ધિઓ માટે ભારત સહકાર આપવા માટે કટિબદ્ધ હોવાનું દર્શાવવાનો પ્રસંગ પણ હશે. હું કોવિડ-19 સામેની બાંગ્લાદેશની જંગમાં ભારતના સહકાર અને એકતાની ભાવના પણ વ્યક્ત કરીશ.