મોરેશિયસ ગણરાજ્યના પ્રધાનમંત્રી આદરણીયશ્રી પ્રવિંદ જગન્નાથજી, મોરેશિયસના વરિષ્ઠ મંત્રીગણ અને મહાનુભવો, વિશિષ્ટ મહેમાનો, મિત્રો, નમસ્કાર! બોન્જોર! ગુડ આફટરનૂન!
હું મોરેશિયસના અમારા તમામ મિત્રોને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવું છું.
આપણા દેશો માટે આ એક વિશેષ સંવાદ છે. આપણા સહભાગી ઈતિહાસ, વિરાસત અને સહયોગમાં આ એક નવો અધ્યાય છે. વધુ સમય નથી વીત્યો, જ્યારે મોરેશિયસે હિન્દ મહાસાગર આઈલેન્ડ ગેમ્સની યજમાની કરી હતી અને આ પ્રતિસ્પર્ધામાં ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
આપણા બંને દેશો ‘દુર્ગા પૂજા’નો ઉત્સવ ઉજવી રહ્યા છે અને ખૂબ ટૂંક સમયમાં દિવાળી પણ ઉજવશે. આવા સમયમાં મેટ્રો પ્રોજેક્ટ્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન એ વધુ આનંદની બાબત છે.
મેટ્રો સ્વચ્છ, અસરકારક અને સમયની બચત કરતો વાહનવ્યવહાર છે. તે આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રવાસનમાં પણ યોગદાન આપશે.
આજે આધુનિક ઈએનટી હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, તે ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવામાં યોગદાન આપશે. આ હોસ્પિટલનું ભવન ઊર્જા સક્ષમ છે અને તે કાગળ રહિતની સેવાઓનો ઉત્તમ વિકલ્પ પ્રદાન કરશે.
આ બંને પરિયોજનાઓ મોરેશિયસના લોકોને ઉતમ સેવાઓ પ્રદાન કરશે તેમજ આ બંને પરિયોજનાઓ મોરેશિયસના વિકાસ માટેની ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે.
આ પરિયોજનાઓ માટે હજારો કારીગરોએ દિવસ-રાત, ગરમી અને વરસાદમાં સખત મહેનત કરી છે.
આ બધુ આપણે પાછલી સદીઓથી અલગ ચીલો કરી હવે આપણા લોકોના વધુ સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ.
હું પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથના દુરંદેશી નેતૃત્વની પ્રસંશા કરું છું કે એમણે મોરેશિયસની માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની પરિકલ્પના કરી છે. આ મહત્વની પરિયોજનાને સમયસર પૂર્ણ કરવા માટે, મોરિશિયસ સરકારના સક્રિય સહયોગ માટે હું મોરેશિયસ સરકારનો આભાર માનું છું એમને કારણે જ આ પરિયોજનાઓના સમયસર પૂર્ણ થઈ છે.
મિત્રો,
અમને એ વાતનું ગૌરવ છે કે ભારતે જનહિત માયે ઉપયુક્ત તેમજ અન્ય પરિયોજનાઓ માટે મોરશિયસ સાથે ભાગીદારી કરી છે. ગયા વર્ષે એક સંયુક્ત પરિયોજના હેઠળ બાળકોને ઈ-ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.
નવી સર્વોચ્ચ અદાલતનું ભવન અને એક હજાર ઘરોનું નિર્માણ પણ પવનવેગે ચાલી રહ્યું છે.
મને આજે એ જાહેરાત કરતા આનંદની લાગણી થાય છે કે પ્રધાનમંત્રી શ્રી જગન્નાથના સૂચનોને આધારે ભારત મેડિ-ક્લિનિકના એક રેનલ એકમ તથા ક્ષેત્રીય આરોગ્ય કેન્દ્રના નિર્માણમાં મદદ કરશે.
મિત્રો,
ભારત અને મોરેશિયસ બંને વૈવિધ્યપૂર્ણ અને ગતિશીલ લોકશાહી છે કે જે આપણા લોકોની સમૃદ્ધિની સાથે-સાથે આપણા પ્રદેશમાં અને વિશ્વમાં શાંતિની સ્થાપના માટે કામ કરવા કટિબદ્ધ છે.
આ વર્ષે પ્રધાનમંત્રી શ્રી જગન્નાથ અમારા સૌથી મોટા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી વખતે મુખ્ય મહેમાન તરીકે બીજી વખત મારી સરકારના બીજા કાર્યકાળમાં હાજર રહ્યા હતા.
મોરેશિયસની આઝાદીની 50મી વર્ષગાંઠ નિમિતે તેઓએ અમારા દેશના રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. મહાત્મા ગાંધી ની 150મી જયંતીની ઉજવણી વખતે મોરેશિયસે એમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી.
મિત્રો,
હિન્દ મહાસાગર એ ભારત અને મોરેશિયસ વચ્ચે સબંધોના સેતુ સમાન છે. દરિયાઈ અર્થતંત્ર એ આપણા લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે.
દરિયાઈ અર્થતંત્ર, સુરક્ષા અને જોખમ સામે રાહતના તમામ પાસાઓ પર સાગર (સમગ્ર પ્રદેશ માટે સુરક્ષા અને વિકાસ)નું વિઝન આપણને સાથે મળીને કામ કરવા માટે માર્ગદર્શન આપતું રહેશે.
હું મોરેશિયસ સરકારનો આપત્તિ સામે રક્ષણ મેળવવા માટે માળખાગત સંગઠનમાં મુખ્ય સભ્ય તરીકે જોડાવા બદલ આભાર માનું છું.
મહામહિમ,
એક મહિનાની અંદર વિશ્વ વિરાસત સ્થળ અપ્રવાસી ઘાટ પર અપ્રવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ આયોજન આપણા બહાદુર પૂર્વજોના સફળ સંઘર્ષને રેખાંકિત કરશે.
આ સંઘર્ષના પરિણામે આ સદીમાં મોરેશિયસને સફળતારૂપે મીઠાં ફળ ચાખવા મળી રહ્યા છે.
અમે મોરેશિયસના લોકોના જુસ્સાને વંદન કરીએ છીએ.
ભારત અને મોરેશિયસની મૈત્રી અમર રહે.
આભાર, ખૂબ ખૂબ આભાર!