પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ અમદાવાદીઓ અને સુરતવાસીઓને મેટ્રોની ભેટ મળવા બદલ અભિનંદન આપ્યા હતા, કારણ કે આ સેવા દેશના આ બંને મહત્ત્વપૂર્ણ વેપારવાણિજ્ય કેન્દ્રોમાં પરિવહનમાં જોડાણની સુવિધામાં વધારો કરશે. તેમણે ગુજરાતના લોકોને કેવિડયા માટે નવી ટ્રેનો અને રેલવે લાઇનો માટે પણ અભિનંદન આપ્યાં હતાં, જેમાં અમદાવાદથી કેવડિયાની આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ પણ સામેલ છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આજે 17 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ માળખાગત પ્રોજેક્ટ પર કામગીરી શરૂ થઈ છે. આ દર્શાવે છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન પણ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટેના પ્રયાસો જળવાઈ રહ્યાં છે. છેલ્લાં થોડા દિવસોમાં હજારો કરોડ રૂપિયાના મૂલ્યના માળખાગત સુવિધા સાથે સંબંધિત પ્રોજેક્ટ દેશને અર્પણ થયા છે અથવા નવા પ્રોજેક્ટ પર કામગીરી શરૂ થઈ છે.
પ્રધાનમંત્રીએ અમદાવાદ અને સુરતને આત્મનિર્ભરતામાં પ્રદાન કરતા શહેરો ગણાવીને અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ એ સમયે જોવા મળેલા રોમાંચને યાદ કર્યો હતો તથા અમદાવાદે મેટ્રો સાથે એના સ્વપ્નો અને ઓળખને કેવી રીતે જોડી દીધા છે એ વાતને પણ યાદ કરી હતી. મેટ્રોના બીજા તબક્કાથી લોકોને લાભ થશે, કારણ કે આ તબક્કો શહેરના નવા વિસ્તારોને પરિવહનના સુવિધાજનક માધ્યમ સાથે જોડશે. એ જ રીતે સુરત વધારે સારી જોડાણની સુવિધાનો અનુભવ પણ મળશે. આ તમામ પ્રોજેક્ટ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યાં હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ મેટ્રોના વિસ્તરણના સંદર્ભમાં અગાઉની સરકારો અને વર્તમાન સરકાર વચ્ચેના અભિગમમાં ફરક પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ 10થી 12 વર્ષમાં 200 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇન પાથરવામાં આવી હતી, જેની સરખામણીમાં વર્તમાન સરકારે છેલ્લાં 6 વર્ષના ગાળામાં જ 400 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇનો કાર્યરત કરી દીધી છે. સરકાર 27 શહેરોમાં 1000 કિલોમીટરની નવી લાઇનો પર કામ કરી રહી છે. તેમણે અગાઉ પરિવહન પ્રોજેક્ટમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય ન કરવા બદલ અગાઉની સરકારોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારો પાસે મેટ્રો કોઈ રાષ્ટ્રીય નીતિ નહોતી. પરિણામે વિવિધ શહેરોમાં મેટ્રોની ટેકનિક અને સિસ્ટમ્સમાં એકરૂપતા જોવા મળી નહોતી. બીજી ખામી એ હતી કે, મેટ્રોને શહેરની બાકી પરિવહન વ્યવસ્થા સાથે જોડવામાં આવી નહોતી. અત્યારે પરિવહનને આ શહેરોમાં સંપૂર્ણ વ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવે છે, જેમાં મેટ્રો અલગ રીતે કામ નહીં કરે, પણ સમૂહ પરિવહન વ્યવસ્થાના એક ભાગરૂપે કામ કરશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ સંકલન કે સમન્વયને તાજેતરમાં શરૂ થયેલા નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં પણ આગળ વધારવામાં આવશે.
પ્રધાનમંત્રીએ સુરત અને ગાંધીનગરનું ઉદાહરણ આપીને શહેરીકરણ પર તેમની સરકારની વિચારસરણી વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની સરકારની નીતિ પ્રતિક્રિયાનું પરિણામ નથી, પણ સક્રિયતાનું એક સ્વરૂપ છે અને એમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. હજુ બે દાયકા અગાઉ સુરતનો ઉલ્લેખ પ્લેગ રોગચાળા માટે થતો હતો, નહીં કે એના વિકાસ માટે. પછી સરકારે સુરતની ઉદ્યોગસાહસિકતા સંબંધિત સર્વસમાવેશકતાના જુસ્સાને પ્રોત્સાહન આપ્યું હતું. પરિણામે અત્યારે સુરત વસતિની દ્રષ્ટિએ દેશનું 8મું મોટું મહાનગર હોવાની સાથે દુનિયાનું ચોથી સૌથી વધુ ઝડપથી વિકસતું મહાનગર બની ગયું છે. દુનિયાના દર 10 ડાયમન્ડમાંથી 9 ડાયમન્ડનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. એ જ રીતે દેશના માનવનિર્મિત 40 ટકા વસ્ત્રો સુરતમાં બને છે તેમજ આશરે 30 ટકા માનવનિર્મિત રેષાનું ઉત્પાદન પણ અહીં થાય છે. વળી સુરત અત્યારે દેશનુ બીજું સૌથી વધુ સ્વચ્છ મહાનગર છે. પ્રધાનમંત્રીએ શહેરમાં જીવનને સરળ બનાવવા માટે ગરીબોને વાજબી કિંમતે મકાન પૂરાં પાડવા, ટ્રાફિકનું વ્યવસ્થાપન કરવા, માર્ગો અને પુલોનું નિર્માણ કરવા, સુએજ ટ્રીટમેન્ટ તથા હોસ્પિટલોની સુવિધા પૂરી પાડવા માટે થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શ્રેષ્ઠ આયોજન અને સંપૂર્ણ વિચારના અમલથી શક્ય બન્યું છે. અત્યારે સુરત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, કારણ કે અહીં દેશના તમામ ભાગોમાંથી સ્થળાંતરણ કરીને આવેલા ઉદ્યોગસાહસિકો અને કામદારો વસે છે.
સાથે સાથે પ્રધાનમંત્રીએ ગાંધીનગરની વિકાસગાથાની સફર વિશે વાત કરી હતી. અત્યારે ગાંધીનગર સરકારી કર્મચારીઓ અને નિવૃત્તિ લોકોનાં શહેરમાંથી યુવાન જીવંત શહેરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. અત્યારે ગાંધીનગર આઇઆઇટી, નેશનલ લૉ યુનિવર્સિટી, નિફ્ટ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી), રક્ષા શક્તિ યુનિવર્સિટી વગેરે જેવી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓળખાય છે. આ સંસ્થાઓએ શહેરના શૈક્ષણિક વાતાવરણને બદલવાની સાથે એના કેમ્પસમાં ટોચની કંપનીઓને આકર્ષી છે અને શહેરમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે. શ્રી મોદીએ મહાત્મા મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે કોન્ફરન્સ-પ્રવાસનને વેગ આપ્યો છે. ઉપરાંત આધુનિક રેલવે સ્ટેશન, ગિફ્ટ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ફ્રન્ટ, વોટર એરોડ્રામ, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, ગાંધીનગરનો સિક્સ-લેન હાઇવે – અમદાવાદની ઓળખ બની ગયા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગર અમદાવાદ એના પ્રાચીન વારસાને જાળવીને આધુનિક કાયાકલ્પ કરી રહ્યું છે.
શ્રી મોદીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, અમદાવાદને યુનેસ્કોએ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ જાહેર કર્યું છે અને ધોલેરામાં નવું એરપોર્ટ મળ્યું છે. આ એરપોર્ટ મંજૂર થયેલી મોનો-રેલ સાથે અમદાવાદ સાથે જોડાશે. વળી અમદાવાદ અને સુરતને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી બુલેટ ટ્રેન પર કામગીરી ચાલુ છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારના ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે ગુજરાતની વિકાસગાથાની સફરમાં છેલ્લાં બે દાયકાનો ગાળો મહત્ત્વપૂર્ણ હોવાનું ગણાવ્યો હતો તથા આ ગાળામાં સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો, વીજળી, પાણીની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. અત્યારે ગુજરાતનું દરેક ગામડું તમામ ઋતુઓમાં ઉપયોગી માર્ગ સાથે જોડાયેલું છે. આદિવાસી ગામડાઓમાં પણ માર્ગોની સારી સુવિધાઓ છે. અત્યારે ગુજરાતમાં 80 ટકા પરિવારોને તેમના ઘરમાં નળ વાટે પાણી મળે છે. રાજ્યમાં જલ જીવન અભિયાન અંતર્ગત 10 લાખ પાણીના જોડાણો પ્રદાન કરવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં દરેક ઘરને નળ દ્વારા પાણી મળશે.
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં સરદાર સરોવર સૌની યોજના સાથે સિંચાઈને વેગ મળ્યો હોવાનું અને પાણીનું ગ્રિડ નેટવર્ક શુષ્ક વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી પૂરું પાડે છે એવું જણાવ્યું હતું. નર્મદા મૈયાના નીર કચ્છ સુધી પહોંચી ગયા છે. સૂક્ષ્મ સિંચાઈમાં સારી કામગીરી થઈ છે. વીજ ક્ષેત્રમાં પણ ગુજરાતે ઊડીને આંખે વળગે એવી સફળતા હાંસલ કરી છે અને સૌર ઊર્જામાં ગુજરાત દેશમાં મોખરાનું રાજ્ય છે. તાજેતરમાં કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સૌર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વળી ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે, જેને સર્વોદય યોજના અંતર્ગત સિંચાઈ માટે અલગથી વીજળીની સુવિધા આપી છે.
પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત જેવી યોજનાથી આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતે આગેકૂચ કરી હોવાનું પણ જણાવ્યું હતું, જેનો લાભ રાજ્યમાં 21 લાખ લોકોને મળ્યો છે. 500થી વધારે જન ઔષધી કેન્દ્ર સ્થાનિક દર્દીઓ માટે રૂ. 100 કરોડ બચાવે છે. પીએમ-આવાસ યોજના અંતર્ગત 2.5 લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં 35 લાખથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર સાહસિક નિર્ણયો લઈ રહી છે અને એનો ઝડપથી અમલ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર મોટું અને સાથે સાથે વધારે શ્રેષ્ઠ કામ કરી રહી છે. આ માટે તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વિશ્વના સૌથી મોટા વાજબી કિંમતના મકાનનો કાર્યક્રમ, હેલ્થકેર એશ્યોરન્સ કાર્યક્રમ, 6 લાખ ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તાજેતરમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની વાત પણ કરી હતી. આ ભારત સરકારની એના નાગરિકો માટે મોટી અને ગુણવત્તાયુક્ત યોજનાઓનાં ઉદાહરણો છે.
આ પ્રસંગે તેમણે હઝિરા અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી રો-પેક્સ ફેરી સેવાઓ અને ગિરનાર રોપવેના ઝડપી અમલીકરણના ઉદાહરણો આપ્યાં હતાં, જેનાથી સ્થાનિક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ સેવાથી ઇંધણ અને સમયની બચત થાય છે, કારણ કે ફેરી સેવાથી ઘોઘા અને હઝિરા વચ્ચેનું અંતર 375 કિલોમીટરથી ઘટીને 90 કિલોમીટર થઈ ગયું છે. બે મહિનામાં 50 હજાર લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને 14 હજાર વાહનોની ફેરી થઈ હતી. એનાથી વિસ્તારના ખેડૂતો અને પશુ સંવર્ધનમાં સંકળાયેલા લોકોને પણ મદદ મળી હતી. એ જ રીતે અઢી મહિનામાં ગિરનાર રોપવેનો ઉપયોગ 2 લાખથી વધારે લોકોએ કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતના નિર્માણનો ઉદ્દેશ ઝડપથી કામગીરી કરવાથી હાંસલ નહીં થઈ શકે, પણ લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સમજવાથી થઈ શકશે. શ્રી મોદીએ આ દિશામાં એક પગલાં તરીકે એમની પ્રગતિ વ્યવસ્થાને રજૂ કરી હતી. પ્રગતિથી દેશના અમલીકરણની કાર્યશૈલીને નવો વેગ મળ્યો છે, કારણ કે આ બેઠકોની અધ્યક્ષતા પ્રધાનમંત્રી પોતે કરે છે. એમાં જે તે યોજનાઓ સાથે સંકળાયેલા પક્ષો સાથે સીધી વાત કરવામાં આવે છે અને સમસ્યાઓનું સમાધાન શોધવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં અમે રૂપિયા 13 લાખ કરોડના મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, લાંબા ગાળાથી અટકી ગયેલી યોજનાઓને નવેસરથી શરૂ કરવાથી સુરત જેવા મહાનગરોના વિકાસને વેગ મળ્યો છે. આપણા ઉદ્યોગો, ખાસ કરીને નાનાં ઉદ્યોગો, MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો)ને વિશ્વાસ થયો છે કે, જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરે છે, ત્યારે તેમને સારી માળખાગત સુવિધાઓનો ટેકો મળ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ નાનાં ઉદ્યોગોને મદદ કરવા ઘણા પગલાં લેવામાં આવ્યાં છે. તેમને મુશ્કેલ સમયનો સામનો કરવા અને ટકી રહેવા માટે હજારો કરોડ રૂપિયાની લોન સરળતાપૂર્વક પ્રદાન કરવામાં આવી છે. MSMEની પરિભાષા નવેસરથી બનાવવા જેવા પગલાં લઈને તેમને મોટી તકો પૂરી પાડવામાં આવી છે. આ રીતે તેમની કામગીરીનું વિસ્તરણ કરવાનો ડર દૂર થયો છે. વેપારીઓને નિર્ધારિત મર્યાદાથી વધારે મોટા થવામાં ફાયદા ગુમાવવાની ચિંતા હતી. સરકારે આ નિયંત્રણો દૂર કર્યા છે અને તેમના માટે નવી તકો ઊભી કરી છે. એ જ રીતે આ નવી પરિભાષામાં ઉત્પાદન અને સેવા સંબંધિત ઉદ્યોગસાહસ વચ્ચેનો ફરક પણ દૂર કરવામાં આવ્યો છે, જેથી સેવા ક્ષેત્ર માટે નવી તકોનું સર્જન થયું છે. તેમને સરકારી ખરીદીમાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, સરકાર નાનાં ઉદ્યોગેને પ્રગતિ કરવાની તકો પ્રદાન કરવા કટિબદ્ધ છે અને આ એકમોમાં કામ કરતા શ્રમિકને વધારે સારી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત જીવન આપવા પ્રતિબદ્ધ છે.