પ્રધાનમંત્રીએ આજે યુએસ પ્રમુખ જો બાઈડેન, ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો.
મીટિંગમાં સપ્ટેમ્બર 2021 ક્વાડ સમિટ પછીની ક્વાડ પહેલ પરની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષના અંતમાં જાપાનમાં સમિટ દ્વારા નક્કર પરિણામો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે નેતાઓ સહકારને વેગ આપવા પર સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્વાડે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના તેના મુખ્ય ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે માનવતાવાદી અને આપત્તિ રાહત, દેવું, ટકાઉપણું, સપ્લાય ચેઇન, સ્વચ્છ ઊર્જા, કનેક્ટિવિટી અને ક્ષમતા-નિર્માણ જેવા ક્ષેત્રોમાં ક્વાડની અંદર સહકારના નક્કર અને વ્યવહારુ સ્વરૂપો માટે હાકલ કરી હતી.
મીટિંગમાં યુક્રેનની ઘટમાળની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેની માનવતાવાદી અસરો પણ સામેલ છે. પ્રધાનમંત્રીએ સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ દક્ષિણપૂર્વ એશિયા, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પેસિફિક ટાપુઓની સ્થિતિ સહિત અન્ય સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદરનું પાલન કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો.
નેતાઓ સંપર્કમાં રહેવા અને જાપાનમાં આગામી નેતાઓની સમિટ માટે મહત્વાકાંક્ષી કાર્યસૂચિ તરફ કામ કરવા સંમત થયા હતા.