મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
મુંબઈ અને થાણે, દેશનો એ ભાગ છે જેણે દેશના સપનાઓને સાકાર કરવામાં મદદ કરી છે. નાના-નાના ગામડાઓ,કસબાઓથી આવેલા સામાન્ય લોકોએ અહિં મોટું નામ કમાયા છે; ગૌરવાન્વિત થયા છે. અહિયાં જન્મ લેનારાઓ,અહિયાં રહેનારાઓનું હૃદય એટલ વિશાળ છે કે સૌને પોતાના દિલમાં જગ્યા આપી છે. એટલે જ તો અહિયાં સમગ્ર ભારતની એક તસ્વીર એક જ જગ્યાએ જોવા મળે છે. જે પણ અહિં આવે છે તે મુમ્બૈયા રંગમાં રંગાઈ જ જાય છે; મરાઠી પરંપરાનો હિસ્સો બની જાય છે.
ભાઈઓ અને બહેનો, આજે મુંબઈનો વિસ્તાર થઇ રહ્યો છે, ચારેય બાજુ વિકાસ થઇ રહ્યો છે; પરંતુ તેની સાથે-સાથે અહિનાં સંસાધનો પર પણ દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને અહિંની પરિવહન પ્રણાલી, રસ્તાઓ અને રેલ વ્યવસ્થા પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા વીતેલા ચાર સાડા ચાર વર્ષોમાં મુંબઈ અને થાણે સહિત તેની સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં પરિવહન પ્રણાલીને વધુ સારી કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આજે પણ અહિયાં જે ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં બે મેટ્રો લાઈનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત થાણેમાં 90 હજાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની માટે પોતાના ઘરોના નિર્માણ સાથે જોડાયેલ પ્રોજેક્ટની પણ શરૂઆત આજે કરવામાં આવી છે.
સાથીઓ, વાહનવ્યવહાર કોઇપણ શહેર, કોઇપણ દેશના વિકાસની મહત્વપૂર્ણ કડી હોય છે. ભારત તો દુનિયાના તે દેશોમાંનો એક છે જ્યાં ઝડપી ગતિએ શહેરીકરણ થઇ રહ્યું છે.
હમણાં તાજેતરમાં જ એક સંશોધન સામે આવ્યું છે કે આવનારા દાયકામાં દુનિયાના ટોચના દસ, સૌથી ઝડપથી વિકસિત થતા શહેરોમાં તમામ દસે દસ શહેરો ભારતના શહેરો છે. એટલેકે દેશ જેટલી ઝડપે વિકાસની ગતિને પકડી રહ્યો છે, તેનો એક મજબૂત હિસ્સો આપણા શહેરમાં રહેનારા લોકો પણ છે.
મુંબઈ તો આમ પણ દેશની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે અને આવનારા સમયમાં તેનો વધુ વિસ્તાર થવાનો છે.એટલા માટે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બની, ત્યારે અમે અહિંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું.
મુંબઈ લોકલ માટે સેંકડો કરોડની ફાળવણી કરી. અહિંનાં જુના રેલવે બ્રીજોનું નવીનીકરણ કરવામાં આવ્યું. મુંબઈ લોકલ સિવાય પણ ટ્રાન્સપોર્ટના બીજા માધ્યમોનો વિસ્તાર કરવામાં આવ્યો, જેમાંથી મેટ્રો સિસ્ટમ સૌથી પ્રભાવી માધ્યમ બનતું જઈ રહ્યું છે.
આજે જે મેટ્રોનો વિસ્તાર અહિયાં થાણેમાં થયો છે, આ મુંબઈ, થાણે અને આસપાસના બીજા ક્ષેત્રોને વધુ સારું જોડાણ આપવાના વિઝનનો જ ભાગ છે.
સાથીઓ, મુંબઈમાં પહેલીવાર વર્ષ 2006માં મેટ્રોની પહેલી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આઠ વર્ષ સુધી શું થયું, ક્યાં મામલો અટકી ગયો, એ કહેવું અઘરું છે.
પહેલી લાઈન 2014માં શરુ થઇ શકી અને તે પણ માત્ર 11 કિલોમીટરની લાઈન. આઠ વર્ષમાં માત્ર અને માત્ર 11કિલોમીટર.
2014 પછી અમે નક્કીકર્યું કે મેટ્રો લાઈન પાથરવાની ઝડપ પણ વધશે અને વ્યાપ પણ વધશે. પાછલા ચાર વર્ષમાં મુંબઈમાં મેટ્રોની ઝાળ પાથરવા માટે અનેક નવી પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.
આ જ વિચારધારા પર ચાલીને આજે બે વધુ મેટ્રો લાઈનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એટલે કે આવનારા ત્રણ વર્ષમાં અહિ 35 કિલોમીટરની વધુ મેટ્રો ક્ષમતા જોડાઈ જશે.
એટલું જ નહી, વર્ષ 2022 થી 2024ની વચ્ચે મુંબઈવાસીઓને પોણા ત્રણસો કિલોમીટરની મેટ્રો લાઈન ઉપલબ્ધ થઇ જશે.
આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યા છે, તેનાથી થાણેથી ભીવંડી, કલ્યાણ, દહીંસરથી લઈને મીરા-ભાયંદર સુધીના લોકોને તો ફાયદો પહોંચશે જ, તેનાથી સંપૂર્ણ મુંબઈમાં જામની તકલીફ પણ ઓછી થશે.
સાથીઓ, આ સુવિધાઓ માત્ર આજની જરૂરિયાતોના હિસાબથી જ નહી, પરંતુ વર્ષ 2035ની જરૂરિયાતો અને તેના આધારે વિકસિત કરવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો, તમારી મુસાફરી સરળ હોય, તમારું જીવન સુગમ હોય, પરંતુ દેશના ગરીબા અને મધ્યમ વર્ગના લોકોને ઘર વિના ના રહેવું પડે, તેની માટે પણ વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે વર્ષ 2022માં જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો હશે, ત્યારે દેશના દરેક પરિવારની પાસે પોતાનું પાક્કું છાપરું હોય, પોતાનું પાકું મકાન હોય; એ જ લક્ષ્યની સાથે આગળ વધતા આજે અહિયાં 90 હજાર નવા ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષની અંદર અંદર આ ઘર બનીને તૈયાર થઇ જશે.
સાથીઓ, પહેલાની સરકાર કરતા અમારા સંસ્કાર પણ જુદા છે, સરોકાર પણ અને ઝડપ પણ જુદી છે. પાછલી સરકારે પોતાના છેલ્લા ચાર વર્ષોમાં માત્ર સાડા 25 લાખ ઘર બનાવ્યા હતા; તેમની સરકારના છેલ્લા ચાર વર્ષોમાં 25 લાખ 50 હજાર મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે વીતેલા ચાર વર્ષોમાં અમારી સરકારે આશરે 1 કરોડ 25 લાખથી વધુ એટલે કે પાંચ ગણાથી વધુ લોકો માટે ઘર બનાવવામાં આવ્યા છે. તેનો અર્થ આટલું કામ તેમને કરવાનું હોત તો કદાચ બે પેઢીઓ થઇ જતી.
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં આઠ લાખ ઘરો બનાવવામાં આવી રહ્યા છે. સાથીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેઘર લોકો માટે સારી સોસાયટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ તે આદર્શ સોસાયટી નથી બની રહી કે જે જૂની સરકાર દરમિયાન ચર્ચામાં રહી હતી, પરંતુ સાચા અર્થમાં આદર્શ સોસાયટી બનાવવામાં આવી રહી છે જ્યાં એક સામાન્ય પરિવારના સપનાઓ ઉછરે છે, વધુ સારા ભવિષ્ય માટેનો આત્મવિશ્વાસ જાગે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અતર્ગત અમારી સરકાર અઢી લાખ રૂપિયા સુધીની મદદ સીધા બેંકમાં જમા કરી રહી છે. એટલે કે લોનની રકમ સીધી અઢી લાખ રૂપિયા ઘટી જાય છે. એટલે કે નિમ્ન અને મધ્યમ વર્ગની મદદ હોમ લોનમાં પણ કરવામાં આવી રહી છે.
આ સિવાય પહેલાની સરખામણીએ હોમ લોન પર વ્યાજદર પણ ઘણો ઓછો થઇ ગયો છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત નબળા તબક્કાના લોકોને, નિમ્ન આવક ધરાવતા લોકોને સાડા 6 ટકાની વ્યાજ સબસીડી પણ આપવામાં આવી રહી છે.
મધ્યમ આવક ધરાવતા જૂથના લોકોને ૩થી 4 ટકાની વ્યાજ સબસીડી આપવમાં આવી છે. આ પ્રયાસોનો અર્થ એ થયો કે જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન 2 વર્ષ માટે લીધી છે તો તેને આ સમયગાળામાં લગભગ લગભગ 6 લાખ રૂપિયા સુધીની સહાયતા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.
સાથીઓ, સરકારના આ જ ઈમાનદાર પ્રયાસોનું પરિણામ છે કે વીતેલા એક દોઢ વર્ષની અંદર લાખો લોકોએ પોતાનું પહેલું ઘર આ યોજનાનો લાભ લઈને નોંધાવ્યું છે, ખરીદ્યું છે.
એક અહેવાલ અનુસાર વિતેલા 7-8 મહિનાઓમાં નવા ઘર ખરીદવાની ઝડપ પાછલા વર્ષની સરખામણીએ બમણા કરતા પણ વધુ વધી ગઈ છે.
મનેજણાવવામાં આવ્યું છે કે આજે જે યોજના શરુ થઇ રહી છે, તેમાં પણ આ પ્રકારના લોકોની મદદ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 85 હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર કરોડ રૂપિયાની મદદ મળી ચુકી છે.
સાથીઓ, અમે માત્ર મધ્યમ વર્ગના પોતાના ઘરના સપનાઓને જ સાકાર કરવામાં મદદ નથી કરી રહ્યા પરંતુ તેની સાથે જોડાયેલી બીજી તકલીફોને પણ દુર કરી રહ્યા છીએ.
ચાર વર્ષ પહેલા સુધી કયા કયા પ્રકારની સમસ્યાઓ, પોતાના જીવનભરની કમાણીમાંથી નોંધાવેલ ઘરને મેળવવામાં થતી હતી તેનાથી તમે સારી રીતે પરિચિત છો.
કેટલાક લોકોની મનમાની અને ખોટી નીતિના લીધે કઈ રીતે વર્ષો સુધી તમારું ઘર ફસાયેલું રહેતું હતું. એવું પણ બનતું હતું કે વાયદાઓ તેઓ કંઈક જુદો કરતા હતા અને ડિલીવરી કંઈક જુદી થતી હતી. આ પ્રવૃત્તિને અટકાવવા માટેનો એક મોટો પ્રયાસ અમારી સરકારે કર્યો છે.
આજે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી એટલે કે રેરા, દેશના મોટાભાગના રાજ્યોમાં નોટિફાય કરી દેવામાં આવી છે. 21 રાજ્યોમાં તો ટ્રીબ્યુનલ પણ કામ કરી રહ્યા છે.
હું ફડણવીસજીને અભિનંદન આપું છું, કારણ કે મહારાષ્ટ્ર દેશના તે રાજ્યોમાં છે, જેણે સૌથી પહેલા રેરા લાગુ કર્યો છે. દેશભરના આશરે 35 હજાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને 27 હજાર રિયલ એસ્ટેટ એજન્ટ્સ તેમાં નોંધાઈ ચુક્યા છે. તેમાં પણ મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રોજેક્ટ્સ સામેલ છે.
સાથીઓ, વિચારો, 70 વર્ષોથી કોઇપણ પ્રકારના કડક અને સ્પષ્ટ કાયદા વિના રિયલ એસ્ટેટ સેક્ટર ચાલી રહ્યું હતું. જો પહેલા જ આ પ્રકારના કાયદા સરકાર બનાવી નાખત તો ઘર ખરીદનારાઓને અદાલતોના આંટાફેરા ન મારવા પડતા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઈમાનદારી સાથે વૃદ્ધિ વિકાસ પામી શકતુ.
ભાઈઓ અને બહેનો, નિમ્ન અને મધ્યમ વર્ગનું વીજળીનું બિલ કઈ રીતે ઓછુ થાય, સરકાર તેની માટે પણ સતત પ્રયાસો કરી રહી છે. દેશભરમાં ઉજાલા યોજના અંતર્ગત 30 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવ્યા છે. જેમાં આશરે સવા બે કરોડ બલ્બ, તેમાંથી મહારાષ્ટ્રમાં વિતરિત કરવામાં આવ્યા છે; જેમાંથી થાણેમાં પણ લાખો બલ્બ આપવામાં આવ્યા છે. જે કામ પહેલા 60 વોટનો બલ્બ કરતો હતો, તે જ આજે 7 કે 8 વોટનો બલ્બ કરી રહ્યો છે. એટલે કે વીજળીની બચત થઇ રહી છે, સથે સાથે બિલ પણ ઓછું આવી રહ્યું છે.
માત્ર આ જ યોજના વડે દેશના તમામ પરિવારોને દર વર્ષે કુલ મળીને આશરે 16 હજાર કરોડ રૂપિયાની બચત થઇ રહી છે. માત્ર મહારાષ્ટ્રમાં જ લોકોનું દર વર્ષે આશરે 1100 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ ઓછું થયું છે.
તેવું એટલા માટે થઇ શક્યું કારણ કે અમે એલઈડી બલ્બ પર મિશન મોડ પર કામ કર્યું. કંપનીઓને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરી. સ્પર્ધાને પ્રોમોટ કરી, વચેટિયાઓને વચ્ચેથી દુર કર્યા. જેના પગલે ચાર વર્ષ પહેલા જે બલ્બ 250-૩૦૦ રૂપિયાનો મળતો હતો, તે જ આજે 50 રૂપિયા સુધીનો મળવા લાગ્યો છે.
સાથીઓ, કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના રસ્તા પર આગળ વધી રહી છે. દેશનો કોઇપણ ખૂણો, કોઈ ગામ અને શહેર, કોઈ વર્ગ વિકાસથી અળગા ન રહી જાય, તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબનું જીવન સ્તર ઉપર ઉઠાવવામાં આવે, તેની માટે યોજનાઓ બનાવી અને ચલાવવામાં આવી રહી છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં ગરીબ બહેનોનું જીવન ધુમાડાથી મુક્ત કરવા અને તેમના સમયની બચત કરવા માટે મફત ગેસના જોડાણો આપવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 6 કરોડ જોડાણો દેશભરમાં આપી દેવામાં આવ્યા છે. જેમાંથી થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રની 34 લાખથી વધુ બહેનોને મફત ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.
સાથીઓ, એવી બહેનો જે પોતાનો નાનો મોટો વેપાર કરવા માંગતી હોય- જેમ કે સલુન હોય, ટેલરીંગ હોય,,કોઈ ભરત-ગુંથણનું કામ હોય, હેન્ડલુમનું કામ હોય, એવું કોઇપણ કામ કરવા માંગતી હોય છે તો તેમની માટે બેંકોના દરવાજા ખુલ્લા છે.
મુદ્રા યોજના અંતર્ગત 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કોઇપણ બાહેંધરી વિના લોન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે સવા કરોડ એવા ધિરાણો આપવામાં આવી ચુક્યા છે જેમાંથી એક કરોડ ધિરાણ તો બહેનોના નામથી ફાળવવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો, ગરીબને ગરિમાપૂર્ણ જીવન મળે, મહિલાઓને માન અને સન્માન મળે; એ જ અમારો ધ્યેય પણ છે અને લક્ષ્ય પણ.
બાળકોનું ભણતર, યુવાનોની કમાણી, વડીલોની દવા, ખેડૂતોની સિંચાઈ, જન જનની સુનાવણી; વિકાસની આ પંચધારા પ્રત્યે સરકાર સમર્પિત છે.
અને અંતમાં ફરી એકવાર આપ સૌને વિકાસની નવી પરિયોજનાની માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આટલી મોટી સંખ્યામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, તેની માટે હું તમારો આભારી છું.
અહીંથી મારે પુણે જવાનું છે. ત્યાં પણ હજારો કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થવાનું છે. તમે મોટી સંખ્યામાં આ જે તાકત દેખાડી છે, તેની માટે હું તમને અભિનંદન આપું છું.
ખૂબ-ખૂબ આભાર!