પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી અને ત્યાં રૂ. 3350 કરોડની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સ્માર્ટ સિટી, કનેક્ટિવિટી, ઊર્જા, આવાસ તથા અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈક, રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ મુલાકાતની શરૂઆતમાં વારાણસીનાં સ્વ. શ્રી રમેશ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેઓ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયાં હતાં.
વારાણસીની બહાર ઔરે ગામમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકાર વિકાસની આગેકૂચ જાળવી રાખવા બે મોરચે કામ કરી રહી છે. સરકાર એક તરફ હાઇવે, રેલવે વગેરે જેવી માળખાગત સુવિધાઓનાં નિર્માણ માટે કાર્યરત છે, તો બીજી તરફ વિકાસનાં લાભ લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પૈકીની કેટલીક જાહેરાતો બજેટમાં કરવામાં આવી હતી.
આજે લોકાર્પણ થયેલા વિવિધ પ્રોજેક્ટ વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વારાણસીને નવા ભારતનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે. આ સંદર્ભમાં તેમણે આજે વારાણસીમાં ડીએલડબલ્યુમાં લોકોમોટિવ ટ્રેનને લીલી ઝંડી આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ પહેલથી ભારતીય રેલવેની ક્ષમતા અને ઝડપમાં વધારો કરવામાં મદદ મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં રેલવેની કાયાપલટ કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે અને ભારતની પ્રથમ સેમિ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી વારાણસીનાં રુટ પર દોડતી થઈ છે, જે રેલવેમાં પરિવર્તન કરવાનું આ પ્રકારનું પ્રથમ પગલું છે, આ વિવિધ પ્રોજેક્ટ પરિવહનને સરળ બનાવવાની સાથે વારાણસી, પૂર્વાંચલ અને નજીકનાં વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થાપિત કરવા તરફ દોરી જશે.
પ્રધાનમંત્રીએ વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો વહેંચ્યા હતાં. તેમણે આઇઆઇટી બીએચયુનાં 100 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીએચયુ કેન્સર સેન્ટર અને લહરતારામાં ભાભા કેન્સર હોસ્પિટલ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા અન્ય નજીકનાં રાજ્યોનાં દર્દીઓને આધુનિક સારવાર પ્રદાન કરશે.
આયુષ્માન ભારત યોજના વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં આશરે 38,000 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તેમજ ઉત્તરપ્રદેશમાં આશરે 1 કરોડ 20 લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે.
તેમણે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ યોજનાથી ઉત્તરપ્રદેશનાં આશરે 2.25 કરોડ ગરીબ ખેડૂતોને લાભ મળશે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કામધેનુ આયોગનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે ગાય અને તેમનાં વાછરડાંઓનાં વિકાસ અને સુરક્ષા માટે સ્થાપિત કરવામાં આવેલું પંચ છે.
તેમણે જણાવ્યું હતું કે, વારાણસીમાં જે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ થયો હતો એ સમયસર પૂર્ણ થઈ રહી છે.
પછી તેમણે દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શુભેચ્છા પણ પાઠવી હતી.