Woman power in Manipur has always been a source of inspiration for the country: PM Modi
India’s growth story shall never be complete until the eastern part of our country progresses at par with the western part: PM Narendra Modi

ખુરૂમજારી

ઈક-હોઈગી સરકાર-બૂથાજા-બિરિબા મણિપુર-ગી પ્રજા પુમ-નામાકૂ થાગત-ચારી.

સૌ પ્રથમ મણિપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન.

મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહ જેના નેતૃત્વમાં રાજ્ય સરકારે કાલે એક વર્ષ પૂર્ણ કર્યું છે. શાસન કેવી રીતે ચલાવવામાં આવે છે, વિકાસની યોજનાઓ પર કામ કેવી રીતે થાય છે, સ્થાયિત્વનો અર્થ શું છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે તો તેનો પ્રભાવ કેવો પડે છે, તે તમામ પ્રશ્નોનો ઉત્તર આજે મણિપુરની આ ભવ્ય તસવીર આપી રહી છે.

તમારી આંખોની ચમક, તમારી ખુશી તે જણાવે છે કે રાજ્ય સરકાર કેટલું સારૂ કાર્ય કરી રહી છે. જે રીતે મોટી સંખ્યામાં તમે દૂર-દૂરના વિસ્તારોમાંથી અહીં અમને આશીર્વાદ આપવા આવ્યા છો તે માટે હું તમારો આભાર માનું છું.

હું મણિપુરના લોકોને અહીંનાં વહિવટીતંત્ર અને રાજ્ય સરકારને છેલ્લા એક વર્ષમાં કરેલા કાર્યો માટે, તેમની સિદ્ધિઓ માટે હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

મને યાદ છે, ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે 15 વર્ષમાં જે કોંગ્રેસ સરકાર કરી શકી નથી તે અમારી રાજ્ય સરકાર 15 મહિનામાં કરી દેખાડશે. હજી 15 મહિના પૂરા થવામાં ત્રણ મહિના બાકી છે પરંતુ મણિપુરમાં પરિવર્તન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પહેલાની સરકારની નીતિઓ અને નિર્ણયોથી સમાજમાં જે નકારાત્મકતા આવી ગઈ હતી તેને બિરેનજીની સરકારે બદલી નાંખી છે. કાયદો અને વ્યવસ્થા હોય, ભ્રષ્ટાચાર અને પારદર્શકતા હોય કે પછી માળખાકિય વિકાસ સાથે જોડાયેલા કામ હોય, પ્રત્યેક મોરચા પર મણિપુર સરકાર ઝડપથી કામ કરી રહી છે.

સાથીઓ,

મણિપુરના વિકાસ માટે આજે મને અંદાજે સાતસો (700) કરોડની યોજનાઓ શરૂ કરવા કે તેનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ યોજનાઓ સીધી રીતે અહીંનાં યુવાનોનાં સપના, તેમની પ્રતિભા, તેમના રોજગાર, મહિલાઓના સશક્તિકરણ અને આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે આ યોજનાઓ રાજ્યનાં વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ભાઈઓ અને બહેનો,

સ્પોર્ટ્સ આજે ફક્ત મનોરંજન અને સ્વસ્થ રહેવાનું સાધન નથી રહ્યું પરંતુ તે એક મોટો ઉદ્યોગ પણ બની ગયું છે. આજે આ ફૂલ ટાઈમ કારકિર્દી પણ છે. અમારી સરકારનો પ્રયાસ રહ્યો છે કે દેશના યુવાનોને સ્પોર્ટ્સની આધુનિક ટ્રેનિંગ સાથે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે. ખાસ કરીને ઉત્તર પૂર્વમાં લાખો યુવાનોનાં સામર્થ્ય અને તેમની પ્રતિભાને જોતા કેન્દ્ર સરકારે 500 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લીધો હતો. મને ખુશી છે કે આ વર્ષે જાન્યુઆરીથી અહીં બે કોર્સ શરૂ પણ થઈ ગયા છે. આજે જે કેમ્પસનો શિલાન્યાસ મેં કર્યો છે, તેનું કામ પૂર્ણ થયા બાદ અહીંના યુવાનોના સ્પોર્ટ્સ ટેલેન્ટને સામે લાવવા, તેમને તાલિમ આપવામાં વધારે મદદ મળશે.

ભાઈ અને બહેનો,

અમારી સરકાર દેશને સ્પોર્ટિંગ સુપર પાવર બનાવવાનો સંકલ્પ લઈને ચાલી રહી છે. તાજેતરમાં જ અમે ખેલો ઈન્ડિયા નામથી રમત-ગમતનાં વિકાસ માટે એક રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કર્યો છે. ખેલો ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વર્ષે દેશના પસંદ કરવામાં આવેલા એક હજાર પ્રતિભાશાળી રમતવીરોને પર પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવશે. હું મણિપુરનાં યુવાનોને પણ આહ્વાન કરૂ છું કે આ યોજનાનો વધારેમાં વધારે લાભ ઉઠાવો. અમારૂ ફોકસ શાળા સ્તરે પ્રતિભાની ઓળખ કરીને તેને નિખારવાનું છે. તાજેતરમાં આ કાર્યક્રમ અંતર્ગત દિલ્હીમાં ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સનું આયોજન થયું હતું. મને ખુશી છે કે તેમાં પણ મણિપુરે પોતાની પ્રતિભા દેખાડી અને મેડલ ટેલીમાં પાંચમાં સ્થાને રહ્યું. મણિપુરે દેશના મોટા રાજ્યોને પાછળ રાખતા 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 34 મેડલ જીત્યા. તેના માટે અહીંના યુવાનોને હું અભિનંદન પાઠવું છું. ફક્ત મણિપુર જ નહીં પરંતુ પૂર્વોત્તરનાં બાકીનાં રાજ્યોનાં બાળકોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સાથીઓ,

આજે અહીં સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વધુ એક મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મણિપુરનું પ્રથમ મલ્ટિ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હવે અહીંના યુવાનોને સમર્પિત છે. મલ્ટિ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અહીંના યુવાનો ફક્ત ટ્રેનિંગ જ નહીં પરંતુ સારી ટુર્નામેન્ટનું આયોજન પણ કરી શકશે.

ભાઈઓ અને બહેનો

મણિપુર દેશનું એ રાજ્ય છે જેણે સ્પોર્ટ્સના માધ્યમથી મહિલા સશક્તિકરણની વાતને સાચી સાબિત કરી દેખાડી છે. અહીંની મહિલા ખેલાડીઓએ ઓલિમ્પિક્સથી લઈને કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન કર્યું છે. ફૂટબોલ, રેસલિંગ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ અને આર્ચરી જેવી રમતોમાં આ રાજ્ય એ મેરીકોમ, મિરાબાઈ ચાનૂ, બોમ્બાયલા દેવી લૈશરામ અને સરિતા દેવી જેવી ઘણી ચેમ્પિયન ખેલાડીઓ દેશને આપી છે. આ રાજ્યનું મહિલા સશક્તિકરણ દેશ માટે પ્રેરણાનો સ્રોત રહ્યું છે. આજે આ પ્રસંગે હું મહાન ક્રાંતિકારી અને દેશની પુત્રી રાની ગાઈદિન્લિયુને નમન કરૂ છું. આજે તેમના નામને સમર્પિત પાર્કને ખુલ્લો મુકતા હું ગર્વ અનુભવી રહ્યો છું.

મિત્રો,

મહિલા સશક્તિકરણ માટે દિકરીઓનું શિક્ષણ પાયાની બાબત છે. થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ બેટી બચાવો, બેટી પઢાઓ શરૂ કર્યો છે. આ ઝુંબેશને સમગ્ર દેશમાંથી હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. મને એ વાતનો આનંદ છે કે પહાડી અને આદિવાસી વિસ્તારોમાં દિકરીઓને અભ્યાસ માટે જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે ઘટાડવા માટે રાજ્ય સરકારોએ સારા પ્રયાસ આદર્યા છે. આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારે દિકરીઓના શિક્ષણ માટે નવી હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ કર્યો છે. આવી જ એક હોસ્ટેલનું ઉદઘાટન કરવા બદલ હું મારી જાતને નસીબદાર માનું છું. મણિપુરની મહિલાઓ ખેતીથી માંડીને ભરતકામ સુધીના કાર્યોમાં અત્યંત સક્રિય છે. મહિલાઓનાજ માર્કેટની કલ્પના કરવામાં આવી છે જેથી મહિલાઓને તેમના ઉત્પાદનના વેચાણમાં કોઈ હાડમારીનો સામનો કરવો પડે નહીં. મણિપુરના મુખ્યમંત્રી શ્રી બિરેનજી સમગ્ર રાજ્યમાં આ પ્રકારની બજારોના નિર્માણનું કાર્ય સંભાળી રહ્યા છે. મેં આવી જ એક બજારનું ઉદઘાટન કર્યું છે. હું શ્રી બિરેનજીને વિનંતી કરૂ છું કે સરકારની ઇ-માર્કેટને પણ રાજ્યમાં લોકપ્રિય બનાવે અને તેને એક સ્થાન આપે. આ એક એવું મંચ છે જેના મારફતે તમે તમારૂ ઉત્પાદન સરકારને વેચી શકો છો. તેનાથી મણિપુરની મહિલાઓને ઘણો લાભ થશે. આજે હું રાજ્યમાં 1000 આંગણવાડી કેન્દ્રોનું પણ ઉદઘાટન કરી રહ્યો છું. આ કેન્દ્રો હજારો માતાઓ અને તેમના બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે એક માધ્યમ તરીકે કાર્ય કરશે.

તાજેતરમાં મહિલા દિને પ્રારંભ થયેલા રાષ્ટ્રીય પોષણ અભિયાનનો પણ તેમને લાભ મળશે. આ મિશનનો હેતુ પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને રસીકરણ પૂરૂ પાડવાનો છે.

પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કરાયેલા ડોક્ટર, શિક્ષકો અને નર્સોને તેમના સ્થળની નજીકમાં યોગ્ય રહેણાકની વ્યવસ્થા કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે મેં તેમના રહેઠાણ માટેના બાંધકામનો પાયો નાખ્યો છે. પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં ડોક્ટરો, નર્સ અને શિક્ષકોને રહેઠાણ મળી રહે તે માટે 19 અલગ-અલગ જગ્યાએ આ વ્યવસ્થા કરાઈ છે. મને ખાતરી છે કે તેને કારણે તબીબી વ્યવસ્યા સાથે સંકળાયેલોઓને આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે પ્રેરણા મળશે.

મિત્રો,

પૂર્વોત્તરનાં રાજ્યો માટે અમારી સરકારનો દ્રષ્ટિકોણ છે પરિવહન દ્વારા પરિવર્તન. અમારૂ લક્ષ્ય જોડાણ તરફ છે. મણિપુરનાં દૂર-દૂરનાં વિસ્તારોને હેલિકોપ્ટર દ્વારા જોડવાની કામગીરી ચાલી રહી છે. સરકાર વિવિધ માર્ગ પરિયોજનાઓ પર પણ કામ કરી રહી છે. મેં આજે એક મહત્વની માર્ગ પરિયોજનાનો પણ શિલાન્યાસ કર્યો છે.

પ્રવાસન ક્ષેત્રમાં પણ મણિપુર પાસે ઘણા સંસાધનો છે. જંગલ, વાઇલ્ડ લાઈફ, બ્લુહિલ્સ, હરિયાળી ખીણો, કોતરો, રળિયામણા ચાના બગીચાઓ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ. ઉચ્ચ શિક્ષિત અને અંગ્રેજી બોલી ધરાવતા આ ક્ષેત્રના યુવાનો મણિપુરને એક વિકસતા પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવામાં ઘણા મદદ રૂપ થઈ શકે છે. સારી રીતે માવજત કરવામાં આવે તો આ ક્ષેત્ર ઘણી મોટી રોજગારી પણ ઉપલબ્ધ કરાવી શકે છે.

ઇમ્ફાલ નજીકના જાણીતા પહાડી વિસ્તારમાં આવેલા ચીરીયાઓચિંગ ખાતે મેં ઇકો-ટુરિઝમ માટેનું પણ ખાત મૂહૂર્ત કર્યું છે. પર્વતીય અને ગુફા પ્રર્યટન પરિયોજનાનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

મિત્રો,

હું હંમેશાં કહેતો આવ્યો છું કે પશ્ચિમની સરખામણીએ પૂર્વીય વિસ્તારોનો વિકાસ પહોંચે નહીં ત્યાં સુધી ભારતના વિકાસની ગાથા પૂરી થઈ શકી કહેવાય નહીં. પૂર્વોત્તર ભારતના વિકાસનું નવું એન્જિન બની શકે છે. દેશના અન્ય ભાગના વિકાસની સરખામણીએ જે ખાઈ બની ગઈ છે તેને પૂરી કરવા માટે અમે પૂર્વોત્તર પ્રાંતોની વિશેષ જરૂરિયાતને પ્રાથમિકતા આપી રહ્યા છીએ.

વિવિધ મંત્રાલયો તેમની પ્રવર્તમાન યોજનાઓ હેઠળ પૂર્વોત્તર માટે ખાસ વ્યવસ્થા રહ્યા છે. તમામ કેન્દ્રીય મંત્રીઓને આ વિસ્તારો માટે તેમના કુલ બજેટના દસ ટકા વહેંચણી કરવાનું ફરજિયાત બનાવી દેવાયું છે અને આ ફાળવણીનો સંપૂર્ણ ઉપયોગ થાય તે જોવાનું કાર્ય મારી સરકાર કરી રહી છે. મારા મંત્રીમંડળના સાથીઓ આ વિસ્તારોની નિયમિત મુલાકાતો લે એ બાબત મેં ફરજિયાત બનાવી છે અને ત્યાંની યોજનાઓનો અસરકારક રીતે અમલ થાય તેનો પણ તાગ મેળવવાનો રહેશે. અત્યાર સુધીમાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા અંદાજે 200 જેટલી મુલાકાતો લેવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં મેં પૂર્વોત્તરના વિસ્તારોની 25 જેટલી મુલાકાત લીધી છે.

આ ક્ષેત્રમાં માળખાગત સવલતો માટે કેન્દ્ર સરકારે જંગી બજેટ ફાળવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્વોત્તરમાં રેલ નેટવર્કના વિકાસ માટે વાર્ષિક સરેરાશ 5,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અગાઉના પાંચ વર્ષમાં ફાળવાયેલી રકમ કરતાં આ રકમ અઢી ગણી વધારે છે. મણિપુરનું જીરીબામ રેલવે સ્ટેશન 2016માં બ્રોડગેજ રેલ નેટવર્ક સાથે જોડાયેલું હતું. મે 2016માં મેં જીરીબામ રેલવે સ્ટેશનથી પ્રથમ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આજે પૂર્વોત્તર પ્રાંતના આઠમાંથી સાત રાજ્યો રેલવે નેટવર્ક સાથે જોડાયેલા છે. ઇમ્ફાલ સહિત પૂર્વોત્તરને બ્રોડગેજ નેટવર્ક સાથે સાંકળવાની પરિયોજના હાલમાં હાથ પર છે.

વિશ્વનો સૌથી ઉંચો પુલ 141 મીટરની ઉંચાઈ ધરાવે છે જે જીરીબામ-ઇમ્ફાલન નવી લાઈન પરિયોજના પર નિર્મિત થશે. આ પરિયોજનાનું અન્ય સિમાચિહ્ન જમા પાસું આ જ રૂટ પરની 11.55 કિલોમીટર લાંબી ટનલ છે.

2014નાં પ્રારંભે રાજ્ય પાસે નેશનલ હાઇવેની જાહેર થયેલી લંબાઈના માત્ર 1200 કિલો મીટર હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં અમે નેશનલ હાઇવે પરના માર્ગો પર વધુ 460 કિલોમીટર લાંબા માર્ગો જાહેર કર્યા છે. જે 38 ટકાનો વધારો સૂચવે છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર મણિપુર રાજ્યમાં નેશનલ હાઇવે અને અન્ય મહત્વના માર્ગોના વિકાસ માટે 30,000 કરોડ રૂપિયાની રોકાણનું રોકાણ કરશે.

નેશનલ હાઈવેનાં બાંધકામ ઉપરાંત અમે ગ્રામ્ય માર્ગોને પ્રાઇમ મિનિસ્ટર ગ્રામીણ સડક યોજના હેઠળ મુખ્ય માર્ગો સાથે સાંકળવાની બાબત પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 1000 કરોડ રૂપિયાથી વધુ રકમ રાજ્યને આપી છે. આ સમયગાળામાં અમે 150 જેટલા રહેઠાણો બનાવ્યા છે. આ તમામ પ્રયાસો રાજ્યમાં માર્ગ જોડાણના વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતા છે.

કેન્દ્ર સરકારે એક નવી યોજના “પૂર્વોત્તર વિશેષ માળખાકિય વિકાસ યોજના”ને પણ મંજૂરી આપી છે. આ યોજના કેટલાક સુનિશ્ચિત ક્ષેત્રમાં ખાસ માખળાગત સુવિધા રચવામાં ઉભી થયેલી ખાઈને પૂરવામાં મદદરૂપ બનશે.

મિત્રો,

2014માં ગુવાહાટી ખાતે ઓજાયેલી વાર્ષિક પરિષદ દરમિયાન મેં ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને પોલીસ ખાતામાં મોટી ભરતી માટે આગ્રહ કર્યો હતો. આ મુજબ દિલ્હી પોલીસનાં સર્વદેશી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તર પ્રાંતમાં પોલીસ કર્મચારીનું સંખ્યાબળ વધારવા માટે અમે પગલા લીધા છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે 2016માં પૂર્વોત્તર પ્રાંતમાંથી 136 મહિલાઓ સહિત કુલ 438 ઉમેદવારો દિલ્હી પોલીસમાં જોડાયા છે. તેમાંના 49 ઉમેદવારો મણિપુર રાજ્યનાં છે.

તાજેતરમાં ભારત સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે દસ ઇન્ડિયા રિઝર્વ બટાલિયનને મંજૂરી આપી છે જેમાંથી બે બટાલિયન મણિપુર માટે છે. આ બે બટાલિયન રાજ્યમાં 2000 જેટલા યુવાનોને સીધી જ નોકરી માટેની તક પૂરી પાડશે.

નાગરિકોને ધ્યાનમાં રાખીને અમે એક વહીવટીતંત્રની રચના કરી છે, અમે પ્રજા સાથે નિયમિત અને વ્યવસ્થિત ચર્ચા માટેના માધ્યમનો પ્રારંભ કર્યો છે. મણિપુરના ઇતિહાસમાં આવી કોઈ મંત્રણા વિશે સાંભળવામાં આવ્યું નથી. “મ્યામ્ગીનુમિત” અને “હિલ લીડર્સ દિવસ” આ દિશામાં સીધા પ્રયાસો છે. મેં સાંભળ્યું છે કે આ પ્રકારની 24 મંત્રણા હાથ ધરાઈ ચૂકી છે જેમાં 19 હજાર લોકો મુખ્યમંત્રીને મળ્યા છે.

મને એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર લોક ફરિયાદોને ગંભીરતાથી લઈ રહી છે. મુખ્યમંત્રીની કચેરીમાં ટોલ ફ્રી નંબર સાથે એક ફરિયાદ માટેના સેલની પણ રચના કરવામાં આવી છે.

સરકાર દ્વારા હાથ ધરાયેલો ‘ગો ટુ હિલ’ કાર્યક્રમ પણ આવકાર્ય છે. સરકારને પ્રજાથી નજીક લાવવા માટે મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનાં તમામ સાથીઓએ તમામ પહાડી જિલ્લાઓની મુલાકાત લીધી છે.

એક વાર મણિપુર કાંઇક કરવાનું નક્કી કરી લે તો કોઈ તાકાત તેમને તેમ કરતા રોકી શકતી નથી. એપ્રિલ 1944માં આ જ મણિપુરની ધરતી પરથી નેતાજી બોઝના લશ્કરે આઝાદી માટે આહ્વાન કર્યું હતુ. તેનાથી રાષ્ટ્રને ઉર્જા સાંપડી હતી અને સ્વતંત્રતાની લડતમાં દેશને તાકાત પૂરી પાડી હતી.

આજે મણિપુરે નવા ભારતના ઉદય માટે મહત્વની ભૂમિકા અદા કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક વર્ષમાં મણિપુરે પુરવાર કરી દીધું છે કે ખરા અર્થમાં રાજકીય વિકાસ અને સારૂ સંચાલન શું છે.

સાથીઓ,

એક વર્ષ અગાઉ જે પ્રેમ તમે અમને આપ્યો હતો તેનું જ આ પરિણામ છે કે આજે અમે આ કાર્ય કરી શક્યા છીએ.

હું તમને ખાતરી આપું છું કે શ્રીમાન એન. બિરેન સિંહજીની ટીમને મારા તરફથી સંપૂર્ણ સહકાર મળતો રહેશે.

ફરી એક વાર રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ કરવા માટે, રાજ્યના લોકો અને ખાસ કરીને નવયુવાનોને વિકાસની આ પરિયોજના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ફરી એક વાર તમારો ખૂબ ખૂબ આભાર.

મયામબુ

થાગત ચારી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan

Media Coverage

PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises