પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાતના બીજા તબક્કામાં જમ્મુની મુલાકાત લીધી હતી. તેમણે સંખ્યાબંધ વિકાસ યોજનાઓનો શુભારંભ કરીને રાજ્યમાં માળખાગત સુવિધાઓને વેગ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ આજે લેહ, જમ્મુ અને શ્રીનગરની મુલાકાત લીધી હતી.
જમ્મુની મુલાકાતમાં પ્રધાનમંત્રીએ વિજયપુર સામ્બા ખાતે એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે એઈમ્સની સ્થાપના થવાથી લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે અને આ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે વ્યાવસાયિકોની તંગી ઓછી થશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યની મેડિકલ કોલેજોમાં વધુ 500 બેઠકોનો ઉમેરો કરવામાં આવશે.
કથુઆમાં યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે જમ્મુના યુવાનોને આર્થિક પછાત વર્ગની 10 ટકા અનામતનો લાભ મળશે.
તેમણે જમ્મુમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ માસ કોમ્યુનિકેશનના ઉત્તર ક્ષેત્રીય કેન્દ્રના સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ સંકુલની સ્થાપના શૈક્ષણિક વર્ષ 2012-13માં કરવામાં આવી હતી, ત્યારથી તેનું કામકાજ એક કામચલાઉ ભવનમાં કાર્યરત હતું.
પ્રધાનમંત્રીએ 684 મેગા વોટના કીરૂ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેકટઅ ને 850 મેગા વોટના રેટલ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેકટની કિસ્તવારમાં શિલારોપણ વિધિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નવા વીજ મથકો સ્થપાવાથી યુવાનોને રોજગારી મળશે. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં સૌભાગ્ય યોજના હેઠળ 100 ટકા વિજળીકરણ થઈ ગયું હોવાની જાહેરાત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કાશ્મીર ખીણના સ્થળાંતર કરીને આવેલા કાશ્મીરી કર્મચારીઓ માટે આવાસ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે અન્યત્ર ખસેડાયેલા 3000 કાશ્મીરીઓને નોકરી આપવાની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે “ભારત એ સંજોગોને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમાં પંડિતોએ પોતાના ઘર છોડી દેવા પડ્યા હતા. દેશ પડોશી દેશોમાં ત્રાસ ભોગવી રહેલા લોકોને પડખે ઉભો છે.”
પ્રધાનમંત્રીશ્રીએ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (એનઆરસીપી) હેઠળ દેવીકા અને તાવી નદીનું પ્રદુષણ ઘટાડવાના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા સૈનિકોની સલામતિ માટે સરહદ ઉપર 1400 બંકર ઉભા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સરકાર માત્ર રૂ. 500 કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરીને ઓઆરઓપીની યોજનાનો અમલ કરવામાંથી ઠાગાઠૈયા કરી રહી હતી અમે રૂ. 35,000 કરોડની ફાળવણી કરી છે. અગાઉની સરકારો જો સક્રિય હોત તો કરતારપુર સાહિબ ભારતનો હિસ્સો હોત તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીની આજની જમ્મુ મુલાકાતની વિશેષ બાબત ચેનાબ નદી પર સજવાલ ખાતે 1640 મીટરના ડબલ લેન બ્રીજનો શિલાન્યાસ હતો. આ બ્રીજને કારણે સજવાલ અને ઈન્દ્રી પટ્ટીયાનની વસતિને વૈકલ્પિક માર્ગ મળશે. બંને સ્થળો વચ્ચેનું અંતર 47 કી.મી.થી ઘટીને 5 કી.મી. થઈ જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી સુધારવા માટે રૂ. 40,000 કરોડની મંજૂરી આપવામાં આવી છે.