પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુપુરની મુલાકાત લીધી અને રાજ્યમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તિરુપુરમાં પેરુમન્નાલ્લુર ગામથી અનેક વિકાસની પરિયોજનાઓનું અનાવરણ કર્યું.
તેમણે તીરુપ્પુર ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ અદ્યતન 100 પથારીવાળી હોસ્પિટલ તીરુપ્પુરમાં આશરે એક લાખથી વધુ કર્મચારીઓની અને તેમના પરિવારોની તેમજ ઈએસઆઈ કાયદા અંતર્ગત આવરી લેવામાં આવેલા નજીકના વિસ્તારોના લોકોને આરોગ્ય સેવા પ્રદાન કરશે. અગાઉ આ લોકોને શહેરમાં ઈએસઆઈસીની બે કાર્યરત ડિસ્પેન્સરીઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હતી. આ પહેલા આરોગ્યને લગતી કોઇ પણ વિશેષ સુવિધા માટે અહિંના લોકોને ઓછામાં ઓછી 50 કિલોમીટરની મુસાફરી કરીને કોઇમ્બતુરમાં ઈએસઆઈસીની મેડિકલ સુધી જવું પડતું હતું.
તેમણે ઈએસઆઈસી ચેન્નાઈ હોસ્પિટલ પણ દેશને સમર્પિત કરી. આ અદ્યતન સુવિધાઓ ધરાવતી અને 470 પથારીઓવાળી હોસ્પિટલ આરોગ્યની તમામ શાખાઓમાં ગુણવત્તાયુક્ત ઉપચારો પૂરા પાડશે.
પ્રધાનમંત્રીએ ત્રિચી એરપોર્ટ ખાતે એક નવા સંકલિત ભવન અને ચેન્નાઈ એરપોર્ટના આધુનિકીકરણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. ત્રિચીમાં નવા આધુનિક ટર્મિનલ ભવનની સાથે આ એરપોર્ટ ૩.63 મિલિયન મુસાફરોને દર વર્ષે સંપૂર્ણ ક્ષમતા સાથે અને વિસ્તૃતીકરણની જોગવાઈ સાથે વ્યસ્તતાના કલાકો દરમિયાન 29૦૦ મુસાફરોને સુવિધા આપી શકે તેમ છે. ચેન્નાઈ વિમાનમથકનું આધુનિકીકરણ કરવામાં આવશે જેમાં દરવાજાઓ, બાયોમેટ્રિક આધારિત મુસાફર સ્ક્રિનીંગ સિસ્ટમ, અનેકવિધ નવી સુવિધાઓનો સમાવેશ થાય છે જે વર્તમાન આંતરરાષ્ટ્રીય નિકાસ ટર્મિનલમાં ધસારાને પણ ઓછો કરશે.
આ પ્રસંગે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના એન્નોર કોસ્ટલ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે તેની તોન્ડિયારપેટ સુવિધા માટે એક વધુ મોટો અને સારો વિકલ્પ બની રહેશે. આ ટર્મિનલ શરુ થતા જ કોચીથી દરિયાકાંઠેથી માલસામાનની અવર-જવર કરી શકાશે અને આ રીતે રસ્તાની અવર-જવરનો ખર્ચ પણ ઓછો થશે.
પ્રધાનમંત્રી મોદીએ ચેન્નાઈ બંદરથી લઈને ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના (સીપીસીએલ) મનાલી રિફાઈનરી સુધી નવી ક્રુડ ઓઈલ પાઈપલાઈનનું પણ ઉદઘાટન કર્યું હતું. વધુ સારી સુરક્ષાના અંગો સાથે તૈયાર થયેલ આ પાઈપલાઈન ક્રુડ ઓઈલના સુરક્ષિત અને ભરોસાપાત્ર પુરવઠાની ખાતરી આપશે અને તમિલનાડુ તેમજ પાડોશી રાજ્યોની જરૂરિયાતોને પૂરી કરશે.
એજી-ડીએમએસ મેટ્રો સ્ટેશનથી લઇને વોશરમેનપેટ મેટ્રો સ્ટેશન સુધી ચેન્નાઈ મેટ્રોના એક વિભાગ માટે મુસાફર સેવાનું પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ 10 કિલોમીટરનો વિભાગ ચેન્નાઈ મેટ્રોના પ્રથમ તબક્કાનો એક ભાગ છે. આ પટ્ટા સાથે પ્રથમ તબક્કાનો સંપૂર્ણ 45 કિલોમીટરનો માર્ગ કાર્યાન્વિત થશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ તેમની આજની યાત્રાના અંતિમ તબક્કા માટે હુબલી જવા રવાના થયા હતા.