ભારતીય સાંસ્કૃતિક સંબંધ માટેની પરિષદ (આઇસીસીઆર)એ આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ પ્રયાગરાજમાં કુંભ મેળામાં સહભાગી થયેલા 188 દેશોનાં પ્રતિનિધિઓનું સન્માન કરવાનો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઐતિહાસિક ગ્રૂપ ફોટો માટે 188 પ્રતિનિધિઓ સાથે જોડાયા હતાં.
અહિં એકત્ર પ્રતિનિધિઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાંથી પરત ફરેલા પ્રતિનિધિઓને મળીને તેમને ખુશી થઈ.
તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વ્યક્તિ કુંભ મેળાની મુલાકાત ન લે, ત્યાં સુધી એ સંપૂર્ણપણે કુંભ મેળો ભારતનો શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસો છે એવી પ્રશંસા ન કરી શકે. તેમણે કહ્યું હતું કે, આ પરંપરા હજારો વર્ષોથી નિરંતર જળવાઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, કુંભ મેળાનું જેટલું આધ્યાત્મિક મહત્ત્વ છે એટલું જ સામાજિક સુધારાની દ્રષ્ટિએ મહત્ત્વ છે, કુંભ ભવિષ્ય માટેનું આયોજન કરવા અને પ્રગતિ પર નજર રાખવા આધ્યાત્મિક આગેવાનો અને સામાજિક સુધારકોને ચર્ચા કરવા માટે મંચ પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે કુંભ મેળામાં વિશ્વાસ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સભાનતા સાથે આધુનિકતા અને ટેકનોલોજીનો સમન્વય થાય છે, દુનિયા ભારતને તેની આધુનિકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, બંને માટે ઓળખશે. તેમણે દુનિયાભરનાં પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની સહભાગીદારી કુંભને સફળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ ભારતીય લોકશાહીની ચૂંટણીને “લોકશાહીનો કુંભ” ગણાવ્યો હતો, કુંભ મેળાની જેમ ભારતીય લોકશાહીની ચૂંટણીઓ તેનાં વ્યાપ અને સંપૂર્ણપણે નિષ્પક્ષતા સાથે કુંભ મેળા સમાન છે, જે દુનિયાભર માટે પ્રેરણાનો સ્રોત બની શકે છે.
તેમણે કહ્યું હતું કે, દુનિયાભરનાં લોકોએ ભારતમાં તેની લોકશાહીની ચૂંટણીની પ્રક્રિયા જોવા પણ આવવું જોઈએ.