પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજનાં આઠમાં આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજનું આંતરરાષ્ટ્રીય સંમેલન આ વર્ષે અમેરિકાનાં કેલિફોર્નિયામાં યોજાયું છે.
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયો, ખાસ કરીને સૌરાષ્ટ્રનાં પટેલ સમુદાયનાં પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, પ્રવાસી ભારતીયોએ હંમેશા ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રવાસી ભારતીયોનાં પ્રયાસથી દુનિયામાં તમામ જગ્યાએ ભારતીય પાસપોર્ટ પ્રત્યે સન્માન સુનિશ્ચિત થયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત જેવી સરકારની વિવિધ યોજનાઓથી દેશમાં પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયને ઓછામાં ઓછા પાંચ વિદેશી કુટુંબોને દર વર્ષે ભારતદર્શન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. તેનાથી એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાનનાં ઉદ્દેશને પૂર્ણ કરવાનો નવો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે અને ભારતનાં પર્યટન ક્ષેત્રનાં વિકાસને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પ્રવાસી ભારતીયો મહાત્મા ગાંધીનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં નામે નર્મદા નદી પર વિશાળ પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનું કાર્ય 31 ઓક્ટોબર, 2018નાં રોજ પૂર્ણ થઈ જશે. આ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’એટલે કે એકતાની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે.
આ સમારંભને સંબોધન કરતાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અત્યારે વિશ્વમાં ભારતને ઉજ્જવળ અને પ્રગતિનાં પંથે અગ્રેસર દેશ તરીકે જોવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત ઝડપથી પ્રગતિ કરતી અર્થવ્યવસ્થા તથા પારદર્શક, પ્રામાણિક શાસન વ્યવસ્થા સાથે જોડાયેલી છે. જીએસટી જેવા કાર્યક્રમ અને ભ્રષ્ટાચારનાં મામલે કઠોર કાર્યવાહીથી લોકોને પ્રામાણિકતા સાથે વ્યવસાય કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમોનાં પરિણામે છેલ્લાં 4 વર્ષોમાં વેપાર-વાણિજ્યમાં સરળતાનાક્રમાંકમાં ભારતે 42 સ્થાનની હરણફાળ ભરી છે.
પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય સમુદાયને નવા ભારતનું નિર્માણ કરવાનાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કામ કરવા અપીલ કરી હતી.