પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ‘એટ હોમ’ કર્યક્રમ દરમિયાન આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તમામ લોકો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજનારી પરેડમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી અર્જૂન મુંડા, શ્રી કિરેન રિજિજુ અને શ્રીમતી રેણુકાસિંહ સારુતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન આપતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં આદિવાસી મહેમાનો, કલાકારો, NSS અને NCCના કેડેટ્સ ભાગ લઇ રહ્યાં હોવાથી તેમની ઉપસ્થિતિના કારણે પ્રત્યેક નાગરિકમાં એક નવી ઊર્જા ભરાઇ જાય છે. દેશની ભવ્ય વિવિધતાનું તેમના દ્વારા કરવામાં આવતું પ્રદર્શન દરેક નાગરિકને ગૌરવનો અહેસાસ કરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતના મહાન સમાજ-સાંસ્કૃતિક વારસા અને દુનિયાની સૌથી મોટી લોકશાહીને જીવન બક્ષતા બંધારણને વંદન છે.
પ્રધાનમંત્રી ટાંક્યુ હતું કે, આ વર્ષે ભારત તેની સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને આ વર્ષે જ ગુરુ તેજ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વની પણ આપણે ઉજવણી કરી રહ્યાં છીએ. તેમજ, આ વર્ષમાં જ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે જેને આપણે પ્રરાક્રમ દિવસ તરીકે જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ ઘટનાઓ આપણને દેશના હિત માટે ફરી સમર્પિત થવા માટે પ્રેરણા આપી રહી છે.
પ્રધાનમંત્રીએ તેમના યુવાના મહેમાનોને જણાવ્યું હતું કે, ભારત તેના દેશવાસીઓની મહત્વાકાંક્ષાઓની સહિયારી તાકાતનું સાકાર સ્વરૂપ છે. તેમણે કહ્યું હતું કે, ભારત મતલબ – સંખ્યાબંધ રાજ્યો- એક રાષ્ટ્ર, સંખ્યાબંધ સમુદાયો- એક ભાવના, સંખ્યાબંધ માર્ગો- એક લક્ષ્ય, સંખ્યાબંધ રીવાજો- એક મૂલ્ય, સંખ્યાબંધ ભાષાઓ- એક અભિવ્યક્તિ અને સંખ્યાબંધ રંગો- એક તિરંગો છે. અને, આ સહિયારું મુકામ એટલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’. તેમણે દેશના તમામ ભાગોમાંથી આવેલા યુવા મહેમાનોને અનુરોધ કર્યો હતો કે, તેઓ એકબીજાના રીત-રીવાજો, વાનગીઓ, ભાષાઓ અને કળા અંગે જાગૃતિ ફેલાવવાની પર કામ કરે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’થી ‘વોકલ ફોર લોકલ’ને ચળવળને તાકાત મળશે. જ્યારે એક પ્રદેશ બીજા પ્રદેશના ઉત્પાદન અંગે ગૌરવ કરશે અને તેને પ્રોત્સાહન આપશે ફક્ત ત્યારે જ સ્થાનિક ઉત્પાદનો રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સુધી પહોંચશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા આપણા યુવાનો પર નિર્ભર છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, દેશના યુવાનોમાં યોગ્ય કૌશલ્ય વિકાસની જરૂર છે. કૌશલ્યના આ મહત્વને રેખાંકિત કરવા માટે, તેમણે માહિતી આપી હતી કે, કૌશલ્ય મંત્રાલય 2014માં શરૂ કરવામાં આવ્યું હતું અને 5.5 કરોડ યુવાન લોકોને અલગ અલગ પ્રકારના કૌશલ્યો આપવામાં આવ્યા છે તેમજ તેને સ્વરોજગારી અને નોકરી મેળવવામાં મદદ કરવામાં આવી છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કૌશલ્ય પર ધ્યાન આપવામાં આવ્યું છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે કારણ કે તેમાં જ્ઞાનના અમલ પર વિશેષ ભાર મૂક્યો છે. કોઇપણ વિદ્યાર્થીનો મનપસંદ વિષય પસંદ કરવાની લવચિકતા આ નીતિનું મુખ્ય પરિબળ છે. આ નીતિ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં રોજગારલક્ષી શિક્ષણને લાવવાનો પ્રથમ ગંભીર પ્રયાસ અંકિત કરે છે. છઠ્ઠા ધોરણથી, વિદ્યાર્થીઓને તેમની રુચિ પ્રમાણે અને સ્થાનિક જરૂરિયાત અનુસાર તેમજ વ્યવસાયની જરૂર મુજબ અભ્યાસક્રમ પસંદ કરવાનો વિકલ્પ મળશે. ત્યારબાદ, મધ્યમ સ્તરે શૈક્ષણિક અને વ્યાવસાયિક વિષયોને એકીકૃત કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
દેશમાં જરૂરિયાતના સમયમાં અને ખાસ કરીને કોરોના સમય દરમિયાન NCC અને NSS દ્વારા આપવામાં આવેલા યોગદાનની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે તેમને કહ્યું હતુ કે, તેઓ મહામારી સામેની જંગના આગામી તબક્કાને આગળ લઇ જાય. તેમણે તેમને, રસીકરણ કવાયતમાં મદદરૂપ થવા માટે આગળ આવવાની અને દેશના તમામ ખૂણા સુધી તેમજ સમાજના દરેક હિસ્સા સુધી તેમની પહોંચનો ઉપયોગ કરીને રસી અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “રસી બનાવીને, આપણા વૈજ્ઞાનિકોએ તેમની ફરજ પરિપૂર્ણ કરી છે, હવે આપણો વારો છે. આપણે આ રસી અંગે કોઇપણ જુઠ્ઠાણા અને અફવાઓ ફેલાવવાના પ્રયાસોને ડામી દેવાના છે.”