પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસી આપનારાઓ સાથે સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ બનારસના લોકો, આ કાર્યક્રમમાં સંકળાયેલા તમામ સંલગ્ન ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, દવાખાનામાં સફાઇ કામદારો અને કોરોના રસી સાથે સંકળાયેલ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. કોવિડ સ્થિતિના કારણે આ પ્રસંગે ઉપસ્થિત ન રહી શકવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે આપણાં દેશમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે તેના પ્રથમ બે તબક્કાઓમાં, 30 કરોડ દેશવાસીઓને રસી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશ પાસે તેની પોતાની રસી બનાવવાની ઈચ્છા શક્તિ રહેલી છે. આજે ઝડપી ગતિએ દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી જરૂરિયાત ઉપર સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે અને ભારત બીજા અન્ય દેશોને પણ મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ છેલ્લા છ વર્ષમાં બનારસ અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આવેલ પરિવર્તન કે જેણે કોરોના કાળમાં સંપૂર્ણ પૂર્વાચલની મદદ કરી હતી, તેની નોંધ લીધી હતી. તેમણે એ પણ નોંધ્યું હતું કે હવે બનારસ રસીકરણ માટે પણ એવી જ તીવ્ર ગતિનું પ્રદર્શન કરી રહ્યું છે. બનારસમાં 20 હજારથી વધુ આરોગ્ય વ્યવસાયીકોને રસી આપવામાં આવશે. આ માટે, 15 રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે આ વ્યવસ્થાઓ ઊભી કરવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને તેમના સાથીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે આજના સંવાદનો ઉદ્દેશ્ય રસીકરણ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ વ્યવસ્થા અને જો કોઈ સમસ્યા હોય તો તેના વિષે ચર્ચા કરવાનો છે. તેમણે રસીકરણ અભિયાનમાં સંકળાયેલ લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વારાણસીના પ્રતિભાવો અન્ય જગ્યા પર પરિસ્થિતિને સમજવા માટે પણ મદદ કરશે.
પ્રધાનમંત્રીએ મેટ્રોન, એએનએમ કાર્યકર્તાઓ, ડૉક્ટર્સ અને લેબ ટેક્નિશિયન સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશ તરફથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એક સાધુ જેવા સમર્પણ માટે વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ એ બાબત પણ નોંધી હતી કે સ્વચ્છતા અભિયાનમાં લેવામાં આવેલ પગલાઓ કે જેમણે એક સ્વચ્છતાની સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું તેના કારણે દેશ આ મહામારી સામે લડવા માટે વધુ સારી રીતે તૈયાર હતો. પ્રધાનમંત્રીએ મહામારી અને રસીકરણ વિષે પ્રમાણભૂત સંવાદ કરવા બદલ કોરોના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.