પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણમંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના પુરસ્કાર વિજેતાઓ ખાસ છે કારણ કે, તેમણે કોરોના જેવા મુશ્કેલ સમયમાં પણ આ પુરસ્કાર જીત્યો છે. વિજેતાઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીએ સ્વચ્છતા ચળવળ જેવા વર્તણૂક પરિવર્તન સબંધિત મોટા અભિયાનોમાં બાળકોની ભૂમિકા સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોરોના સમય દરમિયાન હાથ ધોવાના અભિયાન જેવી ઝુંબેશોમાં બાળકો સામેલ થાય ત્યારે આવા અભિયાનો લોકોની કલ્પનામાં ઉપસી આવે છે અને તેને સફળતા પ્રાપ્ત થાય છે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જે અલગ-અલગ ક્ષેત્રોમાં પુરસ્કારો આપવામાં આવ્યા તેની વૈવિધ્યાતાની પણ નોંધ લીધી હતી.
પ્રધાનમંત્રીએ ધ્યાનમાં લીધું હતું કે, જ્યારે એક નાના વિચારને યોગ્ય પગલાં દ્વારા સમર્થન મળી જાય ત્યારે તે ખૂબ જ પ્રભાવશાળી પરિણામો આપે છે. તેમણે બાળકોને પગલાં લેવામાં વિશ્વાસ કરવાનું કહ્યું હતું કારણ કે વિચાર અને પગલાંની આ આંતરિક ક્રિયા-પ્રતિક્રિયા લોકોને મોટા કાર્યો કરવા માટે સંખ્યાબંધ પગલાં લેવાની શરૂઆત કરવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ બાળકોને કહ્યું હતું કે, તેઓ માત્ર પોતે મેળવેલી સિદ્ધિઓથી સંતોષ માનીને બેસી ના રહે પરંતુ હંમેશા તેમના તેમના જીવનમાં બહેતર પરિણામ મેળવવાની ઝંખના ચાલુ રાખે
પ્રધાનમંત્રીએ બાળકોને ત્રણ બાબતો, ત્રણ સંકલ્પો, તેમના મનમાં હંમેશા રાખવા માટે અનુરોધ કર્યો હતો. પહેલો, સાતત્યનો સંકલ્પ. પગલાં લેવાની ઝડપમાં કોઇપણ પ્રકારે સુસ્તી ના આવવી જોઇએ. બીજો સંકલ્પ, દેશ માટે. જો આપણે દેશ માટે કામ કરીશું અને દરેક કામને દેશના સંદર્ભમાં ધ્યાનમાં રાખીશું તો તે કામ પોતાની જાત કરતાં બહેતર પરિણામ આપનારું રહેશે. આપણે સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ્યા હોવાથી, તેમણે બાળકોને તેઓ દેશ માટે શું કરી શકે છે તે અંગે વિચાર કરવા માટે કહ્યું હતું. ત્રીજો સંકલ્પ, માનવતાનો છે. પ્રધાનમંત્રીએ સંવાદનું સમાપન કરતા કહ્યું હતું કે, આપણી દરેક સફળતા આપણને વધુ વિનમ્ર બનવાની પ્રેરણા આપે છે કારણ કે આપણી આ વિનમ્રતાના કારણે જ અન્ય લોકો આપણી સફળતાની ઉજવણી કરી શકે છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આવિષ્કાર, શૈક્ષણિક સિદ્ધિ, રમતગમત, કળા અને સાહિત્ય, સમાજ સેવા અને બહાદુરીના ક્ષેત્રમાં અપવાદરૂપ સામર્થ્ય અને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરનારા બાળકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાંથી અલગ અલગ શ્રેણી હેઠળ બાળ શક્તિ પુરસ્કાર માટે 32 અરજીકર્તાઓને PMRBP-2021 માટે પસંદ કરવામાં આવ્યા હતા.