મહાનુભાવો,
વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રનાં દિગ્ગજો,
દેવીઓ અને સજ્જનો,
ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો અને નિર્ણયકર્તાઓનાં આ વિશિષ્ટ સંમેલનમાં સામેલ થવાની મને ખુશી છે. હું તમને બધાને વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2017માં આવકારૂ છું.
આ કાર્યક્રમ તમને ભારતમાં તમારાં માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની તકો વિશે જાણકારી આપશે. તે ફૂડ પ્રોસેસિંગ વેલ્યુ ચેઇનમાં અમારી સંભવિતતા પ્રદર્શિત કરશે. તે વિવિધ પક્ષો સાથે જોડાણ કરવા અને પારસ્પરિક સમૃદ્ધિ અને જોડાણ માટે મંચ પ્રદાન કરશે. અને આ મંચ આપની સમક્ષ અમારી કેટલીક સ્વાદિષ્ટ વાનગી અને વ્યંજનો રજુ કરશે, જે સમગ્ર દુનિયાનાં લોકોને રોમાંચિત કરે છે.
દેવીઓ અને સજ્જનો,
ભારત કૃષિમાં ઘણી વિવિધતા ધરાવે છે. વિશ્વમાં બીજો સૌથી વધુ કૃષિલક્ષી વિસ્તાર અને 127 વિવિધ એગ્રો-ક્લાઇમેટ ઝોન આપણને કેળા, કેરી, જામફળ, પપૈયા અને ભીંડા જેવા અનેક પાકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ પ્રદાન કરે છે. વિશ્વમાં ચોખા, ઘઉં, માછલી, ફળફળાદિ અને શાકભાજીનાં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. ભારત વિશ્વમાં દૂધનું પણ સૌથી વધારે ઉત્પાદન કરે છે. આપણું બાગાયતી ક્ષેત્ર છેલ્લાં 10 વર્ષમાં દર વર્ષે 5.5 ટકાનાં સરેરાશ વૃદ્ધિ દરથી પ્રગતિ કરી રહ્યું છે.
સદીઓથી ભારતે દૂરદૂરનાં દેશોમાંથી આવતા વેપારીઓને આવકાર્યાં છે, જેઓ આપણા વિશિષ્ટ મરીમસાલાની શોધમાં આવ્યાં હતાં. ભારતનાં આ પ્રવાસે ઇતિહાસની દિશા બદલી નાંખી હતી. મરીમસાલાનાં માર્ગે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે અમારો વેપાર અતિ પ્રસિદ્ધ છે. ક્રિસ્ટોફર કોલંબેસને પણ ભારતીય મરીમસાલાએ આકર્ષિક કર્યો હતો અને ભારતની શોધમાં એ અમેરિકા પહોંચી ગયો હતો, કારણ કે તે ભારતનો વૈકલ્પિક દરિયાઈ માર્ગ શોધતો હતો.
ભારતમાં ફૂડ પ્રોસેસિંગ જીવનનો એક માર્ગ છે. આ સદીઓ જૂની પરંપરા છે અને લગભગ દરેક ઘરમાં આ પ્રક્રિયા એક કે બીજી રીતે થાય છે. આથો લાવવા જેવી સરળ, ઘરગથ્થું પદ્ધતિઓને પરિણામે આપણાં પ્રસિદ્ધ અથાણાં બને છે. વળી પાપડ, ચટણી અને મુરબ્બો અત્યારે સમૃદ્ધ અને સામાન્ય એમ તમામ પ્રકારનાં વર્ગોને આકર્ષિત કરે છે.
દેવીઓ અને સજ્જનો,
ચાલો આપણે થોડી વિસ્તૃત વાત કરીએ.
અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. વસ્તુ અને સેવા કર અથવા જીએસટીથી અનેક પ્રકારનાં કરવેરા નાબૂદ થયા છે. વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં દુનિયાનાં દેશોનાં ક્રમાંકમાં ભારતે ચાલુ વર્ષે 30 ક્રમની હરણફાળ ભરી છે. ભારતનાં ક્રમનો અત્યાર સુધીનો આ સૌથી મોટો સુધારો છે. ભારતનું સ્થાન વર્ષ 2014માં 142મું હતું, અત્યારે આપણે ટોપ 100માં સામેલ થયા છીએ.
વર્ષ 2016માં ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં દુનિયામાં ભારતનું સ્થાન ટોચ પર હતું. ભારત ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ, ગ્લોબલ લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
અત્યારે ભારતમાં નવો વ્યવસાય શરૂ કરવો અગાઉ કરતાં વધારે સરળ છે. વિવિધ સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવવી હવે સરળ છે. જૂનાં કાયદા નાબૂદ થઈ ગયા છે અને બિનજરૂરી નીતિનિયમોનું ભારણ ઘટી ગયું છે.
હવે હું ફૂડ પ્રોસેસિંગ વિશે વાત કરીશ.
મિત્રો,
વેલ્યુ ચેઇનનાં ઘણાં ભાગોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધી રહી છે. જોકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કાચા માલનાં સોર્સિંગ અને કૃષિ સંબંધિત જોડાણો ઊભાં કરવા વધારે રોકાણની જરૂર છે. ભારતમાં ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પહેલ કરી છે. ભારતને વિશ્વની સુપર-માર્કેટ ચેઇનમાં મુખ્ય આઉટસોર્સિંગ કેન્દ્ર તરીકે જોવાનો આ સ્પષ્ટ અવસર છે.
એક તરફ, પાકની લણણી પછીની વ્યવસ્થા માટેનાં મુખ્ય પ્રોસેસિંગ અને સંગ્રહ, જાળવણીનું માળખું, કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેટેડ વાહનવ્યવહાર જેવા ક્ષેત્રોમાં અનેક તકો છે. તો બીજી તરફ, ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધન માટે, ખાસ કરીને ઓર્ગેનિક અને ફોર્ટિફાઇડ ફૂડ્સ જેવા આકર્ષક ક્ષેત્રો માટે પુષ્કળ સંભવિતતા પણ રહેલી છે.
શહેરીકરણ અને મધ્યમ વર્ગમાં વધારો સંપૂર્ણ, પ્રોસેસ્ડ ફૂડ માટે સતત વધતી માગનું પરિણામ છે. ચાલો હું તમને એક આંકડાકીય માહિતી આપું. ભારતમાં દરરોજ ટ્રેનમાં આશરે 10 લાખ લોકો મુસાફરી કરે છે. તેમાંથી દરેક ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સંભવિત ગ્રાહકો છે. આટલી મોટી તક તમારી રાહ જોઇ રહી છે.
દેવીઓ અને સજ્જનો,
વિશ્વમાં જીવનશૈલી સાથે સંબંધિત રોગો વધી રહ્યાં છે અને તેનાં પગલે ખાદ્ય ચીજવસ્તુઓનાં પ્રકાર અને ગુણવત્તાને લઈને ચિંતા પ્રવર્તી રહી છે. બનાવટી રંગો, રસાયણો અને પ્રિઝર્વેટીવ્સનાં ઉપયોગ સામે અણગમો વધી રહ્યો છે. આ સ્થિતિમાં ભારત તેનું સમાધાન આપી શકે છે અને આ સ્થિતિ બંન્ને પક્ષે લાભદાયક બની રહેશે.
આધુનિક ટેકનોલોજી, પ્રોસેસિંગ અને પેકેજિંગ સાથે ભારતીય પરંપરાગત ખાદ્ય પદાર્થોનો સમન્વય દુનિયાને આરોગ્ય સાથે સંબંધિત વિવિધ લાભ ફરી મેળવવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે અને હળદર, આદુ અને તુલસી જેવા ભારતીય મસાલાનો સ્વાદ ફરી મેળવી શકે છે. સ્વાસ્થ્યની જાળવણી માટેનાં સંવર્ધિત લાભ સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયક, પોષક અને સ્વાદિષ્ટ પ્રોસેસ્ડ ફૂડનું આદર્શ મિશ્રણનું ઉત્પાદન ભારતમાં વાજબી રીતે થઈ શકશે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ભારતીય ખાદ્ય સલામતી અને ધારાધોરણ સત્તામંડળ) એ સુનિશ્ચિત કરવામાં સંકળાયેલું છે કે, ભારતમાં બનેલ પ્રોસેસ્ડ ફૂડ ગુણવત્તાનાં વૈશ્વિક ધારાધોરણોને અનુરૂપ છે. કોડેક્સ સાથે ખાદ્ય ઉમેરણ ધારાધોરણોનો સમન્વય તથા પ્રામાણિક ટેસ્ટિંગ અને લેબોરેટરી માળખાનું નિર્માણ લાંબા ગાળે ખાદ્ય ઉદ્યોગ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરશે.
દેવીઓ અને સજ્જનો,
અમે ખેડૂતોને માનથી “અન્નદાતા” કહીએ છીએ. તેઓ ફૂડ પ્રોસેસિંગમાં અમારાં પ્રયાસોનાં કેન્દ્રમાં છે. અમે પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તાજેતરમાં અમે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી છે, જે વૈશ્વિક કક્ષાનું ફૂડ પ્રોસેસિંગ માળખું ઊભું કરશે. આ પાંચ અબજ અમેરિકન ડોલરનું રોકાણ લાવશે એવી અપેક્ષા છે તેમજ તેમાંથી બે મિલિયન ખેડૂતોને લાભ થશે અને આગામી ત્રણ વર્ષમાં અડધો મિલિયન લોકોને રોજગારી મળવાની સંભાવના છે.
આ યોજનાનું મહત્ત્વપૂર્ણ પાસું મેગા ફૂડ પાર્ક છે. આ ફૂડ પાર્ક મારફતે અમારો ઉદ્દેશ મુખ્ય ઉત્પાદન કેન્દ્રો સાથે એગ્રો-પ્રોસેસિંગ ક્લસ્ટર્સને જોડવાનો છે. આ બટાટા, પાઇનએપલ, નારંગી અને સફરજન જેવા વિવિધ પાકોને સારી એવી કિંમત પ્રદાન કરશે. ખેડૂત જૂથોને આ પાર્કમાં યુનિટ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી બગાડ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને નવી રોજગારીનું સર્જન થશે. આ પ્રકારનાં નવ પાર્ક કાર્યરત છે અને સમગ્ર દેશમાં વધુ 30 આકાર લઈ રહ્યાં છે.
અંતરિયાળ વિસ્તારો સુધી ડિલિવરી વધારવા અમે વ્યવસ્થામાં સુધારો કરીએ છીએ, જે માટે ડિજિટલ ટેકનોલોજીની સુલભતા વધારી છે. અમે નિશ્ચિત સમયમર્યાદામાં અમારાં ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મારફતે જોડવાની યોજના બવાવીએ છીએ. અમે જમીનનાં રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહ્યાં છીએ અને લોકોને વિવિધ સેવાઓ મોબાઇલ પર આપી રહ્યાં છીએ. આ પગલાં ખેડૂતોને માહિતી, જાણકારી અને કુશળતાને સમયસર પહોંચાડવામાં વેગ આપે છે. અમારું રાષ્ટ્રીય કૃષિ ઇ-માર્કેટ ઇ-નામ સમગ્ર દેશમાં આપણાં કૃષિ બજારોને જોડે છે, જેથી અમારાં ખેડૂતોને સ્પર્ધાત્મક કિંમતનો લાભ મળ્યો છે અને પસંદગી કરવાનો વિકલ્પ મળ્યો છે.
સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદને ખરાં અર્થમાં ચરિતાર્થ કરવા અમારી રાજ્ય સરકારો પણ પ્રક્રિયાઓને સરળ કરવા કેન્દ્ર સરકારનાં પ્રયાસો સાથે તાલ મિલાવી રહી છે. ઘણાં રાજ્યોએ રોકાણને આકર્ષવા આકર્ષક ફૂડ પ્રોસેસિંગ નીતિઓ રજૂ કરી છે. હું ભારતનાં દરેક રાજ્યને સ્પેશ્યલાઇઝેશન માટે ઓછામાં ઓછી એક ફૂડ પ્રોડક્ટને પસંદ કરવા વિનંતી કરું છું. તે જ રીતે, દરેક રાજ્ય ઉત્પાદન માટે કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે અને સ્પેશ્યલાઇઝેશન માટે એક ચીજવસ્તુ પસંદ કરી શકે છે.
દેવીઓ અને સજ્જનો,
આજે અમારો મજબૂત કૃષિ આધાર અમને જીવંત ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ઊભું કરવા નક્કર આધાર પ્રદાન કરશે. અમારા ઉપભોક્તાઓનો મોટો આધાર, વધતી આવક, રોકાણ માટે અનુકૂળ વાતાવરણ અને વેપાર-વાણિજ્ય સરળ કરવા પ્રતિબદ્ધ સરકાર – આ તમામ પરિબળો ભારતને વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ સમુદાય માટે ‘આદર્શ સ્થળ’ બનાવે છે.
ભારતમાં ખાદ્ય ઉદ્યોગનું દરેક પેટા ક્ષેત્ર પુષ્કળ અવસર આપે છે. ચાલો તમને કેટલીક જાણકારી આપુ.
ડેરી સેક્ટર ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે બહાર આવ્યું છે. હવે અમે દૂધ પર આધારિત અનેક ઉત્પાદનોની ગણવત્તાનું સ્તર વધારીને તેને આગામી સ્તરે લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
મધ માનવજાતને કુદરતની ભેટ છે. તે મીણ જેવી કેટલીક કિંમતી આડપેદાશો પણ આપે છે. તે ખેતીવાડીની આવક વધારવાની સંભવિતતા પણ ધરાવે છે. અત્યારે અમે મધનાં ઉત્પાદન અને નિકાસમાં છઠ્ઠું સ્થાન ધરાવીએ છીએ. ભારત મધ ક્રાંતિ કરી રહ્યું છે.
ભારત સમગ્ર વિશ્વમાં માછલીનાં ઉત્પાદનમાં છ ટકા હિસ્સો ધરાવે છે. આપણે શ્રિમ્પની નિકાસમાં વિશ્વનાં બીજા સૌથી મોટા નિકાસકાર છીએ. ભારત દુનિયાનાં 95 દેશોમાં માછલી અને મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરે છે. અમારો ઉદ્દેશ બ્લૂ રિવોલ્યુશન મારફતે દરિયા આધારિત અર્થતંત્રનો વિકાસ કરવાનો છે. અમારું ધ્યાન ઓર્નામેન્ટલ ફિશરીઝ અને ટ્રોટ ફાર્મિંગ જેવા વણખેડાયેલા ક્ષેત્રોનાં વિકાસ પર કેન્દ્રિત છે. અમે પર્લ ફાર્મિંગ જેવા નવા ક્ષેત્રોમાં પણ પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ.
અમે સ્થાયી વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જે અમારી સજીવ ખેતીનું હાર્દ છે. ઉત્તરપૂર્વ ભારતમાં સિક્કિમ ભારતનું સંપૂર્ણ ઓર્ગેનિક સ્ટેટ બની ગયું છે. સંપૂર્ણ ઉત્તરપૂર્વ ઓર્ગેનિક ઉત્પાદન માટે કાર્યકારી માળખાનું સર્જન કરવા વિવિધ તકો આપી રહ્યું છે.
મિત્રો,
ભારતીય બજારમાં સફળતા મેળવવા ભારતીય ખાદ્ય આદતો અને સ્વાદને સમજવો ચાવીરૂપ જરૂરિયાત છે. તમને તેનું એક ઉદાહરણ આપું. દૂધ આધારિત ઉત્પાદનો અને ફળનાં રસ આધારિત પીણાં ભારતીય ખાદ્ય આદતોનું અભિન્ન અંગ છે. આ કારણે હું એરેટેડ ડ્રિન્ક્સનું ઉત્પાદન કરવાનું સૂચન કરૂ છું, જે તેમનાં ઉત્પાદનમાં પાંચ ટકા ફળનો રસ ઉમેરવાની સંભવિતતા ધરાવે છે.
ફૂડ પ્રોસેસિંગ પોષણ સાથે સંબંધિત સુરક્ષાનું સમાધાન પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે, અમારાં બરછટ કે જાડાં અનાજ અને બાજરી અતિ ઊંચા પોષકદ્રવ્યો ધરાવે છે. તેઓ ખેતીવાડી માટે પ્રતિકૂળ સ્થિતિનો સામનો પણ કરી શકે છે. તેમને “પોષક દ્રવ્યોથી ભરપૂર અને આબોહવા માટે અનુકૂળ પાક” તરીકે પણ ઓળખી શકાશે. આપણે તેનાં આધારે સાહસ શરૂ કરી શકીએ? તેનાથી આપણાં અતિ ગરીબ ખેડૂતોની આવક વધશે અને આપણાં પોષક દ્રવ્યોનું સ્તર પણ વધશે. ચોક્કસ, આ પ્રકારનાં ઉત્પાદનોની માગ સમગ્ર દુનિયામાં ઊભી થશે.
આપણે આપણી સંભવિતતાને દુનિયાની જરૂરિયાતો સાથે જોડી શકીએ? આપણે ભારતીય પરંપરાઓને ભવિષ્યની માનવજાત સાથે જોડી શકીએ? આપણે ભારતનાં ખેડૂતોને સમગ્ર વિશ્વનાં બજારો સાથે જોડી શકીએ? આ કેટલાંક પ્રશ્રો છે, જેનો જવાબ હું તમારા પર છોડવા માગુ છું.
મને ખાતરી છે કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા આપણને આ દિશામાં નક્કર પગલાં લેવામાં મદદરૂપ થશે. તે આપણી સમૃદ્ધ વાનગી માટે કિંમતી માહિતી પણ પ્રદાન કરશે અને ફૂડ પ્રોસેસિંગમાં આપણું પ્રાચીન જ્ઞાન પ્રદર્શિત કરશે.
મને એ જણાવતાં આનંદ થાય છે કે પોસ્ટ વિભાગે આ પ્રસંગે ભારતીય વાનગીઓની વિવિધતા દર્શાવવા 24 ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડ્યો છે.
દેવીઓ અને સજ્જનો,
હું તમને બધાને ભારતનાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની રોમાંચક વિકાસ ગાથામાં સામેલ થવા આમંત્રણ આપું છું. હું તમને જ્યારે જરૂર પડે ત્યારે ખરાં હૃદયથી સાથ-સહકારની ખાતરી આપું છું.
આવો. ભારતમાં રોકાણ કરો.
અમારો દેશ ખેતીવાડીથી લઈને ફૂડ સેક્ટરમાં તમારાં માટે પુષ્કળ તકો ધરાવે છે.
આ દેશ તમને ઉત્પાદન કરવા, પ્રક્રિયા કરવા અને સમૃદ્ધ થવાની તક આપે છે.
આ સમૃદ્ધિ ફક્ત ભારત માટે નથી, પણ આખી દુનિયા માટે છે.
તમારો આભાર.
Food processing is a way of life in India. It has been practiced for ages. Simple, home-based techniques, such as fermentation, have resulted in the creation of our famous pickles, papads, chutneys and murabbas that excite both the elite and the masses across the world: PM
— PMO India (@PMOIndia) November 3, 2017
India has jumped 30 ranks this year in the World Bank Doing Business rankings. India was ranked number 1 in the world in 2016 in greenfield investment. India is also rapidly progressing on the Global Innovation Index, Global Logistics Index and Global Competitiveness Index: PM
— PMO India (@PMOIndia) November 3, 2017
Private sector participation has been increasing in many segments of the value chain. However, more investment is required in contract farming, raw material sourcing and creating agri linkages. This is a clear opportunity for global chains: PM @narendramodi #WorldFoodIndia
— PMO India (@PMOIndia) November 3, 2017
There are opportunities in post-harvest management, like primary processing and storage, preservation infra, cold chain & refrigerated transportation. There is also immense potential for food processing and value addition in areas such as organic & fortified foods: PM
— PMO India (@PMOIndia) November 3, 2017
Our farmers are central to our efforts in food processing. We launched the Pradhan Mantri Kisan Sampada Yojana to create world-class food processing infrastructure. This will leverage investment of US $5 billion, benefit 2 million farmers & create more than half million jobs: PM
— PMO India (@PMOIndia) November 3, 2017
Food processing holds solutions to nutrition security. Our coarse grains & millets have high nutritional value. They can withstand adverse agro-climatic conditions. Can we take up a venture based on these? This will raise incomes of farmers & also enhance nutrition levels: PM
— PMO India (@PMOIndia) November 3, 2017