તમિલનાડુના રાજ્યપાલ,
લોકસભાના નાયબ અધ્યક્ષ,
તમિલનાડુના મુખ્યમંત્રી,
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી,
મંત્રીમંડળના મારા સાથીઓ,
સન્માનિત અતિથીગણ,
મિત્રો,
કાલઈ વણક્કમ ! નમસ્કાર !
આપ સૌને સુપ્રભાત!
આ રક્ષા પ્રદર્શનીની 10મી આવૃત્તિ છે.
આપમાંથી કેટલાક લોકોએ આ કાર્યક્રમમાં અનેક વાર ભાગ લીધો હશે. કેટલાક તો આની શરૂઆત થઇ ત્યારથી આવતા હશે.
પરંતુ મારા માટે ડિફેન્સ એક્સ્પોની આ મુલાકાત સૌ પ્રથમ વખત છે. હું મહાન રાજ્ય તમિલનાડુના આ ઐતિહાસિક પ્રદેશ કાંચીપુરમમાં આટલી વિશાળ ઉત્સાહી જન મેદનીને જોઈને આનંદ અને હર્ષોલ્લાસની બમણી લાગણી અનુભવી રહ્યો છું.
મહાન ચોલા રાજાઓ કે જેમણે વેપાર અને શિક્ષણના માધ્યમથી ભારતના ઐતિહાસિક સંસ્કૃતિ સેતુની સ્થાપના કરી તેમની ભૂમિ પર આવીને હું અત્યંત પ્રસન્નતા અનુભવું છું. આ આપણા ભવ્ય દરિયાઈ વારસાની ભૂમિ છે.
આ જ એ ભૂમિ છે જ્યાંથી હજારો વર્ષ અગાઉ ભારતે પૂર્વ તરફ જોયું અને તે દિશામાં પ્રયત્નો કર્યા.
મિત્રો,
આ પ્રસંગે અહીં ઉપસ્થિત એકસો પચાસ વિદેશી કંપનીઓ સહિત પાંચસોથી વધુ ભારતીય કંપનીઓને અહીં જોવી એ અદ્વિતિય દ્રશ્ય છે.
40થી વધુ દેશોએ તેમના રાજકીય પ્રતિનિધિમંડળોને પણ અહિયાં મોકલ્યા છે. આ એક એવી અનન્ય સુવર્ણ તક છે જેમાં માત્ર ભારતની સંરક્ષણ જરૂરિયાતોની જ ચર્ચા કરી શકાય તેમ નથી પરંતુ આ પ્રકારે અત્યાર સુધીમાં સૌપ્રથમ વાર ભારતની પોતાની સંરક્ષણ ઉત્પાદનની ક્ષમતાને પણ વિશ્વની સમક્ષ પ્રદર્શિત કરી શકાય તેમ છે.
સંપૂર્ણ વિશ્વમાં સશસ્ત્ર સેના પુરવઠા સાંકળના મહત્વને સારી રીતે જાણે છે. પરંતુ એ માત્ર યુદ્ધ ભૂમિ પરની વાત નથી પણ સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગોના કારખાનાઓની અંદર કે જ્યાં વ્યુહાત્મક નિર્ણયો લેવાય છે તેની પણ વાત છે.
આજે, આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં જીવીએ છીએ. કોઈપણ ઉત્પાદન એકમમાં પુરવઠા સાંકળ એ કેન્દ્રીય પરિબળ છે. આ જ કારણે મેક ઇન ઇન્ડિયા, ભારત માટે બનાવવું અને ભારતમાંથી વિશ્વને પહોંચાડવું તે માટેની વ્યુહાત્મક અનિવાર્યતા એ અત્યાર સુધીના સમય કરતા સૌથી વધુ મજબુત છે.
મિત્રો,
ભારતનો હજારો વર્ષ જુનો ઈતિહાસ દર્શાવે છે કે આપણે કોઈ પણ અન્ય દેશની સરહદ મેળવવાની ઈચ્છા ક્યારેય નથી રાખી.
યુદ્ધો દ્વારા દેશો જીતવાને બદલે ભારતે હંમેશા દિલ જીતવામાં વિશ્વાસ રાખ્યો છે. આ એ જ ભૂમિ છે કે જ્યાંથી વૈદિક સમયથી શાંતિ અને વૈશ્વિક ભાઈચારાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.
આ એ જ ભૂમિ છે કે જ્યાંથી બૌદ્ધ ધર્મનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાયો. વાસ્તવમાં, અશોકના સમયથી જ અને કદાચ તે પહેલાના સમયથી પણ ભારતે પોતાની તાકાતનો ઉપયોગ હંમેશા માનવતાના સર્વોચ્ચ આદર્શોની રક્ષા કરવા માટે જ કરતો રહ્યો છે.
આધુનિક સમયમાં ગઈ શતાબ્દી દરમિયાન થયેલા વિશ્વ યુદ્ધમાં એકસો ત્રીસ હજારથી વધુ ભારતીય સૈનિકોએ તેમના જીવનની આહુતિ આપી હતી. ભારતે ક્યારેય કોઈ જમીન પર દાવો નથી કર્યો. પરંતુ ભારતીય સૈનિકો શાંતિની પુનઃ સ્થાપના કરવા અને માનવીય મૂલ્યોની રક્ષા કરવા માટે લડ્યા હતા.
સ્વતંત્ર ભારતે પણ સૌથી વધુ સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ દૂતોને સમગ્ર વિશ્વમાં મોકલ્યા છે.
સાથે-સાથે દેશની મહત્વની જવાબદારી એ છે કે, તે પોતાના નાગરિકોની રક્ષા કરે. મહાન ભારતીય વિચારક અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ લગભગ બે હજાર વર્ષ પહેલા અર્થશાસ્ત્રની રચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજા અથવા શાસકે તેના નાગરિકોની રક્ષા કરવી જ જોઈએ અને તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધનાં બદલે શાંતિ એ વધુ પસંદગી પાત્ર છે. ભારતની સંરક્ષણ તૈયારી એ આવા જ વિચારોથી સંચાલિત છે. શાંતિ માટેની આપણી પ્રતિબદ્ધતા એ એટલી જ મજબુત છે જેટલી આપણા દેશ અને દેશવાસીઓની રક્ષા માટેની આપણી પ્રતિબદ્ધતા અને તે માટે આપણા સશસ્ત્ર દળોને સજ્જ કરવા માટે જરૂરી તમામ પગલાઓ ભરવા અમે તૈયાર છીએ જેમાં વ્યુહાત્મક રીતે સ્વતંત્ર સંરક્ષણ ઔદ્યોગિક પરિસરની સ્થાપના કરવાનો પણ સમાવેશ થાય છે.
મિત્રો,
અમે એ બાબતથી વાકેફ છીએ કે રક્ષા ઔદ્યોગિક પરિસરની સ્થાપના કરવી એ સરળ નથી. અમે જાણીએ છીએ કે, હજુ ઘણું કરવાનું બાકી છે અને કોયડાઓનાં ઘણા ટુકડાઓને એકસાથે જોડવા પડશે. અમે એ બાબતથી પણ વાકેફ છીએ કે સરકારની દખલગીરીના પરિપ્રેક્ષ્યથી સરક્ષણ ઉત્પાદનનું ક્ષેત્ર ઘણું અલગ છે. તમારે ઉત્પાદન માટે લાયસન્સ મેળવવા સરકારની મંજુરીની જરૂર પડે છે. કારણ કે ભારતમાં સરકાર એ જ એકમાત્ર ખરીદનાર છે એટલે તમારે સરકાર પાસેથી ઓર્ડર મંજુર કરાવવાની પણ જરૂર પડે છે.
અને નિકાસ કરવા માટે પણ તમારે સરકારની પરવાનગી લેવાની જરૂર પડે છે.
આથી છેલ્લા કેટલાક વર્ષોથી અમે એક વિનમ્ર શરૂઆત કરી છે.
રક્ષા ઉત્પાદન લાયસન્સ, રક્ષા ઑફસેટ્સ, રક્ષા નિકાસ ક્લિયરન્સ, રક્ષા ઉત્પાદનમાં વિદેશી સીધું મૂડી રોકાણ અને આપણી સંરક્ષણને લગતી ઉપલબ્ધીઓમાં સુધારો લાવવા માટે અમે ઘણા પગલાઓ લીધા છે.
આ બધા જ ક્ષેત્રોમાં અમારા નિયંત્રણો, પ્રક્રિયાઓ અને પદ્ધતિઓને ઉદ્યોગો માટે વધુ અનુકુળ, વધુ પારદર્શક, વધુ સંભવિત અને વધુ પરિણામલક્ષી બનાવવામાં આવ્યા છે. લાયસન્સ આપવા માટે સંરક્ષણ ઉત્પાદનોની યાદીને સુધારવામાં આવી છે અને ઉદ્યોગો તથા ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમો માટે પ્રવેશ માટેના અંતરાયો દુર કરવા માટે તેમાંના મોટા ભાગના ઘટકો, વિભાગો, પેટા પદ્ધતિઓ, ચકાસણી માટેના સાધનો અને ઉત્પાદન સાધનોને યાદીમાંથી દુર કરવામાં આવ્યા છે.
ઔદ્યોગિક લાયસન્સ માટેની પ્રારંભિક માન્યતા ૩ વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવી છે જેને આગળ વધુ ૩ વર્ષ માટે વધારવાની પણ જોગવાઈ છે.
ઑફસેટ માર્ગદર્શિકાને પણ ભારતીય ઑફસેટ ભાગીદારો તથા ઑફસેટ ઘટકો વડે પરિવર્તનો કરવા માટેની મંજુરી આપી તેને પરિવર્તનક્ષમ બનાવવામાં આવી છે જેમાં અગાઉ હસ્તાક્ષર કરાયેલા કરારોનો પણ સમાવેશ થાય છે.
હવેથી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે વિદેશી મૂળ સાધન ઉત્પાદકોને ભારતીય ઑફસેટ ભાગીદારો અને તેમના ઉત્પાદનોની વિગતો ઉમેરવી જરૂરી નથી રહી. નિકાસ પ્રમાણીકરણ જાહેર કરવા માટેની નામાંકિત કાર્ય પદ્ધતિને પણ સરળ બનાવવામાં આવી છે અને લોકોના જાહેર ક્ષેત્રમાં મુકવામાં આવી છે.
વિભાગો અને ઘટકો અને અન્ય બિન સંવેદનશીલ સૈન્ય ભંડાર, પેટા જોડાણો અને પેટા પદ્ધતિઓના નિકાસ માટે જરૂરી સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ એન્ડ યુઝર પ્રમાણપત્રમાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે.
સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે મે 2001 સુધી બંધ હતું જયારે શ્રી અટલ બિહારી વાજપેયીજીની સરકારે તેને સૌપ્રથમ વખત ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે વાર ખુલ્લું મુક્યું.
અમે એક કદમ આગળ વધ્યા છીએ અને સીધા વિદેશી મૂડી રોકાણની 26 ટકાના સીમાને ઓટોમેટીક રૂટ વડે સુધારો કરીને 49 ટકા કરી દીધું છે અને કેસ ટુ કેસ આધાર પર તો તેને 100 ટકા સધી વધારવામાં આવી છે.
સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગોના વિકાસને ગતિ આપવા માટેના ઘણી બધી ચોક્કસ જોગવાઈઓ સાથે સંરક્ષણ સાધનો ઉપલબ્ધીની પ્રક્રિયાને પણ સુધારવામાં આવી છે.
અમે અગાઉ માત્ર ઓર્ડનન્સ ફેકટરીઓ માટે જ ઉપલબ્ધ એવી કેટલી વસ્તુઓને પણ બિન સૂચિત જાહેર કરી છે જેથી કરીને ખાનગી ક્ષેત્ર અને તેમાં પણ ખાસ કરીને સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે.
સુક્ષ્મ અને લઘુ કદના ઉદ્યોગોને સંરક્ષણ ક્ષેત્રમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે સાર્વજનિક ખરિદ નીતિ કે જે 2012માં ઘડવામાં આવી હતી તેને એપ્રિલ 2015થી ફરજીયાત બનાવવામાં આવી છે.
અને અમે કેટલાક પ્રોત્સાહક પરિણામો પણ જોયા છે. મે 2014માં સંરક્ષણ લાયસન્સની કુલ સંખ્યા 215 સુધી હતી. ચાર વર્ષથી ઓછા સમયગાળામાં અમે વધુ પારદર્શક અને સંભવિત પ્રક્રિયા દ્વારા 144 નવા લાયસન્સો જાહેર કર્યા છે.
મે 2014માં સંરક્ષણ નિકાસ પરવાનગીઓની કુલ સંખ્યા 118 હતી જેની કુલ કિંમત 577 મીલીયન ડોલર હતી. ચાર વર્ષથી ઓછા સમયના ગાળામાં અમે વધુ 794 નિકાસ પરવાનગીઓ મંજુર કરી દીધી છે જેની કુલ કિંમત 1.૩ બિલીયન ડોલરથી વધુની છે. 2007થી 2013ની વચ્ચે નિયોજિત ઑફસેટ કાર્ય 1.24 બિલીયન ડોલરનું હતું જેમાંથી માત્ર 0.79 બિલીયન ડોલરની કિંમતના ઑફસેટ વાસ્તવમાં મુક્ત કરવામાં આવ્યું હતું. એનો અર્થ એ કે લક્ષ્યાંક પ્રાપ્તિ નો દર માત્ર 63 ટકા હતો.
2014થી 2017 દરમિયાન લક્ષ્યાંકિત ઑફસેટ ઓબ્લીગેશન 1.79 બિલીયન ડોલર હતું જેમાંથી 1.42 બિલીયન ડોલરની કિંમતના ઑફસેટ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ અંદાજે 80 ટકાથી નજીકનો લક્ષ્યાંક પ્રાપ્તિ દર છે. સંરક્ષણ જાહેર ક્ષેત્ર એકમો અને ઓર્ડનન્સ ફેકટરીઓ દ્વારા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો પાસેથી મેળવેલ ઉત્પાદન 2014-15માં ૩૩૦૦ કરોડ રૂપિયાથી ઉપર જઈને 2016-17માં 4250 કરોડ રૂપિયાથી ઉપર ગયું છે. આ વધારો આશરે 30 ટકા છે.
અહીં એ બાબતનો ઉલ્લેખ કરતા ખુશી થાય છે કે લઘુ અને મધ્યમ કદના ક્ષેત્રનું સંરક્ષણ ઉત્પાદન છેલ્લા 4 વર્ષમાં 200 ટકા જેટલું વધ્યું છે.
અને તેઓ સતત વૈશ્વિક પુરવઠા સાંકળનો ભાગ બની રહ્યા છે.
મને એ બાબતની પણ ખુશી છે કે રક્ષા મૂડી ખર્ચના માધ્યમથી મુકવામાં આવેલા ખરીદ ઓર્ડર્સમાં ભારતીય વેપારીઓનો ફાળો 2011-14માં 50 ટકા હતો તે વધીને છેલ્લા ત્રણ વર્ષમાં વધીને 60 ટકા થયો છે.
મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં તે હજુ વધારે વધશે.
મિત્રો,
જેમ કે મેં હમણાં જ કહ્યું તેમ હું એ બાબતથી વાકેફ છું કે હજુ ઘણું કરવાનું બાકી છે. અને અમે તે કરવા માટે કટિબદ્ધ છીએ.
અમે એવા રક્ષા ઉદ્યોગ પરિસરનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જ્યાં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સાથે-સાથે વિદેશી એકમો – એમ તમામ માટે પુરતો અવકાશ ઉપલબ્ધ હોય.
અમે બે રક્ષા ઉદ્યોગ કોરીડોરનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ – એક બિલકુલ અહિયાં તમિલનાડુમાં અને બીજો ઉત્તર પ્રદેશમાં. આ રક્ષા ઉદ્યોગ કોરીડોર આ પ્રદેશોમાં રહેલા વર્તમાન સંરક્ષણ ઉત્પાદન પ્રણાલીનો ઉપયોગ કરશે અને આગળ તેમાં વધુ નિર્માણ કાર્ય કરશે.
આ કોરીડોર દેશમાં આર્થિક વિકાસ અને રક્ષા ઉદ્યાગ બેઝના એન્જીન બનશે. અમે સંરક્ષણ ઉત્પાદનમાં સંકળાયેલા રોકાણકારોને સુવિધા પૂરી પાડવા અને તેમને મદદ કરવા માટે રક્ષા રોકાણ સેલનું પણ નિર્માણ કર્યું છે.
મિત્રો,
સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજી, નવનિર્માણ, સંશોધન અને વિકાસ માટે સરકારની મદદ જરૂરી છે.
ઉદ્યોગોને આયોજન કરવામાં અને ટેકનોલોજીનો વિકાસ, બહ્ગીદારી અને ઉત્પાદન વ્યવસ્થા કરવામાં મદદ કરવા માટે ટેકનોલોજી દ્રષ્ટિકોણ અને ક્ષમતા રોડ મેપ જાહેર કરવામાં આવ્યો છે.
તાજેતરના વર્ષોમાં અમે ભારતીય વ્યવસાયિક ઇકો સીસ્ટમમાં નવીનીકરણ અને વ્યવસાયિકતાને પ્રોત્સાહિત કરવા માટે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવા અનેકવિધ પગલાઓ પણ લીધા છે.
આજે, અમે ‘ઇનોવેશન ફોર રક્ષા એકસેલન્સ’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. તે સંરક્ષણ ક્ષેત્રમાં નવા સ્ટાર્ટ અપને નવીન વિચારો તથા માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે સમગ્ર દેશમાં રક્ષા ઇનોવેશન હબનું નિર્માણ કરશે.
સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી સાહસ મૂડીને ખાસ કરીને નવા સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આગામી ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને રોબોટીક્સ જેવી નવી અને ઉભરતી ટેકનોલોજી એ કદાચ કોઈપણ સંરક્ષણ દળ માટે રક્ષણાત્મક અને આક્રમણ ક્ષમતા માટે સૌથી વધુ મહત્વના નિર્ણાયકો સાબિત થનાર છે. ભારત માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં તેના નેતૃત્વ સાથે આ ટેકનોલોજીનો તેના મહતમ લાભ માટે ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે.
મીત્રો,
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તમિલનાડુ તથા ભારતના મહાન પુત્ર ભારત રત્ન ડૉ. એ. પી જે અબ્દુલ કલામે આપણને સૌને આહવાન કર્યું હતું કે “સપના જુઓ! સપના જુઓ! સપના જુઓ! સપનાઓ વિચારોમાં પરિવર્તિત થાય છે અને વિચારો અમલમાં પરિણમે છે”.
અમારૂ સપનું સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં નવી અને રચનાત્મક ઉદ્યોગશીલતાનું વાતાવરણ નિર્માણ કરવા માટેની પ્રણાલી તૈયાર કરવાનું છે.
અને તેના માટે આગામી અઠવાડિયાઓમાં અમે અમારા સંરક્ષણ ઉત્પાદન અને રક્ષા ખરીદ નીતિ વિષે ભારતીય અને વિદેશી કંપનીઓ એમ બંને સહીતના તમામ હિતધારકો સાથે ગાઢ ચર્ચા હાથ ધરવાના છીએ. આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હું આપ સૌને આમંત્રણ આપું છું. અમારો ઉદ્દેશ્ય માત્ર ચર્ચાઓ કરવાનો નથી પરંતુ યોગ્ય પરિણામો પ્રાપ્ત કરવાનો પણ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રવચનો આપવાનો નથી પરંતુ સંભાળવાનો પણ છે. અમારું લક્ષ્ય માત્ર હવામાં વાતો કરવાનું નહી પણ પરિવર્તન લાવવાનું છે.
મિત્રો,
અમે ઝડપથી આગળ વધવા માંગીએ છીએ પરંતુ અમે કોઈ ટૂંકો રસ્તો નથી લેવા માંગતા.
એક સમય હતો જયારે શાસનના ઘણા બધા અન્ય પાસાઓની સાથે સંરક્ષણ તૈયારીનો કટોકટી ભર્યો મુદ્દો પણ નીતિગત સમસ્યાઓ દ્વારા અટવાયેલો રહેતો હતો.
આપણે જોયું છે કે આવી રીતે આળસ, અસમર્થતા અને કદાચ છુપાયેલા હિતો કેવી રીતે દેશને નુકસાન પહોંચાડી શકે છે.
પણ હવે નહી. બસ, હવે વધુ નહી. અગાઉની સરકારો દ્વારા જે મુદ્દાઓ ઉકેલાવા જોઈતા હતા તે હવે ઉકેલાઈ રહ્યા છે.
તમે જોયું હશે કે ભારતીય સૈનિકોને બુલેટ પ્રૂફ જેકેટ આપવા માટેનો મુદ્દો કેટલા વર્ષો સુધી લટકતો રાખવામાં આવ્યો હતો.
અને તમે એ પણ જોયું હશે કે અમે એક કોન્ટ્રાક્ટ સાથેના સફળ પરિણામ સાથેની પ્રક્રિયા લાવ્યા છીએ કે જે ભારતમાં સંરક્ષણ ઉત્પાદનને એક મોટું બળ પૂરું પાડશે. તમે લાંબા સમયથી અટવાયેલ ફાઈટર વિમાનો મેળવવા માટેની પ્રક્રિયા કે જે ક્યારેય તેના પરિણામ સુધી પહોંચી ના શકી તેને પણ યાદ કરી શકો છો.
અમે માત્ર અમારી તત્કાલીન કટોકટીભરી જરૂરીયાતોને પહોંચી વળવા માટે માત્ર સાહસી નિર્ણયો જ નથી લીધા પરંતુ 110 ફાઈટર વિમાનો મેળવવા માટેની એક નવી પ્રક્રિયા પણ શરૂ કરી છે. અમે કોઈપણ પ્રકારના પરિણામો મેળવ્યા વિના માત્ર ચર્ચામાં દસ વર્ષ પસાર કરી દેવા નથી માંગતા. અમે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમારા સંરક્ષણ દળોને સ્ટેટ ઑફ ધ આર્ટ સીસ્ટમથી સુસજ્જ રાખવા માટે અને જરૂરી સ્થાનિક ઉત્પાદન પ્રણાલીનું નિર્માણ કરવા માટે તમારી સાથે એક મિશનના મિજાજ સાથે કામ કરીશું અને તમારી સાથેની ભાગીદારીમાં ચોકસાઈ અને અસરકારકતા રાખવા માટેના અમારા તમામ પ્રયત્નોમાં અમે સંકલન અને સચોટતાના સર્વોચ્ચ આદર્શો વડે દોરવાઈને કામ કરીશું.
મિત્રો,
આ પવિત્ર ભૂમિ મને વિખ્યાત તમિલ કવિ અને તત્વજ્ઞાની મહાન તીરૂવલ્લુવરની યાદ અપાવે છે.
તેમણે કહ્યું હતું કે, તોટ્ટ નઈ તુરુમ મનક્કેરણી માંદક્કૂર કટ્ર નઈ તુરૂમ અડીવું
અર્થાત “ રેતાળ જમીનમાં જયારે તમે ઊંડા ઉતરો છો તો તમે નીચે વહેતા પાણીનાં સ્રોત સુધી પહોંચી શકો છો; જેટલું તમે વધુ શીખો છો સમજણના મુક્ત પ્રવાહ તેટલો વધુ વહે છે.”
મને વિશ્વાસ છે કે આ રક્ષા પ્રદર્શની વ્યવસાયિકો અને ઉદ્યોગોને સૈન્ય ઔદ્યોગિક ઉદ્યમ વિકસિત કરવા માટે ફરી મળવાનું સ્થળ ઉપલબ્ધ કરાવવાનો અવસર પૂરો પાડશે.
આભાર
ખૂબ-ખૂબ આભાર!!