પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં કૃષિ કુંભને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ખેડૂતોનો આ મહાકુંભ કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અપનાવવા માટેનો માર્ગ મોકળો કરશે અને વધારે સારી રોજગારીની તકોનું સર્જન કરશે.
પ્રધાનમંત્રીએ અનાજની ખરીદી નોંધપાત્ર રીતે વધારવાનાં પ્રયાસ કરવા બદલ ઉત્તરપ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ખેડૂતો દેશને પ્રગતિનાં પંથે દોરી રહ્યાં છે. તેમણે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે સરકારે આંતરિક ખર્ચાઓ ઘટાડવા અને નફો વધારવા માટે લીધેલા વિવિધ શ્રેણીબદ્ધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, નજીકનાં ભવિષ્યમાં દેશભરમાં ખેતરોમાં મોટી સંખ્યામાં સોલાર પમ્પો સ્થાપિત કરવામાં આવશે, સરકાર કૃષિવિજ્ઞાનનાં ફાયદા આપવા કામ કરી છે અને આ દિશામાં એક પગલાં સ્વરૂપે વારાણસીમાં ચોખા સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે.
પ્રધાનમંત્રીએ ખેતીવાડીમાં મૂલ્ય સંવર્ધનનાં મહત્ત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં લેવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હરિયાળી ક્રાંતિ પછી હવે દૂધનાં ઉત્પાદન, મધનાં ઉત્પાદન તેમજ પોલ્ટ્રી (મરઘાં ઉછેર) અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ કૃષિ કુંભ દરમિયાન પ્રધાનમંત્રીએ જળ સંસાધનોનાં ઉચિત ઉપયોગ, સંગ્રહ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી તથા ખેતીવાડીમાં અદ્યતન ટેકનોલોજીનાં ઉપયોગ જેવી બાબતો પર ચર્ચા કરવા માટે અપીલ કરી હતી. તેમણે બદલાતી નવી ટેકનોલોજીઓ અને નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે લણણી પછી પરાળ સળગાવવાની ખેડૂતોની સમસ્યાનું પણ સમાધાન કરશે.