પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમિલનાડુમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રોમાં વિવિધ મોટા પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા અને ભૂમિપૂજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રામનાથપુરમ – થૂથુકુડી કુદરતી ગેસની પાઇપલાઇન અને મનાલીમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (સીપીસીએલ)માં ગેસોલિન ડિસલ્ફરાઇઝેશન યુનિટ દેશને અર્પણ કર્યા હતા. તેમણે નાગાપટ્ટિનમમાં કાવેરી બેઝિન રિફાઇનરીનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે, ભારતે વર્ષ 2019-20માં એની ઓઇલની કુલ જરૂરિયાતના 85 ટકા હિસ્સાની આયાત કરી છે અને ગેસની કુલ જરૂરિયાતના 53 ટકા હિસ્સાની માગ આયાત દ્વારા પૂર્ણ કરી છે. તેમણે પૂછ્યું હતું કે, ભારત જેવો વિવિધતાસભર અને પ્રતિભાસંપન્ન દેશ ઊર્જાની આયાત પર નિર્ભર રહી શકે? તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે આ મુદ્દાઓ પર અગાઉ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, આપણા મધ્યમ વર્ગ પર ભારણ ન પડવું જોઈએ. અત્યારે પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતો તરફ કામ કરવાની, ઊર્જા નિર્ભરતા ઘટાડવાની આપણી સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર મધ્યમ વર્ગની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે.”
આ ઉદ્દેશ હાંસલ કરવા ભારતે હવે ખેડૂતો અને ઉપભોક્તાઓને મદદ કરવા ઇથેનોલ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌર ઊર્જાનો વપરાશ વધારીને આ ક્ષેત્રમાં લીડર બનવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારી પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને એલઇડી બલ્બો જેવા વૈકલ્પિક સ્ત્રોતોને અપનાવવામાં આવે છે, જેનાથી મધ્યમ વર્ગના ઘરોમાં ઊર્જા અને નાણાની મોટી બચત થશે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, જ્યારે ભારત ઊર્જાની વધતી માગને પૂર્ણ કરવા કાર્યરત છે, ત્યારે આપણે આપણી ઊર્જાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા કામ પણ કરીએ છીએ. આ માટે ક્ષમતા ઊભી કરવાની કામગીરી ચાલુ છે. વર્ષ 2019-20માં ભારત રિફાઇનિંગ ક્ષમતામાં દુનિયામાં ચોથું સ્થાન ધરાવતો હતો. આશરે 65.2 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આંકડામાં વધારો થવાની અપેક્ષા છે.
27 દેશોમાં ભારતીય ઓઇલ અને ગેસ કંપનીઓની કામગીરી વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાના વિવિધ દેશોમાં આ ક્ષેત્રોમાં અંદાજે રૂ. બે લાખ સિતેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.
‘એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડ’ના વિઝન પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે પાંચ વર્ષથી વધારે સમયગાળામાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનું સર્જન કરવા સાડા સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની યોજના બનાવી છે. 407 જિલ્લાઓને આવરી લેવા સિટી ગેસ વિતરણનું નેટવર્ક વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો છે.”
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પહલ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી ઉપભોક્તા કેન્દ્રિત યોજનાઓ દરેક ભારતીય કુટુંબને ગેસ મેળવવામાં મદદરૂપ થાય છે. તમિલનાડુના 95 ટકા એલપીજી ગ્રાહકો પહલ યોજનામાં જોડાયા છે. 90 ટકાથી વધારે સક્રિય ગ્રાહકોને સબસિડી તેમના ખાતામાં મળી જાય છે. ઉજ્જવલા યોજના અંતર્ગત તમિલનાડુમાં 32 લાખથી વધારે બીપીએલ કુટુંબોને નવા જોડાણો આપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિઃશુલ્ક રિફિલમાંથી 31.6 લાખ પરિવારોને લાભ થયો હતો.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ઇન્ડિયન ઓઇલની 143 કિલોમીટરની લંબાઈ ધરાવતી રામનાથપુરમથી તુતિકોરિન વચ્ચેની કુદરતી ગેસની પાઇપલાઇનનો આજે શુભારંભ થયો છે, જે ઓએનજીએસના ગેસ ક્ષેત્રોમાંથી ગેસનું મુદ્રીકરણ કરશે. આ રૂ. 4,500 કરોડના ખર્ચે વિકસી રહેલા કુદરતી ગેસના વિશાળ પાઇપલાઇન પ્રોજેક્ટનો એક ભાગ છે. એનાથી એન્નોર, થિરુવલ્લુર, બેંગાલુરુ, પુડુચેરી, નાગાપટ્ટિનમ, મદુરાઈ અને તુતિકોરિનને લાભ થશે.
આ વિવિધ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સિટી ગેસ પ્રોજેક્ટના વિકાસને પણ સક્ષમ બનાવશે, જેને રૂ. 5,000 કરોડના રોકાણ સાથે તમિલનાડુના 10 જિલ્લાઓમાં વિકસાવવામાં આવ્યો છે. ઓએનજીસીના ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થતો ગેસ હવે સધર્ન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પ લિમિટેડ (એસપીઆઇસી) તુતિકોરિનને પ્રદાન કરવામાં આવશે. આ પાઇપલાઇન ખાતરનું ઉત્પાદન કરવા એસપીઆઇસીને ઓછા ખર્ચે ઇંધણ તરીકે કુદરતી ગેસનો પુરવઠો પ્રદાન કરશે. સંગ્રહ કરવાની જરૂરિયાત વિના ઇંધણ સતત મળતું રહેશે. એના પરિણામે વર્ષે ઉત્પાદનના ખર્ચમાં રૂ. 70 કરોડથી રૂ. 95 કરોડની બચત થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનાથી ખાતરના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો પણ થશે.
પ્રધાનમંત્રીએ દેશના કુલ ઊર્જામાં ગેસ આધારિત ઊર્જાનાં હાલના હિસ્સાને 6.3 ટકાથી વધારીને 15 ટકા કરવાની યોજના વિશે વાત કરી હતી.
સ્થાનિક શહેરોના થનાર ફાયદા વિશે સમજાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાગાપટ્ટિનમમાં સીપીસીએલની નવી રિફાઇનરી આશરે 80 ટકા સ્વદેશી ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરશે એવી ધારણા છે. આ રિફાઇનરી પરિવહન સુવિધાઓના વિકાસને વેગ આપશે તેમજ આ વિસ્તારમાં ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને આનુષંગિક ઉદ્યોગો તથા લઘુ કક્ષાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપશે.
વળી ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોમાંથી ઊર્જાનો હિસ્સો વધારવા પર ભાર મૂકી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં કુલ ઊર્જાનો 40 ટકા હિસ્સો ગ્રીન ઊર્જાના સ્ત્રોતોમાંથી પેદા થશે. તેમણે જણાવ્યું હતું કે, આજે મનાલીમાં સીપીસીએલની રિફાઇનરીમાં ઉદ્ઘાટન થયેલું નવું ગેસોલિન ડિસલ્ફરાઇઝેશન યુનિટ ભવિષ્યને હરિયાળું બનાવવાની દિશામાં વધુ એક પ્રયાસ છે.
છેલ્લાં છ વર્ષ દરમિયાન તમિલનાડુમાં અમલ કરવા માટે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં રૂ. 50,000 કરોડથી વધારે મૂલ્ય ધરાવતા વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2014 અગાઉ છ વર્ષના ગાળામાં રૂ. 9100 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા. આ ઉપરાંત રૂ. 4,300 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં કે અમલીકરણમાં છે. શ્રી મોદીએ એમની વાત પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, તમિલનાડુમાં આ તમામ પ્રોજેક્ટ ભારતની સતત વૃદ્ધિ માટે અમારી સાતત્યપૂર્ણ નીતિઓ અને પહેલોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.