પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જી અને ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી બિપ્લવ કુમાર દેવે આજે સંયુક્તરૂપે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બાંગ્લાદેશમાં ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને બાંગ્લાદેશનાં વિદેશ મંત્રી પણ વીડિયો કોન્ફરન્સ મારફતે દિલ્હી અને ઢાંકાથી આ કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.
આ ત્રણ યોજનાઓમાં સામેલ છેઃ (ક) બાંગ્લાદેશમાં ભેરામારા અને ભારતનાં બહરામપુર વચ્ચે હાલની લાઇન મારફતે બાંગ્લાદેશને 500 મેગાવોટનો વધારાનાં વીજળીનો પુરવઠો આપવો, (ખ) અખૌર અને અગરતલા વચ્ચે રેલવે જોડાણ અને (ગ) બાંગ્લાદેશ રેલવેનાં કુલોરા-શાહબાઝપુર વિભાગને પુનઃશરૂ કરવી.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમને બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાને કાઠમંડુમાં યોજાયેલી બિમ્સ્ટેકની બેઠક, શાંતિનિકેતન અને લંડનમાં રાષ્ટ્રમંડળ દેશોની બેઠક સહિત ઘણાં પ્રસંગે મળવાની તક મળી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પડોશી દેશોનાં નેતાઓએ પોતાનાં સંબંધ પડોશીઓની જેમ રાખવા જોઈએ અને આ માટે કોઈ પ્રોટોકોલનાં દબાવમાં આવ્યાં વિના એકબીજાને ત્યાં અવારનવાર આવતા-જતાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી અને તેમની વચ્ચે તાજેતરમાં થયેલી ઘણી મુલાકાતો પડોશી દેશો વચ્ચે નિકટતાનો પુરાવો છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાની એ વાતને યાદ કરી હતી, જેમાં તેમણે વર્ષ 1965 અગાઉનાં સંપર્કોને પુનઃ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, એમને એ વાતની ખુશી છે કે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આ દિશામાં સારી પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વીજળી સંપર્ક વધારવાની સાથે રેલવ સંપર્ક વધારવા માટે બે નવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે વર્ષ 2015ની પોતાની બાંગ્લાદેશની યાત્રાને યાદ કરતા કહ્યું હતું કે, બાંગ્લાદેશને વધુ 500 મેગાવોટ વીજળીનો પુરવઠો આપવાનો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો હતો, આ કામ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે હાલની લાઇન મારફતે કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ આ કામમાં સાથ-સહકાર આપવા બદલ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ યોજના પૂર્ણ થવાની સાથે હવે ભારતમાંથી બાંગ્લાદેશને 1.16 ગીગાવોટ વીજળીનો પુરવઠો મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેગાવોટથી ગીગાવોટની આ સફર બંને દેશો વચ્ચે સંબંધોનાં સુવર્ણયુગનું પ્રતીક છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અખૌરા-અગરતલા રેલવે સંપર્કથી બંને દેશો વચ્ચે સરહદ પારનાં સંપર્કનો એક વધુ માર્ગ મળશે. તેમણે આ કામને પૂર્ણ કરવામાં સાથ-સહકાર આપવા માટે ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ વર્ષ 2021 સુધી બાંગ્લાદેશને એક મધ્યમ આવક ધરાવતો દેશ બનાવવા અને 2041 સુધી એક વિકસિત રાષ્ટ્ર સ્વ રૂપે બદલવાનાં લક્ષ્યાંકને નિર્ધારિત કરવા બદલ ત્યાંનાં પ્રધાનમંત્રી શેખ હસીનાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બંને દેશોનાં ગાઢ સંબંધો આપણી સમૃદ્ધિ અને વિકાસની યાત્રાને નવી ઊંચાઈ પર લઈ જશે.’