પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, દિનદયાળ ઉપાધ્યાય કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડિજિટલ ચુકવણી વગેરે જેવા પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમો માટે આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે એ કાર્યક્રમોનવાભારત માટે મહત્વના કાર્યક્રમો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કાર પર અને મહત્વાકાંક્ષી જીલ્લાઓમાં કરવામાં આવેલ પહેલો પરના બે પુસ્તકો કે જેનું આજે વિમોચન કરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહત્વાકાંક્ષી જીલ્લાઓના વિષય પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ 115 જીલ્લાઓ તેમના સંપૂર્ણ રાજ્ય માટે વિકાસનું એન્જીન બની શકે તેમ છે. તેમણે વિકાસમાં જન ભાગીદારી પર ભાર મુક્યો, વર્ષ 2022, આઝાદીની પંચોત્તેરમી જયંતિ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના ભારતનું નિર્માણ કરવાની દિશામાં એક મહતવની પ્રેરણા બની શકે તેમ છે.
પ્રધાનમંત્રીએ એ બાબતને ભારપૂર્વક જણાવી કે અંતરિક્ષ ટેકનોલોજી સહિતની તમામ ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ પ્રશાસનને સુધારવા માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે સનદી અધિકારીઓ માટે વિશ્વમાં ઉભરી રહેલી ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ચાલતા રહેવું ખૂબ જ જરૂરી છે.
તેમણે સનદી અધિકારીઓને મહાન ક્ષમતાવાળા લોકો તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે આ ક્ષમતાઓ દેશના લાભ માટે એક મોટો સિંહફાળો આપી શકે તેમ છે.