પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા કરિઅપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર સેવાઓના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું, NCC કન્ટિન્જન્ટ્સ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ તેઓ સાક્ષી બન્યા હતા.
આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાજિક જીવનમાં શિસ્તપાલનની મજબૂત ઉપસ્થિતિ ધરાવતા દેશો, હંમેશા તમામ ક્ષેત્રોમાં ખીલી ઉઠે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સામાજિક જીવનમાં શિસ્તપાલનની લાગણી જગાવવામાં NCCની ખૂબ જ મોટી ભૂમિકા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સૌથી મોટું ગણવેશધારી યુવા સંગઠન NCC દિવસે દિવસે વધી રહ્યું છે. જ્યાં શૌર્ય અને સેવાની ભારતીય પરંપરાને પ્રોત્સાહન આપવાનું હોય કે પછી જ્યાં બંધારણ અંગે લોકજાગૃતિ ફેલાવવાનું કામ થઇ રહ્યું હોય ત્યાં સર્વત્ર NCCના કેડેટ્સ ઉપસ્થિત હોય છે. તેવી જ રીતે, પર્યાવરણ અથવા પાણીના સંરક્ષણ સંબંધિત કોઇપણ પરિયોજનાઓમાં પણ NCCની સક્રિય સહભાગીતા જોવા મળે છે. પ્રધાનમંત્રીએ કોરોના જેવા કપરા સમય દરમિયાન યોગદાન આપવા બદલ NCCના કેડેટ્સની કામગીરીની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા બંધારણમાં ઉલ્લેખિત તમામ ફરજો દરેક નાગરિકે નિભાવવી આવશ્યક છે. જ્યારે પણ નાગરિકો દ્વારા અને નાગરિક સમુદાય દ્વારા આનુ પાલન કરવામાં આવે ત્યારે, સંખ્યાબંધ પડકારોને સફળતાપૂર્વક દૂર કરી શકાય છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની નાગરિકતા અને બહાદુરીમાં ફરજ નિષ્ઠાની ભાવનાના સમન્વયના પરિણામરૂપે જ ભારતના ખૂબ જ મોટા હિસ્સાને અસરગ્રસ્ત કરનારા નક્સલવાદ અને માઓવાદની કમર તોડવામાં સફળતા મળી શકી છે. હવે, નક્સલવાદના જોખમો દેશના ખૂબ જ મર્યાદિત વિસ્તારો પુરતાં રહ્યાં છે અને યુવાનોએ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે હિંસાનો માર્ગે છોડી દીધો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સમય ઘણો પડકારજનક હતો પરંતુ તેણે દેશ માટે અસમાન્ય કામ કરવાની તકો પણ પૂરી પાડી છે, દેશની ક્ષમતાઓમાં સુધારો કરવા માટે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે અને સામાન્યમાંથી શ્રેષ્ઠ બનવા માટે પણ તકો લઇને આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બધામાં યુવાનોની ભૂમિકા મુખ્ય છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દરિયાકાંઠાના વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં NCCના વિસ્તરણ અંગેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ 15 ઑગસ્ટના દિવસે આપેલા સંબોધનને યાદ કર્યું હતું જેમાં તેમણે આવા 175 જિલ્લાઓમાં NCCની નવી ભૂમિકા વિશે જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, અંદાજે 1 લાખ કેડેટ્સને સૈન્ય, વાયુ સેના અને નૌકા સેના દ્વારા આ હેતુથી તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમાર્થીઓમાં ત્રીજા ભાગની છોકરીઓ છે. NCC માટે તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ માત્ર એક જ ફાયરિંગ સિમ્યૂલેટર ઉપલબ્ધ હતું તેની સામે હવે 98 સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. માઇક્રો ફ્લાઇટ સિમ્યૂલેટર પણ 5થી વધારીને 44 કરવામાં આવી રહ્યાં છે જ્યારે રોઇંગ સિમ્યૂલેટરની સંખ્યા 11થી વધારીને 60 કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ આજે ફિલ્ડ માર્શલ કરિઅપ્પાને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને નોંધ્યું હતું કે, આજના આ કાર્યક્રમ સ્થળનું નામ તેમની સ્મૃતિમાં જ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, હવે સશસ્ત્ર દળોમાં ગર્લ કેડેટ્સ માટે પણ નવી તકો ઉભરી રહી છે. તેમણે સંતોષની ભાવના સાથે ટાંક્યું હતું કે, તાજેતરના સમયમાં NCCમાં ગર્લ કેડેટ્સની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ 1971માં બાંગ્લાદેશ યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની સુવર્ણ જયંતિ નિમિત્તે સશસ્ત્ર દળોના શહીદોને પણ અંજલી આપી હતી. પ્રધાનમંત્રીએ કેડેટ્સને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા પણ કહ્યું હતું અને તેમને સુધારો કરવામાં આવેલા શૌર્ય પુરસ્કાર પોર્ટલ સાથે જોડવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે ટાંક્યું હતું કે, NCC ડિજિટલ પ્લેટફોર્મ વિચારોનું આદાનપ્રદાન કરવા માટે ખૂબ જ ઝડપથી ઉભરી રહેલું પ્લેટફોર્મ છે.
વિવિધ વર્ષગાંઠ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત આ વર્ષે પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે. તેમણે કેડેટ્સને કહ્યું હતું કે, તેઓ નેતાજીના કીર્તિપૂર્ણ ઉદાહરણમાંથી પ્રેરણા લે. શ્રી મોદીએ કેડેટ્સને આગામી 25-26 વર્ષ અંગે પણ જાગૃત રહેવા કહ્યું હતું જેમાં ભારત પોતાની સ્વતંત્રતાના 100મા વર્ષમાં પ્રવેશ કરશે.
પ્રધાનમંત્રીએ વાયરસના પડકારનો સામનો કરવા માટે ભારતની ક્ષમતાઓનો તેમજ ભારતના સંરક્ષણ પડકારોને પહોંચી વળવાની ક્ષમતાઓ વિશે પણ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશ પાસે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પૈકી એક યુદ્ધ મશીનો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરના સમયમાં UAE, સાઉદી અરેબિયા અને ગ્રીસની મદદથી હવામાં જ નવા રાફેલ એરક્રાફ્ટમાં ઇંધણ પુરવાની કામગીરીમાં અખાતી દેશો સાથે ભારતનું ઘનિષ્ઠ જોડાણ સ્પષ્ટ દેખાઇ આવે છે. તેવી જ રીતે, ભારતે સંરક્ષણ સંબંધિત 100 ઉપકરણોનું ભારતમાં જ વિનિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. આ અને 80 તેજસ યુદ્ધ વિમાનો માટેનો ઓર્ડર, હથિયારો સંબંધિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાથી ચોક્કસપણે ભારત સંરક્ષણ ઉપકરણોના મોટા બજારના બદલે એક મોટા ઉત્પાદક તરીકે ઉદયમાન થશે.
પ્રધાનમંત્રીએ કેડેટ્સને વોકલ ફોર લોકલ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાદીને યુવાનોમાં ટ્રેન્ડી બ્રાન્ડ તરીકે આપવામાં આવેલા નવા સ્વરૂપ અને ફેશન, લગ્ન, તહેવારો તેમજ અન્ય ક્ષેત્રોમાં સ્થાનિક ફેશન પર આપવામાં આવતા વિશેષ આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આત્મવિશ્વાસથી છલકતા યુવાનો આત્મનિર્ભર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, સરકાર ફિટનેસ, શિક્ષણ અને કૌશલ્યના ક્ષેત્રોમાં કામ કરી રહી છે. આ સંદર્ભે, અટલ ટિન્કરિંગ લેબોરેટરીઓથી માંડીને આધુનિક શિક્ષણ સંસ્થાઓ સુધી, કૌશલ્ય ભારત અને મુદ્રા યોજનાઓમાં નવો વેગ મળી રહ્યો હોવાનું જોઇ શકાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફિટનેસ અને રમતગમતોને NCCમાં યોજવામાં આવતા વિશેષ કાર્યક્રમો સહિત ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા ચળવળો દ્વારા અભૂતપૂર્વ પીઠબળ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જરૂરિયાત અને રુચિ અનુસાર વિષય પસંદ કરવાની અનુકૂળતા પ્રદાન કરીને સમગ્ર પ્રણાલીને વિદ્યાર્થી કેન્દ્રીત બનાવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ સુધારાઓ દ્વારા આપવામાં આવી રહેલી તકોનો યુવાનો લાભ ઉઠાવશે જેથી દેશ પ્રગતિ કરશે.