સોમનાથ ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીસની બેઠક આજે દિલ્હીમાં પ્રધાનમંત્રીશ્રીના નિવાસ સ્થાને યોજાઈ હતી. ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઈની તબિયત સારી નહીં હોવાને કારણે બેઠકમાં હાજરી આપી શક્યા નહતા. શ્રી એલ. કે અડવાણીએ બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રી હર્ષવર્ધન નેવટીયા, શ્રી પી. કે. લહેરી અને શ્રી જે.ડી પરમારે પણ ટ્રસ્ટીઓ તરીકે બેઠકમાં હાજરી આપી હતી.
નવા નિમાયેલા ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહને બોર્ડ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી એ સોમનાથ મંદિરને એક પૌરાણિક યાત્રા ધામની સાથે સાથે પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવાની જરૂરિયાત ભારપૂર્વક જણાવી હતી. ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે ભક્તોની સતત વધતી જતી સંખ્યાની સમિક્ષા કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓએ જણાવ્યું કેમાં યાત્રીઓની સંખ્યા એક કરોડનો આંક વટાવી જવામાં છે. આથી સમગ્રલક્ષી વિકાસ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ સ્થાપવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. સોશિયલ મીડિયા ઉપર સોમનાથના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.
પ્રધનમંત્રીશ્રી એ જણાવ્યું કે આ વિસ્તારમાં કરાયેલા ખોદકામોમાં કેટલીક ખૂટતી ઐતિહાસિક કડીઓ મળી આવી છે. તેમણે કહ્યું કે હાઈ-ટેક મરીન આકર્ષણો અને વર્ચ્યુઅલ રિયાલીટી શોને ભવિષ્યના આયોજનમાં આવરી લેવા જોઈએ. તેમણે મહત્તમ વિસ્તારને સીસીટીવીના સર્વેલન્સ નેટવર્ક હેઠળ આવરી લેવાનું સૂચન કર્યું હતું.
સોમનાથ ટ્રસ્ટે અંદાજે 6 કી.ગ્રામ સોનું ભારત સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં મુકવાનો નિર્ણય કર્યો છે.