પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતુ.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, દરેક ભારતીયને આજનો દિવસ યાદ છે. આજનો દિવસ દેશનાં સાહસ, શૌર્ય અને બલિદાનની પ્રેરક ગાથાનું પ્રતીક છે. તેમણે કારગિલ શિખરનું રક્ષણ કરવા માટે પોતાનાં જીવનનું બલિદાન આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરનાં લોકોની પ્રશંસા પણ કરી હતી, જેમણે દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, 20 વર્ષ અગાઉ કારગિલનાં શિખર પર વિજય હાંસલ થયો હતો, જે આગામી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
પ્રધાનમંત્રીએ કારગિલ વિજયને ભારતનાં બહાદુર પુત્રો અને પુત્રીઓનાં શૌર્યનો, ભારતની કટિબદ્ધતાનો તથા ભારતની ક્ષમતા અને ધૈર્યનો વિજય ગણાવ્યો હતો. વધુમાં તેમણે આ વિજયને ભારતની આન, બાન અને શાન તથા શિસ્તનો વિજય ગણાવ્યો હતો તેમજ દરેક ભારતીયની આશા અને ફરજ પ્રત્યે સમર્પણનો વિજય ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, યુદ્ધો ફક્ત સરકારો લડતી નથી, પણ આખો દેશ લડે છે. તેમણે કહ્યું હતુ કે, સૈનિકો ભવિષ્યની પેઢીઓ માટે પોતાનાં સર્વસ્વનો ત્યાગ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, આ સૈનિકોની દ્રઢતા દરેક ભારતીયો માટે ગર્વની બાબત છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યાનાં થોડા મહિનાની અંદર જ મેં કારગિલની મુલાકાત લીધી હતી. તેમણે એ વાત પણ યાદ કરી હતી કે, તેમણે 20 વર્ષ અગાઉ કારગિલની મુલાકાત લીધી હતી, જ્યાં કારગિલ યુદ્ધ લડાયુ હતુ. કારગિલમાં ફરજ બજાવતાં સૈનિકોનાં શૌર્યને યાદ કરીને તેમણે કહ્યું હતુ કે, આખો દેશ સૈનિકોની સાથે હતો. યુવાનો રક્તદાન કરતા હતા અને બાળકો પણ સૈનિકો માટે તેમનાં ખિસ્સાખર્ચમાંથી દાન કરતાં હતા.
તેમણે એ વાત યાદ કરી હતી કે, તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીએ જણાવ્યું હતુ કે, જો આપણે આપણા સૈનિકોની કદર નહીં કરી શકીએ, તો આપણે આપણી માતૃભૂમિ પ્રત્યે આપણી ફરજ બજાવવામાં નિષ્ફળ નિવડીશું. તેમણે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સૈનિકો અને તેમનાં પરિવારનાં કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા છે. આ સંદર્ભમાં તેમણે વન રેન્ક, વન પેન્શન, શહીદોનાં સંતાનો માટે વધારવામાં આવેલી શિષ્યાવૃત્તિ અને રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રહાલયનાં નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, પાકિસ્તાને ઘણી વાર કાશ્મીરમાં છળકપટનો આશ્રય લીધો હતો અને તેમને 1999માં પણ સફળતા મળી નહોતી. તેમણે પ્રધાનમંત્રી વાજપેયીનાં પાકિસ્તાનને કાશ્મીરનું સમસ્યાનું અસરકારક સમાધાન લાવવા માટેનાં પ્રયાસો યાદ કર્યા હતા, જેનો પાકિસ્તાને કોઈ જવાબ આપ્યો નહોતો. તેમણે ઉમેર્યુ હતુ કે, વાજપેયી સરકારની શાંતિ માટે પહેલથી દુનિયાભરમાં ભારતનો દરજ્જો વધ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ, ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે ક્યારેય આક્રમણ કર્યું નથી. ભારતીય સૈન્ય દળોને દુનિયાભરમાં માનવતા અને શાંતિનાં રક્ષકો ગણવામાં આવે છે. તેમણે ભારતીય સૈનિકો દ્વારા ઇઝરાયેલમાં હાઇફાને સ્વતંત્રતા અપાવી એ ઘટનાને યાદ કરી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાં જીવનનું બલિદાન કરનાર ભારતીય સૈનિકો માટે ફ્રાંસમાં એક સ્મારકને પણ યાદ કર્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, વિશ્વયુદ્ધો દરમિયાન એક લાખથી વધારે ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં પોતાનાં જીવનનું બલિદાન કરનાર ભારતીય સૈનિકોની સંખ્યા સૌથી વધુ છે. તેમણે કુદરતી આપત્તિઓમાં સૈન્ય દળોની કટિબદ્ધતા અને સેવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, અત્યારે આતંકવાદ અને પ્રોક્સિ વૉરનું જોખમ સંપૂર્ણ વિશ્વને છે. તેમણે કહ્યું હતુ કે, જે લોકો યુદ્ધમાં હારી જાય છે, એ લોકો પ્રોક્સિ વૉરનો આશ્રય લઈ રહ્યાં છે અને અત્યારે આતંકવાદને ટેકો આપી રહ્યાં છે, જેથી તેમનાં રાજકીય ઉદ્દેશો પાર પડે. તેમણે જણાવ્યું હતુ કે, માનવતામાં માનતા તમામ લોકોએ અત્યારે સૈન્ય દળોને ટેકો આપવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું હતુ કે, આતંકવાદનો સામનો કરવા અસરકારક રીતે સૈન્ય દળોને સહયોગ આપવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, અત્યારે ઘર્ષણો અંતરિક્ષમાં અને સાયબર જગતમાં પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું હતુ કે, એટલે સૈન્ય દળોનું આધુનિકીકરણ થવું જોઈએ. તેમણે જણાવ્યું હતુ કે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે, ત્યારે ભારત દબાણને વશ નહીં થાય. આ સંદર્ભમાં તેમણે અરિહંત દ્વારા ભારતનાં પરમાણુ પરીક્ષણની સ્થાપનાનો તથા એન્ટિ-સેટેલાઇટ ટેસ્ટ – એ-સેટનાં પરીક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, સૈન્ય દળોનું ઝડપથી આધુનિકીકરણ થઈ રહ્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં "મેક ઇન ઇન્ડિયા" માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે સૈન્ય દળોની ત્રણ પાંખો વચ્ચે "સંકલન"નાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતુ કે, સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધા મજબૂત કરવામાં આવે છે. તેમણે સરહદી વિસ્તારોમાં વિકાસ માટે અને ત્યા રહેતાં લોકો માટે વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યાં છે.
સંપૂર્ણપણે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, વર્ષ 1947માં સંપૂર્ણ દેશ સ્વતંત્રતા સંગ્રામની લડાઈ જીત્યો હતો, વર્ષ 1950માં આખા દેશ માટે બંધારણ ઘડાયું હતુ અને આખા દેશમાંથી 500 બહાદુર સૈનિકોએ કારગિલનાં બરફીલા શિખરો પર પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતુ.
તેમણે સંયુક્તપણે દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે, આ ત્યાગ અને બલિદાન વ્યર્થ નહીં જાય અને આ શહીદોની શહીદીમાંથી પ્રેરણા મેળવીને આપણે એમનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરીશું.