પ્રજાસત્તાક કોરિયાનાં વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રી;
ભારત સરકારનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી;
ચોસુન-ઇલ્બો ગ્રૂપનાં પ્રમુખ અને સીઇઓ;
કોરિયા અને ભારતનાં ઉદ્યોગ જગતનાં મહાનુભાવો;
દેવીઓ અને સજ્જનો,
તમારી વચ્ચે આવીને હું ખુબ ખુશ થયો. ભારતમાં મોટી સંખ્યામાં કોરિયાની કંપનીઓ કાર્યરત છે, જે હકીકતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સફળતાની ગાથા છે. હું આ પ્રસંગે તમને બધાને ભારતમાં આવકાર આપવાની તક ઝડપી લઉં છું. ભારત અને કોરિયા વચ્ચેનાં સંબંધો સદીઓ જૂનાં છે. એવું માનવામાં આવે છે કે, ભારતીય રાજકુમારી કોરિયાનાં પ્રવાસે ગઈ હતી અને પછી કોરિયાની મહારાણી બની હતી. આપણે બૌદ્ધ સંપ્રદાયની પરંપરાનાં તાંતણે પણ જોડાયેલા છીએ. અમારા નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર કવિતા રચી હતી – લેમ્પ ઓફ ધ ઇસ્ટ – એટલે કે પૂર્વનો દીપ. વર્ષ 1929માં કવિવર ટાગોરે રચેલી આ કવિતામાં કોરિયાનાં ભવ્ય ભૂતકાળ અને તેનાં ઉજ્જવળ ભવિષ્યની વાત કરી હતી. કોરિયામાં બોલીવૂડની ફિલ્મો અતિ લોકપ્રિય છે. ભારતમાં થોડાં મહિના અગાઉ પ્રો-કબડ્ડી લીગ શરૂ થઈ હતી, ત્યારે કોરિયાનાં કબડ્ડીનાં ખેલાડીઓની પ્રશંસા થઈ હતી. વળી એ પણ જોગાનુજોગ છે કે ભારત અને દક્ષિણ કોરિયા બંને તેમનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટનાં રોજ ઉજવે છે. રાજકુમારીથી લઈને કવિતા અને બૌદ્ધ સંપ્રદાયની પરંપરાઓથી લઈને બોલીવૂડ સુધી આપણે વચ્ચે ઘણી સામ્યતા છે અને આપણે એકતાંતણે જોડાયેલા છીએ.
અગાઉ મેં ઉલ્લેખ કર્યો એ મુજબ, મારા માટે કોરિયા હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં કોરિયાની મુલાકાત લીધી હતી. મને નવાઈ લાગી હતી કે, ગુજરાત જેટલું કદ ધરાવતો એક દેશ કેવી રીતે આ પ્રકારની આર્થિક પ્રગતિ કરી શકે. હું કોરિયન લોકોનાં ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાની પ્રશંસા કરૂ છું. આઇટી અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઓટોમોબાઇલ અને સ્ટીલ સુધી કોરિયાએ દુનિયાને ઉત્કૃષ્ટ ઉત્પાદનો આપ્યાં છે. કોરિયાની કંપનીઓની નવીનતા અને મજબૂત ઉત્પાદન ક્ષમતા માટે પ્રશંસા થાય છે.
મિત્રો!
તે જણાવતાં ખુશી થાય છે કે, ગયા વર્ષે આપણો દ્વિપક્ષીય વેપાર 20 અબજ ડોલરનાં આંકને વટાવી ગયો હતો, જે છ વર્ષમાં પ્રથમ વાર બન્યું હતું. વર્ષ 2015માં મારી મુલાકાતથી ભારત પર સકારાત્મક રીતે ધ્યાન કેન્દ્રીત થયું હતું. તમારી બજારની ઉદાર નીતિઓ ભારતનાં આર્થિક ઉદારીકરણ તથા ‘પૂર્વ તરફ નજર દોડાવવાની નીતિ’ને અનુરૂપ છે. 500થી વધારે કોરિયન કંપનીઓ ભારતમાં પણ કાર્યરત છે. હકીકતમાં તમારા ઘણાં ઉત્પાદનો ભારતમાં ઘેરઘેર જાણીતા છે. જોકે દક્ષિણ કોરિયા ભારતમાં એફડીઆઈ ઇક્વિટી પ્રવાહમાં 16મું સ્થાન ધરાવે છે. ભારત કોરિયાનાં રોકાણકારો માટે વિશાળ બજાર માટે અને નીતિગત વાતાવરણને સક્ષમ બનાવવા માટેની ઘણી સંભવિતતા પૂરી પાડે છે.
તમારામાંથી ઘણાં ભારતમાં કાર્યરત હોવાથી તમે અહીંની વાસ્તવિકતાથી સુપેરે વાકેફ છો. ઉપરાંત ભારતીય સીઇઓ સાથે તમારી ચર્ચાવિચારણા મારફતે ભારત કઈ દિશામાં અગ્રેસર છે તેનો તાગ પણ તમને મળી ગયો હશે. પરંતુ હું થોડો વધુ સંવાદ આપની સાથે કરવા ઇચ્છુ છું. હું આ પ્રસંગે અહીં હજુ પણ કાર્યરત ન હોય એવી કંપનીઓને અને તેમનાં પ્રતિનિધિઓને ભારતમાં રોકાણ કરવા અને તેની સંભવિતતાનો લાભ લેવા વ્યક્તિગત રીતે આમંત્રણ પાઠવું છું. જો તમે દુનિયાભરમાં નજર દોડાવશો, તો તમને અતિ ઓછા દેશોમાં અર્થતંત્ર સાથે સંબંધિત ત્રણ મહત્ત્વપૂર્ણ પરિબળો જોવા મળશે. એ છે, લોકશાહી, વસતિ અને માગ. ભારત આ ત્રણેય પરિબળો ધરાવે છે. લોકશાહી દ્વારા મારા કહેવાનો અર્થ છે કે, અમારી રાજ્યવ્યવસ્થા ઉદાર મૂલ્યો પર આધારિત છે, જ્યાં દરેકને સ્વતંત્રતા મળે છે અને સમાન અવસરો સુલભ થાય છે. વસતિ દ્વારા મારા કહેવાનો અર્થ એ છે કે, અમારા દેશમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળી યુવાનોની ફોજ છે, જેઓ ઊર્જાવંત છે. માગ દ્વારા મારા કહેવાનો અર્થ એ છે કે અહીં ચીજવસ્તુઓ અને સેવાઓ માટે મોટું અને વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર બજાર છે. સ્થાનિક બજારમાં વૃદ્ધિ માટેનું મુખ્ય પરિબળ મધ્યમ વર્ગમાં વધારો છે. અમે સ્થિર વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરવા માટે કામ કરીએ છીએ, કાયદાનું શાસન સુનિશ્ચિત કરીએ છીએ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં લવાદીપણાને દૂર કર્યું છે. અમે રોજિંદા વ્યવહારમાં સકારાત્મકતા ઇચ્છીએ છીએ. અમે શંકાઓ કરવાને બદલે વધુને વધુ વિશ્વાસ પેદા થાય એવું વાતાવરણ પેદા કરી રહ્યાં છીએ. આ સરકારની માનસિકતામાં સંપૂર્ણ પરિવર્તન સૂચવે છે. વ્યવસાયી ભાગીદારને સત્તા પ્રદાન કરવાથી લઈને ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’ પ્રાપ્ત કરવાની દિશામાં અમે આગ્રેસર છીએ. જ્યારે આ થશે, ત્યારે નિયમો અને પ્રક્રિયાઓ આપમેળે સરળ થવાની શરૂઆત થશે.
છેવટે, આ પ્રકારનાં પગલાં મારફતે વેપાર-વાણિજ્યને સરળ કરવાનો ઉદ્દેશ છે. અત્યારે અમે જીવનને સરળ બનાવવા તરફ કામ કરી રહ્યાં છીએ. અમે નીતિનિયમો ઓછાં કરવા અને લાઇસન્સ રાજને ખતમ કરવા કામ કરી રહ્યાં છીએ. ઔદ્યોગિક લાઇસન્સની માન્યતાનો સમયગાળો ત્રણ વર્ષથી વધારીને 15 વર્ષ અને વધુ કરવામાં આવ્યો છે. સંરક્ષણ ઉત્પાદન માટે ઔદ્યોગિક લાઇસન્સની વ્યવસ્થાનું મોટા પાયે ઉદારીકરણ થયું છે. અગાઉની લાઇસન્સ હેઠળની આશરે 60 ટકાથી 70 ટકા ચીજવસ્તુઓનું ઉત્પાદન હવે લાઇસન્સ વિના થશે. અમે જણાવ્યું છે કે, ફેક્ટરીની ચકાસણી જરૂરિયાતને આધારે જ થશે અને ઉચ્ચ સત્તામંડળની મંજૂરી મળ્યાં પછી જ થશે.
એફડીઆઇ બાબતે અમે અત્યારે સૌથી વધુ ઉદાર દેશોમાં સામેલ છીએ. અમારા અર્થતંત્રનાં મોટાં ભાગનાં ક્ષેત્રો પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) માટે ખુલ્લા છે. 90 ટકાથી વધારે મંજૂરીઓ સ્વચલિત રૂટ પર મળી રહે છે. સંરક્ષણ ક્ષેત્ર સિવાય ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સરકારી મંજૂરીની વ્યવહારિક રીતે કોઈ જરૂર નથી. હવે કાયદેસર આંકડાઓની ફાળવણી સાથે કંપનીની રચના કરવી એક દિવસમાં શક્ય છે. અમે વ્યવસાય, રોકાણ, વહીવટ અને આંતરરાષ્ટ્રીય વેપારનાં મોરચે હજારો સુધારા હાથ ધર્યા છે.
તેમાં કેટલાંક જીએસટી જેવા ઐતિહાસિક સુધારા છે. તમારામાંથી ઘણાંને જીએસટીને કારણે કામગીરીમાં સરળતાનો અનુભવ થયો હશે. અમે 1400 જૂનાં કાયદા અને ધારા સંપૂર્ણપણે રદ કર્યા છે, જે વહીવટમાં જટિલતા જ પેદા કરતાં હતાં. આ પ્રકારનાં પગલાઓથી આપણું અર્થતંત્ર નવી ઊંચાઈ સર કરશે. છેલ્લાં ત્રણ વર્ષમાં એફડીઆઇનો પ્રવાહ મોટા ભાગે વધ્યો છે. સ્થાનિક ઉદ્યોગમાં આ નવી ઊર્જા અને જીવંતતા છે. નવી સ્ટાર્ટ-અપ પ્રણલી જાહેર થઈ છે. યુનિક આઇડી અને મોબાઇલ ફોનની પહોંચ સાથે અમે ઝડપથી ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યાં છીએ. અમારી વ્યૂહરચના સેંકડો મિલિયન ભારતીયોની તાકાતનો ઉપયોગ કરવાની છે, જેઓ તાજેતરમાં ઓનલાઇન આવ્યાં છે. આ નવું ભારત આધુનિક અને સ્પર્ધાત્મક હશે, છતાં સારસંભાળ રાખનારૂ અને એકબીજા પ્રત્યે સંવેદના ધરાવતું હશે. વૈશ્વિક મંચ પર છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં સૂચકાંકમાં 42 સ્થાનની હરણફાળ ભરી છે. અમે વિશ્વ બેંકનાં વર્ષ 2016નાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ પર 19 ક્રમની આગેકૂચ કરી હતી. છેલ્લાં બે વર્ષમાં અમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં 31 ક્રમની આગેકૂચ કરી છે. અમે બે વર્ષમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ઑફ ડબલ્યુઆઇપીઓ પર 21 સ્થાનની હરણફાળ પણ ભરી છે. અમે યુએનસીટીએડીની યાદીમાં એફડીઆઇ મેળવતાં ટોચનાં 10 દેશોમાં સામેલ છીએ. અમે વૈશ્વિક સ્તરે વાજબી ખર્ચ ધરાવતી ઉત્પાદન પ્રણાલી ધરાવીએ છીએ. અમે માહિતી અને ઊર્જા સાથે કુશળ વ્યવસાયિકોની મોટી સંખ્યા ધરાવીએ છીએ. અત્યારે અમે વૈશ્વિક કક્ષાનાં ઇજનેરી શિક્ષણનો આધાર અને મજબૂત સંશોધન તેમજ વિકાસ સુવિધાઓ ધરાવીએ છીએ. છેલ્લાં બે વર્ષમાં અમે વ્યવસાય માટે ઓછા કરવેરા ધરાવતી વ્યવસ્થા તરફ આગેકૂચ કરી છે, જ્યાં અમે કરવેરાનાં દર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યા છે, જે નવા રોકાણો અને નાનાં સાહસિકો માટે છે. અમે ભારતની કાયાપલટ કરવાનાં અભિયાન સાથે કામ કરીએ છીએ. પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સમાજ તરફ અગ્રેસર છીએ. અનૌપચારિક અર્થતંત્રમાંથી ઔપચારિક અર્થતંત્ર બનવા આગેકૂચ કરી છે. તમે અમારા કામના સ્તર અને કક્ષાની કલ્પના કરી શકો છો. અમે ખરીદક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છીએ. ટૂંક સમયમાં અમે નોમિનલ જીડીપી દ્વારા વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. ભારત અત્યારે દુનિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં પણ સ્થાન ધરાવે છે. અમે સૌથી મોટી સ્ટાર્ટ અપ પ્રણાલી ધરાવતા દેશોમાનાં એક પણ છીએ.
અમારો દ્રષ્ટિકોણ વૈશ્વિક સ્પર્ધાત્મક ઉદ્યોગ ઊભો કરવાનો છે તથા કૌશલ્ય, ઝડપ અને વ્યાપ સાથે સજ્જ સેવાનો આધાર ઊભો કરવાનો છે. એટલે અમે અમારા રોકાણનું વાતાવરણ સતત સુધારવા માટે કામ કરીએ છીએ. અમે ખાસ કરીને અમારા યુવાનો માટે રોજગારીનું સર્જન મોટા પાયે કરવા ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ. આ ઉદ્દેશ પાર પાડવા માટે અમે મેક ઇન ઇન્ડિયા નામનું અભિયાન શરૂ કર્યું છે. તેમાં અમારૂ ઔદ્યોગિક માળખું, નીતિઓ અને શ્રેષ્ઠ વૈશ્વિક ધારા-ધોરણો ધરાવતી પદ્ધતિઓ સામેલ છે. અમે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરવા ઇચ્છીએ છીએ. આ પહેલને ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોનું પીઠબળ છે. સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ વિકાસ, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ સાથે ઉત્પાદન અમારી કટિબદ્ધતા છે.
અમે દુનિયા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને પર્યાવરણને અનુરૂપ શ્રેષ્ઠ ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે ઝડપથી આગેકૂચ કરી રહ્યાં છીએ. મેં અગાઉ જણાવ્યું છે કે, ભારતનાં સોફ્ટવેર અને કોરિયાનાં આઇટી ઉદ્યોગ વચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે ઘણી સંભવિતતા છે. કાર નિર્માણમાં તમારી અને અમારી ડિઝાઇનિંગ ક્ષમતાનો સમન્વય થઈ શકે છે. ભારત સ્ટીલમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો દેશ હોવા છતાં અમારે તેમાં ઘણું બધું મૂલ્ય સંવર્ધન કરવાની જરૂર છે. તમારી સ્ટીલ-નિર્માણ ક્ષમતા અને અમારા કાચા લોખંડનાં સંસાધનો સંયુક્તપણે શ્રેષ્ઠ ઉત્પાદનો કરી શકશે.
તે જ રીતે તમારી જહાજ-નિર્માણ ક્ષમતા અને અમારી બંદર આધારિત વિકાસની કાર્યસૂચિ આપણી ભાગીદારીને આગળ વધારી શકે છે. હાઉસિંગ, સ્માર્ટ સિટી, રેલવે સ્ટેશનો, જળ, પરિવહન, દરિયાઇ બંદર, ઊર્જા અને અક્ષય ઊર્જા, આઇટી માળખું અને સેવાઓ, ઇલેક્ટ્રોનિક્સ – આ તમામ મારા દેશમાં વિકસતાં ક્ષેત્રો છે. આ વિસ્તારમાં ભારત અને કોરિયા મોટાં અર્થતંત્રો છે. અમારી ભાગીદારી એશિયામાં પ્રાદેશિક વૃદ્ધિ, વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સંભવિતતા ધરાવે છે. ભારત મોટાં આર્થિક જોડાણો માટે પૂર્વ તરફ જુએ છે. તે જ રીતે દક્ષિણ કોરિયા તેનાં વિદેશી બજારોમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બંને દેશોને તેમની ભાગીદારી વધુ ગાઢ બનાવવાથી લાભ થઈ શકે છે. ભારત વિશાળ અને વિકાસશીલ બજાર છે. તે મધ્ય પૂર્વ અને આફ્રિકાનાં બજારોમાં પહોંચવા કોરિયાનાં વ્યવસાયો માટે સેતુરૂપ પણ બની શકે છે. મારી કોરિયાની મુલાકાત દરમિયાન સાથસહકાર આપવા એજન્સીની જરૂરિયાત અનુભવાઈ હતી એ તમને કદાચ યાદ હશે. તે સમયે જાહેરાત થઈ હતી કે, ભારતમાં કોરિયાનાં રોકાણ માટે એક કટિબદ્ધ ટીમ સ્થાપિત કરવામાં આવશે. તે મુજબ જૂન, 2016માં કોરિયા પ્લસની રચના થઈ હતી. કોરિયા પ્લસને ભારતમાં કોરિયન રોકાણને પ્રોત્સાહન આપવાની, સુવિધા આપવાની અને તેને જાળવવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. તેને ભારતમાં કોરિયન રોકાણકારો માટે પ્રથમ સંદર્ભ તરીકે કલ્પવામાં આવી છે. કોરિયા પ્લસે લગભગ બે વર્ષનાં ટૂંકા ગાળામાં 100થી વધારે કોરિયન રોકાણકારોને સન્માનિત કર્યા છે. તે કોરિયન કંપનીઓનાં રોકાણ ચક્ર મારફતે ભાગીદાર તરીકે કામ કરે છે. આ અમારી કોરિયન લોકો અને કંપનીઓ, તેમનાં વિચારો અને રોકાણને આવકારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મિત્રો!
હું મારી વાણીને વિરામ આપતાં અગાઉ કહેવા ઇચ્છું છું કે, અત્યારે ભારત વ્યવસાય માટે, વેપાર-વાણિજ્ય માટે સજ્જ છે. અત્યારે ઉદ્યોગસાહસિકો માટે ભારત ઉદાર નીતિઓ ધરાવતો દેશ છે. તમને દુનિયામાં આટલું ઉદાર અને વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર બજાર ક્યાંય નહીં મળે. હું તમને ખાતરી આપું છું કે, તમારા રોકાણને પ્રોત્સાહન આપવાની અને તેનું રક્ષણ કરવાની તમામ જરૂરિયાતો અહીં પૂર્ણ થશે, કારણ કે અમને તમારા જોડાણની કદર છે અને અમારા અર્થતંત્રમાં તમામ યોગદાનનું મુલ્ય રહેલું છે. વ્યક્તિગત સ્તરે પણ હું તમને જ્યારે જરૂર પડે ત્યારે મારા વ્યક્તિગત સાથ-સહકારની ખાતરી આપું છું.
ધન્યવાદ!
From Princess to Poetry and from Buddha to Bollywood; India & Korea have so much in common: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 27, 2018
I admire the spirit of entrepreneurship of the Korean people. I admire the way in which they have created and sustained their global brands. From IT and Electronics to Automobile and Steel, Korea has given exemplary products to the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 27, 2018
If you see around the globe, there are very few countries where you have three important factors of economy together. They are: Democracy, Demography and Demand. In India, we have all the three together: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 27, 2018
We have worked towards creating a stable business environment, removing arbitrariness in decision making. We seek positivity in day to day transactions. We are widening areas of trust; rather than digging into doubts. This represents a complete change of the Govt’s mindset: PM
— PMO India (@PMOIndia) February 27, 2018
We are on a de-regulation and de-licensing drive. Validity period of industrial licenses has been increased from three years to fifteen years and more: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 27, 2018
We are working with the mission of Transforming India from:
— PMO India (@PMOIndia) February 27, 2018
An old civilisation into a modern society ,
An informal economy/ into a formal economy: PM @narendramodi
We are already the third-largest economy by purchasing power. Very soon, we will become the world's fifth-largest economy by nominal GDP. We are also the fastest growing major economy of the world today. We are also a country with the one of the largest Start up eco-systems: PM
— PMO India (@PMOIndia) February 27, 2018
A need for a hand-holding agency was felt during my visit to Korea. Thus,'Korea Plus' was formed in June 2016. Korea Plus has facilitated more than 100 Korean Investors in just 2 years. This shows our commitment towards welcoming Korean people, companies, ideas & investments: PM
— PMO India (@PMOIndia) February 27, 2018