PM Narendra Modi addresses the National Youth Day in Greater Noida via video conferencing
Our ISRO scientists have made us proud yet again, ISRO today created a century in satellite launching: PM
Our strides in space will help our citizens & enhance our development journey, says PM Modi
People say today's youth don't have patience, in a way this factor becomes a reason behind their innovation: PM
I had called for organising mock parliaments in our districts, such mock parliaments will further the spirit of discussion among our youth, says the PM

સૌથી પહેલા હું તમામ દેશવાસીઓને આપણા વૈજ્ઞાનિકોની એક વધુ મોટી ઉપલબ્ધી પર શુભેચ્છાઓ આપવા માંગું છું. હમણાં થોડા સમય પહેલા જ ઈસરોએ પીએસએલવી – સી40નું સફળ પ્રક્ષેપણ કર્યું છે.

પીએસએલવીથી કાર્ટોસેટ- 2 સીરીઝની ઉપગ્રહ સહીત કુલ 31 ઉપગ્રહોને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. તેમાંથી 28 ઉપગ્રહ અન્ય દેશોના છે. આજે ઈસરોએ એક વધુ રેકોર્ડ બનાવ્યો છે. આજે ઈસરોએ ઉપગ્રહ પ્રક્ષેપણમાં સેન્ચુરી પણ બનાવી છે.

ઈસરોની આજની સફળતાથી દેશના ખેડૂતો, માછીમારો, વૈજ્ઞાનિકોને જમીનની જાણકારી મેળવવામાં મદદ મળશે. આ સફળતા ન્યુ ઇન્ડિયાના માર્ગને વધુ પ્રશસ્ત કરશે.

હંમેશા દેશનું માન વધારનારા અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપનારા ઈસરોના વૈજ્ઞાનિકોને હું એક વાર ફરી મારી શુભકામનાઓ પાઠવું છું.

નવા વર્ષમાં, વિવેકાનંદ જયંતી ઉપર, રાષ્ટ્રીય યુવા દિવસ ઉપર આપણા વૈજ્ઞાનિકોએ દેશને એક અનમોલ ઉપહાર આપ્યો છે.

સાથીઓ, મને ઈચ્છા હતી કે આપ સૌ લોકોની સામે આવીને વાત કરૂ, આ જે મીની ભારત અત્યારે ગ્રેટર નોઇડામાં એકત્રિત થયું છે, એક ભારત શ્રેષ્ઠ ભારતનું ભવ્ય ચિત્ર રજુ કરી રહ્યું છે, તે આ મીની ઇન્ડિયાના સાક્ષાત દર્શન કરી શક્યો હોત.

પરંતુ કેટલીક વ્યસ્તતા હતી, એટલા માટે આપ સૌની સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યો છું.

મારો પ્રયત્ન હોય છે કે, જયારે પણ આ પ્રકારના કાર્યક્રમમાં, હું જાતે ના પહોંચી શકું, તો ત્યાં શું શું થયું, કંઇ કંઇ ચર્ચાઓ થઇ, શું પરિણામો આવ્યા, તે વિષયમાં સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરૂ છું. તમે લોકો પણ અહિં જે ચર્ચા-વિચારણા કરશો, તેની સંપૂર્ણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશ.

સાથીઓ, આજથી જ રાષ્ટ્રીય યુવા મહોત્સવની પણ શરૂઆત થઇ રહી છે. હું રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ અને સંસ્થાઓની પ્રશંસા કરૂ છું, તેમને અભિનંદન પાઠવું છું. 

મને કહેવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસોમાં અહિયાં ઘણા બધા કાર્યક્રમો થશે, રાષ્ટ્રીય યુવા સંસદનું પણ આયોજન કરવામાં આવશે. મેં આ વખતે “મન કિ બાત” કરતી વખતે પણ દેશના દરેક જીલ્લામાં મોક સંસદના આયોજનનો વિચાર રજુ કર્યો હતો. આ એ જ વિચારની એક કડી સમાન છે.

ન્યુ ઇન્ડિયાના વિષયો ઉપર મંથન કરવાનો, સંકલ્પ લેવાનો આ શ્રેષ્ઠ અવસર છે. આ 22મો મહોત્સવ છે અને હું ઈચ્છીશ કે જયારે તમે લોકો ચર્ચા કરો તો એ વિષયમાં પણ મંથન થાય કે જયારે 25મો યુવા મહોત્સવ ઉજવવામાં આવે તો તેનું સ્વરૂપ કેવું હશે. કયા સંકલ્પો હશે? આપણે રોડમેપ બનાવીને ત્યાં પહોંચીશું?

એ જ રીતે જયારે દેશ 2022માં સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ ઉજવશે, તે વખતે યુવા મહોત્સવ કયા સ્વરૂપમાં ઉજવવામાં આવશે, તે વિષયમાં પણ તમે ચર્ચા કરો.

મને આશા છે કે આ ચાર દિવસોમાં તમે એવા અનુભવો લઈને અહીંથી જશો કે જે જીવન પર્યંત તમને દિશા ચીંધશે, તમારૂ માર્ગદર્શન કરશે.

મારા નવયુવાન સાથીઓ, આ વખતે મહોત્સવની થીમ “સંકલ્પથી સિદ્ધિ” છે. પાછલા 6-7 મહિનાઓમાં તમે આ શબ્દો વારંવાર સાંભળ્યા હશે. સંકલ્પથી સિદ્ધિ, આખરે આ છે શું?

મોબાઇલની કોઈ એપ તો છે નહિં, કે ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી અને ચાલવા લાગી.

એટલા માટે આજે હું તમારી સાથે સંકલ્પથી સિદ્ધિ વિષય ઉપર જ વિસ્તૃત રીતે વાત કરીશ.

આખરે સંકલ્પ છે શું? કંઇ વસ્તુ સિદ્ધ કરવાની છે?

સાથીઓ,

2022માં આપણો દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરશે. તમે આઝાદીની લડાઈ વિષે માત્ર પુસ્તકોમાં વાંચ્યું હશે. મેં પોતે પણ આઝાદીના આંદોલન વિષયમાં માત્ર સાંભળ્યું જ છે, વાંચ્યું જ છે, એટલા માટે ઉંમરનો તફાવત ભલે હોય પરંતુ આ બાબતમાં તમે અને હું અલગ નથી.

મારા નવયુવાન સાથીઓ, આપણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ નથી લીધો, એટલા માટે આપણી મોટી જવાબદારી તે સપનાઓને પુરા કરવાની છે જે સપનાઓ તે સમયે આઝાદીના દીવાનાઓએ જોયા હતા.

જયારે જેલમાં બ્રિટીશ પોલીસ કોરડાઓ વીંઝતી હતી, તો તે સમયે અંધારી કોટડીમાં બધું જ સહન કરીને પણ આપણા વીર સેનાનીઓ જે ભારતનું સપનું જોયા કરતા હતા, તે ભારતને બનાવવાની જવાબદારી આપણા સૌની છે. જયારે આપણે તે કલ્પનાને તે સપનાને જીવીશું તો તેમના સપનાઓના ભારત માટે સંકલ્પ પણ લઇ શકીશું. તે ભારત કેવું હશે? ન્યુ ઇન્ડિયા કેવું હશે? આજે જયારે તમે દિવસભરના કાર્યક્રમો બાદ રાત્રે સુવા જાવ તો થોડી વાર વિચારજો.

વિચારજો કે તમારી આસપાસ એવું તો શું થઇ રહ્યું છે જેને તમે બદલવા માંગો છો.

એવી કંઇ વ્યવસ્થા છે જેના વિષે તમે હંમેશા વિચારો છો કે- આ બરાબર નથી, કાશ આ સ્થિતિ બદલાઈ જાય!!! જયારે તમે ટ્રેનથી અહિયાં આવી રહ્યા હશો, શાળામાં, કોલેજોમાં, ઘરમાં, મહોલ્લામાં જયારે પણ તમે વિચાર્યું હોય કે આ બરાબર નથી, તે તો બદલાઈ જવું જોઈએ. તે વાતને આજે ફરીથી વિચારજો. વિવેકાનંદજીનું સ્મરણ કરજો, હું વિશ્વાસ સાથે કહું છું કે જે વસ્તુઓ તમે અનુભવ કરી છે, જે વાતોથી તમને પીડા થઇ છે, જેને બદલવા માટે તમારા મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો છે, જો આજની રાત તમે તેની સાથે જોડાઈ જશો તો તે જ  લાલસા એક સંકલ્પ બની જશે. આજે 12 જાન્યુઆરીની રાતે તે જ વાતો, તમારી માટે સંકલ્પ બની જશે, તમારો સંકલ્પ બનશે. સંકલ્પ કોઈને કહેવા માટે નથી હોતો, ઢંઢેરો પીટવા માટે નહિં, પરંતુ તે સંકલ્પ તમારા પોતાના માટે હશે. 13 જાન્યુઆરીની નવી સવારથી, નવી રીતે કામ કરવા માટે હશે.

સાથીઓ, તમે હમણાં જે યુનિવર્સીટીના પરિસરમાં છે, તેનું નામ ગૌતમ બુદ્ધ ઉપર છે.

તમે જે શહેરમાં છો- ગ્રેટર નોઇડા- તેનું નામ પણ ગૌતમ બુદ્ધ નગર છે. એટલા માટે હું તમને ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ એક પ્રસંગ સંભળાવું છું. નાનકડી વાત છે, બહુ મોટી નહિં.

એકવાર ભગવાન બુદ્ધને તેમના એક શિષ્યએ પૂછ્યું કે, શું તમારી પાસેથી શિક્ષા લેનારા તમામ શિષ્યોને નિર્વાણ પ્રાપ્ત થઇ જશે? ભગવાન બુદ્ધે જવાબ આપ્યો – ના, કેટલાક ને મળશે, કેટલાકને નહિં મળે. શિષ્યએ પૂછ્યું- એવું કેમ? ત્યારે ભગવાન બોલ્યા કે, જે મારી શિક્ષાને સાચી રીતે સમજી શકશે, તેમને જ નિર્વાણ મળશે, બાકી લોકો ભટકતા રહી જશે.

સાથીઓ, એક જ ગુરૂ પાસેથી તમને એક જ શિક્ષા મળશે, પરંતુ તમે તેને કંઇ રીતે ગ્રહણ કરો છો, તમે પોતાનામાં કયો સંકલ્પ લો છો, તે તમારી સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે.

જુઓ, જેમ કે કૌરવો અને પાંડવો, બંનેના ગુરૂ એક જ હતા.

બંનેને એક જ રીતની શિક્ષા મળતી હતી, પરંતુ બંનેનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ કેટલું અલગ હતું. એવું એટલા માટે હતું કારણ કે કૌરવો અને પાંડવોનો સંકલ્પ અલગ અલગ હતો. જીવનપથમાં તમને પણ શિક્ષા આપનારા ઘણા લોકો મળશે, પરંતુ શિક્ષા ગ્રહણ કરીને કયા રસ્તા ઉપર ચાલવું છે, કયા પ્રકારનો સંકલ્પ લેવો છે, એ માત્ર તમારે જ નક્કી કરવું પડશે.

આ જ તો ગૌતમ બુદ્ધના “अप्प दीपो भव:” નો પણ સાર છે. પોતાનો દીપક, પોતાનો પ્રકાશ સ્વયં બનો. પોતાના સંકલ્પો સ્વયં લો. કોઈ તમને શપથ લેવડાવવા નહિં આવે.

કોઈ યાદ અપાવવા પણ નહિં આવે, જે કંઇ પણ કરવું છે, તમારે જાતે કરવાનું છે.

ભાઈઓ અને બહેનો, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે-

યુવાન એ હોય છે જે ભૂતકાળની ચિંતા કર્યા વિના પોતાના ભવિષ્યના લક્ષ્યોની દિશામાં કામ કરે છે.” આપ સૌ યુવાનો, જે આજે કામ કરી રહ્યા છો, તે દેશનાં ભવિષ્યની દિશા નક્કી કરે છે. એટલા માટે આજે તમે જે સંકલ્પ લેશો, તે સિદ્ધ થઈને દેશને પણ સિદ્ધ કરશે.

ઉત્તર પ્રદેશમાં જ એક વિખ્યાત ગીતકાર થઇ ગયા, ફિલ્મોમાં પણ તેમણે ઘણું લખ્યું હતું-

શ્રીમાન મજરૂહ સુલતાનપૂરી. એમનો એક શેર હતો-

““मैं अकेला ही चला था जानिबमंज़िल मगरलोग साथ आते गये और कारवां बनता गया”।

સાથીઓ, પ્રત્યેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એકલા જ શરૂઆત કરવી પડે છે.

તમારી નીતિ સાફ હોય છે, ઈરાદાઓ સ્પષ્ટ હોય છે, મનોબળ મજબુત હોય છે, તો તમારી સાથે આપોઆપ લોકો જોડાવા લાગે છે. આજે તમારી પાસેથી મારી એ જ અપેક્ષા છે કે, પ્રથમ ડગલું ભરતા પહેલા કેટલાક સંકલ્પો લઈને નવી શરૂઆત કરતા પહેલા ગભરાશો નહિં, બસ નક્કી કરી લો અને ચાલી નીકળો.

તમારી આ યાત્રામાં સરકાર પણ, સમગ્ર હિન્દુસ્તાન પણ દરેક રીતે તમારી સાથે ઉભુ છે. હું ઇચ્છુ છું કે નવયુવાન કંઇક કરી છૂટવા માંગે છે, પોતાના બળે, પોતાના પરિશ્રમથી, પોતાના સપનાઓ પુરા કરવા માંગે છે, તેમને દરેક પ્રકારની મદદ મળશે.

જયારે તેઓ શરૂઆત કરે, તો તેમને બેંક બાહેંધરીની ચિંતા ન કરવી પડે, ટેક્સની ચિંતા ન કરવી પડે, અનેક પ્રકારનાં પેપર વર્ક ન કરવા પડે.

હું ઇચ્છુ છું કે મારા દેશનો નવયુવાન રોજગારનું નિર્માણ કરનારો બને, આવિષ્કારો માટે આગળ આવે, અને એટલા માટે એ દિશામાં સતત કામ કરવામાં આવ્યું છે. સાથીઓ, અમારી સરકાર અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લગભગ 10 કરોડ લોકોના ધિરાણને મંજુરી આપી ચુકી છે. 10 કરોડનો આંકડો ઘણો મોટો હોય છે.

લોકોને બેંકની બાહેંધરી વિના 4 લાખ કરોડથી વધુનું ઋણ આપવામાં આવ્યું  છે. જરા વિચારો, બેંકની બાહેંધરી વિના, એ વસ્તુ પૂછ્યા વિના કે આ રૂપિયા કંઇ રીતે પાછા આવશે, ઋણ કંઇ રીતે ચુકવવામાં આવશે, 4 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ લોકોને આપી દેવામાં આવી છે.

આ પૈસાથી ગામડાઓમાં, નગરોમાં, શહેરોમાં, પછાત વિસ્તારોમાં લોકોએ પોતાના નાના નાના વ્યવસાય શરૂ કર્યા છે. તેઓ પોતાના સપના પુરા કરી રહ્યા છે. આ લોકો, આ નાના અને મધ્યમ કદના ઉદ્યમીઓ હવે પોતે જ રોજગારી આપનારા બની રહ્યા છે.

ભાઈઓ અને બહેનો, સરકારની આ મોટી યોજનાનો આધાર માત્ર એક જ છે. તમારા પર, દેશના નવયુવાનો પર ભરોસો છે, અમને ભરોસો છે કે, આ દેશનો નવયુવાન જયારે નક્કી કરી લે છે તો કંઇ પણ કરી છૂટે છે. ઉર્જાથી ભરેલા આવા નવયુવાનો દેશના દરેક ખૂણામાં રહેલા છે. કોઈ પહાડોમાંથી નીકળતા નાના ઝરણાઓમાંથી વીજળી બનાવી રહ્યું છે, કોઈ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે, કોઈ કચરામાંથી ઘર નિર્માણની વસ્તુઓ બનાવી રહ્યું છે, કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડી રહ્યું છે, તો કોઈએ પોતાના ખેતરમાં જ ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવી દીધું છે. આવા કરોડો યુવાનો રાષ્ટ્ર નિર્માણ માટે દિવસ રાત એક કરી રહ્યા છે.

તમારામાં સામર્થ્ય છે, સાહસ છે અને સાચી દિશામાં ચાલવાની સૂઝ-બુઝ પણ તમે ધરાવો છો. એટલા માટે સરકારનો પ્રયાસ તમારો હાથ પકડવાનો છે. થોડો અમથો સહયોગ, બાકી તમે તમારામાં જ સક્ષમ છો. સાથીઓ, સરકાર એ બાજુ પણ ધ્યાન આપી રહી છે કે આજની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય તાલીમ મળી શકે.

કૌશલ્યને લઈને પહેલી વાર આ પ્રકારની ગંભીરતા કોઈ સરકારે બતાવી છે. નહિતર પહેલા તો કૌશલ્ય અને શિક્ષણનો તફાવત પૂછવામાં આવે તો લોકો ચુપ થઇ જતા હતા.

ભાઈઓ અને બહેનો, પુસ્તકમાં વાંચવું કે વિમાન કંઇ રીતે ઉડાડવામાં આવે છે, પુસ્તકમાં જ તેની ઝીણી વિગતો સમજવી એ શિક્ષણ છે, પરંતુ હકીકતમાં વિમાન ઉડાડવું એ કૌશલ્ય હોય છે. માત્ર શિક્ષણ હોય અને કૌશલ્ય ના હોય તો રોજગાર મળવામાં મુશ્કેલી થાય છે. એટલા માટે અમે કૌશલ્ય વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહ્યા છીએ. યુવાનોને શિક્ષણની સાથે જ કૌશલ્યની તાલીમ પણ મળે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ લાખો નવયુવાનોને તાલીમ આપવામાં આવી છે. સરકાર દેશભરમાં પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના કરી રહી છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કીલ સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે. સેંકડો મલ્ટીસ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે. પહેલી વાર એવું થયું છે કે જયારે યુવાનોને અપ્રેન્ટીસશીપ આપનારી કંપનીઓને આર્થિક મદદ આપવામાં આવી રહી છે. અપ્રેન્ટીસશીપના જે પૈસા કંપનીઓ વિદ્યાર્થીઓને આપે છે, તેનો કેટલોક ભાગ સરકાર તરફથી કંપનીઓને આપવામાં આવી રહ્યો છે.

નેશનલ અપ્રેન્ટીસશીપ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 7 લાખ યુવાનોની નોંધણી કરી દેવામાં આવી છે. આગામી બે ત્રણ વર્ષમાં સરકારનું લક્ષ્ય 50 લાખ નવયુવાનોને અપ્રેન્ટીસશીપ તાલીમ આપવાનું છે. પ્રધાનમંત્રી યુવા યોજના હેઠળ પણ ત્રણ હજારથી વધુ સંસ્થાનોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું કામ ચાલી રહ્યું છે.

સરકારનો પ્રયત્ન છે કે નવયુવાનોને દેશની જરૂરિયાત, આપણા ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર ટ્રેનીંગ મળી શકે. ભારતથી બહારનાં દેશોમાં કયા પ્રકારની જરૂરિયાત છે, તેને પણ ધ્યાનમાં રાખીને લોકોનું કૌશલ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, મને દેશનાં નવયુવાનો પર પૂરો ભરોસો છે, દેશની યુવા શક્તિ, યુવા ઉર્જા પર પૂરો ભરોસો છે. દેશના સપનાઓ જો ક્યાંય વસે છે તો તે દેશનાં યુવાનોનાં હૈયામાં વસે છે. એટલા માટે તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સાથીઓ, કેટલાક લોકો કહે છે કે આજના યુવાનોમાં ધીરજ નથી. હું કહું છું કે આ જ વાત આજની પેઢીનાં નવયુવાનો માટે તેમની અંદર આવિષ્કારનું કારણ બની જાય છે. જીવનમાં ધીરજ હોવી જોઈએ, અધીર જીવન પણ યોગ્ય નથી, પરંતુ એવું પણ ધૈર્ય ન હોવું જોઈએ કે માણસ બીજું કંઇ નવું વિચારી જ ન શકે, જીવન સાવ અટકી જ જાય. ધૈર્ય નથી એટલા માટે આજના નવયુવાનો ઝડપથી કામ કરી રહ્યા છે, રચનાત્મક કામ કરી રહ્યા છે અને પરિણામો પણ લાવી રહ્યા છે.

સ્વચ્છ ભારત અભિયાન હોય, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હોય, વેસ્ટમાંથી વેલ્થ હોય, તમારા આવિષ્કારો સામાજિક બાબતો સાથે સંકળાયેલા છે. તમારી આસપાસ જે સમસ્યાઓ છે, પડકારો છે, તેમને તમારા કરતા વધુ સારી રીતે કોઈ સમજી શકે તેમ નથી. નવીનીકરણની તમારી આ ક્ષમતાને ધ્યાનમાં રાખીને સરકારે “અટલ ઇનોવેશન મિશન” શરૂ કર્યું છે. દેશની શાળાઓમાં, કોલેજોમાં, આવિષ્કારોની ઇકોસીસ્ટમ બનાવવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનાં વૈજ્ઞાનિક અભિગમમાં વૃદ્ધિ કરવા અને તેમની રચનાત્મકતાને યોગ્ય મંચ આપવા માટે સમગ્ર દેશમાં લગભગ લગભગ અઢી હજારથી વધુ અટલ ટીંકરીંગ લેબને મંજુરી આપી દેવામાં આવી છે.

ઉત્પાદન, વાહનવ્યવહાર, ઉર્જા, કૃષિ, જળ અને સેનિટેશન જેવા ક્ષેત્રોમાં નવીન ઉદ્યોગ સાહસિકતાને વધારવા માટે અટલ ઇનક્યુબેશન કેન્દ્રો પણ ખોલવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રો નવા સ્ટાર્ટ અપને આર્થિક મદદ પણ આપશે અને સાચો રસ્તો પણ બતાવશે.

ભાઈઓ અને બહેનો, સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્યક્રમ ભારતમાં સ્ટાર્ટ અપ ક્રાંતિનો આધાર બની રહ્યો છે. સરકારે 10 હજાર કરોડની રકમનું સ્ટાર્ટ અપ ફંડ બનાવ્યું છે. 

નવા સ્ટાર્ટ અપ્સને ક્રેડીટ ગેરંટી આપવામાં આવી રહી છે, ટેક્સમાંથી છૂટ આપવામાં આવી રહી છે. તેઓ પોતાના આવિષ્કારની પેટન્ટ કરાવી શકે, તેના માટે સરકાર તરફથી તેમને કાયદાકીય સહાયતા પણ આપવામાં આવી રહી છે.

હું આ બધી જાણકારી તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે કોલેજ માંથી ભણીને બહાર નીકળ્યા પછી આ બધી જાણકારી જ તમને આગળ વધવામાં મદદ કરશે.

આજે તમે જે સંકલ્પ લેશો, તેને સિદ્ધ કરવામાં આ જ જાણકારી તમને સહાયતા કરશે.

ભણતી વખતે તમને સ્ટાર્ટ અપ શરૂ કરવાથી કોઈ નહિં રોકી શકે, પોતાની કંપની ખોલવામાં કોઈ નહિં રોકી શકે. તે વખતે તમને સરકારની આ પહેલો દ્વારા જ મદદ મળશે.

ભાઈઓ અને બહેનો, દુનિયામાં દરેક વ્યક્તિ સુવિધા મેળવીને જ આગળ વધ્યો છે, એવું જરૂરી નથી. સંઘર્ષમાં પણ લોકો આગળ વધ્યા છે. આજે ઘણી વિદેશી કંપનીઓને ભારતમાંથી ગયેલા યુવાનો ચલાવી રહ્યા છે. તેઓ કંપનીઓનાં અધ્યક્ષ છે, ચેરમેન છે, સીઈઓ છે. આ કંપનીઓમાં તેમના કામને બિરદાવવામાં આવ્યું છે. શું તેઓ સીધા ત્યાં પહોંચ્યા છે? ના. શું રાજનૈતિક વંશવાદવાળી પદ્ધતિમાં તેમને સીધા તે પદો મળ્યા છે? ના. તેમણે મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે, સપના જોયા છે, જોખમ ઉઠાવ્યા છે, દિવસ રાત પરસેવો પાડ્યો છે, ત્યારે જઈને ત્યાં પહોંચ્યા છે.

ભારતનાં યુવાનમાં એ સામર્થ્ય છે કે તે જ્યાં પણ ગયો છે, પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. તમે જોયું છે કે બે દિવસ પહેલા જ આંચલ ઠાકુરે ભારતને સ્કીઈંગમાં અત્યાર સુધીનું પહેલુ આંતરરાષ્ટ્રીય  મેડલ અપાવ્યું છે. કેટલાક દિવસો પહેલા માનુષી છીલ્લરે દેશનું નામ રોશન કર્યું છે.

હું માનું છું કે જે સોશિયલ મીડિયા પર છે, તેઓ જરૂરથી દરરોજ અપડેટ લેતા હશે કે સાગર પરિક્રમા માટે જે 6 દીકરીઓ નીકળી છે, તેઓ આજે ક્યાં પહોંચી છે. આ સંકલ્પથી સિદ્ધિની અલગ અલગ યાત્રાઓ છે જે દરેક માટે પ્રેરણા બની રહી છે.

સાથીઓ, આજે મારો તમને એ પણ આગ્રહ છે કે ખેલકૂદને તમારી જિંદગીનો ભાગ બનાવો.

અત્યારે મંચ ઉપર રાજ્યવર્ધનજી છે, હું માનું છું કે તેઓ મંત્રી પછીથી છે પરંતુ પહેલા ઓલંપીયન છે, શાનદાર નિશાનેબાજ છે.

આમ તો આપણા તેજસ્વી યુવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગીજી પણ કંઇ ઓછા રમતવીર નથી, આજકાલ તેમના કામના લીધે કેટલાક રાજ્યોમાં ઘણા બધા લોકોને તેમનાથી ઘણી તકલીફ પહોંચી રહી છે, મેં જોયું કે આપણા યોગીજી આજકાલ ટ્વીટર ટ્વીટરની રમત રમી રહ્યા છે અને ટ્વીટરની રમતમાં પણ તેમણે સારા સારા ખેલાડીઓને હરાવીને મૂકી દીધા છે. વારૂ, હું ખેલકૂદ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરૂ તો રમતગમત, એ શિક્ષણની જ એક પદ્ધતિ છે કે, જે માત્ર શરીરને જ ચુસ્ત તંદુરસ્ત નથી રાખતી પરંતુ મસ્તિષ્કને પણ જાગૃત કરે છે. રમતથી આપણે શિસ્ત શીખીએ છીએ.

રમતનું મેદાન આપણને પરાજયનો અર્થ સમજાવે છે. રમતનું મેદાન આપણને આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે અથાગ પરિશ્રમ કરવાનું શીખવાડે છે. ટીમ ભાવનાનો અર્થ શું છે, એ સૌથી પહેલા આપણને રમતના મેદાનમાં જ જોવા મળે છે. હારીએ કે જીતીએ પરંતુ રમતના મેદાનથી આપણે જે રમતવીરનો મિજાજ શીખીએ છીએ તે સંપૂર્ણ જીવન દરમિયાન કામ આવે છે. એટલા માટે હું કહું છું કે, જેઓ રમ્યા તેઓ ખીલ્યા. તમે લોકો પણ ઘણું રમો અને ઘણું ખીલો.

રમતની સાથે સાથે તમે યોગને પણ તમારી જિંદગીમાં સામેલ કરો. મને જણાવવામાં આવ્યું છે કે યુવા મહોત્સવમાં તમે સૌ દરરોજ યોગ પણ કરવાના છો. આ અભ્યાસને તમારી સાથે લઈને જજો. યોગથી તમે શારીરિક અને માનસિક રૂપે મજબુત બનશો.

મારા સાથીઓ, આગળ વધો, તમારો વિસ્તાર કરો, તમારા વ્યક્તિત્વને વિસ્તૃત બનાવો.

અહિયાં આ યુવા મહોત્સવમાં પણ જુદા જુદા રાજ્યોમાંથી તમારા જે સાથીઓ આવેલા છે, તેમને સારી રીતે મળો, વાતો કરો, તેમને સમજો, તેમની ભાષા સમજો, તેમની ખાણીપીણી સમજો, રહેણીકરણી સમજો.

મારો અનુભવ કહે છે કે આ મહોત્સવમાં તમે જે શીખશો, તમારા જે સંબંધો બનશે, તે જીવનભર તમારી સાથે રહેશે, તમારા કામમાં આવશે. સાથીઓ, એ પણ એક સંકલ્પ છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતને સિદ્ધ કરે છે.

સાથીઓ, આપણા શ્રદ્ધેય શ્રીમાન અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે –

ખભે ખભો જોડીને, એક એક પગલા જોડીને, આપણે આપણી જનયાત્રાને ધ્યેય-સિદ્ધિના શિખર સુધી લઇ જવાની છે. ભવિષ્યનું ભારત આપણા પ્રયત્નો અને પરિશ્રમ ઉપર નિર્ભર છે.”

આવો, આપણે સૌ મળીને, દેશના નવયુવાનો મળીને, દેશના સવા સો કરોડ લોકો મળીને પરિશ્રમની પરાકાષ્ઠા સુધી પહોંચીએ, આપણી ઉર્જા રાષ્ટ્ર નિર્માણમાં લગાવીએ, ન્યુ ઇન્ડિયા બનાવીએ.

એક વાર ફરી આપ સૌને યુવા દિવસ અને યુવા મહોત્સવની શુભકામનાઓ સાથે સ્વામી વિવેકાનંદનું ફરી સ્મરણ કરીને, તેમણે જે માર્ગ દેખાડ્યો છે, સામાજિક સમરસતાનો માર્ગ ચીંધ્યો છે, ઊંચ નીચના તફાવતથી મુક્તિનો માર્ગ બતાવ્યો છે, રાષ્ટ્ર માટે જીવવા મરવાનો માર્ગ બતાવ્યો છે એવા મહાન પુરૂષના જન્મદિવસ ઉપર યુવા પ્રેરણા, યુવા સામર્થ્ય, યુવા સંકલ્પની સાથે તમે આગળ વધો એવી જ શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ખુબ ખુબ આભાર!!

જય હિન્દ!!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024

Media Coverage

Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India